આપણા કાશ્મીરમાં અર્ધી સદીનું રાજ

આપણા કાશ્મીરના ઇતિહાસ વિશે આપણે ખાસ જાણતા નથી.
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

જે રાજા રાણી નાનપણથી બધાં જાણીએ છીએ તેને સલામ
અજાણ રાખ્યા તે માટે કેમ ના ઝૂકે ઇતિહાસકારોની કલામ

આપણા કાશ્મીરના રાજાનું નામ શું? એવો અધૂરો સવાલ પૂછતાં જ બહુમતીના મુખમાંથી ઉત્તર સરી જાય કે હરિસિંહ. સૌને માલૂમ છે કાશ્મીરમાં રાજાશાહી હતી. સ્વાભાવિક છે કે માનવ સમાજ સદીઓથી નરપ્રધાન છે તથા વધુમાં ઇતિહાસ પુર્લિંગ છે એટલે રાજ્યતંત્રનો એ પ્રકાર રાજાશાહી તરીકે ઓળખાય છે. રાણીશાહી ઉર્ફે ક્વિનશિપ અપવાદ સ્વરૃપે વપરાતો શબ્દ છે. અંગ્રેજોને ત્યાં રાણી રાજ કરે છે, છતાં કહેવાય તો મોનાર્કી. મોનાર્ક શબ્દના અર્થમાં પહેલા કિંગ ને એમ્પેરર લખ્યું હોય. આપણે ત્યાં રાજ કર્યું હોય તેવી કઈ કઈ રાણી આપને યાદ આવે છે? વિક્ટોરિયાને બાદ કરતાં લક્ષ્મીબાઈ ને અહલ્યાબાઈ. પદ્મિની અથવા પદ્માવતી ને ગાયત્રીદેવી તેમ જ સંયુક્તા ને જીજાબાઈ જેવા નામ નજર સામે ફરકી જાય. ફેમસ નામમાં નૂરજહાં, જોધાબાઈ ને હઝરત મહાલ. મસ્તાની કરતાં કાશીબાઈ ઓછાં જાણીતાં. મીનળદેવીનું ફલક મર્યાદિત હતું. આસામના અમૃતપ્રભાને દક્ષિણના કદંબદેવી કે સોવીદેવી જાણીતાં નથી.

કાકાટિયા વંશના રુદ્રમાદેવી પણ કેટલા ભારતીય જાણતા હશે? હોઠે ચઢેલા નામના લિસ્ટમાં લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ નામ છે ખરેખર રાજાની જેમ રાજ કર્યું હોય તેવી રઝિયા સુલતાના. તેમના પર ફિલ્મ વગેરે પણ સર્જાઈ ચૂક્યું છે. મુઠ્ઠીભર અપવાદ હતા તેમાંય આપણને આપણા કાશ્મીરની રાણીનું નામ યાદ ના આવે, કારણ કે આપણને એ નામ એક માર્કના ક્વેશ્ચન માટે પણ ભણાવવામાં નથી આવ્યું. આપણા કાશ્મીરનો ઇતિહાસ જો આપણા શાળાનાં બાળકોને ભણાવવામાં આવે તો એમને આપણા કાશ્મીર પ્રત્યે નાનપણથી લાગણી થાય અને એવું થાય તો તો પછી આપણા ભારતના યુવાનો પેલા ટુકડાખોર ભટકેલાઓએ ફેંકેલા પથ્થરના જવાબમાં ઈંટ મારી બેસે. એ તો સાવ ખોટું ના કહેવાય? આઇ મીન ઘણાને ખોટું લાગે ને ઘણાની કુગણતરી ખોટી પડી જાય એ રીતે ખોટું કહેવાય!

આપણા કાશ્મીરના ઇતિહાસ વિશે આપણે ખાસ જાણતા નથી. આઝાદી પછીનો સમય ત્યાં ક્યારે શું ખેલ ખેલી ગયો એ થોડું ઘણુ જાણીએ. હા, ઘણા લોકોએ ત્યાંના મહાન રાજાઓ વિષે વાંચ્યું કે સાંભળ્યું છે. અવંતિવર્મન ને લલિતઆદિત્ય જેવા મોટા રાજાઓ અને તેમના ખાસ સામ્રાજ્યની ગાથાઓ રસપ્રદ છે, પરંતુ રાણી દિદ્દાની કહાની ખાસમખાસ છે. શકુનિ, ચાણક્ય ને મિશિઆવેલી એકથી વધુ વાર યાદ આવે એવો એમનો થોડો ઘણો જાણીતો ઇતિહાસ છે. સન ૧૧૪૮-૪૯ દરમિયાન મહાકવિ કલ્હણે રાજતરંગિણી નામક એક અનન્ય પુસ્તક લખેલું જેમાં આપણા કાશ્મીરના ઇતિહાસના મહત્ત્વનાં પાન ભર્યાં છે. કલ્હણના કહેવા મુજબ કશ્યપમેરુમાં ૯૫૮થી ૧૦૦૩ સુધી મહારાણી દિદ્દાનું પ્રત્યક્ષ એવમ પરોક્ષ રાજ્ય હતું. સન ૯૫૦માં રાજા ક્ષેમગુપ્ત સિંહાસન પર બેઠાં તો હતાં, પણ એક સમયે લૂતા નામના રોગને કારણે રાજકાજ સંભાળી શકવા અસમર્થ બન્યાં હતાં. ત્યારથી પ્રશાસનની જવાબદારી ઘણે અંશે પત્નીએ સંભાળી લીધેલી અને પછી તો જવાબદારી એવી સંભાળી કે લોકો રાજા ક્ષેમગુપ્તને દિદ્દાક્ષેમ તરીકે ઓળખતાં થયાં. સન ૯૫૮માં રાજા ક્ષેમગુપ્તનું અવસાન થયું. તેમના પુત્ર અભિમન્યુ હજુ બાળક હતા એટલે રાજ્યની બાગ ડોર સીધી રાણી દિદ્દાના હાથમાં આવી ગઈ ને અંતે તેઓ સમ્રાજ્ઞી બની ગયાં.

રાજકારણમાં ખોટા કાર્ય જેવું કશું જ હોતું નથી એ વિભાવનાને કસીને વળગી શકેલી રાણી દિદ્દાનું નામ સમસ્ત વિશ્વના સફળ રાજ્યકર્તાની યાદીમાં હોવું જોઈએ. પરંપરા ને રૃઢિને કાયદો ગણનારા પુરુષવાદી સમાજમાં લોખંડી પંજાથી સત્તાને પકડી રાખનાર દિદ્દાનું જીવન રહસ્ય, જીદ ને વિષયસેવનથી ભરપૂર હતું. સિંહાસન પર સિંહણ તરીકે અર્ધી સદી આસપાસ આરૃઢ રહેવું એ કોઈ સાધારણ બાબત નથી. રશિયાની કેથરીન ધ ગ્રેટ સાથે એમની સરખામણી એમ જ નથી થતી. બેશક કાશ્મીરમાં એ સમયના સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ભારતના બાકી પ્રદેશોની સરખામણીમાં સારું હતું. લેકિન આ એ જ સમય હતો જ્યારે પશ્ચિમમાંથી લૂંટારા, બળાત્કારી ને હિંસાખોર મુસલમાન સરદારોના કાશ્મીર પરના આક્રમણે જોર પકડેલું. એક ઔરત તરીકે કાશ્મીરને એવા વિદેશી હુમલાઓ સામે બચાવવું એ કામ અચ્છાભલા મર્દાના અહંકારી વાળાને આફરીન પોકારાવી દે એવું કહેવાય.

દિદ્દા લોહરાના રાજા સિંહરાજની પુત્રી હતી. તેના નાના યાને મમ્મીના પપ્પા કાબુલ, અફઘાનિસ્તાનમાં જે હિન્દુશાહી રાજ્ય હતું તેના રાજા ભીમશાહી હતા. નાના અવારનવાર દિદ્દાની મુલાકાત લેવા લોહરા જતાં-આવતાં રહેતા. લોહારા પશ્ચિમ પંજાબ અને કાશ્મીર વચ્ચેના વ્યાપારી માર્ગ પર પીર પંજાલ પહાડીઓમાં આવેલું, અત્યારે જ્યાં પૂંચ વિસ્તાર છે ત્યાં. બંને તરફથી રાજવી જનીન મળ્યા હોવા છતાં દિદ્દાનું શરીર મર્યાદિત હતું. દિદ્દા અપંગ હતી. પોતાના ઘરમાં પિતા એવમ રાજા સિંહરાજ તે કારણે દિદ્દાને નફરત કરતાં હતાં. એમાંય જ્યારે ઉદયરાજનો જન્મ થયો ને સિંહરાજના વારસ તરીકે નિમાયો ત્યારથી દિદ્દાનું સ્થાન વધારાના સંતાન જેવું થઈ ગયું હતું.

પણ, વિધિની કરામત જુઓ, દિદ્દાનાં લગ્ન કાશ્મીરના રાજા ક્ષેમગુપ્ત સાથે થયાં. પગની તકલીફવાળી એક નારીના પતિના રાજ્યમાં લોહરાનું રાજ્ય સમાઈ ગયું. સ્વાભાવિક છે એ ઘટનામાં દિદ્દાનું એ મગજ કામ કરી ગયું હશે જેણે બચપણથી શારીરિક મર્યાદા સાથે રોજબરોજ ધિક્કારના ઘૂંટડા પીધેલાં. ક્ષેમરાજમાં નામ એવા ગુણ નહોતા. રાજા પર્વગુપ્તના એ પુત્રએ રાજા યશકરના

મૃત્યુ પછી દગાબાજીથી સત્તા હાંસિલ કરેલી. ક્ષેમરાજ શિકારના ભારે શોખીન હતા. એવા જ એક શિકારના જલસામાં વિચરતી વખતે શક્યતઃ કોઈ કરોળિયાના કરડવાથી એમના શરીરમાં ઝેર પ્રસરેલું અને એમને સતત તાવના ઉતારચઢાવ વાળો લૂતા રોગ થયેલો. તે વખતે લોહરા ભલે કાયદાની રૃએ કાશ્મીર સાથે જોડાઈને એકરૃપ થઈ ગયેલું, ત્યાં બળવાખોરીની સ્પર્ધા ચાલતી રહેતી હતી. એક તરફ સગો ભાઈ ઉદયરાજ ને બીજી બાજુ અસગો ભાઈ વિગ્રહરાજ, પણ કાશ્મીર રાજ્ય પાસે દિદ્દાનું શેતાની તાકાતથી સજ્જ મગજ ને આસુરી શક્તિથી સજ્જ મન હતું. લોહરા દિદ્દાના જીવતાજીવ કદી કાશ્મીરથી અલગ ના થઈ શક્યું.

૯૫૮ની સાલમાં જ્યારે રાજા ક્ષેમગુપ્તનું અવસાન થયું ત્યારે અભિમન્યુ બીજો એમનો ઉત્તરાર્ધ બન્યો. અભિમન્યુ ઉંમરમાં સાવ નાનો હતો. સ્વાભાવિક છે તે કારણે દિદ્દાએ પુત્ર વત્તા રાજા વતી રાજ્યભાર સંભાળ્યો. દિદ્દાએ સૌ પ્રથમ પોતાના દુશ્મનોનો સફાયો કરવાનું કામ હાથ ધર્યું. રાજકાજમાંથી ઘણાને પાણીચું પકડાવ્યું. પરિણામ એ આવ્યું કે એ નડતર રૃપ લાગતાં મંત્રી અને દરબારીઓ બળવાખોર બન્યા. દિદ્દાએ એ સંજોગોમાં શું કર્યું હશે? અમુક શખ્સોને કોઈની કોઈ પ્રકારની લાંચ આપીને પોતાના વશમાં કર્યા. સ્પષ્ટ શત્રુઓને એક એકને વીણી વીણીને મારી નાખ્યા. એથી વિશેષ એ બળવાખોર કે વિરોધીઓના પરિવારોને પણ પકડી લીધાં જેમાંથી અમુકને મારી નાખ્યા તો અમુકને બંદી બનાવી દીધાં.

એ પછી ટર્નિંગ પોઇન્ટ આવ્યો ૯૭૨માં જ્યારે અભિમન્યુનું મૃત્યુ થયું. સ્વાભાવિક છે પુત્ર વત્તા રાજા અભિમન્યુ પુખ્ત વયનો હશે. ઇતિહાસ અભિમન્યુનું મૃત્યુ કેવી રીતે થયું એ અંગે સંદિગ્ધ મૌન પાળે છે અને આગળ વધે છે. અભિમન્યુના મોટા દીકરા નંદીગુપ્તની રાજા તરીકે વરણી થાય છે. ફરીથી એ બાળક હોય છે એટલે દિદ્દા રાજ્યનું સુકાન સંભાળે છે, પરંતુ ત્યારે એમ સીધી રીતે પાવર-ટ્રાન્સફરની ઘટના નથી ઘટતી. કાશ્મીરના દામર તરીકે ઓળખાતાં ખંડિયા મુખિયાઓ યાને જમીનદારો માથું ઊંચકે છે. ભવિષ્યમાં પણ દિદ્દાના લોહાર વંશ સામે સમસ્યા ઊભી કરનારા એ જૂથની તાકાત નાની નહોતી. એમની પાસે પૈસા હતા. રાજ્યની તિજોરીનો મહત્ત્વનો ભાગ એમના કર દ્વારા ભરાતો હતો. કાશ્મીરની ઘાટીઓની ભૂગોળ તેમના તાબામાં હતી. એ બળવાખોરોની એક મુખ્ય ચાલ એ હતી કે અપુખ્ત નંદીગુપ્તને પ્યાદું બનાવીને દિદ્દા સામે વાપરવો.

દિદ્દા એમ હાથ પર હાથ રાખી બેસી રહે? ૯૭૩માં દિદ્દાએ પોતાના પૌત્ર નંદીગુપ્તને ઉકેલી કાઢ્યો. દુશ્મનો ફરી કોઈક નવું પ્યાદું ખેલવા ઇચ્છે એ પહેલાં ૯૭૫માં પૌત્ર ત્રિભુવનગુપ્તને પણ ઉકેલી નાખ્યો. સત્તા અને સ્વયં પ્રત્યે અત્યંત હઠથી જોડાયેલી દિદ્દાના માર્ગમાં હવે માત્ર પોતાનો સૌથી નાનો પૌત્ર ભીમગુપ્ત બચ્યો હતો. ફિર હાલ એ કહ્યામાં હતો એટલે એને પોતાના જાપ્તા હેઠળ રાજગાદી પર નામ પૂરતો ચિઠ્ઠીના ચાકરની જેમ બેસાડ્યો અને રાજ્યનું ખરું સુકાન કેવળ પોતાના હાથમાં રાખ્યું. પોતાનાથી અમુક અંશે અસંતુષ્ટ અને કાબેલ એવા સલાહકાર ફાલ્ગુનનું પણ મૃત્યુ થયેલું એટલે દિદ્દાના રસ્તામાં ખાસ અંતરાય બચ્યા નહોતા. ફાલ્ગુન મૂળે રાજા ક્ષેમગુપ્તનો વડાપ્રધાન હતો જેને ક્ષેમગુપ્તના મૃત્યુ બાદ દિદ્દાએ દેશવટો આપેલો અને ત્યાર બાદ જ્યારે ફાલ્ગુનના કૌશલ્યની જરૃરિયાત ઊભી થઈ ત્યારે તેને પાછો બોલાવેલો.

સંસ્કૃતમાં દીદિ અર્થાત્ ચમકદાર. તેજસ્વી. દિદિવિ એટલે આકાશ. દીદીવિ એટલે ગુરુ ગ્રહ, સ્વર્ગ તથા ઉચ્ચ સ્થાને ઉદય પામેલું. કાશ્મીરી કુટુંબમાં દિદ્દા સંબોધન માતૃ ને પિતૃ પક્ષમાં સૌથી મોટી ઉંમરની પુત્રી માટે વપરાય છે. અલબત્ત, દિદ્દાને પોતાના નામના મૂળ કે તેના ભાવાર્થમાં કોઈ રસ નહોતો. કલ્હણ કહે છે દિદ્દામાં જન્મજાત હોય તેવા પ્રકારની ઉત્તમ રાજનીતિજ્ઞને છાજે તેવી અંતરસૂઝ હતી. તેનામાં રાજદ્વારી કુનેહ હતી. દિદ્દા અમુક નોંધપાત્ર ખામી અને ગંભીર ખરાબી સભર વ્યક્તિત્વ હતું, છતાં તેણે પોતાની મહેનત અને આવડતના જોરે અંતે કાશ્મીરની રાજગાદી પર એવો એકચક્રી કાબૂ મેળવ્યો કે એ વારસામાં પણ રજવાડું આપીને ગઈ. દિદ્દા કેવળ રાજકારણી નહોતી. દિદ્દા મહાયોદ્ધા હતી. ઘોડેસવારી હોય કે તલવારબાજી કે તીરંદાજી, દિદ્દા યુદ્ધકળામાં નિપુણ હતી. કહેવાય છે કે દિદ્દા ભાલા, બરછી, ગદા, ત્રિશૂલ જેવા એ સમયનાં બધાં શાસ્ત્રોમાં પારંગત હતી. દિદ્દા બાવન પ્રકારની યુદ્ધકળા જાણતી હતી. મહારાણી દિદ્દા પૃથ્વી પરના શ્રેષ્ઠ રણનીતિજ્ઞમાંની એક હતી.

દિદ્દા હિંસક, અમાનવીય કે પાશવી નિર્ણય લઈને અમલમાં મૂકી શકતી. પોતાના લોહી એવા પૌત્રોને મોતને ઘાટ ઉતારવા માટે અસામાન્ય ક્રૂરતા જોઈએ. પોતાના શત્રુઓને મારી નાંખવા માટે દિદ્દા જાદુટોણા યાને મેલી વિદ્યા, ઝેર તેમ જ પરાકાષ્ઠાની શારીરિક યાતનાનો ઉપયોગ કરતી. સજ્જનતા, સંસ્કાર એવમ સંસ્કૃતિના ચાહકો હોય કે ધાર્મિક ભાવકો, મૂળે વેરીઓ દિદ્દાના આ કર્મોને કારણે દિદ્દાને ચુડેલ, રાક્ષસી કે પશુ સાથે સરખાવતાં રહ્યા. વાતમાં ક્યાંક દમ છે, કિન્તુ રાજ્યપ્રકરણના જે પન્ના પર સફળતાની સરવાણી હોય તેનું પૂર્વસંધાન એક યા બીજી રીતે જેને સામાન્ય રીતે કાયદા, સમાજ કે ધર્મની રીતે ખોટા કહેવાય તેવા કામમાં મળે. દિદ્દા એક સ્ત્રી હતી. અપંગ સ્ત્રી. ખેર, દિદ્દા પર બીજો એક આરોપ એ લગાવવામાં આવે છે કે તે ચારિત્રહીન હતી, બલ્કે લંપટ કે વાસનાખોર હતી. તેણે ઘણા પુરુષો સાથે સંબંધ રાખ્યા હતાં. શું નર જાતિના રાજ્યશાસકો પત્નીવ્રતા હતા? દિદ્દા એ સમાજમાં રહેતી હતી કે એ બીજા લગ્ન ના કરી શકે અને કરે તો પોતાની કે પોતાના પરિવારના સત્તાના ભોગે. એક નર રાજા પાંચ કે પચ્ચીસ રાણી રાખી શકે અને એ ઉપર પાંચ કે પચ્ચીસ પ્રેમિકા, રખાત કે સ્ત્રીમિત્ર રાખી શકે એ ચાલે.

રાજા ક્ષેમરાજનો કામ પર કાબૂ હતો? ના. શરાબ ને શબાબના તેઓ શોખીન હતા, આદી હતા. એમનો કે અન્ય ઘણા નર રાજાઓનો કાળ તો એવો હતો કે રાજાને ખુશ કરવા દરબારી, મંત્રી કે વેપાર જેવું કોઈ કામ કઢાવનારા પોતાની પત્ની કે દીકરીને રાજાની સેવાકરવા મોકલી દેતાં. ખેડૂતોની હાલત દિનબદિન બદતર થતી જતી હતી. ફક્ત ક્ષેમરાજની અસ્વસ્થતા ને પોતાના વ્યક્તિગત દુઃખ ને અહંકારને કારણે દિદ્દા સત્તાની પ્યાસી નહોતી થઈ. પચાસ વર્ષ આસપાસ દિદ્દા નામની કઠોર શાસક જો કાશ્મીર પર ના હોત તો કાશ્મીરના એ સમયે જ ઘણા ટુકડા થયા હોત અને ભારત સાથે કોઈ લેવાદેવા ના હોય તેવા જુલ્મી વિદેશીઓ ત્યાં રાજ કરતા હોત. અને પુત્ર અભિમન્યુ સુરપુરુષ હતો? ના, એવા કોઈ સબૂત નથી. હકીકતમાં એય વિલાસી ને વિકારી હતો. પોતાના પતિ પાછળ સતી થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી છેવટે સોનું આપીને નરવાહન નામના દરબારી દ્વારા પોતાના સતી થવાના વિરોધમાં મત અપાવનાર દિદ્દાએ ૭૭ વર્ષની આયુમાં પોતાના પતિની સામ્રાજ્ય બનાવવાની અભિલાષા કાજે ઘણુ બલિદાન આપેલું. તટસ્થતાથી સમજીએ તો દિદ્દાના મગજ અને માણસાઈનો મોટો પુરાવો હતો તુંગ્ગ અને સાથે પુરુષવાદી ને પરંપરાવાદીઓની ધરાર નકારાત્મકતાનો પણ પુરાવો હતો તુંગ્ગ.

રાજતરંગિણી કહે છે કે વદ્દીવસપર્નોતસ જેવું કોઈ ગામ હતું જેમાં વાણ જેવા નામે કોઈ ખસ જાતિનો માણસ રહેતો હતો. તેને તુંગ્ગ નામે એક છોકરો હતો જે દુધાળા પશુનું પાલન કરવાનું કામ કરતો હતો. તે તેના પાંચ ભાઈ સાથે કાશ્મીરના મુખ્ય ભાગમાં રહેવા ગયેલો ને તેઓ દરબારી પત્રોને એક સ્થાનેથી બીજે સ્થાને પહોંચાડવાનું કામ કરવા લાગેલા. એક વાર તુંગ્ગ કોઈ પત્ર લઈને રાણી દિદ્દા પાસે પહોંચ્યો. દિદ્દાએ તુંગ્ગને જોયો. બસ દિદ્દાને પ્રેમ થઈ ગયો. એક વાર ફરી સમજી લઈએ કે તુંગ્ગ ગુજ્જર કહો કે બકરવાલ પ્રકારની કહેવાતી કનિષ્ઠ જાતિનો હતો. દિદ્દાને તુંગ્ગની રોજબરોજ જરૃરિયાત ઊભી થતી રહી. કામના બહાને દિદ્દા તુંગ્ગને મળતી રહી, મોહિત થતી રહી. બંને વચ્ચે સંબંધ બંધાયો અને જ્યારે પૌત્ર ભીમગુપ્ત પોતાના રાજ્ય ને સત્તા આડે વધારે પડતો આવ્યો ત્યારે દિદ્દાએ તુંગ્ગને તેને દૈહિક રિબામણી વડે મોતને ઘાટ ઉતારવાનું કામ સોંપ્યું. પરિણામ એ આવ્યું કે દિદ્દા પૂર્ણ અર્થમાં રાજગાદી પર આસનઃસ્થ થઈ ને તુંગ્ગ તેનો મુખ્ય પ્રધાન બન્યો. તુંગ્ગને રાજમહેલમાં સર્વાધિકારઆપવામાં આવ્યો.

સત્તા પર બેઠેલા ખંધા દરબારી ને મંત્રીઓએ તુંગ્ગ ને તેના ભાઈઓ સાથે સુલેહ કરવાનો ડોળ કર્યો, પણ એમનું મન વિષથી દૂષિત હતું. તેમણે દિદ્દાના લોહાર પરિવારના ભાઈ વિગ્રહરાજને કાશ્મીર પર ચઢાઈ કરે તેવું આયોજન કર્યું. આ તરફ રાજ્યમાં અંદરથી શક્તિશાળી અગ્રહાર પંક્તિના બ્રાહ્મણોને તુંગ્ગના નાશ માટે વિધિ કરવા તૈયાર કર્યા. બ્રાહ્મણોએ તુંગ્ગની હત્યાનું સૂચન કર્યું. એ બંને પક્ષ ભેગા મળીને તુંગ્ગથી દુઃખી હોય તેવા વ્યક્તિઓની શોધમાં લાગી ગયા. અગ્રહાર તુંગ્ગના કહો કે દિદ્દાના વિરોધમાં ઉપવાસ પર ઉતર્યા. તુંગ્ગ કાશ્મીરની પહાડીઓમાં વિપરીત વાતાવરણમાં પણ યુદ્ધ કરવાની સહજ ને અસામાન્ય આવડત ધરાવતો હતો. દિદ્દા વાઘ સામે દ્વંદ્વયુદ્ધ કરવાની કળામાં મહારત હાંસિલ કરેલી મહારાણી હતી. લેકિન આ શતરંજ કપટની હતી. દિદ્દાએ તુંગ્ગને સખ્ત જાપ્તા હેઠળ ગુપ્ત ખંડમાં પૂરી દીધો.

ત્યાર બાદ દિદ્દાએ શાંત ચિત્તે ભૂખ હડતાલ પર ઊતરેલા સુમનોમત્તક ને અન્ય બ્રાહ્મણોને સોનું આપી ખરીદવા માંડે છે. વિગ્રહરાજ અંદરથી કોઈ ટેકો ના મળતા થાકી હારીને ઘર ભેગો થઈ જાય છે. તુંગ્ગ સુરક્ષિત રીતે ફરી સત્તા પર આવે છે. તુંગ્ગ કર્દમરાજ વગેરેને મારી નાંખે છે. સુલક્કન અને અન્ય મંત્રીઓ ક્યાં તો ભાગી છૂટે છે ક્યાં તો તુંગ્ગના શરણે આવે છે. આશ્ચર્યની વાત એ છે કે ઉપવાસ અને બળવાની આ ઘટના ફરી એક વાર ઘટે છે, પરંતુ આ વખતે જે નવા બ્રાહ્મણો ઉપવાસ પર ઉતરે છે તેમને દેશ નિકાલ આપવામાં આવે છે તથા જેમણે અગાઉ સોનું લીધેલું તે સુમનોમત્તક ને અન્ય બ્રાહ્મણોને જેલમાં પૂરવામાં આવે છે. વિગ્રહરાજના માનીતા ઘણાને મરણનું શરણ આપવામાં આવે છે. વેલ, આવી ઘણી ઊંચનીચ પછી પણ દિદ્દાએ તુંગ્ગ સાથે મળીને કાશ્મીર પર ચુસ્ત શાસન કર્યું.

પોતાના પુત્રના મૃત્યુના શોકમાં ચોસઠ દેવાલયનું નિર્માણ કરાવનાર દિદ્દા સામાન્ય માનવ નહોતી. તેની પસંદગી એવો તુંગ્ગ કાશ્મીરના ઇતિહાસમાં બહારનાં રાજ્યો પર આક્રમણ કરીને ઘણે અંશે સક્ષમ સાબિત થનાર અસામાન્ય સેનાપતિ હતો. બાવીસ આસપાસ વર્ષ તાજ પહેરીને સ્વતંત્ર રાજ કરનારી દિદ્દા ૭૯ વર્ષ સુધી અડીખમ રાજ કરતી રહી અને કાશ્મીરને એકતા સાથે પ્રબળતા આપતી રહેલી. દિદ્દાએ પોતાના જીવનમાં સવા સો કરતાં વધુ મૂઠભેડ, લડાઈ ને યુદ્ધ જોઈ લીધેલાં. વિચિત્ર માનસિકતા ધરાવનાર અતિમર્યાદિત વિગ્રહરાજ પોતાનાં માબાપની હત્યા કરી અને કાશ્મીર પર હજુ નજર રાખીને બેઠેલો. તુંગ્ગ યથાવત્ પહાડની જેમ અચલ ને અભેદ્ય રીતે કાશ્મીરની રક્ષા કરતો હતો. દિદ્દાના મોસાળ પક્ષના ઉદયરાજ એમના પુત્રો મૂકીને ભાગી ગયેલા. દિદ્દા મરણપથારી પર કાશ્મીરના ભવિષ્યની ચિંતામાં હતી.

જુવાન ભાણિયાઓ પોતાની આશાવાદી નજર સામે જોઈ મહારાણી દિદ્દા ખુશ તો હતી, પરંતુ તમામ યુવાનોમાંથી રાજગાદી કોને સોંપવી એ તેના માટે મૂલ્યવાન પ્રશ્ન હતો. તેણે એક રમત રજૂ કરી. તેણે પોતાના ભાણિયાઓ સામે સમાનતાના આદર્શ સાથે ચાલવાનું હતું. વળી, સત્તા કોઈ એકને ભાગે જાય એ પછી કુટુંબની એકતામાં ભંગાણ ના પડવું જોઈએ. રમત બહારી દેખાવમાં સામાન્ય, પણ ભીતરથી સંકીર્ણ હતી. દિદ્દાએ સહુને એક સ્થાને ભેગાં કર્યાં. સર્વે યુવાનો સામે સફરજનનો એક ઢગલો મૂકેલો હતો. દિદ્દાએ જાહેર કર્યું કે જે કોઈ સૌથી વધુ સફરજન ભેગાં કરી લાવશે એ વિજેતા અને વારસદાર બનશે.

યુવાનોમાં સગા ભાણિયા સાથે કુટુંબી ભાણિયા ભત્રીજા પણ હતા. રમત પૂર્ણ થઈ. ભાઈ ઉદયરાજનો પુત્ર સંગ્રામરાજ સૌથી વધુ સફરજન સાથે વિજેતા બન્યો અને એય કોઈ જાતની ઈજા વિના. દિદ્દાએ પૂછ્યું આવું કેવી રીતે તે કરી શક્યો? સંગ્રામરાજે કીધું કે તેણે બાકીના ભાઈઓને વધુ સફરજન મેળવવા એકબીજા સાથે લડવા દીધા અને એ સાથે લડવા માટે ઉત્તેજિત પણ કર્યા. તેમની લડાઈમાં જે સફરજન નીચે પડતાં એ હું વીણી લેતો. રાજનીતિ એવમ રણનીતિમાં પ્રવીણ એવા મહારાણી તુરંત પામી ગયા કે આ જ એ યુવાન છે જેને કાશ્મીરની ગાદી હું નિશ્ચિંત પણે આપી શકીશ. આમ પણ બીજો કોઈ વિકલ્પ હતો નહીં અને મહારાણી દિદ્દાએ પોતાના મૃત્યુ સાથે ૧૦૦૩માં કાશ્મીરમાં લોહાર વંશની સ્થાપના કરી.

બારમી સદીમાં કલ્હણ દ્વારા લખાયેલ રાજતરંગિણી મહારાણી દિદ્દાના મૃત્યુના એક સો પિસ્તાલીસ વર્ષ પછી નોંધાયેલો ઇતિહાસ હતો. માહિતીની ત્રુટી સિવાય જે-તે સમયના રજવાડાના વિચાર તથા અભિગમની તેમના પર અસર હોય. બેશક પુરુષ, પરંપરા ને પોતાની પ્રકૃતિથી પણ તેઓ બંધાયેલા હતાં. તેમ છતાં તેમના વૃત્તાંત પરથી પણ એ સાબિત થાય છે કે મહારાણી દિદ્દા કુશળ સુશાસક હતાં. સુંદર દેખાતાં મહારાણી દિદ્દાનું કોઈ તૈલચિત્ર ઉપલબ્ધ હોય તેવું જાણમાં નથી. હા, તેમણે બહાર પાડેલા બે સિક્કા હજુ ક્યાંક વેચાણ અર્થે હરાજીમાં વેચાતા દેખાઈ જાય છે. કાશ્મીરના અન્ય શાસકોની જેમ તેમણે તાંબાના સિક્કા બહાર પાડેલા. એ સિવાય તેમણે સોનું ને ચાંદી મિશ્ર કરીને સફેદ સિક્કા પણ બહાર પાડેલા. મહારાણી દિદ્દાના રાજમાં કાશ્મીર સમૃદ્ધ બનેલું. ઓફ કોર્સ, સમય સાથે બધું ધોવાતું ગયું એ મામલો અલગ છે. હશે. કોઈ બળિયો ભારતીય મહારાણી દિદ્દા પર સિરિયલ કે ફિલ્મ બનાવે તો ઘણુ સારું છે. ફિર હાલ, આપણે આપણા કાશ્મીરની મહારાણી દિદ્દાનો જયકાર બોલીએ તો સારું છે.

બુઝારો  – મહારાણી દિદ્દાએ પોતાના પુત્ર અભિમન્યુના મૃત્યુ બાદ અભિમન્યુપુર નામનું શહેર વસાવેલું અને ત્યાં અભિમન્યુસ્વામી નામક ઈશ્વરનું મંદિર બનાવેલું. દિદ્દાપુરા કરીને પોતાના નામ પરના શહેરમાં દિદ્દાસ્વામી નામક ઈશ્વરનું મંદિર બંધાવેલું. વિતસ્તા ને સિંધુ નદીના મેળાપના સ્થાને પોતાના પિતાની યાદમાં સિંહોસ્વામી નામક ઈશ્વરનું મંદિર બંધાવેલું. આજે તેમના બંધાવેલા ચોસઠથી વધારે મંદિરમાંથી એક પણ મંદિર હયાત નથી.

——————————–

કાશ્મીરનો ઇતિહાસચર્નિંગ ઘાટ. ગૌરાંગ અમીન
Comments (0)
Add Comment