- કવર સ્ટોરી – હેતલ રાવ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે બૂમો પાડે છે તો વળી ચોમાસંુ શરૃ થતાં જ વરસાદની મજા માણે છે, પણ વરસાદના પાણીનો સંગ્રહ કરી ઉનાળામાં પાણીના સંકટમાંથી બચવાનું ઘણા ઓછા લોકો વિચારે છે. જોકે બધામાં આગળ કહેવાતા અમદાવાદીઓ તો આ દિશામાં ક્યારનાય આગળ વધ્યા છે. માટે જ વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે.
દિવસે ને દિવસે મોટાં મોટાં મકાનો, કારખાનાઓ, રસ્તાઓ વગરેનું બાંધકામ વધી રહ્યું છે. જેની સીધી અસર જમીન પર જોવા મળે છે. જમીનના પડ સખત બની રહ્યા છે અને પાણી શોષાતું નથી. જેના કારણે ભૂગર્ભમાં પાણીનો જે પ્રમાણે સંગ્રહ થવો જોઈએ તે થતો નથી. વરસાદનું પાણી પણ જમીનમાં ઊતર્યા વિના નદી, નાળા દ્વારા સમુદ્રમાં વહી જાય છે, પરંતુ જો આ પાણીને એકત્ર કરવામાં આવે તો પાણીના સંકટને નિવારી શકાય છે. છત, ધાબા, ખુલ્લા મેદાનમાં કે સોસાયટીના કમ્પાઉન્ડમાં ભરાઈ જતાં પાણીનો સંગ્રહ કરવાથી આવનારા દિવસોમાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે અને આવી જ સિસ્ટમને અમદાવાદમાં રહેતા અનેક લોકો અપનાવી રહ્યા છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ તે પાણી વાપરે છે.
અમદાવાદની પોળોની વાત કરીએ તો ત્યાં તો દાયકાઓથી વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેના ટાંકા છે. જોકે સમયની સાથે બદલાવ આવતા ગયા અને રિનોવેશનના નામે પાણીના ટાંકાને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા. છતાં આજે પણ પોળોમાં એવા ઘર છે જે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલી મોટા સુથારની પોળમાં બસો વર્ષ જૂનો પાણીનો ટાંકો છે જે હાલમાં પણ ચાલુ સ્થિતિમાં છે. એટલે કે આ ટાંકામાં આજે પણ વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. ખાડિયામાં જઈને કોઈને પણ પૂછો કે જગદીપ મહેતાનું ઘર ક્યાં છે તો કોઈ પણ વ્યક્તિ બતાવશે. સાથે એમ પણ કહે છે કે વરસાદી પાણીનો સંગ્રહ થાય છે તે જ ઘરની વાત કરો છો ને.. કારણ કે દાયકાઓથી પાણી સંગ્રહ કરવાની તેમની પદ્ધતિ હવે લોકો અપનાવી રહ્યા છે. આ વિશે વાત કરતાં જગદીપભાઈ મહેતા કહે છે, ‘આ અમારા વડીલોએ આપેલી પૂંજી જ કહી શકાય જેને અમે સાચવી રહ્યા છીએ. મહત્ત્વની વાત એ છે કે આ પાણી લાંબો સમય સુધી બગડતું નથી. જ્યારે પાણીની અછત વર્તાય ત્યારે આ ભૂગર્ભ ટાંકાનું પાણી આશીર્વાદરૃપ સાબિત થાય છે. અમારા ટાંકામાં સત્તર હજાર લિટર પાણીનો સંગ્રહ થયેલો છે. મઘા અને આદ્રા નક્ષત્રમાં પડતા વરસાદનું પાણી અમે ટાંકામાં ઉતારીએ છીએ, કારણ કે ત્યારે પાણી બેક્ટેરિયા મુક્ત હોય છે. હવે તો ધીમે ધીમે વરસાદી પાણીનો સંગ્રહ પદ્ધતિને લોકો અપનાવી રહ્યા છે. સાથે જ પાણી બચાવો અભિયાનમાં પણ લોકો જોડાતા થયા છે.
જોકે વરસાદી પાણીને જે ટાંકામાં ઉતારવામાં આવે છે તેની રચના જુદી હોય છે. જેમાં વર્ષો વરસ સુધી પાણી શુદ્ધ રહે છે. ટાંકા ઉપરથી ગોળ હોય છે અને નીચે જતા રૃમ જેટલા મોટા બની જાય છે. જે રૃમ બનેલો હોય છે તે ચૂનો, ગૂગળ અને મગના મિશ્રણ સાથે બનેલો હોય છે. મગની ચીકાશ રહે છે, ગૂગળના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન નથી થતા અને ચૂનાના કારણે લીલ નથી થતી. પાણી ટાંકામાં ઉતારતા સમયે આ વાતોનું અમે ધ્યાન રાખીએ છીએ. આ પાણી રસોઈમાં, પીવામાં, તાંબા-પિત્તળનાં વાસણો માંજવામાં અને ભગવાનની પૂજા-અર્ચનામાં વપરાય છે. આ ઉપરાંત પણ આ પાણી ડાયાબિટીસ અને કૅન્સર જેવા રોગની સારવાર માટે પણ ઉપયોગમાં લેવાય છે. અમારા ત્યાંથી એક ભાઈ નિયમિત રીતે પાણી લઈ જાય છે અને તેની દવા બનાવી જરૃરિયાતમંદ લોકોને નિઃશુલ્ક આપે છે. વરસાદનું પાણી શુદ્ધ પાણી હોય છે જેની ટીએસ વેલ્યુ ૭ હોય છે જે પીવા માટે બેસ્ટ છે. કુદરતનું આપેલું આ મિનરલ વૉટર જ છે. હાલમાં જે લોકોએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની મુહીમ શરૃ કરી છે તે એક ઉમદા કામ છે. આપણે બચાવેલંુ પાણી આપણા અને આપણા લોકો માટે ઉપયોગમાં લઈ શકાશે. માટે દરેક ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ અપનાવી જોઈએ.’
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી બીમા નગર કો.ઓ. સોસાયટીમાં તો વર્ષો પહેલાં આ સિસ્ટમ શરૃ કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં સોસાયટીના રહેવાસી નફીસા બારોટ કહે છે, ‘પહેલાં અમારી સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હતી. તો વળી પાણી માટે બોરનું લેવલ વધુ ને વધુ ઊંડું કરવું પડતંુ હતું. જ્યારે પાણીની ક્વૉલિટીમાં ૧૩ કે ૧૪ ટીડીએસ જેટલી ખારાશ હતી, પરંતુ હવે આખી સોસાયટીનું પાણી રીચાર્જ કરીએ છીએ જ્યાં પાણીને ઉતારવામાં આવે છે તે કૂવાની ઊંડાઈ ૩૦ ફૂટ અને ડાઇમીટર ૨૫ ફૂટની છે. વરસાદનું પાણી ફિલ્ટર થઈને તેની અંદર જાય છે. હવે અમારા ત્યાં પાણીનું લેવલ નીચે નથી જતું, બોરવેલ પણ બરોબર છે, પાણીની ક્વૉલિટી પણ સારી બની છે. સાથે જ ઇલેક્ટ્રિકસિટીનું બીલ પણ ઓછું થયું છે. અમે માનીએ છીએ કે આવનારા સમયમાં જળ સંકટનું નિરાકરણ લાવવું હોય તો અત્યારથી જ પાણીનો સંગ્રહ કરવાની આદત પાડવી પડશે.’
જ્યારે કમલેશ પટેલ કહે છે, ‘વરસાદી પાણીનો સંગ્રહ કરવો સરળ છે. એકવાર ખર્ચ કરીને પ્લાન્ટ લગાવ્યા પછી તમે દાયકાઓ સુધી કુદરતી શુદ્ધ પાણીનો ઉપયોગ કરી શકો છો. પાણી સંગ્રહ માટે એક ટાંકી હોવી જરૃરી છે. મોટાં-મોટાં શહેરોમાં જગ્યાની અગવડ હોય તે સ્વભાવિક છે, પરંતુ ત્યાં રૃફ ટોપ રેઇન જેમાં વહી જતાં પાણીના આઉટલેટની જગ્યાએ મૂકેલા પાઇપને સીધી ટાંકામાં ઉતારાય છે. ત્યાર બાદ તેમાંથી પાણી માટે ઘરના રસોડામાં અથવા તો જ્યાં આઉટલેટ આપવા ઇચ્છતા હોવ ત્યાં આપી શકો છો. સામાન્ય રીતે દસ હજાર લિટરની પાણીની ટાંકી બનાવવા અંદાજે ૨૫ હજાર જેટલો ખર્ચ થાય છે. જોકે જમા થયેલા પાણી દ્વારા પાંચથી છ વ્યક્તિઓના કુટુંબની રસોઈ અને પીવાના પાણીની એક વર્ષની જરૃરિયાત પૂર્ણ થાય છે.’
શહેરની અનેક સોસાયટીઓ આ સિસ્ટમને અપનાવી રહ્યા છે. બોડકદેવ વિસ્તારમાં આવેલા જજીસ બંગલામાં પણ આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અનિરુદ્ધ શાહ કહે છે કે, ‘જમીનની નીચે પાણીનું સ્તર ઘણુ નીચે ઊતરી ગયું છે, માટે અમારો બોર પણ ફેલ થઈ ગયો હતો, પરંતુ રેઇન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના કારણે અમારો ફેલ થયેલો બોર પણ રીચાર્જ થયો અને અમે પણ સારું એવું પાણી એકત્ર કરી શકીએ છીએ. સારો વરસાદ પડે તો દોઢ લાખ લિટર પાણી રીચાર્જ થઈ શકે છે.
પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલા ચિનાર બંગલોમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. પ્રતીક્ષા પરીખ કહે છે, ‘પહેલો વરસાદ આવે એટલે અમે ધાબું સાફ કરીને બીજા વરસાદથી પાણીને ફિલ્ટર કરી સીધું ટાંકામાં ઉતારીએ છીએ. જ્યારે પાલડી વિસ્તારમાં નવા બનેલા ચૈત્ય ફ્લેટમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. ધાબા પર પડતંુ વરસાદી પાણી પાઇપલાઇન દ્વારા કુદરતી રીતે ફિલ્ટર થઈને ટાંકામાં સંગ્રહ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટાંકો ૧૦ ફૂટ ઊંડો, ૩૫ ફૂટ લાંબો અને ૮.૫ ફૂટ પહોળો બનાવવામાં આવ્યો છે, જેમાં ૧.૫ લાખ લિટર પાણી સંગ્રહ કરી શકાય છે. બેથી અઢી વર્ષ જેટલું ચાલે તેટલંુ પાણી અહીં સંગ્રહ કરવામાં આવે છે. વરસાદી પાણીના સંગ્રહ સાથે વધારાનું પાણી ફરી જમીનમાં ઊતરે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.’
અમદાવાદીઓ હવે પાણીના સંગ્રહને લઈને ગંભીર બન્યા છે. જેના કારણે કોઈ સોસાયટીઓ સાથે મળીને તો કોઈ અલાયદા પોતાની રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. જો દરેક નાગરિક પોતાના ફ્લેટ, બંગ્લોઝ કે રો-હાઉસમાં આ રીતે જમીનમાં અથવા તો અગાશી પર પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા કરે તો પીવાના પાણીની અછતને દૂર કરી શકાય છે.
——————-.
રેઇન વોટર હાર્વેસ્ટિંગના લાભ
વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ અનેક રીતે ફાયદાકારક છે. પ્રથમ તો વરસાદનુંં પાણી બિલકુલ ચોખ્ખું હોય છે, માટે કુદરતી શુદ્ધ પાણી પીવા માટે મળી રહે છે. મહત્ત્વની વાત એ છે કે આ પાણીમાં કોઈ પણ જાતના જીવાણુ કે વિષાણુ હોતા નથી. એટલંુ જ નહીં, આખા વર્ષ દરમિયાન પાણી શુદ્ધ રહે છે અને તેને શુદ્ધ રાખવા માટે ક્લોરિનેશન કરવું પડતું નથી. પીએચ લેવલ પણ નોર્મલ હોય છે. જોકે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ માટે એક વાતનું ધ્યાન રાખવાની જરૃર છે. જે ટાંકામાં વરસાદનું પાણી જમા થતું હોય એમાં સૂર્યપ્રકાશના કિરણ પ્રવેશે નહીં તે રીતે તેને સીલ કરવું જરૃરી છે.
————————————-.