વરસાદી પાણીનો સંગ્રહ સુખપરના લોકોની તરસ છીપાવે છે

કચ્છ વરસાદી તંગીવાળો પ્રદેશ છે.
  • કવર સ્ટોરી – સુચિતા બોઘાણી કનર

કચ્છ વરસાદી તંગીવાળો પ્રદેશ છે. અહીં પાંચ વર્ષ પૈકી ૨-૩ વર્ષ તો દુકાળના હોય જ છે. આવી સ્થિતિમાં ઘરવપરાશના પાણી માટે લોકો નર્મદાના પાણી અને સ્થાનિક સોર્સ જેવા કે બોર પર સંપૂર્ણપણે આધારિત થઈ જાય છે. તેમાં પણ જ્યારથી નર્મદાનું પાણી મળવા લાગ્યું છે, ત્યારથી સ્થાનિક સોર્સની જાળવણીમાં સદંતર બેદરકારી રખાઈ રહી છે. ભૂકંપ પછી ઉદ્યોગો આવતા અને ખેતીનું પ્રમાણ વધતાં ભૂગર્ભ જળ ઉલેચવાનું પ્રમાણ વધ્યું છે. તેના કારણે આજે કચ્છમાં ભૂગર્ભ જળ ખૂબ ઊંડા ઊતર્યા છે અને તેની ગુણવત્તા પણ ખૂબ ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં પટેલ ચોવીસી તરીકે ઓળખાતા ગામોના લોકોએ પાણી માટે સ્વાવલંબી થવા માટે તદ્દન અલગ રસ્તો અપનાવ્યો છે. સૂર્યપ્રકાશ અને હવાનો સ્પર્શ ન થાય તેવી રીતે વરસાદી પાણી (પાલર પાણી)નો સંગ્રહ કરાય છે. આ પાણી ખાસ તો પીવા અને રસોઈ માટે વાપરવામાં આવે છે. વર્ષો વર્ષ આ પાણી બગડતું ન હોવાથી ઉપરાઉપરી દુષ્કાળ પડે તો પણ પીવાના પાણી માટે ચિંતા કરવાની આ લોકોને જરૃર પડતી નથી.

સુખપર, કોડકી, મિરઝાપર, સામત્રા, નારાણપર વગેરે ગામોમાં લોકો પોતાના ઘરમાં, આંગણામાં કે છત પર વરસાદી પાણી સંગ્રહ કરવા માટેના ટાંકા બનાવે છે. હવે મોટા ભાગે આર.સી.સી.ના ભૂગર્ભ ટાંકાઓ બનાવાઈ રહ્યા છે. જેની સંગ્રહક્ષમતા ૧૫ હજારથી એકાદ લાખ લિટરની હોય છે. આ દિશામાં સૌથી વધુ સારું કામ સુખપર ગામે થઈ રહ્યું છે. અહીં છેલ્લાં ૭૦થી વધુ વર્ષોથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને પીવામાં કે રાંધવામાં વપરાઈ રહ્યું છે. નવા થનારા બાંધકામમાં તો ખાસ ટાંકો ભૂગર્ભમાં બનાવાય જ છે. જૂના બાંધકામમાં સુધારા વધારા કરીને પણ વરસાદી પાણી સંગ્રહવાની સગવડ કરવામાં આવે છે. ૨૨ હજારથી વધુ વસતીના ભુજના પરા સમાન સમૃદ્ધ એવા આ ગામમાં ૭૦ ટકાથી વધુ ઘરો વરસાદી પાણી જ આખું વરસ પીએ છે. જો દુષ્કાળના વરસો આવે અને વરસાદ ન પડે તો ત્રણ- ચાર વર્ષ પહેલાં સંગ્રહાયેલું વરસાદી પાણી પણ ઉપયોગમાં આવે છે. આ ગામના ઘર ઉપરાંત શાળાઓ, સમાજવાડીઓ, મંદિરો અને લાઇબ્રેરીઓમાં પણ વરસાદી પાણી સંગ્રહવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ બાબત વાત કરતાં સુખપર ગામના પટેલ અગ્રણી રામજીભાઈ વેલાણી જણાવે છે, ‘અંદાજે ૭૦-૮૦ વર્ષ પહેલાં કચ્છમાં પાણીની આટલી તંગી ન હતી. ઉદ્યોગો ન હતા, વસતી ઓછી હતી, ખેતી પણ પ્રમાણમાં ઓછી હતી. તેના કારણે પીવાના પાણી માટે મુશ્કેલી ઓછી હતી. દુકાળમાં પણ તળાવોમાં પીવાલાયક પાણી રહેતું, ભૂગર્ભ જળની ગુણવત્તા પ્રમાણમાં સારી હતી, પરંતુ ભૂંકપ પછી પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું છે. અમારા વડીલોએ કદાચ આ પરિસ્થિતિનું નિર્માણ થશે તેવું સિત્તેર વર્ષ પહેલા જ જાણ્યું હશે, તેમણે પીવાના પાણી માટે સ્વાવલંબી થવાનો માર્ગ અખત્યાર કર્યો. પહેલા મકાનની છત ઉપર કે આંગણામાં કે ઘરની અંદર પાણીના ટાંકા બનાવાતા. તેમાં અગાસી કે નળિયા પર પડનારું વરસાદી પાણી એકઠું કરાતું. એક છત પરથી એકઠું થનારું પાણી એક કુટુંબ માટે પૂરતું થઈ રહેતું. આજે અમે આંગણામાં ભૂગર્ભમાં મોટા- મોટા ટાંકા બનાવવાનું શરૃ કર્યું છે. તેમાં સંગ્રહાયેલું પાણી વર્ષો વર્ષ બગડતું નથી. અમે આજે ચાર વર્ષ પહેલાનું પાણી પીએ છીએ. જે કોઈ પણ આર.ઓ.ના પાણી કરતાં વધુ શુદ્ધ અને વધુ આરોગ્યપ્રદ છે.’

વરસાદી પાણીના સંગ્રહ માટે બનતાં ટાંકા વિશે તેઓ કહે છે, ‘આ ટાંકા પથ્થર (બાંધકામમાં વપરાતા બેલા)ના અથવા આર.સી.સી.ના, લોખંડના સળિયાવાળા હોય છે. કચ્છમાં હજુ પણ અનેક નાના-નાના આંચકા આવતા હોવાથી પથ્થરના ટાંકાઓમાં તિરાડો પડી જવાની અને પાણી લીક થઈને નીકળી જવાની ભીતિ રહે છે. આવી ભીતિ આર.સી.સી.ના ટાંકાઓમાં રહેતી નથી. સિમેન્ટના સળિયા વડે બનેલો આ ટાંકો સિમેન્ટ- કોંક્રિટના એક બોક્સ જેવો જ હોય છે. થોડું વધુ મોંઘું પડતું હોવા છતાં લોકો આર.સી.સી.ના ટાંકા બનાવવાનું પસંદ કરવા લાગ્યા છે. ૨૦ હજાર લિટરનો એક પથ્થરનો ટાંકો બનાવવા માટે અંદાજે ૪૦ હજારનો અને આટલો જ ટાંકો આર.સી.સી.નો બનાવવાનો ખર્ચ ૬૦ હજારની આસપાસ થાય છે.’

એક વ્યક્તિને રોજનું અંદાજે સાત લિટર પાણી પીવા, રસોઈ માટે જોઈએ. જો પાંચ વ્યક્તિનો પરિવાર હોય તો રોજનું ૩૫ લિટર પાણી જોઈએ અને તે હિસાબે એક વર્ષનું અંદાજે ૧૩ હજાર લિટર પાણી જોઈએ. તેથી જ લોકો ૧૫થી ૨૦ હજાર લિટરની ક્ષમતા વાળો ટાંકો બનાવે છે. એક ઘનફૂટ જગ્યામાં ૨૭ લિટર પાણી સમાઈ શકે છે. આથી ૨૦ હજાર લિટર પાણીનો સંગ્રહ કરવા માટે અંદાજે ૭૫૦ ઘનફૂટનો ટાંકો જોઈએ. જો વધુ મોટી જગ્યા હોય તો મોટા ટાંકા બનાવવાનું લોકો પસંદ કરે છે. કરકસર કરીને માત્ર પીવા અને રસોઈ માટે જ આ પાણી વાપરીને બીજા વર્ષે વરસાદ પડે ત્યાં સુધી તે ચલાવે છે.

કચ્છમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. ક્યારેક તો આખી સિઝન દરમિયાન માત્ર એકાદ વખતમાં એકાદ- બે ઇંચ પાણી વરસે. આવી સ્થિતિમાં ટાંકો કઈ રીતે ભરાઈ શકે? જો અગાસી કે છત એક હજાર ફૂટની હોય તો આખી સિઝનમાં પણ જો માત્ર દોઢ-બે ઇંચ વરસાદ પડે તો પણ ૨૦ હજાર લિટરનો ટાંકો ભરાઈ શકે. પાંચેક મિનિટના એકાદ સામાન્ય ઝાપટાંથી પણ એક-બે ફૂટ પાણી આવી જાય. આ પાણી ટાંકામાં ઉતારવા માટે અગાસીમાં એક જ દિશામાં ઢાળ અપાયેલો હોય છે. તેમાં બેથી અઢી ઇંચનો પાઇપ સીધો ફિલ્ટરમાં લગાવાયેલો હોય છે. વરસાદની સિઝન પહેલાં અગાસી સાફ કરવી પડે, ત્યાર પછી પણ ધૂળ કે કચરો ટાંકામાં ન પહોંચે તે માટે ટાંકામાં પાણી પહોંચે તે પહેલાં એક ફિલ્ટરની વ્યવસ્થા કરાઈ હોય છે. જેમાં કાંકરી, રેતી અને ફોમનું શીટ (સ્પંજ) મૂકાયેલું હોય છે. આ ફિલ્ટરમાં થઈને પાણી ચોખ્ખું થઈને ટાંકામાં પહોંચે છે. ફિલ્ટર અને ટાંકાનું ઢાંકણું ઍર ટાઇટ હોય છે. જેથી તેમાં હવા કે સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી અને પાણી બગડતું નથી. આ પાણી કાઢવા માટે તેમાં મોટર ફિટ કરાયેલી હોય છે અથવા હેન્ડપમ્પ (ડંકી) લગાવેલો હોય છે. મોટરથી પાણી ઉપર અગાસીમાં ગોઠવાયેલી ટાંકીમાં પાણી પહોંચે છે અને ત્યાંથી તે રસોડામાં જાય છે. પીવાના પાણીનો અલગ જ નળ હોય છે.

આવી જ વાત કરતાં માધાપરના અગ્રણી ગોવિંદભાઈ ખોખાણી કહે છે, ‘અત્યારે વરસાદી પાણીનો સંગ્રહ એ જરૃરિયાત બની ગઈ છે. માધાપર ગામના તમામ નવા બાંધકામોમાં આવા ટાંકા બનાવાય છે. આ ગામનાં કુલ મકાનોના દસ ટકા મકાનમાં વસનારા લોકો વરસાદી પાણી પીએ છે. પીવાના પાણી માટેનું સ્વાવલંબન કચ્છના લોકો માટે જરૃરી છે. એક વખત કરેલા ખર્ચા પછી આર.ઓ. મશીન, તેના મૅન્ટેનન્સનો કે વીજળીનો ખર્ચ ઘટી જાય છે.’

કચ્છમાં પીવા માટે અને ધીરે-ધીરે સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગ્યું છે. તેના કારણે નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતોએ સ્થાનિક જળસ્ત્રોતો તરફ દુર્લક્ષ્ય સેવ્યું છે. આથી જ દુકાળના સમયમાં અને પાણીની તંગીના સમયમાં જો લોકો પીવાના પાણી બાબતે સ્વનિર્ભર હોય તો તેમની મુશ્કેલી ખૂબ હળવી બની શકે છે.

વરસાદી પાણી પીવાથી થતાં ફાયદા
વરસાદી પાણી શરીર માટે ખૂબ જ સારું હોવાનો તબીબી અભિપ્રાય છે. આ પાણીમાં કુદરતી રીતે જ તમામ પ્રકારના મિનરલ્સ હોય છે. જેના કારણે હાડકાંના, ઘૂંટણના રોગ, પથરી, પેટના રોગ થતાં નથી. તેનાથી ઉલ્ટું આર.ઓ. મશીનનું પાણી આરોગ્ય માટે ખૂબ જ ખરાબ હોવાનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ છે. પાણીમાંથી મિનરલ્સ અને મેગ્નેશિયમ ઘટી જતાં હોવાના કારણે આરોગ્ય પર માઠી અસર પડે છે. આ ઉપરાંત આર.ઓ. મશીનમાં પાણી શુદ્ધ કરતી વખતે ખૂબ પાણીનો વેડફાટ થાય છે. તેનો બચાવ થઈ શકે. સુખપર ગામમાં લોકો વરસાદી પાણી પીવા લાગ્યા પછી અનેકોએ આર.ઓ. મશીન કાઢી નાખ્યા છે.

ટાંકાનું બાંધકામ ભૂકંપ પ્રતિરોધક
કચ્છ ભૂકંપના ઝોન પાંચમાં આવતો વિસ્તાર છે. મોટા ભૂકંપોની સાથે સાથે નાના નાના આંચકા તો કાયમ આવ્યા જ કરતા હોય છે. આવી સ્થિતિમાં ઊંડે સુધી ખોદાયેલા ટાંકા, મકાનને, તેના પાયાને કે ટાંકા ઉપરના ગેરેજ કે ઓરડાને નુકસાન પહોંચાડી શકે ખરા? તેવા પ્રશ્નના જવાબમાં રામજીભાઈ જણાવે છે કે, ‘ભૂગર્ભ ટાંકો એક અલગ જ બોક્સ જેવું બાંધકામ હોય છે. તેમાં લોખંડના સળિયા (સ્ટીલના બાર્સ) વાપર્યા હોવાના કારણે ભૂકંપના આંચકાની અસર થતી નથી. આર.સી.સી.ના ટાંકામાં સામાન્ય રીતે તિરાડો પણ પડતી નથી. આથી જ લોકો કોઈ પણ જાતની બીક વગર આવા ટાંકા બનાવીને પાણીનો સંગ્રહ કરે છે.’

કચ્છની જમીનમાં ઘરોઘર વૉટર રિચાર્જિંગ થઈ શકે તેમ નથી
સૌરાષ્ટ્રમાં ભૂગર્ભ જળનું સ્તર ઉપર લાવવા માટે અનેક ઘરમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવે છે અને તે જગ્યાએ હેન્ડપમ્પ કે ડીપવેલ લગાવીને તે પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. સૌરાષ્ટ્રની જમીન અગ્નિકૃત ખડકોની (હાર્ડ રોકની) બનેલી છે. અહીં ખડકોની તિરાડમાં સંગ્રહાયેલું પાણી ઉપર ખેંચીને વાપરી શકાય છે. જ્યારે કચ્છની જમીન જળકૃત ખડકોની બનેલી છે. તો અમુક વિસ્તારની જમીન ચીકણી માટીના થરની બનેલી છે. આ જમીનમાંથી પાણી ઉપર ખેંચી શકાતું નથી. આથી અહીં ઘેરેઘેર વૉટર રિચાર્જિંગ થતું નથી, પરંતુ હવે ધીરે-ધીરે ખેતરોમાં રિચાર્જિંગ કરવાનું ચાલુ થયું હોવાનું એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટૅક્નોલોજીસ (એસીટી)ના ડાયરેક્ટર ડૉ. યોગેશ જાડેજાએ જણાવ્યું હતું.
—————————-

કવર સ્ટોરીવરસાદી પાણીનો સંગ્રહસુચિતા બોઘાણી કનર
Comments (0)
Add Comment