- મુકામ મુંબઈ – લતિકા સુમન
ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મુંબઈમાંથી કોંગ્રેસનો સફાયો કરવાની જાહેરાત કરી છે, પરંતુ કોંગ્રેસ હવે આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તડામાર તૈયારીઓ સાથે ઊતરવા જઈ રહી છે. કોંગ્રેસના નેતાઓએ ગ્રાસરૃટ લેવલ પર કામ કરવાનું શરૃ કરી દીધું છે, જેમાં સૌથી વધુ મહત્ત્વ મુંબઈમાં વસતા ગુજરાતીઓને કોંગ્રેસ તરફ ખેંચવાને અપાઈ રહ્યું છે. જે ગુજરાતીઓ પહેલાં કોંગ્રેસ સાથે હતા તેઓ સ્વ.અટલબિહારી બાજપેયી વડાપ્રધાન બન્યા તે સમયે ભાજપમાં જોડાઈ ગયા. એ સમયે લગભગ પચાસ ટકા ગુજરાતી ભાજપ સાથે જોડાયા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના રાજકીય પ્રવેશ બાદ એંસી ટકા ગુજરાતીઓ ભાજપ સાથે જોડાઈ ગયા. કોંગ્રેસે વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને એક નિર્ણય કર્યો અને મુંબઈમાં વસતા ગુજરાતીઓને પોતાની તરફ ખેંચવા માટે એક સેલ બનાવ્યો – મુંબઈ કોંગ્રેસ ગુજરાતી સેલ. આ સેલના અધ્યક્ષ છે – ઉપેન્દ્ર દોશી. શું આ સેલને કારણે ગુજરાતીઓ કોંગ્રેસ સાથે જોડાઈ શકશે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા ‘અભિયાને‘ ઉપેન્દ્ર દોશી સાથે વિસ્તારપૂર્વક વાતચીત કરી….
તમને ગુજરાતી સેલના અધ્યક્ષ બનાવીને શું કોંગ્રેસ ગુજરાતીઓને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહેશે ખરી?
કેમ નહીં – ઉપેન્દ્રભાઈએ જવાબ આપ્યો. આજદિન સુધી કોંગ્રેસની એ જ નીતિ રહી છે કે દરેક ધર્મ અને જિતના લોકોને સાથે લઈને ચાલવું. આજે મુંબઈમાં લગભગ વીસ લાખ ગુજરાતી મતદાતા છે, પણ કોંગ્રેસે ક્યારેય આ વિશે ધ્યાન નહોતું આપ્યું. મોદી અને શાહની ભાજપાએ જ્યારે ગુજરાતીઓને પોતાની તરફ ખેંચી લીધા ત્યારે કોંગ્રેસને ગુજરાતીઓનું મહત્ત્વ સમજાયું. મેં વર્ષ ૨૦૦૧માં માનનીય સોનિયા ગાંધીને પત્ર દ્વારા મુંબઈમાં વસતા ગુજરાતીઓના મહત્ત્વની વાત જણાવી હતી. મેં તેમને કહ્યું હતું કે મુંબઈમાં વીસ લાખ ગુજરાતી મતદાતા છે અને તેમને સાથે રાખવા માટે ગુજરાતીઓને સત્તામાં ભાગીદારી આપવી પડશે, પણ એ સમયે એ લોકોએ મારી વાતની ગંભીરતાથી નોંધ ન લીધી. હું વર્ષ ૧૯૬૭થી કોંગ્રેસ સાથે જોડાયેલો છું. મેં જોયું છે કે છેલ્લાં કેટલાંય વર્ષોથી ચૂંટણીમાં ગુજરાતી ઉમેદવારોને નથી ઊભા રાખવામાં આવ્યા અને જો કોંગ્રેસે કોઈ ગુજરાતી ઉમેદવાર ઊભો રાખ્યો હોય તો તે એવી બેઠક પરથી ઊભો રાખે જ્યાં ઉમેદવારની હારવાની સંભાવના વધારે હોય. જો ઉમેદવાર જીતે નહીં તો તેને કોઈ પદ નહોતું આપવામાં આવતું. જેના કારણે ગુજરાતીઓમાં કોંગ્રેસ માટે એક પ્રકારની નિરાશા ઘર કરી ગઈ. કોંગ્રેસ હંમેશાં એવા ગુમાનમાં રાચતો રહ્યો કે અન્ય મતદાતાઓના જોરે અમે ચૂંટણીમાં વિજય મેળવી લઈશું અને એવું થતું પણ રહ્યું. અમારી પાર્ટી સત્તામાં આવતી હતી, પરંતુ સ્વ. અટલજીના સત્તામાં આવ્યા બાદ ચિત્ર બદલાઈ ગયું. જે ગુજરાતીઓ પહેલાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તેઓ ભાજપ સાથે જોડાવા લાગ્યા અને તેનો અહેસાસ ભાજપની નરેન્દ્ર મોદી સરકારે તીવ્રતાથી કરાવ્યો.
શું આ પહેલાં ક્યારેય કોંગ્રેસે ગુજરાતી ઉમેદવારોને નથી ઊભા રાખ્યા?
એવું નથી. સ્વ. નહેરુજી અને સ્વ. ઇન્દિરાજીના સમયમાં કોંગ્રેસમાં ગુજરાતીઓનો દબદબો હતો. એ સમયે ચન્દ્રકાંત ગોસાલિયા, લીલાધર બાસુ, ડૉ.મોહન પોપટ, અનુપચંદ શાહ જેવા ઘણા દિગ્ગજ વિવિધ પદ પર રહી ચૂક્યા છે, પણ પછી સ્થિતિ બદલાતી ગઈ. જેવી રીતે લઘુમતીઓની સમસ્યાઓને સંાભળનારા નેતાઓ હતા, એવી રીતે ગુજરાતીઓની સમસ્યાઓને અવાજ આપી શકે એવા કોઈ ગુજરાતી નેતા કોંગ્રેસમાં કોઈ પદ પર નહોતા. ગુજરાતીઓને સત્તામાં ભાગીદારી ન આપવામાં આવી, પણ અટલજીના સત્તામાં આવ્યા બાદ ગુજરાતીઓ ભાજપમાં જોડાતા ગયા. હવે કોંગ્રેસને એ વાતનો અહેસાસ થયો છે કે મોદીજીના સત્તામાં આવવાથી મુંબઈમાં વસતા ગુજરાતીઓ કોંગ્રેસથી બહુ દૂર થઈ ગયા છે. તેથી છ મહિના પહેલાં જ મને આ સેલનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો અને હવે આ સેલને કાર્યરત કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે.
તો આગળ હવે તમારી શું વ્યૂહરચના છે?
વર્ષ ૨૦૦૯માં મુંબઈની છ બેઠકો કોંગ્રેસ પાસે હતી. વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં આ બેઠકો પણ અમારા હાથમાંથી સરકી ગઈ. તેનું કારણ કોંગ્રેસમાં રહેલો સત્તાનો નશો હતો. કોંગ્રેસે છેલ્લાં પંદર વર્ષમાં ગ્રાસરૃટ લેવલ પર કોઈ કામ નહોતું કર્યું. તેમણે ઝૂંપડપટ્ટીમાં રહેતા, વસાહતમાં રહેતા કે અન્ય કોઈ જગ્યાના મધ્યમવર્ગીય કાર્યકર્તા પર ધ્યાન નહોતું આપ્યું. જેના કારણે કોંગ્રેસ તરફી કોઈ મતદાતા મત આપવા માટે ન આવ્યા. કોંગ્રેસના જે કાર્યકર્તાઓ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી લઈ આવતા હતા, એ કાર્યકર્તાઓમાં જ નિરાશા વ્યાપેલી હતી. કોંગ્રેસે આ કાર્યકર્તાઓનું કોઈ કામ નહોતું કર્યું. તેનો ફાયદો ભાજપ અને શિવસેનાને થયો. તેથી હવે અમે ગ્રાસરૃટ લેવલ પર કામ કરી રહ્યા છીએ. કાર્યકર્તાઓની સમસ્યાઓને સાંભળી રહ્યા છીએ. અમે હવે સત્તામાં નથી. તેથી અમારાથી તેમનું કામ થાય કે ન થાય તો પણ અમે તેમની સમસ્યાઓને સાંભળી રહ્યા છીએ, તેમને સમય આપી રહ્યા છીએ, તેમના કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે અમારા કાર્યકર્તા ઘરે-ઘરે જઈને લોકોનો સંપર્ક કરી રહ્યા છે. ગુજરાતીઓના સામાજિક કામ, ધાર્મિક કામ, સ્વાસ્થ્યને લગતાં કામ, શિક્ષણમાં પ્રવેશને લઈને આવતી સમસ્યાઓ વગેરે સમસ્યાઓને સાંભળીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
ભાજપ સત્તામાં છે અને ગુજરાતીઓને કોંગ્રેસ તરફ ખેંચવું મુશ્કેલ કામ છે, તે અંગે તમારી પાસે શું પ્લાન છે?
આજે ગુજરાતીઓ ભાજપ સાથે જોડાયેલા છે, પણ મોદી સરકારને કારણે તેમને જલદી જ નિરાશા હાથ લાગશે એવા સમયે કોંગ્રેસ પાસે ગુજરાતીઓ માટે એક પ્લેટફોર્મ હોવું જરૃરી છે. તેની તૈયારી અમે શરૃ કરી દીધી છે. અમે પણ તેમના કામ કરીશું એવો વિશ્વાસ અપાવવા માટે અમે તેમને
સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન દ્વારા એકઠા કરવાનું કામ શરૃ કર્યું છે. થોડા સમય પહેલાં જ અમે એક ડાયરાનું આયોજન કર્યું હતું, જેમાં મુંબઈથી ઉર્મિલા માંતોડકર અને ગુજરાતથી મધુસૂદન મિસ્ત્રી અને સોનલ પટેલ જેવા નેતાઓએ હાજરી આપી હતી. અમે ફ્રી એન્ટ્રી રાખી હતી. લગભગ પંદરસો ગુજરાતીઓ હાજર રહ્યા હતા. હવે તેમને પણ એવો અહેસાસ થઈ રહ્યો છે કે કોંગ્રેસ અમને સાંભળી રહી છે. એ પણ અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. અમે જુદાં જુદાં સભાગૃહોમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. ચર્ચગેટ ખાતે પણ આગામી દિવસોમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલાં અમે ગુજરાતીઓને પોતાની તરફ આકર્ષવામાં ચોક્કસ સફળ રહીશું. અમારા બધા જ કાર્યકર્તા જોશ સાથે કામ કરી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં આ બધાનો કેટલો પ્રભાવ પડશે?
હું એમ નહીં કહું કે મુંબઈના વીસ લાખ ગુજરાતીઓ કોંગ્રેસને જ મત આપશે, પણ એક વાત નિશ્ચિત છે કે જ્યારે પણ ગુજરાતીઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે, ત્યારે કોંગ્રેસ જીતી છે અને જ્યારે ગુજરાતીઓ કોંગ્રેસથી નારાજ થયા છે, ત્યારે કોંગ્રેસ હારી છે. કોંગ્રેસની નીતિ છે કે દરેક ધર્મ, જાતિ, ભાષા અને પ્રાંતના લોકોને સાથે લઈને ચાલવું, એ જ નીતિ પર કોંગ્રેસ ફરી કામ કરી રહી છે. તેથી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં નિશ્ચિતપણે અમારો પક્ષ જ વિજયી બનશે.
——————-.