બાયોપિકમાં બોલિવૂડ વૂમનિયા કરશે ધમાલ

ભારતની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર હતી
  • મૂવીટીવી – હેતલ રાવ

બોલિવૂડમાં આજકાલ બાયોપિકનો દૌર ચાલી રહ્યો છે. એક પછી એક વિવિધ વ્યક્તિઓ અને તેમના જીવનનાં વિવિધ પાસાંઓને આવરતી બાયોપિક બની રહી છે. રિયલ લાઇફને રજૂ કરતી ફિલ્મોને સફળતા પણ મળી રહી છે ત્યારે, આવનારા દિવસોમાં ઘણી બાયોપિક સિનેમાઘરોમાં ટકોરા મારવા તૈયાર છે.

ભારતીય ફિલ્મોમાં ઘણા વર્ષોથી બાયોપિક ફિલ્મના નિર્માણની પરંપરા ચાલતી આવી છે, પરંતુ પહેલાના સમયમાં ફિલ્મ બનાવનારાઓનું અને દર્શકોનું ધ્યાન ઐતિહાસિક અથવા પૌરાણિક પાત્રો પર વધારે રહેતું, માટે ફિલ્મકારો પણ એ જ પ્રકારની ફિલ્મો બનાવતા. આવી ફિલ્મોમાં ભારતની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર હતી જે ભગવાન શ્રીરામના પૂર્વજ ઇક્ષ્વાકુવંશી રાજા હરિશ્ચંદ્ર પર આધારિત હતી. એ જ રીતે સોહરાબ મોદીની પુકાર મુઘલ બાદશાહ જહાંગીર પર આધારિત હતી. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી એવી વ્યક્તિઓ પર બાયોપિક બની રહી છે જેમણે ભૂતકાળમાં કે વર્તમાનમાં સિદ્ધિ પ્રાપ્ત કરી હોય-સફળતા મેળવી હોય. હવે આવી વ્યક્તિઓનીા જીવનગાથાને દર્શકો ફિલ્મી પરદે જોવાનું પસંદ કરે છે.

આ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ શેખર કપૂરની ૧૯૯૬માં આવેલી ફિલ્મ બેન્ડિટ ક્વીનને યાદ કરવી પડે. ડાકુમાંથી રાજનેતા બનેલી ફુલનદેવીના જીવન પર બનેલી બેન્ડિટ ક્વિન ફિલ્મ વ્યક્તિલક્ષી બાયોપિક કહી શકાય. ત્યાર બાદ ૨૦૧૦માં પાનસિંહ તોમર ફિલ્મ આવી જે ચંબલના ડાકુ પાન સિંહ તોમરના જીવન પર આધારિત હતી. એવું કહી શકાય કે આ ફિલ્મે બાયોપિક ફિલ્મોની ચેઇન શરૃ કરી. જોકે આ ફિલ્મોમાં પુરુષ પ્રધાન ફિલ્મો વધુ હતી. મહિલાકેન્દ્રી ફિલ્મોની બાયોપિકમાં અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત ધ ડર્ટી પિક્ચર, ઍર હોસ્ટેસ નિરજા ભનોતના જીવનને દર્શાવતી ફિલ્મ નિરજા અને વિશ્વની નંબર વન બોક્સિંગ ક્વીન એમ.સી.મેરીકોમના જીવન પર આધારિત મેરીકોમ ફિલ્મનો ઉલ્લેખ કરી શકાય. મહિલાઓના જીવનસંઘર્ષને દર્શાવતી અન્ય કેટલીક ફિલ્મો આવનારા સમયમાં રજૂ થવાની છે.

સાંડ કી આંખ ઃ આ ફિલ્મ શૂટર દાદીના નામથી જાણીતી બાગપત જિલ્લાની વૃદ્ધ નિશાનેબાજ ચંદ્રો અને પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે. ફિલ્મના નિર્દેશક તુષાર હીરાનંદાની અને નિર્માતા અનુરાગ કશ્યપ છે. ફિલ્મમાં પ્રકાશી તોમરની ભૂમિકા તાપસી પન્નૂ અને ચંદ્રો તોમરનું પાત્ર ભૂમિ પેડનેકર ભજવી રહી છે. ફિલ્મ ઑક્ટોબરમાં રજૂ થવાની સંભાવના છે. ફિલ્મમાં દેરાણી-જેઠાણીનો પ્રેમ અને ઉંમરના એક પડાવ પછી પણ કંઈક કરી છૂટવાની હિંમત દર્શાવવામાં આવી છે. આ બંને મહિલાઓએ ઘર-પરિવારની સંભાળ સાથે ૬૦ વર્ષની ઉંમરે શૂટિંગ શીખી ઘણી બધી પ્રતિયોગિતામાં જીત મેળવી.

છપાક ઃ આ ફિલ્મ એસિડ એટેકના કારણે મોતના મોઢામાંથી પરત ફરેલી લક્ષ્મી અગ્રવાલના જીવનની કરુણતા અને તેની હિંમતને રજૂ કરે છે. લક્ષ્મીના પાત્રને ન્યાય આપવાનો પ્રયત્ન દીપિકા પાદુકોણ કરી રહી છે. રિલીઝ પહેલાં જ આ ફિલ્મ દીપિકાના ગેટઅપ અને વિષયને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહી છે. ૨૦૨૦ જાન્યુઆરીમાં ફિલ્મ સિનેમાઘરમાં આવે તેવી શક્યતા છે.

સાયના નહેવાલ પર ફિલ્મ ઃ વિશ્વભરમાં બેડમિન્ટન રમતમાં નંબર વન રહી ચૂકેલી સાયના નેહવાલની બાયોપિક પણ ખૂબ જ ચર્ચામાં છે. અમોલ ગુપ્તાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં પહેલા સાયનાના રોલ માટે શ્રદ્ધા કપૂર પર પસંદગી ઉતારવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર શ્રદ્ધા આઉટ થઈને પરિણિતી ચોપરાને સાયનાના પાત્ર માટે ઇન કરવામાં આવી છે. ફિલ્મની રિલીઝ ડેટ નક્કી નથી, પરંતુ ૨૦૨૦માં સાયનાના ચાહકો તેના જીવનને ફિલ્મી પરદે જોઈ શકે તેવી સંભાવનાઓ છે.

શકીલા ઃ દક્ષિણ ભારતની વયસ્ક ફિલ્મોની સ્ટાર શકીલા પર બની રહેલી ફિલ્મની ચર્ચાનું માર્કેટ પણ ગરમ છે. ઇન્દ્રજિત લન્કેશના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં શકીલાનું પાત્ર રિચા ચડ્ડા નિભાવી રહી છે. શકીલા પણ આ ફિલ્મમાં નાની ભૂમિકા કરતી જોવા મળશે. શકીલા ફિલ્મ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.

કારગિલ ગર્લ ગુંજન સક્સેના પર બાયોપિક ઃ બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂર કારગિલ ગર્લના નામથી જાણીતી ભારતની પ્રથમ મહિલા ઍરફોર્સ પાયલોટ ગુંજન સક્સેના પર બની રહેલી ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે. ગુંજને કારગિલ યુદ્ધ દરમિયાન યુદ્ધ ક્ષેત્રમાં ચિત્તા હેલિકૉપ્ટરની ઉડાન ભરી તેમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત ભારતની ઉડન પરી પી.ટી. ઉષાના જીવન પર ફિલ્મ બને તેવી ચર્ચા છે. હવે તો આ ફિલ્મો સિનેમાઘરમાં રિલીઝ થાય અને દર્શકો તેને પસંદ કરે તેવી આશા રાખી શકાય, કારણ કે મસાલા ફિલ્મો જોવી અને કોઈના જીવનને પરદા પર હકીકતના સ્વરૃપમાં જોવી આ બંનેમાં ઘણો બધો તફાવત છે. ટૂંકમાં આપણે પોતાના ટેલેન્ટને રજૂ કરવાની હિંમત કરતી વૂમનિયાને બેસ્ટ ઓફ લક તો કહેવું જ રહ્યું.
—————————.

મૂવીટીવી - ગરિમા રાવ
Comments (0)
Add Comment