રેઇન વૉટર હાર્વેસ્ટિંગ માટે ઉદાહરણ બન્યો સુરતના એક ઍપાર્ટમૅન્ટનો વીડિયો

બંધ બોરિંગનો ઉપયોગ રેઇન વૉટર હાર્વેસ્ટિંગ માટે કરાયો.
  • કવર સ્ટોરી – હરીશ ગુર્જર

દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ચોમાસાની શરૃઆત થતાંની સાથે જ વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ક્યાંક પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે, તો મુંબઈ જેવા શહેરોમાં વરસાદી પાણી ભરાવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયાનું આપણે જોયું છે, પણ બીજી તરફ ચેન્નઈ જેવા મેટ્રો સિટીમાં ચોમાસામાં જ પીવાનું પાણી ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે. આજની આ સ્થિતિનો ઉકેલ છે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને તે કઈ રીતે કરી શકાય તેનો સુરતના એક ઍપાર્ટમૅન્ટનો વીડિયો આખા દેશમાં ફેલાયો અને સામાન્ય માણસથી લઈને બોલિવૂડની સેલિબ્રિટીએ તેને લાઇક અને શેઅર કર્યોં છે, ત્યારે જાણીએ આ વાયરલ વીડિયો બનાવનાર અને રેઇન વૉટર હાર્વેસ્ટિંગ માટે ઉદાહરણરૃપ બનેલી સુરતના પદ્મકૃતિ ઍપાર્ટમૅન્ટની આ કામગીરીની વિગતો.

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા પદ્મકૃતિ ઍપાર્ટમૅન્ટમાંનો રેઇન વૉટર હાર્વેસ્ટિંગની સમજ આપતો ઍપાર્ટમૅન્ટના પ્રમુખ દેવકિશન મંગાનીનો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી એટલો વાયરલ થયો કે લગભગ દરેક સ્માર્ટ ફોન યુઝર સુધી એ પહોંચી ગયો છે. ૨૮ જૂનના રોજ વૉટ્સઍપથી દેવકિશન મંગાનીએ પહેલા વરસાદમાં વીડિયો બનાવ્યો અને સગાસંબંધી અને મિત્રોને મોકલ્યો. ત્યાર બાદ તો ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયાના દરેક માધ્યમમાં લોકોએ સુરતની ઇનોવેટિવ સોસાયટીના વીડિયો તરીકે તેને પોસ્ટ કરવાની શરૃઆત કરી. એક તરફ દેશમાં જમીનમાં પાણીના ઘટતાં જતાં જળસ્તરની ચિંતા થઈ રહી છે ત્યારે બીજી તરફ ૨૦૩૦ સુધીમાં દેશનાં તમામ મોટાં ૨૧ શહેરોમાં પીવાલાયક પાણીની મુશ્કેલી સર્જાવાની ભીતી નીતિ આયોગ દ્વારા ટૂંક સમય પહેલાં જ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સુરતની પદ્મકૃતિ સોસાયટી દ્વારા કરવામાં આવેલા વરસાદી પાણીને ફરીથી જમીનમાં ઉતારવાના પ્રયત્નના વીડિયોએ લોકોને વિચારતા કર્યા છે, તો કેટલાક લોકોએ વીડિયો જોયા બાદ સુરતની મુલાકાત લઈ પોતાના ઍપાર્ટમૅન્ટમાં પણ રેઇન વૉટર હાર્વેસ્ટિંગનું આયોજન શરૃ કરી દીધું છે.

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા પદ્મકૃતિ ઍપાર્ટમૅન્ટના ૪ વિંગમાં કુલ ૪૦ ફ્લેટ આવેલા છે. ૧૫ વર્ષ પહેલાં આ ઍપાર્ટમૅન્ટનું બાંધકામ થયું ત્યારે એક બોરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ તેના પાણીનો ઉપયોગ ક્યારેય પીવાના પાણી તરીકે કરી શકાયો નથી, કારણ કે તેનું પાણી ખારું છે. ઍપાર્ટમૅન્ટે પીવાના પાણી માટે પાલિકાનું નળ જોડાણ લીધું છે અને બોરિંગના પાણીનો ઉપયોગ ઘરવપરાશ માટે કરવામાં આવતો હતો. બે વર્ષ પહેલાં ઍપાર્ટમૅન્ટનું ખારા પાણીનું બોરિંગ પણ સુકાઈ ગયું. ઍપાર્ટમૅન્ટના રહીશોની મિટિંગમાં નવું બોરિંગ કરવાનો અને જૂના બોરિંગને પુરી દેવાનો નિર્ણય લેવાયો. સોસાયટીના પ્રમુખ દેવકિશન મંગાનીએ આ તકનો લાભ લીધો, અને ઍપાર્ટમૅન્ટના સભ્યોને જણાવ્યું કે, તેઓ બંધ બોરિંગનો ઉપયોગ રેઇન વૉટર હાર્વેસ્ટિંગ માટે કરવા માગે છે. શરૃઆતમાં સૌએ અખતરો કરવામાં વધુ ખર્ચ ન કરવાની સલાહ આપીને સાથ-સહકાર આપવાની ખાતરી આપી અને દેવકિશન મંગાનીને પોતાના મનનું કરવાની તક મળી ગઈ. એક તરફ ઍપાર્ટમૅન્ટમાં નવા બોરિંગનું કામ શરૃ થયું અને બીજી તરફ દેવકિશન મંગાનીએ ૪ વિંગ્સમાંથી પોતાની વિંગનું પાણી બંધ પડેલા બોરિંગમાં ઉતારવા માટેની કામગીરી શરૃ કરી. ઍપાર્ટમૅન્ટના સભ્યોને મંગાનીજીનો પ્રયોગ ગમ્યો. આખા ચોમાસા દરમિયાન એક ઍપાર્ટમૅન્ટના ટૅરેસનું વરસાદી પાણી બોરિંગમાં જતું જોઈને આ વર્ષે ઍપાર્ટમૅન્ટના તમામ સભ્યોએ ઘર દીઠ ૧ હજાર રૃપિયા ઉઘરાવી તમામ ચાર વિંગ્સના ટૅરેસને એક બીજા સાથે પાઇપથી જોડી પહેલા વરસાદનું પાણી ૨ કુંડીમાંથી ફિલ્ટર કરી બોરિંગમાં ઉતારવાનું શરૃ કર્યું છે. જેનો વીડિયો સુરતના પહેલા વરસાદ દરમિયાન દેવકિશન મંગાનીએ બનાવ્યો અને દેશ આખામાં તે વાયરલ થયો.

રેઇન વૉટર હાર્વેસ્ટિંગની આ આખી યોજના વિશે જણાવતાં દેવકિશન મંગાની કહે છે, ‘અમારા ઍપાર્ટમૅન્ટની ખારા પાણીનું બોરિંગ જ્યારે સુકાઈ ગયું ત્યારે આંચકો લાગ્યો કે ધરતીના પેટાળમાં ખારું પાણી નથી, તો આવનારા દિવસોમાં શું સ્થિતિ સર્જાશે. ચોમાસા દરમિયાન હું જ્યારે ઘરેથી ઑફિસ જતો ત્યારે વિચારતો કે ભગવાન આપણા પર જે અમૃત વરસાવી રહ્યો છે, તે રસ્તા પર વહી રહ્યું છે, આપણને તેની કદર નથી, આવું નહીં ચાલે. ખારા પાણીના બંધ પડેલા બોરિંગમાં અમે એક ઍપાર્ટમૅન્ટનું પાણી ઉતારવાનું શરૃ કર્યું અને તેની અસર તેનાથી ૧૦ ફૂટ દૂર બનેલા નવા બોરિંગમાં જોવા મળી. પાણીની ખારાશમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો. પરિણામે ઍપાર્ટમૅન્ટના સૌ સભ્યોના સહયોગથી આજે અમારા ૫૦ હજાર સ્ક્વેર ફૂટની ટૅરેસમાં વરસતા વરસાદનું એક પણ ટીપું ગટરમાં જતું નથી.’

ટૅરેસમાંથી આવતું પાણી સીધું બોરિંગમાં ઉતારવામાં આવતું નથી, પણ એ પહેલાં તેને ૨ કુંડીઓમાં ગાળવામાં આવે છે. દેવકિશન મંગાનીનું કહેવું છે કે, ‘અમારે ખારા પાણીના બંધ પડેલા બોરિંગમાં રેઇન વૉટર ઉતારવાનું હોવાથી ૨ કુંડીઓમાં ડબલ નેટથી ગાળીને સીધું બોરિંગમાં જોડાણ આપ્યું છે, પરંતુ જો આજ વાત મીઠા પાણીના ચાલુ બોરિંગ માટે કરવાની હોય તો, તેને ચાર કુંડીવાળા ફિલ્ડરેશન પ્રોસેસમાંથી ગાળીને જ બોરિંગમાં ઉતારવું જોઈએ. જોકે તેનો ખર્ચ પણ એટલો વધુ નથી કે ખર્ચતા વિચાર કરવો પડે.’

દેવકિશન મંગાનીનું માનવું છે કે, ધરતીને માનવજાતે પોતાના ફાયદા માટે નીચોવી નાંખી છે અને હવે જ્યારે વરસાદી પાણીને થોડા ખર્ચે જમીનમાં ઉતારવાની વાત આવે છે ત્યારે સરકારની મદદની રાહ જુએ છે. એક વખત માત્ર ૪૦-૫૦ હજારનો ખર્ચ કરવાથી વરસાદી પાણીનો બગાડ અટકી શકતો હોય અને ધરતીનું ઋણ અદા કર્યાની અનુભૂતિ મળતી હોય તો આ કામ દરેકે કરવું જોઈએ.

વીડિયો વાયરલ થયા બાદ પોંડીચેરીના રાજ્યપાલ કિરણ બેદી, એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને રિલાયન્સ જૂથના પરિમલભાઈ નથવાણીએ આ વીડિયોને ટ્વિટર પર શેઅર કર્યા બાદ દિલ્હી, ગોવા, જયપુર, બેંગ્લુરુ અને હરિયાણા સહિત દેશનાં અનેક નાનાં મોટાં શહેરોમાંથી રેઇન વૉટર હાર્વેસ્ટિંગ પદ્ધતિની વધુ માહિતી મેળવવા ૮૦૦થી વધુ ફોન કૉલ દેવકિશન મંગાની પર આવી ચૂક્યા છે. જે પૈકી દિલ્હીના બિલ્ડર રવિ સચદેવાએ પહેલા પોતાના ઍપાર્ટમૅન્ટમાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કર્યા બાદ, આ ચોમાસા દરમિયાન હરિયાણામાં પોતાની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર પણ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની કામગીરી શરૃ કરી દીધી છે. વીડિયો વાયરલ થયા બાદ ટેક્સ્ટાઇલ બિઝનેસમેનમાંથી અલગ ઓળખ ઊભી કરનાર દેવકિશન મંગાનીને અત્યાર સુધી સુરતના જ ૧૫૦થી વધુ ઍપાર્ટમૅન્ટના પ્રમુખોના આમંત્રણ મળી ચૂક્યા છે. આ તમામ સોસાયટીઓમાં જઈ તેમણે પોતે ઊભી કરેલી વ્યવસ્થાની માહિતી આપી છે. આમ વાયરલ થયેલા વીડિયોએ એક તરફ દેવકિશન મંગાનીના કામને પ્રશંસા અપાવી છે, તો બીજી તરફ સમાજને જાગૃત કરવાનું કામ પણ કર્યું છે.
—————————-

કવરસ્ટોરીવરસાદીપણીનો સંગ્રહસુરતહરિશ ગૂર્જર
Comments (0)
Add Comment