મંત્રીનો લોચો અને પરમવીર ચક્ર

આ સંદેશો દિલ્હી પહોંચ્યો તો તેની ભાષા બદલાઈ ગઈ હતી,
  • સ્મરણ – હિંમત કાતરિયા

કારગિલ યુદ્ધમાં ૪ જુલાઈએ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસે ટાઇગર હિલ પર કબજો કરવાની જાહેરાત કરી ત્યાં સુધી ભારતીય સૈનિકોનો તેની ઉપર સંપૂર્ણ કબજો નહોતો. ટાઇગર હિલની ટોચ હજુ પાકિસ્તાનના કબજામાં હતી. અહીં સંરક્ષણ મંત્રીએ લોચો માર્યો હતો. ટાઇગર હિલ કબજે કરવા ગયેલી ટુકડીએ ૫૦ મીટર નીચેથી બ્રિગેડ મુખ્યાલયે સંદેશો મોકલ્યો કે, ધે આર શોર્ટ ઓફ ધ ટૉપ. શ્રીનગરથી ઉધમપુર થઈને આ સંદેશો દિલ્હી પહોંચ્યો તો તેની ભાષા બદલાઈ ગઈ હતી, ધે આર ઓન ધ ટાઇગર ટૉપ. જનસભાને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રીએ આગળપાછળ જોયા વગર જાહેર કરી દીધું કે ટાઇગર હિલ હવે આપણા કબજામાં આવી ગઈ છે. આ તરફ ટાઇગર હિલના શિખરે જગ્યા એટલી સાંકડી હતી કે થોડાક જવાનો જ રહી શકતા હતા. પાકિસ્તાની આર્મીએ અચાનક ઢોળાવ ઉપર આવીને ભારતીય જવાનો પર હુમલો કરી દીધો. જેમાં શિખરે પહોંચી ગયેલા સાત ભારતીય જવાનો શહીદ થયા. ત્યારે એવું નક્કી થયું કે આસપાસની ટેકરીઓ પર કબજો ન થઈ જાય ત્યાં સુધી ટાઇગર હિલ પર બીજો હુમલો નહીં કરવો. એકબાજુથી તોપોથી અને બીજી તરફ મિરાજ ૨૦૦૦ વિમાનોમાંથી લેઝર ગાઇડેડ બોમ્બમારો કરીને પાકિસ્તાની બંકરોને ઉડાડી દેવાયા. આ પહેલાં દુનિયામાં ક્યાંય આટલી ઊંચાઈ પર આ પ્રકારનાં હથિયારોનો ઉપયોગ થયો નહોતો.

રાત્રે આઠ વાગ્યે સૈનિકોએ બેઝકેમ્પ છોડ્યો અને એકધારા ચાલતા છેક સવારે ૧૧ વાગ્યે ટાઇગર હિલના શિખર નજીક પહોંચ્યા. એક સમયે તો એવું લાગ્યું કે પાકિસ્તાનીઓના ફાયરિંગથી બચવું અસંભવ છે. ભારતીય જવાનોએ પીછેહઠ કરી. પાછળથી પાકિસ્તાનીઓએ ભારતીય સૈનિકો ઉપર પથ્થર ગબડાવ્યા. ૫ જુલાઈએ ૧૮ ગ્રેનેડિયર્સ સાથે ૨૫ સૈનિકો ફરી આગળ વધ્યા. ફરી ગોળીબારી થઈ. પોણો કલાક એકધારી ગોળીઓ ચાલી. સૈનિકો મરાયા. હવે ૧૮માંથી માત્ર ૭ ભારતીય સૈનિકો બચ્યા હતા અને દરેક પાસે માત્ર ૪૫ રાઉન્ડ ગોળીઓ બચી હતી. સૈનિકોએ ક્રીમ કલરના પઠાણી શૂટ પહેરેલા દુશ્મનોને નજીક આવવા દીધા. જેવા નજીક આવ્યા એવા ભારતીય સૈનિકોએ ફાયરિંગ શરૃ કર્યું. એમાં એક હતા બુલંદશહરના ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ. યોગન્દ્રસિંહના કહેવા પ્રમાણે, ૮ દુશ્મનોને ઢગલો કરી દીધા. તેમાંથી બે ભાગી ગયા અને તેમણે ઉપર જઈને પોતાના સાથીદારોને કહી દીધું કે નીચે અમે માત્ર સાત છીએ.

થોડા સમય પછી ૩૫ પાકિસ્તાની જવાનોએ હુમલો કર્યો અને ચારેબાજુથી ઘેરી લીધા. યોગેન્દ્રના બધા સાથી શહીદ થયા. યોગેન્દ્ર મરવાનું નાટક કરીને પડ્યા. તેઓ લાશો ઉપર પણ ગોળીઓ ચલાવતા હતા. પાકિસ્તાની સૈનિકોએ બધા હથિયારો લઈ લીધા, પરંતુ યોગેન્દ્રના ખિસ્સામાં ગ્રેનેડ રહી ગયો. યોગેન્દ્રએ ગ્રેનેડની પિન કાઢીને આગળ આવી રહેલા પાકિસ્તાની સૈનિકો ઉપર ફેંક્યો. ગ્રેનેડ પાકિસ્તાની સૈનિકના હેલ્મેટ પર વાગ્યો અને તેના ચીંથરેચીંથરા ઊડી ગયા. યોગન્દ્રએ પાકિસ્તાની સૈનિકની લાશ પાસે પડેલી પીકા રાઇફલ ઉપાડી લીધી અને પાંચને યમસદન પહોંચાડી દીધા. એવામાં યોગેન્દ્રએ સાંભળ્યંુ કે પાકિસ્તાની વાયરલેસ પર કોઈ કહી રહ્યંુ હતું કે અહીં પાછા હટો અને ૫૦૦ મીટર નીચે ભારતના એમએમજી બેઝ પર હુમલો કરો.

દરમિયાન યોગેન્દ્રના શરીરમાંથી ઘણુ લોહી વહી ચૂક્યું હતું અને તેને હોશમાં રહેવામાં પણ તકલીફ પડતી હતી. બાજુમાં એક ઝરણુ વહેતું હતું. યોગેન્દ્ર એ ઝરણામાં કૂદી પડ્યા. પાંચ મિનિટમાં તે તરતા ૪૦૦ મીટર નીચે આવી ગયા. ત્યાં ભારતીય સૈનિકોએ તેમને બહાર કાઢ્યા. યોગેન્દ્રએ સંદેશ આપ્યો કે ટાઇગર હિલ ખાલી થઈ ગઈ છે અને હવે પાકિસ્તાની આર્મી એમએમજી બેઝ પર હુમલો કરવા આવી રહ્યું છે. ત્યાર બાદ યોગેન્દ્રસિંહ યાદવ બેહોશ થઈ ગયા. થોડા સમય પછી પાકિસ્તાની સૈનિકોએ બેઝ પર ભારતીય સૈનિકો પર હુમલો કર્યો તો તેમને વધાવવા પહેલેથી તૈયાર ભારતીય સેનાએ સર્વનાશ કરી દીધો. યોગેન્દ્રસિંહ યાદવની અસાધારણ વીરતા બદલ ભારતનું સર્વોચ્ચ વીરતા સન્માન પરમવીર ચક્ર આપવામાં આવ્યું.
—————————

પરમવીર ચક્રહિંમત કાતરિયા
Comments (0)
Add Comment