મૂળની ઉપેક્ષા અને પુષ્પોનો વિચાર?

છેવટે અંદરની સજાવટ પૂરતી નહીં હોય તો તમે જીતી નહીં શકો.
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

માણસ પોતાની જિંદગીનાં ઊંચાંનીચાં તમામ પગથિયાંની ચડઊતરનો એકંદર વિચાર કરે તો તેને તરત સમજાઈ ગયા વિના નહીં રહે કે મુગટ પહેરેલો રાખીને ઊંઘવાનું મુશ્કેલ છે અને ખુરશીમાં બધો જ વખત બેસી રહેવાનું અશક્ય છે. છતાં આપણે જોઈએ છીએ કે ઘણા માણસો પોતાનો મુગટ કે ટોપી ગુમ થઈ જવાની બીકે માથા ઉપરથી ઉતારી શકતા નથી અને ખુરશીને પણ છાતી ઉપર જ વળગાડીને ઊંઘવાની કોશિશ કરે છે. એક ક્ષણ પણ પોતાનો હોદ્દો ભૂલી શકતા નથી અને ચોવીસ કલાક હોદ્દાનો આ ચુસ્ત ગણવેશ તેમને અકળામણની સ્થિતિમાં કેદ કરી દે છે.

એક મોટા અમલદારની પત્નીએ વર્ષો પહેલાં હસતાં હસતાં એવું કહેલું ઃ ‘સાહેબને નાછૂટકે લગ્નવિધિ વખતે મારી સાથે સાત ફેરા ફરવા પડેલા, બાકી પહેલેથી જ તેમનો પટાવાળો જ કાં તો તેમની આગળ અને કાં તો પાછળ ચાલતો રહ્યો છે!’ કેટલાકને હોદ્દો એટલો બધો છાતીએ વળગી પડે છે કે તેમના હૃદયની સ્વાભાવિક ધડકનો પણ તેમને સંભળાતી નથી. કેટલાંક વર્ષો સુધી પોતાની ખુરશીનો ખીલો છોડી શકતા નથી. ખુરશી ન હોય તોપણ મનથી તેઓ ત્યાં બંધાયેલા રહે છે. કેટલાકને આપણે પોતાની કેબિનની કોટડીના બંદીવાન બની ગયેલા જોઈએ છીએ. આવા નામદારની કચેરીમાં મોત પણ જો ચિઠ્ઠી મોકલ્યા વગર કેબિનમાં ધસી જાય તો તેમનો મિજાજ જાય છે! બેહદ ગુસ્તાખી!

ગમે તેવો હોદ્દો, તમે અંદરખાનેથી ખાલીખમ હશો તો તમને સંપૂર્ણ ઢાલ આપી શકવાનો નથી અને તમારામાં માણસ તરીકેનું ભરપૂર દૈવત હશે તો હોદ્દાની સંપૂર્ણ ગેરહાજરીમાં પણ ખુલ્લા પડી જવાની ભીતિ કેળવવી નહીં પડે. માણસને જીવવા માટે માણસ તરીકેનું સ્વમાન, માણસ તરીકેની ખુમારી અને માણસની ઝિંદાદિલી આટલું જ જોઈએ. તે હોદ્દાને સ્વમાનનું પ્રતીક બનાવશે તો હોદ્દો જવાની સાથે જ ઘણીમોટી બાદબાકી થઈ જશે અને તેને લાગશે કે આ તો તળિયું દેખાઈ ગયું!

હોદ્દો કે મિલકત માણસની પ્રાપ્તિઓ ગણાય, પણ માણસ તેને પોતાનો પાયો ગણી કે બનાવી ન શકે. તમારી પાસે સ્કૂટર કે મોટર કે વિમાન આવે તો તે સારી વાત છે. તેની સવારી માણવામાં વાંધો નથી; પણ વાહન મળ્યું છે અને ટકી જ રહેવાનું છે તેમ માનીને કોઈ પોતાના પગ ખોટા કરી નાખતું નથી. કોઈ પણ વાહનને પગના વિકલ્પનું બહુમાન આપી જ ન શકાય. વાહન છે તો પગ વગર ચાલશે એવો તર્ક ચાલી ન શકે.

અમેરિકાના મહાત્મા થોરોએ યુનિવર્સિટીની ડિગ્રીનો અસ્વીકાર કર્યો ત્યારે કેટલાકને થયું કે આ માણસ સાચે જ વધુપડતો અવ્યવહારુ અને ધૂની છે. ડિગ્રી પ્રાપ્ત થઈ જ છે તે લેવામાં શો વાંધો? એક વાર મહાત્મા એમર્સને કહ્યું હતું ઃ ‘યુનિવર્સિટીઓ જ્ઞાનની બધી જ શાખાઓ, પ્રશાખાઓમાં કેળવણી આપે છે, પણ મૂળનું શું?’ એટલે આ અસલ મૂળની વાત છે. શાખાઓ વિસ્તરે, લહેરાય, પર્ણોની, પુષ્પોની અને એકંદર ઘટાની શોભા વધે તેનો હરખ થાય; પણ મૂળના ભોગે કે તેની ઉપેક્ષા કરીને એનો વિચાર કરી ન શકાય. પુષ્પો જીવનના વૃક્ષ પર ખીલે, ખુશબો પ્રગટાવે અને પછી ખરી પણ પડે. જીવનના વૃક્ષ પર ફળ બેસે અને ફળ પણ કાચાં કે પાકાં ખરી પડે, પણ મૂળ ટકી જ રહેવાં જોઈએ – ટકાવી જ રાખવાં જોઈએ. વસંત અને પાનખરના વેશપલટામાં, રંગપલટામાં, મૂળ સામેલ ન થઈ શકે. માણસે આથી જ પોતાની માણસ તરીકેની એક હસ્તીને, એક અસલિયતને ટકાવી રાખવી પડે છે, પોષવી પડે છે અને અડગ-સ્વસ્થ રાખવી પડે છે.

બહારનો સામાન – માનપાનનાં તોરણ – ઝંડા સહિત ગમે તેટલો બહોળો અને બેશુમાર હશે તોપણ છેવટે અંદરની સજાવટ પૂરતી નહીં હોય તો તમે જીતી નહીં શકો. જીવન દરેક જીવે છે, પણ ગમે તેવી ચડતીપડતીના અકસ્માતો વચ્ચે જીતની લાગણી સાથે બહુ થોડા જીવે છે. બહારનાં માનપાન, હોદ્દા, સ્થાન, સંપત્તિ વગેરેને માણસ તરીકેની પોતાની અંદરની સજ્જતામાં ખોટી રીતે સંડોવ્યા વગર જ જીવે છે. જેઓ જીતની લાગણી સાથે જીવે છે તેની સાર્થકતાની લાગણી જુદી જ હોય છે. ભાગ્યની મહેરબાની અને મહેમાનગીરી ઉપર આશ્રિત બની જીવનારા કેટલીક વાર જીત માણી શકતા નથી, પણ ભવિષ્યની કોઈક સંભવિત હારના ભણકારાથી ભયભીત બને છે.
—————————-.

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment