ભારતીય યોગવિદ્યા પર વિદેશીઓની ચાંચિયાગીરી

'યોગની વધી ચૂકેલી લોકપ્રિયતાની રોકડી કરી લેવાનું કરી લેવાનું ચલણ
  • કવર સ્ટોરી – નરેશ મકવાણા

યોગની વધતી જતી લોકપ્રિયતાને વટાવી ખાવા વિદેશોમાં કેટલાક લોકો તેની પેટન્ટ કરાવી લેવા પ્રયત્નો કરી રહ્યા છે. વર્ષો જૂનાં યોગાસનોમાં નજીવા ફેરફાર કરીને તેને પોતાને નામે કરી લેવાના એકથી વધુ પ્રયત્નો થતા ભારત સરકારે આવા ચાંચિયાઓ સામે લડી લેવાનું નક્કી કર્યું છે.

પરિવર્તનની એકવીસમી સદીમાં અનેક વસ્તુઓની સાથે યોગ પણ પરિવર્તન પામ્યો છે. તે જંગલો વચ્ચેની કુટિરોમાં વસતાં ઋષિમુનિઓ પાસેથી નીકળીને આજે ઍરકંડિશનર ક્લાસરૃમો અને ક્લબોથી લઈને બીચ રિસોર્ટ સુધી પહોંચી ગયો છે. તેના પ્રચાર-પ્રસાર અને સ્વરૃપમાં પણ ધરમૂળથી પરિવર્તન આવી ચૂક્યું છે. એક સમયે માત્ર પરમતત્ત્વની સમીપ જવા માટેના એક સાધન તરીકે તે ઉપયોગી લેખાતો અને સંસારી માયાથી દૂર રહેતાં ઋષિઓ, સાધુ-સંતો અને તત્ત્વચિંતકો પૂરતો મર્યાદિત હતો, પણ આધુનિક જીવનશૈલીને કારણે અનેક માનસિક અને શારીરિક વ્યાધિઓએ માથું ઊંચકવા માંડતા લોકો યોગને શરણે આવવા લાગ્યા. જેમ-જેમ તેના ફાયદા લોકો સુધી પહોંચતા ગયા તેમ-તેમ તેનો વ્યાપ ભારતના સીમાડાઓ વટાવતો ગયો. આજે યોગ વૈશ્વિક સ્તરે પોતાની મહત્તા પ્રસ્થાપિત કરી ચૂક્યો છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા હાલ ભારત કરતાં વધુ છે. ૨૦૧૨માં ત્યાં ૨.૦૪ કરોડ લોકો યોગ કરતા હતા અને હવે તેમની સંખ્યા તેનાથી બમણી હોવાનું અનુમાન છે. આ સિવાય ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, બ્રિટન, જર્મની, ફ્રાંસ જેવા અનેક દેશોમાં યોગા ક્લાસીસની બોલબાલા છે. ત્યાંની યુવા પેઢી માટે યોગ ફિટનેસ ફંડા અને ફૅશન સ્ટેટમેન્ટ બની ગયો છે. અહીં યોગ એક સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. પશ્ચિમી દેશોને જેમ-જેમ તેના ફાયદા દેખાતા થયા, તેમ-તેમ તેમનો યોગ તરફનો દ્રષ્ટિકોણ પણ બદલાયો અથવા તો એમ કહો કે ભારતીય યોગ વિદ્યાએ તેમને આ માટે મજબૂર કર્યા. આજે તેમના માટે યોગ શરીર અને મનનું વિજ્ઞાન છે.

ઍલોપથી, હૉમિયોપથી સિવાય હવે લોકો યોગ અને આયુર્વેદ પર વધારે વિશ્વાસ કરતા થયા છે. આ બાજુ ભારત બહાર યોગાસનોને તોડી-મરોડીને નવી રીતે રજૂ કરીને પોતાના નામે ચડાવી દેવાનું ચલણ પણ વ્યાપક બની રહ્યું છે. વિદેશોમાં સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને કરાતાં બે-લિબાસ યોગ, ઈસુને યોગ સાથે જોડીને કરાતાં ઈસાઈ યોગ, ચહેરાની માંસપેશીઓને ફરી જવાન બનાવવા માટે થતાં ફેશિયલ યોગ, મેટ્રોસિટીમાં જેના ક્લાસ ચાલે છે તે ઍરોબિક્સ, પાતળા થવા માટે હઠયોગમાંની કેટલીક આકરી સાધનાઓને દૂર કરીને વિકસાવાયેલો પાવર યોગ વગેરેને યોગના મૂળ સ્વરૃપમાં સામાન્ય ફેરફાર કરીને રજૂ કરાય છે.

લકુલીશ યોગ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ઓમ દવેના મતે, ‘યોગની વધી ચૂકેલી લોકપ્રિયતાની રોકડી કરી લેવાનું ભારતમાં પણ કેટલાક લોકોએ શરૃ કર્યું છે. જોકે આપણને સૌથી મોટી ચિંતા તેના છીનવાઈ જવાની સતાવી રહી છે. કેમ કે વિદેશોમાં યોગના પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઈટ થઈ રહ્યા છે, જે આપણા આ અમૂલ્ય વારસા સામે સૌથી મોટો ખતરો છે.’

ભારતીય યોગના પ્રકારો અને તેના ઉદ્દેશો સામેના પડકારોની છણાવટ કરતાં લકુલીશ યોગ યુનિવર્સિટીના યોગ ટીચર્સ ટ્રેનિંગ કોર્સના ઇન્ચાર્જ સચિન પટેલ કહે છે, વિશ્વને આપણે યોગની ભેટ આપી, પણ કેટલીક કંપનીઓ તથા લેભાગુ લોકો તેને પોતાના નામે ચડાવી દેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. આજે જે લોકો યોગમાં વપરાતાં સાધનો પર પોતાનો હકદાવો રજૂ કરી રહ્યા છે તેઓ કાલ સવારે યોગાસનો પર પણ પોતાની માલિકી રજૂ કરી શકે છે. માટે આપણે સતત સાવધ રહેવું પડશે. તો જ યોગને ખરા અર્થમાં માનવજાત માટે ઉપલબ્ધ રાખી શકીશું.’

યોગની પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઈટનો પેંતરો
વિદેશીઓ ખાસ કરીને અમેરિકા પર એક આરોપ સતત લાગતો રહે છે કે તેઓ બીજા દેશોની સંપત્તિ પર તરાપ મારતા રહે છે. આ બાબત ભારતની વિશ્વને ભેટ એવા યોગને પણ લાગુ પડે છે. આયુર્વેદિક દવાઓ બાદ પશ્ચિમી દેશો જેવા યોગના મહત્ત્વને સ્વીકારવા લાગ્યા કે તરત અમેરિકી ધંધાદારીઓની નજર તેના પર પડી. તેમની પારખું નજરને યોગમાં તગડો નફો દેખાયો કે તરત તેમણે પહેલું કામ યોગાસનો અને તેને સંબંધિત સાધનોની પેટન્ટ કરાવવાનું આદર્યું. પરિણામે ૨૦૦૭માં ભારતને ખ્યાલ આવે ત્યાં સુધીમાં યુનાઇટેડ સ્ટેટ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઑફિસ(યુએસપીટીઓ)માં યોગ સંબંધિત ૧૬૮ ઉપકરણોની પેટન્ટ થઈ ચૂકી હતી. જેમાં યોગમાં જરૃરી વસ્ત્રો, મોજાં, પાથરણા, ગ્રીપ, બ્લોક વગેરેનો સમાવેશ થતો હતો. આંકડાઓ મુજબ યોગાસનોની આશરે ૧૫૦ જેટલાં પેટન્ટ અને કોપીરાઈટ તથા ૨૩૦૦ જેટલા ટ્રેડમાર્ક અમેરિકાએ કરાવી લીધા છે. હોબાળો થતાં આખરે ઊંઘમાંથી જાગેલી ભારત સરકારે વિદેશોમાં યોગ તાલીમ માટે જતાં યોગગુરુઓને ભારતીય પ્રાચીન યોગાસનોનું લિસ્ટ તૈયાર કરવા જણાવ્યું. તેમાંથી ૧૫૦૦ જેટલાં યોગાસનોને ઓળખી કાઢી તેની વીડિયોગ્રાફીનું કામ માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ કામ કરતાં યુનિટ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચને સોંપ્યું. આ સંસ્થાએ આ કામ ટ્રેડિશનલ નૉલેજ ડિજિટલ લાઇબ્રેરી (ટી.કે.ડી.એલ.)ને સોંપ્યું, જેણે ૯૦૦ જેટલાં યોગાસનોને ઓળખી કાઢી તેની વીડિયોગ્રાફી કરવાનું શરૃ કરી દીધું. અત્યાર સુધીમાં તેણે ૩૦૦થી વધુ યોગાસનોની વીડિયોગ્રાફી કરી લીધી છે અને તેને અમેરિકા અને યુરોપની પેટન્ટ ઑફિસોમાં મોકલવા આવશે જેથી યોગને વિદેશીઓના હાથમાં જતાં રોકી શકાય. સંસ્થાનું માનવું છે કે, યોગ ભારતનું પરંપરાગત નોલેજ છે અને બીજા દેશો તેની પેટન્ટ, ટ્રેડમાર્ક કે કોપીરાઈટ કરાવી લે તે એ વાજબી નથી. હાલ આપણી સામે બીજા દેશોને તેના હકો લેતા રોકવાનો પડકાર છે. સંસ્થાનું માનવું છે કે યોગાસનનો ઉલ્લેખ સૌથી પહેલાં પતંજલિ યોગ સૂત્રમાં મળે છે જેની રચના ૨ હજાર વર્ષ પહેલાં થઈ હતી, જે સાબિત કરે છે કે યોગનું જન્મદાતા ભારત છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમના દેશોમાં ઘણી યોગ ટૅક્નિક પર પેટન્ટ જારી કરાયા છે અને ઘણા લોકો પાસે તેના કોપીરાઈટ પણ છે. અગાઉ આવી જ રીતે ભારતના લીમડા અને હળદરની પણ વિદેશીઓ દ્વારા પેટન્ટના પ્રયત્નો થયા હતા. એક મલ્ટિનેશનલ કંપનીએ હળદરનું પેટન્ટ કરાવી લેતાં સરકારે તે પરત મેળવવા કરોડો રૃપિયા ખર્ચવા પડ્યા હતા. એ જ મહિને ભારતે કોલગેટ-પામોલીન કંપનીએ યુરોપિયન પેટન્ટ ઑફિસમાં ભારતના જાયફળની પેટન્ટ માટેના પ્રયત્નને પણ નિષ્ફળ બનાવ્યો હતો. યોગ અને તેની પેટન્ટના કાયદાની સામાન્ય સમજણ આપતાં અમદાવાદના જાણીતા ઍડવોકેટ અનવરહુસેન શેખ એક સરસ ઉદાહરણ આપે છે. જેમ કે, ‘સમોસા એક યુનિવર્સલ પ્રોડક્ટ છે, જેની પેટન્ટ ન થઈ શકે, પણ એમાં પોતાની આવડત અને સૂઝબૂઝથી વેજ સમોસા, ચિકન સમોસા, નવતાડના સમોસા, ચીઝ સમોસા વગેરે પ્રકારોને વ્યક્તિ બનાવીને પોતાની મોનોપોલી કાયમ કરી શકે છે. આ બાબત અન્ય વસ્તુઓમાં પણ લાગુ પડે છે. એ દરેક પ્રોડક્ટ જેને તમે જાતે ડેવલપ કરેલી છે તેની પેટન્ટ થઈ શકે, પણ યુનિવર્સલ વસ્તુની નહીં. ટૂંકમાં, યુનિવર્સલની નહીં, પણ યુનિક વસ્તુની પેટન્ટ થાય. જે રીતે નમાઝ યુનિવર્સલ છે એમ યોગ પણ છે, માટે તેની પેટન્ટ ન થઈ શકે. હા, તેનાં અમુક આસનો જેને કોઈ વ્યક્તિ પોતાની રીતે વિકસાવે તો તેની પેટન્ટ થઈ શકે છે, પણ તે સંપૂર્ણપણે મૌલિક હોવું જોઈએ. અગાઉ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે વપરાતી અનેક વનસ્પતિઓ, ઔષધિઓની વિદેશી કંપનીઓએ પેટન્ટ મેળવી લીધી હતી એ જ બાબત હવે યોગ સાથે પણ થઈ રહી છે. આનાથી બચવાનો એક જ ઉપાય છે કે સરકાર પોતે જ દેશ હિતમાં યોગની પેટન્ટ કરાવી લે.’
———————————.

કવરસ્ટોરીનરેશ મકવાણાયોગ દિવસ
Comments (0)
Add Comment