કલ ખેલ મેં હમ હો ન હો…..

વારસો મૂકવો જરૃરી છે કે નહીં એ વિશે મતમતાંતર છે
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

કાલે એટલે કે દૂરના ભવિષ્યમાં આપણે નહીં હોઈએ એ નક્કી છે,
પરંતુ આજે છીએ એનું શું
? છીએ એના જ ગીત ગાવા જેવા છે…

મૃત્યુની સભાનતાના પક્ષધરો બહુ છે અને એને જિદથી વિસ્મૃત કરનારા પણ છે. સામાન્ય મનુષ્ય જેમાં આપણે સહુ આવી જઈએ છીએ એને માટે તો મૃત્યુની સંભાવના સાવ ભૂલાઈ જવી સ્વાભાવિક છે. અંતઘડી પર કોઈનો અંકુશ નથી. આ એક વૅન્ટિલેટરલ વાસ્તવિકતા છે. ટેકાથી આત્માનો મોભ બહુ ટકતો નથી. માણસજાતે મૃત્યુ અને મેડિસિનની એટલી ભેળસેળ કરી મૂકી છે કે જળદુગ્ધ વિચ્છેદ અશક્ય છે. આપણે ‘છીએ’ એમ માનીને ઘણુક કરીએ છીએ તો ‘નથી’ એમ માનીનેય થોડુંક કરવું જોઈએ. આપણને જે નિકટજનોના ચિરવિદાયના સમાચાર મળે છે એમાંના કોઈ કોઈ એવા સ્વજનો હોય છે જેમને કંઈક કહેવાનું બાકી રહી ગયું હોય. આમ જુઓ તો બધાને તો ક્યાં આપણે હળીમળી શકીએ છીએ. કેટલાક અંતરંગ મિત્રો હોવા છતાં એ ખબર હોય છે કે હવે આ ભવમાં એમને મળવાનું થશે નહીં. કેટલાક વિદ્યાર્થીઓ કે જેમની આંખની ચમક જોઈને શિક્ષકો ઉત્સાહથી વિદ્યાવ્યાસંગ કરતા હોય એ કંઈ શાળાઓમાં પાછા ફરવાના હોતા નથી. અરે, ઑફિસમાં નોકરીના વરસોમાં પણ જે સખાઓના ગમતા ગમ્મતવદન હતા તે પણ ફરી જોવા મળવાના ન હોય.

જે સંબંધમાં બંને પક્ષધરોએ માની લીધું છે કે હવે ભેટો થવાનો નથી તો એમાં મૃત્યુ પ્રવેશી જાય છે અને જેમાં બંનેને આશા છે કે કદાચ હજુ ક્યારેક ઝાંખી થઈ જાય તો થઈ જાય… એમાં જિંદગી ધબકતી હોય છે. યુધિષ્ઠિર જેવા રાજવીએ જો યક્ષને એમ કહ્યું હોય કે બીજાઓને મૃત્યુ પામતા જોતો હોવા છતાં દરેક મનુષ્ય એમ માને છે કે હું તો મૃત્યુ પામવાનો નથી તો – એમાં આ જગતના સર્વકાલીન અજ્ઞાનનો હિસાબ આવી જાય છે. માણસજાતને વહાલું લાગતું આ અજ્ઞાન છે. ડેથ એક જમાનામાં દૈવી વિષય હતો. પછી વિજ્ઞાને એને હાથમાં લીધો. આજે ડેથ એક મૅનેજમૅન્ટનો વિષય છે. મૃત્યુની ડિઝાઇન ઐચ્છિક નથી હોતી, પરંતુ મરણોત્તર ડિઝાઇન હોય છે. એટલે કે સંબંધિત જાતકે પોતાની કાયમી અનુપસ્થિતિમાં પરિવાર વિશે જે કંઈ આયોજન કર્યું હોય એ એક ડિઝાઇન જ છે. કરકસરિયાઓ, લોભવૃત્તિની પ્રબળતા ભોગવનારાઓ, નિર્વ્યસનીઓ, ઉદ્યમી મહાપુરુષો અને સત્સંગી પ્રકૃતિ ધરાવનારાઓ પોતાની પાછળ નોંધપાત્ર વારસો મૂકતા જાય છે.

વારસો મૂકવો જરૃરી છે કે નહીં એ વિશે મતમતાંતર છે. પશ્ચિમના દેશોમાં સામાન્ય જનજીવનમાં હવે વારસાની વાત જ અપ્રસ્તુત છે. આપણે ત્યાં સંપત્તિ સર્જનનો મહિમા છે. એક સંસ્કૃત સુભાષિતનો અર્થ છે કે ગમે તેટલો વિશાળ વારસો હશે, પણ કુપુત્ર હશે તો ઉડાડી દેશે અને વારસામાં કંઈ નહીં હોય તોય સુપુત્ર હશે તે મહાલયો ઊભા કરશે. માટે બુદ્ધિમાન પુરુષે વારસાઈ સર્જનમાં જીવન વ્યતીત ન કરવું. મૃત્યુ વિશે મનુષ્યને સભાન કરવા માટે ધર્મપુરુષોએ પણ બહુ વાતો કરી છે. કઠોપનિષદ સિવાય તો બધે જ મૃત્યુનો ભય બતાવવામાં આવ્યો છે. કુદરતને જોઈ લેવાની જરૃર છે. મૃત્યુનો વિચાર જ અકુદરતી છે. પશુઓ,

પંખીઓ, જંતુઓની વિરાટ જીવસૃષ્ટિમાં મનુષ્ય સિવાય કોઈનામાં મૃત્યુચિંતન નથી. જીવન અને મૃત્યુ એ બંનેમાં કુદરતે મેગ્નેટિક ફિલ્ડ જીવનમાં જ રાખ્યું છે. હર હાલતમાં જીવ જીવન તરફ જ ખેંચાય છે. એક પતંગિયું જુઓ… એ તો અમરપદ લઈને આવ્યું હોય એમ ફૂલો પર ઊડે છે. એક જ આયુષ્યમાં એ લાખો ફૂલોનો મધુરસ ચાખવા ચાહે છે. એને ખબર જ નથી કે એની હયાતી કેટલી અલ્પકાલિક છે. એને કારણે પ્રફુલ્લિત થઈ ઊડાઊડ કરે છે. મનુષ્યને પણ કુદરતના સિદ્ધાન્ત પ્રમાણે તો મૃત્યુની તમા જ ન હોવી જોઈએ. જે છે અને જ્યાં સુધી છે તે માત્ર જિંદગી છે.

તમે અજવાળામાં ઊભા રહીને અંધારાની વાતો કરો ત્યારે કેટલા મૂર્ખ લાગો છો એ વાત ધર્મગુરુઓને સમજાવવાની જરૃર છે. તેમણે જિંદગી સિવાયની કોઈ વાત કરવાની જ ન હોય, પરંતુ આપણે ત્યાં તો એક સારો ધર્મગુરુ, એક સારો એલઆઇસી એજન્ટ પણ હોય છે. મૃત્યુનો ભય તેઓ કલાકૌશલયુક્ત વાણીથી બતાવી જાણે છે. થોડુંક તો અન્ડરવર્લ્ડના ડોન જેવું આ કામ છે. ક્યારેક કોઈ ડૉક્ટર પણ આ લાઇનમાં દેખાય છે. મૃત્યુ એક ગમનબિન્દુ છે. એમાં બહુ એડવાન્સ ધ્યાન આપવાનો શો અર્થ છે? અંતવેળાએ મૃત્યુચિંતન કંઈ કામમાં ન આવે. જિંદગી સિવાયની વાત જ ફોગટ છે. દરેક ક્ષણમાં ભરપૂર જીવન જીવવું એ સિવાય મનુષ્ય મૃત્યુ વિશે નિરુપાય છે.

મૃત્યુને વિજ્ઞાન થોડું પાછું ઠેલી આપે છે, પણ જિંદગી બદલાઈ જાય છે. અસલ જેવી મઝા નથી. આરોગ્ય અને ધન બેયના આસન ઊંચા છે. અનારોગ્ય સાવ આકસ્મિક ભાગ્યે જ હોય છે, એ પણ વ્યક્તિગત બેદરકારીનો નિર્ણય હોય છે.

કાલે એટલે કે દૂરના ભવિષ્યમાં આપણે નહીં હોઈએ એ નક્કી છે, પરંતુ આજે છીએ એનું શું ? છીએ એના જ ગીત ગાવા જેવા છે. નરસૈંયો જાદવાને જગાડતી વખતે કહે છે કે ત્રણસો ને સાંઈઠ ગોવાળિયા ટોળે વળ્યા, વડો રે ગોવાળિયો (તારા વિના) કોણ થાશે….? પોતાના આખા વરસના એકેએક ત્રણસો ને સાંઈઠ દિવસને ગોવાળ બનાવીને ભક્તકવિએ કૃષ્ણના વડપણ હેઠળ મૂકી દીધા છે. પોતાનો વર્તમાન વિસ્તારીને કૃષ્ણાજ્ઞામાં મૂકી દીધો છે. જે છેડે શેરડી મીઠી છે એનો જ આસ્વાદ લેતા રહેવાનો છે, બીજે છેડે જવાની જરૃર જ ક્યાં છે ? આસ્વાદ લેતા લેતા આપોઆપ બીજો છેડો આવે ત્યારની વાત ત્યારે..!

રિમાર્ક  –  કોઈને પણ બીજો જન્મ મળવાનો નથી. આ વખતનો એન્ડ જ ધી એન્ડ છે. – જગ્ગી વાસુદેવ
————————-

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment