જૂનાગઢનો જંગઃ કોંગ્રેસે તાસકમાં ભાજપને વિજય ધરી દીધો..!

કોંગ્રેસના આગેવાનોએ પરિણામ પહેલાં જ હાર તો સ્વીકારી જ લીધી હતી.
  • સાંપ્રત – દેવેન્દ્ર જાની

લોકસભા બાદ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ પર સહુ કોઈની નજર હતી. કોંગ્રેસ માટે હતાશામાંથી બહાર આવવાની આ તક હતી, પણ કોંગ્રેસના નેતાઓએ આ ચૂંટણીને ગંભીરતાથી લીધી જ નહીં, જ્યારે બીજી બાજુ કમલમથી કાળવા ચોક સુધી નેટવર્ક ગોઠવી ભાજપે તાકાત કામે લગાડી હતી. પરિણામ સ્વરૃપ ભાજપે સત્તા જાળવી રાખી, જ્યારે કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક બેઠક માંડ મળી હતી. ચૂંટણીનાં પરિણામોનું પોસ્ટમોર્ટમ કરીએ તો ખબર પડશે કે કોંગ્રેસે સામેથી પોતાની કબર ખોદી હતી.

જૂનાગઢ મહાનગરપાલિકાનાં પરિણામોના તા. ર૩મીએ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા હતા. ભાજપની બેઠકોનો આંક શરૃઆતથી સતત વધતો જતો હતો, જ્યારે કોંગ્રેસને ખાતું ખોલાવવાના ફાંફાં હતા. છેલ્લી ઘડીએ એક બેઠક કોંગ્રેસને મળી હતી. જૂનાગઢની ચૂંટણીનાં આ પરિણામો કદાચ સામાન્ય લોકો માટે આંચકારૃપ હશે, પણ રાજકીય આગેવાનો, કાર્યકરો કે જૂનાગઢની આ ચૂંટણી પર શરૃઆતથી નજર નાખી રહેલા વિશ્લેષકો માટે જરા પણ આંચકારૃપ ન હતાં. તેમની ધારણા મુજબનંુ જ આ પરિણામ હતું. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓને પણ જૂનાગઢના આ પરિણામ વિશે બહુ આશ્ચર્ય થયું નથી. કોંગ્રેસના આગેવાનોએ પરિણામ પહેલાં જ હાર તો સ્વીકારી જ લીધી હતી. એનસીપી નવા નિશાળયા જેવી પાર્ટી ચાર બેઠક મેળવે તે કોંગ્રેસ માટે શરમજનક કહી શકાય. જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનંુ શાસન હતું. કુલ ૧પ વોર્ડની ૬૦ બેઠક માટે સામાન્ય ચૂંટણી આવી હતી, પણ ચૂંટણી પ્રક્રિયા શરૃ થઈ અને ફોર્મ ભરાયાં એ પહેલાં જ ત્રણ બેઠક ભાજપે બિન હરીફ મેળવી લીધી હતી. એક બેઠકની ચૂંટણી છેલ્લી ઘડીએ ટૅક્નિકલ કારણોસર રદ્દ થતાં કુલ પ૬ બેઠકો માટે તા. ર૦ જુલાઈએ મતદાન થયંુ હતંુ. જૂનાગઢમાં સ્થાનિક પ્રશ્નો અને ભ્રષ્ટાચારના કેટલાંક બહાર આવેલાં પ્રકરણોને કારણે ભાજપ માટે સત્તામાં વાપસી કરવી એ આસાન ન હતી. આ વાત પ્રદેશ ભાજપના નેતાઓ પણ સારી રીતે જાણતા હતા કે જૂનાગઢ કોર્પોરેશનમાં સત્તા જાળવવી હશે તો રણનીતિ મજબૂત બનાવવી પડશે. મેયરપદ માટે જે નામો ચર્ચાય છે તેના બદલે અન્ય કોઈના નામને આગળ કરવું પડશે.

ખુદ મુખ્યપ્રધાન વિજય રૃપાણીએ આ મામલો હાથમાં લીધો હતો. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જ ઉમેદવારોની યાદી જે તૈયાર કરાઈ હતી તે બદલાવવાની સૂચના આપીને મેયર પદ માટે બિનવિવાદાસ્પદ અને લોકોમાં સારી છબી ધરાવતા ધીરુભાઈ ગોહેલને વિદેશથી બોલાવીને ચૂંટણી લડાવવા આદેશ કર્યો હતો. મેયર પદ માટે કૂદતા કેટલાય નેતાઓ એ વખતે સમજી ગયા હતા કે નેતાગીરી જૂનાગઢ જીતવા કેટલી ગંભીર છે. ધીરુભાઈ ચૂંટણી લડ્યા અને જીત્યા છે. ભાજપની નેતાગીરી માત્ર આટલેથી અટકી ન હતી. ફોર્મ ભરાઈ ગયા બાદ કોંગ્રેસના ત્રણ ઉમેદવારોને કેસરિયો ખેસ પહેરાવી દીધો હતો. એટલું જ નહીં, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાને ખુદ ભાજપમાં ભેળવી દીધા હતા. આમ કોંગ્રેસ વેરવિખેર થઈ ગઈ હતી.

બીજી બાજુ કોંગ્રેસને ઉમેદવારોની પસંદગીથી જ આંતરિક જૂથવાદ નડ્યો હતો. કોંગ્રેસના એક ધારાસભ્યએ તો એવો બળાપો કાઢ્યો હતો કે જૂનાગઢમાં કોંગ્રેસ માટે વાતાવરણ સારું હતું. એક તબક્કે જીત મળી શકે તેવી સ્થિતિ હતી, પણ સ્થાનિક ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને પૂર્વ મેયર કેપ્ટન સતીષ વિરડાની લડાઈમાં કોંગ્રેસની આ દશા જૂનાગઢમાં થઈ છે. બંને પોતપોતાના સમર્થકોને લડાવવા માગતા હતા. એક તબક્કે ભીખાભાઈ જોષીને મેયરનો ચહેરો બનાવીને ચૂંટણી લડવાની વાત નક્કી થઈ હતી, પણ આંતરિક જૂથબંધીને કારણે તે ન થઈ શક્યું. પ્રદેશની નેતાગીરી આ બંને સ્થાનિક આગેવાનોને સમજાવીને જીતના ગણિત ગોઠવી શકી નહીં. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી બંનેની આ ઘોર નિષ્ફળતા કહી શકાય. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તો એટલા નિષ્ક્રિય રહ્યા કે ખુદ જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ વિનુભાઈ અમીપરાએ કેસરિયો ખેસ પહેરી લીધો. આમ જૂનાગઢ કોર્પોરેશનની આખી ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય પણ કોંગ્રેસમાં જીતનંુ ઝનૂન કે ચૂંટણીની વ્યૂહરચના જોવા મળી ન હતી. કોંગ્રેસના બે પૂર્વ મેયર સતીષ વિરડા અને લાખાભાઈ પરમારને હાર ખમવી પડી છે, જ્યારે એનસીપીએ પહેલી વાર કોર્પોરેશનની ચૂંટણી લડી. રેશ્મા પટેલે તમામ જવાબદારી ઉપાડી હતી. તેની મહેનતના કારણે ચાર બેઠક પર જીત મેળવી હતી. જૂનાગઢમાં એક વખત સત્તા મેળવનાર કોંગ્રેસ વિપક્ષમાં પણ ન રહી. કોંગે્રસ માટે હવે મંથન નહીં, મહામંથન કરવાની નોબત આવી છે.
————————–

એનસીપીકોન્ગ્રેસજૂનાગઢબીજેપી વિજય
Comments (0)
Add Comment