- મૂવી ટીવી – હેતલ રાવ
પહેલાંના સમયમાં બોલિવૂડ કલાકારો જે આવક મેળવતા તેમાં જ પોતાનું જીવન પસાર કરતા. જેના કારણે એવા પણ કલાકારો જોવા મળ્યા છે જેમની પાસે છેલ્લા સમયે તેમની પાસે પોતાની સારવાર કરાવવા જેટલા પણ નાણા વધ્યા નહોતા, પરંતુ આજના બોલિવૂડ સ્ટાર હોશિયાર છે જે પોતાની આવકને બમણી અને ત્રણ ગણી કરવા ગમે તે કરે છે. માટે જ હવે તે સ્ટાર્ટ અપમાં પણ પૈસા રોકી રહ્યાં છે.
બોલિવૂડ કલાકારો હવે પોતાની આવકને જુદી-જુદી જગ્યાએ કે પ્રોડક્ટમાં રોકાણ કરે તે વાત નવી નથી રહી. અભિનેત્રીઓ પણ ઊંચી બ્રાન્ડમાં રોકાણ કરે છે. ઊભરતા ભારતીય સ્ટાર્ટ અપમાં રોકાણ કરવું પણ હવે કલાકારો માટે સામાન્ય બની ગયું છે. આ લિસ્ટમાં નવું નામ અક્ષય કુમારનું છે, જેને વેયરેબલ ટેક સ્ટાર્ટ અપ ગોકીમાં રોકાણ કર્યું છે. જોકે તેણે કેટલા રૃપિયાનું રોકાણ કર્યું છે તેનો ખુલાસો નથી કર્યો. આ પહેલાં અભિનેત્રી દીપિકા પાદુકોણે મુંબઈ ગ્રીક યોગર્ટ બ્રાન્ડ એપિગૈમિયા સાથે ભાગીદારી કરી હતી. દેશી ગર્લ પ્રિયંકા ચોપડા જોનાસે પણ ડેટિંગ એપ બમ્બલમાં રોકાણ કર્યું હતું. કલાકારો એવી બ્રાન્ડ સાથે જોડાવવાનું પસંદ કરે છે જે તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય.
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે બોલિવૂડ સ્ટાર સાથે જોડાવાથી બ્રાન્ડને ઘણો લાભ થાય છે, પરંતુ એક હકીકત એ પણ છે કે મોટા કલાકારો જ્યારે કોઈ બ્રાન્ડ સાથે જોડાય અને તેનો લાભ બ્રાન્ડને થાય તે વધારે નફો કરે તો તેનો સીધો લાભ કલાકારોને પણ થતો હોય છે. જે બ્રાન્ડ માટે કલાકારો ફી લઈને કામ કરતા હોય ત્યાં તેમને આ રીતનો લાભ મળતો નથી, કારણ કે બ્રાન્ડને લાભ થાય કે નુકસાન, કલાકારોને નિર્ધારિત કરેલી ફી મળી રહે છે. હવે વધારે નફો બ્રાન્ડને થતો હોય છતાં કલાકારો તેમાં ભાગ નથી માંગી શકતા, કારણ કે તેમાં તેમનું કોઈ પણ પ્રકારનું રોકાણ નથી હોતંુ.
હાલના સમયમાં ઘણા અભિનેતાઓએ તકનીક, ફેશન, ખાણીપીણી અને સ્વાસ્થ્ય જેવા સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કર્યું છે. અભિનેતા શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત કપૂરે એક વેલનેસ સ્ટાર્ટ અપ સર્વામાં રોકાણ કર્યું છે. આ વિશે શાહિદે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે હું યુવાન હતો ત્યારથી જ ફિટનેસની દુનિયા સાથે મારું જોડાણ હતું. બે દાયકા જેટલો સમય વીતી ગયો. મેં જાતે અનુભવ્યું છે કે હોલિસ્ટિક હિલિંગ (સર્વગ્રાહી ઉપચાર) સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ કારણોસર જયારે સર્વાના સીઇઓ સાથે મારી મુલાકાત થઈ ત્યારે તેમના વિચારો સાથે હું જોડાઈ ગયો.
આ ઉદ્યોગમાં રોકાણ કરનાર બોલિવૂડના કિંગખાન શાહરુખનું નામ પ્રથમ ક્રમાંકે છે. તેણે સૌ પ્રથમ પોતાની આવકને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું વિચાર્યું. તેનેે જોઈને એટલું કહી શકાય કે જ્યારે તે અભિનય કરવાનું બંધ કરશે તો પણ યોગ્ય જગ્યાએ કરેલા રોકાણના કારણે તે અબજોપતિ રહી શકે છે. શાહરુખ માટે તો એમ પણ કહેવાય છે કે તેણે ઘણા રૃપિયા ભેગા કર્યા છે અને વિશ્વના જુદા-જુદા દેશોમાં તેનું અઢળક રોકાણ છે. આ વિશે એક ઇન્ટરવ્યૂ દરમિયાન વીતેલા જમાનાના સુપર સ્ટાર ગોવિંદાએ કહ્યું પણ હતું કે, શાહરુખ ખાને ઘણુ સારું કામ કર્યું છે, અમે માત્ર ફિલ્મો કરતા રહ્યા, ક્યારેય એમ વિચાર્યું નહીં કે જ્યારે ફિલ્મો મળતી બંધ થશે તો આવકનું શું.. પણ આ વિચાર શાહરુખે કર્યો અને તેના પછી તો બોલિવૂડમાં લગભગ દરેક સ્ટાર પોતાના ભવિષ્યનો વિચાર કરી રહ્યા છે. અમારા પછી આવેલા કલાકારો ખરેખર આવક કરવામાં અને તેના રોકાણમાં હોશિયાર નીકળ્યા. ટૂંકીને ટચ વાત એટલી છે કે આજના બોલિવૂડ સ્ટાર પોતાના ભવિષ્યનો વિચાર કરે છે અને આ જ કારણથી તેઓ પોતાની આવકનું યોગ્ય જગ્યાએ રોકાણ કરી પોતાના બાળકોની લાઇફ પણ સિક્યૉર કરી રહ્યા છે.
———.
સોનાક્ષી સેક્સ ક્લિનિક સંચાલિકાના અવતારમાં
આવનારા સમયમાં ફિલ્મી પરદે રજૂ થનારી ફિલ્મોમાં એક નામ ખાનદાની શફાખાના પણ છે. ફિલ્મ રિલીઝ પહેલાં તેના ટ્રેલરને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં એક સેક્સ ક્લિનિકને લઈને વાત કરવામાં આવી છે. જેમાં મુખ્ય અભિનય દબંગ ગર્લ સોનાક્ષી સિંહા કરી રહી છે. જે વિષયને લઈને લોકો વાત કરવાનું પણ ટાળતા હોય છે તે વિષય પર બની રહેલી ફિલ્મમાં કામ કરવું જુદો જ અનુભવ કરાવે છે, તેમ કહેતાં સોનાક્ષીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ફિલ્મમાં મને કામ કરવાની તક મળી તે માટે હું ઘણી ખુશ છું. હા, શરૃઆતના સમયમાં ફિલ્મ કરતાં પહેલાં હું વિચાર કરવા માટે વિવશ બની હતી, પરંતુ સ્ક્રિપ્ટ વાંચ્યા પછી હું ક્મ્ફર્ટેબલ અનુભવવા લાગી. આ ફિલ્મ બબિતા બેદી વિશેની છે જે એક સેક્સ ક્લિનિક ચલાવતી હતી. જ્યારે નિર્દેશક શિલ્પી ફિલ્મ માટે મારી પાસે આવ્યા ત્યારે મને આશ્ચર્ય થયું હતું કે તેમણે મને બોલ્ડ થીમ માટે કેમ પસંદ કરી, કારણ કે અત્યાર સુધી મેં માત્ર ફેમિલી ફિલ્મો જ કરી છે. આ વાતને લઈને હું થોડી કન્ફ્યુઝ પણ હતી, પરંતુ જ્યારે તેમણે મને વિષય વિશે વાત કરી ત્યારે હું તૈયાર થઈ ગઈ. કોઈ પણ ફિલ્મ હું સાઇન કરું ત્યારે ધ્યાન રાખું છું કે તે ફિલ્મ હું પરિવાર સાથે જોઈ શકું. સોનાક્ષીએ વધુમાં કહ્યું કે આપણે આપણી સોસાયટીને આધુનિક જરૃર કહીએ છીએ, પરંતુ આજે પણ સેક્સ વિશે ખૂલીને વાત નથી કરતા. ફિલ્મમાં લૈંગિક સમાનતા જેવા અનેક મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી છે. સમાજમાં આજે પણ સેક્સને એક ટૈબૂ તરીકે જોવાય છે. આ ફિલ્મ લોકોને વિચારવા પર મજબૂર કરશે.
———————-