મગજ સાચાબોલું નથી

શેતાન ખૂબ બુદ્ધિશાળી હોય છે. એ બંદાના મગજમાં ગજબની અક્કલ વાપરીને ઘૂસી જશે.

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

ભૂલ માણસની નહીં તેના ખોટા મગજની હોય જ્યારે
જરૃર વિવેક
ને જ્ઞાનથી મગજના જતનની હોય ત્યારે

મગજ સમજવા ‘ને સમજાવવાનું કાર્ય કરે છે. માણસ મગજને સમજવા ‘ને સમજાવવા મથતો રહે છે. એક માણસ અને તેના મગજ વચ્ચેની વાતચીતમાં એક રીતે મગજ પોતાની સાથે વાત કરે છે. મન એટલે કે માઇન્ડ ગેમ રમે કે ના રમે, બ્રેઇન ગેમ રમે છે છતાં બ્રેઇન પકડાતું નથી. મિથ્યાભિમાની મનને એટલું કહેવાનું કે હે મન તને જે પોતાના હોવા પર અભિમાન છે તેની પાછળ મગજનું કેટલું યોગદાન છે તે તને નથી ખબર. હે મન તું જ્યારે નિરાશ થઈને જે કણસ્યા કરે છે તે કણસાટ પાછળ મગજનું કેટલું યોગદાન છે તે અંગે તું બેખબર છું. હે મન તું તો પડદા પાછળ રહે છે, પરંતુ મગજ તો છે છતાં દેખાતું નથી કે પછી બહુરૃપી છે. મગજની લીલા તો જુઓ કે સમાજમાં ક્રિમિનલ માઇન્ડ હોય છે ‘ને સ્પિરિચ્યુઅલ સોલ હોય છે, પણ બ્રેઇન્યુઅલ બીઇંગ નથી હોતાં. બ્રેઇની ‘ને બ્રેઇનફુલ જેવા શબ્દ છે, બ્રેઇન્યુઅલ કે બ્રેઇન્યુઅસ કે બ્રેઇન્યુઅસ્ટિક જેવા શબ્દ કાયદેસર નથી. મગજ માટે મજાની વાત તો એ છે કે મગજને સમજવા ‘ને સમજાવવા માટે માણસે પોતાનું મન વાપરવું પડે છે. લોસ ઓફ ડાઉટ અંતે મનને મળે ‘ને ક્રેડિટ મળે તોય મનને મળે. આસ્તિકને તેનું મન ઈશ્વરમાં જોડવાનું કહેવાય છે ‘ને નાસ્તિકતા કે તર્કને વરેલો માણસ માનસશાસ્ત્ર સાથે જોડાયેલો હોય છે. સદીઓથી માણસે મગજને અનુલક્ષીને ગાળો વાપરી છે જ્યારે મગજની સ્તુતિ કરતી કવિતાઓ માંડ જડે એમ છે. જોકે અમુક સાર ‘ને હાસ્ય અર્થે લખાયેલી વાતો મગજની સક્રિયતા, નિષ્ક્રિયતા ‘ને દુષ્ક્રિયતાના ટેકા પર ટકી હોય છે.

એક માણસ તીતીઘોડા પર સંશોધન કરતો હોય છે. બે પાંખ તોડીને એ બોલે છે, ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક. પેલો ચાલવા માંડે છે. માણસ નોંધે છે બે પાંખ તોડીએ છે તો પણ એ ચાલી શકે છે. બે પગ તોડીને એ બોલે છે, ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક. પેલો થોડો લંગડાતો ચાલે છે. માણસ નોંધે છે બે પગ તોડીએ છે તો પણ એ ચાલી શકે છે. બીજા બે પગ તોડીને એ બોલે છે, ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક. પેલો વધુ લંગડાતો ચાલે છે. માણસ નોંધે છે ચાર પગ તોડીએ છે તો એ લંગડાતો, પણ ચાલી શકે છે. બાકીના બે પગ તોડીને એ બોલે છે, ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક. પેલો નથી ચાલતો. માણસ ક્યાંય સુધી બૂમાબૂમ કરે છે ‘ને વિનવે છે કે ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક. છેવટે માણસ નોંધે છે તમામ પગ તોડીએ છે તો તીતીઘોડો બહેરો થઈ જાય છે અને આ ચવાયેલા બાળટુચકા પર ઘણા હસે છે, પણ સાધારણ શ્રોતાનું મગજ એ નથી વિચારતું કે એ ‘સંશોધનકારે’ પહેલી વાર બોલીને તીતીઘોડા સાથે વાત કરવાની કોશિશ કરેલી એ ખોટું હતું. જી, જોકમાં ક્યારે મગજ ના વાપરવું ‘ને ક્યારે વાપરવું તેની રમતથી હાસ્ય નિષ્પન્ન થતું હોય છે.

કહે છે કે કેટ-ડોરની શોધ ન્યૂટને કરેલી. પોતાને ઘડીઘડી બારણુ ખોલીને બિલ્લી ‘ને તેના બચ્ચાને અંદર આવવા દેવાની ક્રિયાથી ન્યૂટનને તકલીફ પડતી હતી તો એણે માતા બિલ્લી માટે મોટી ‘ને બાળક બિલ્લી માટે નાની એમ બે બારણી તાત્કાલિક સુથારને બોલાવીને સર્જેલી. ઘટના સાચી હતી કે નહીં, તે ન્યૂટનને ખબર. ન્યૂટનનું મન હેરાન થતું હતું કે મગજ, એય એમને ખબર, પણ ભાત વત્તા દાળ એટલે ખીચડી ના કહેવાય એ જાણનારા આપણને એ વાતમાં ન્યૂટનનું મગજ બરાબર ના વપરાયું તેમ લાગે છે. પર્સના ખાનામાં નહીં, પર્સમાં બીજું વોલેટ કે ક્લચ મૂકીને તેમાં પૈસા મૂકે તો આપણું મગજ ‘હું બરાબર વપરાયું છે’ તેમ અનુભવે છે. મોબાઇલ પર્સમાં સીધો મૂકી શકાય છતાં તે માટે પર્સમાં સ્વતંત્ર ખાના, અલગથી પર્સ નીકળ્યા ‘ને હવે તો કહે છે કે મોબાઇલ મૂકવા ગજવાવાળી સાડી બહાર પડી છે. કોનું મગજ કોણ વાપરે છે એ કોને ખબર?

ઇસ્લામ આધારિત કથા કરતાં એક મૌલવીએ કહ્યું કે શેતાન ખૂબ બુદ્ધિશાળી હોય છે. એ બંદાના મગજમાં ગજબની અક્કલ વાપરીને ઘૂસી જશે. પહેલા બંદાને વિચાર આપશે કે આ આસમાન કેટલું સુંદર છે, કોણ છે એનો સર્જક? એ જ ઉત્તર આપશે કે અલ્લાહ. આ ચાંદ તારા કેવા રળિયામણા છે, કોણ છે એનો સર્જક? અલ્લાહ. આ વાદળ વીજળી ‘ને વરસાદ અતિ અદ્ભુત છે, કોણ છે એનો સર્જક? અલ્લાહ. એમ કરીને એક પછી એક સાચી વાતો કરતો જશે. અંતે એ કહેશે કે અલ્લાહ ખરેખર સૌથી મહાન છે અને પૂછશે કે કોણ છે એનો સર્જક? બેશક ધર્મવિરોધી, ઊંટવિજ્ઞાની ‘ને ભોળા કે કટ્ટર ભગત જેવા મગજને કદાચ આ વાતમાં મગજનો બહુમુખી ખેલ ના દેખાય. વારુ, આંખ પોતાને નથી જોઈ શકતી. આંખ પોતાને અરીસામાં જુએ તે પછી વાત નજરિયાની આવે.

ચાર મિત્ર હતા. એમાં ત્રણ બુદ્ધિશાળી. એ ત્રણ શહેરમાં પૈસા કમાવા જવા ધારે છે. એમને થાય છે ચોથો બાળપણનો મિત્ર છે, એનેય સાથે લઈ જઈએ. ચારે ઘણુ ભટકે છે. રસ્તામાં જંગલ આવે છે. એમની દ્રષ્ટિ વીખરાયેલા હાડકાં પર પડે છે. ત્રણ બુદ્ધિશાળી ઉત્તેજિત થાય છે. પહેલો હાડકાં જોડી અસ્થિતંત્ર રચે છે. બીજો હાડપિંજરને માંસ મજ્જા વગેરે આપે છે. સિંહનો દેહ તૈયાર થઈ જાય છે. ત્રીજો સિંહમાં પ્રાણ પૂરવા જતો હોય છે ત્યાં પેલો અબુદ્ધિશાળી પ્રકારનો ચોથો મિત્ર એને રોકતાં કહે છે કે આ પગલું જોખમી છે, સિંહ આપણને મારી નાખી શકે છે. ત્રણ બુદ્ધિશાળીઓ હસીને કહે છે કે તારામાં બુદ્ધિ નથી તેથી તું ચૂપ રહે. ચોથો મિત્ર પ્રત્યાઘાત આપ્યા વિના ઝાડ પર ચઢી જાય છે. પેલાં ત્રણ ફરી હસે છે. એ પછી ત્રીજો સિંહમાં પ્રાણ પૂરે છે. સિંહ જીવતો થાય છે. પેલા ત્રણને ફાડી ખાય છે. ચોથો બચી જાય છે.

મોટા ભાગનાને યાદ આવી ગયેલી આ વાતનો સાર છે કે કોઈ સાચું બોલે તો બાકીના હસે છે, પણ સાચું એ સાચું જ રહે. શૂન્ય હંમેશાં ૩૬૦ અંશની સૌથી નજીક હોય છે, જેને બાકીના નકામો સમજે એ અંતે ખરા સમયે તરી જાય છે. સામાન્ય બુદ્ધિ ‘ને ગણતરનો મહિમા થાય છે. વાસ્તવમાં સાચો ‘ને કામ લાગે એવો સાર એ છે કે બુદ્ધિ ગમે તેટલી હોય તેનો બરાબર ઉપયોગ થવો જોઈએ. પેલા ત્રણ જણે ચોથાને કઈ બુદ્ધિથી સાથે લીધો ‘ને ચોથો કઈ બુદ્ધિથી પેલાં ત્રણ જોડે ગયો? પેલા ત્રણ જણે ખૂબ ભરેલા પેટવાળો કે બે પગે ઘણુ વાગ્યું હોય તેવો કે અંધ સિંહ બનાવ્યો હોત તો? નજીકમાં ઝાડ ના હોત તો ચોથો ભાગી ગયો હોત? સિંહ ત્રણેને ખાઈને જતો રહ્યો? પછી ચોથો ઝાડ પરથી ઊતરીને દોડતો ગયો હશે તો ત્યારે તે તમાશો જોવા ઝાડ પર ચઢેલો? વિદ્યાર્થી આવા સવાલ કરે તો પેલા ત્રણ જેવો લાગે. હશે. રામચરિતમાનસના કિષ્કિંધાકાંડમાં જાંબુવનજી સરેરાશ મગજ હોવાનું અનુભવતા હનુમાનજીને યાદ કરાવતાં કહે છે કે તમો બુદ્ધિ, વિવેક ‘ને વિજ્ઞાનની ખાણ છો. યસ, આપણે ત્યાં મનથી અલગ બુદ્ધિ ‘ને એ બંને સિવાય વિવેક ‘ને એ પછી જ્ઞાન એવમ વિજ્ઞાન હોવાનું કીધું છે. એજ્યુકેશન, ઇન્ફોર્મેશન ‘ને પ્રેક્ટિકલ સેન્સ જેવા પરિબળોથી ઉપર.

આપણે ઘણી વાર જોઈએ છે કે અમુક ધ્યાનબહેરા હોય છે. આપણે અમુક સંજોગોમાં કોઈને એ જાગતો પેશાબ કરે છે તેમ કહીએ છીએ. જ્યારે જાંબુવનજી સમજાવે છે ત્યારે હનુમાનજી પોતાની વાસ્તવિક સ્થિતિ અંગે અભાન હોય છે. એ પોતાને ઓવરએસ્ટિમેટ નથી કરતા હોતા, કદાચ અન્ડરએસ્ટિમેટ કરતાં હોય છે. હનુમાનજીને બુદ્ધિમતામ્ વરિષ્ઠમ કીધાં છે, છતાં તેઓ ત્યારે એ સ્થિતિમાં હતા. સામાન્ય યોદ્ધાને એ અનન્ય વિકટ સંજોગોમાં જે ભય લાગે તેવા કોઈ ભયમાં તેઓ નહોતા. હતું એવું કે હનુમાનજીનું મગજ એ મોડમાં હતું કે તેમને પોતાની આઠ સિદ્ધિઓ વિષે યાદ નહોતું. તેમના પોતાના મગજની ખોટી સલાહને કારણે તે જે ઇમેજિન કરતાં તેમાં સમસ્યા દેખાતી હતી એટલે બુઝુર્ગ જાંબુવનજીએ એમને સલાહ આપવી પડેલી. બાકી તેમની સમસ્યા અર્જુન જેવી ‘વિકરાળ’ નહોતી, અર્જુનના મગજને તો એવા એવા દર્શન થતાં હતાં કે કૃષ્ણએ સામાન્ય માણસને, અસામાન્ય માણસને તથા વિશેષ માણસને કામમાં લાગે તેવી તમામ સ્તરની સલાહો આપવી પડેલી.

મગજ જાણે છે કે રાઇટ, ટૂ’ને કરેક્ટ ભિન્ન છે. તેમ છતાં અથવા એટલે જ આધુનિક શાસ્ત્રો કહે છે કે મગજ જુઠ્ઠાડું છે. આપણું મગજ હકીકતના આધારે નહીં, પણ મોટે ભાગે કલ્પના ‘ને ભયના આધારે તારણ કાઢી લઈને ધારણા રજૂ કરે છે. એ તાર્કિક દલીલ નહીં, ગમતી ના ગમતી પૂર્વ ગૃહિત માન્યતા અને આસપાસના બહારના વાતાવરણમાંથી વાવવામાં આવેલી માન્યતા વડે ઘડી કાઢેલી વિભાવના પીરસે છે. સોશિયલ ‘ને કન્વેન્શનલ મીડિયા હોય કે પાડોશીઓ કે કામ પરનું જૂથ કે અંતરંગ વર્તુળ કે કુટુંબ જેવા પરિબળો દ્વારા આપણા મગજનું સંચાલન થાય છે. રિસર્ચ તથા એનાલિસીસ કહે છે કે યાદદાસ્ત એ સાચી કે યોગ્ય માહિતીનો સ્રોત નથી. કારણ કે મૂળે મગજ સાચાબોલું નથી. આપણે જેને સત્ય કહીએ છીએ કે વાસ્તવિકતા કહીએ છીએ તેનાથી મગજ અજાણ હોય છે અથવા અનભિજ્ઞ હોય છે. કેમ કે મગજ તેનું પોતાનું આગવું સત્ય બનાવીને બેઠું હોય છે. એટલે જ વ્યક્તિગત મતમતાંતર, નજર ‘ને પૂર્વગ્રંથિઓ જન્મતી ‘ને જીવતી હોય છે. આખરે સત્ય આપણે પ્રત્યક્ષ જ્ઞાન પામવામાં જે રોજબરોજ ભૂલ કરીએ છીએ તેનો શિકાર બને છે. આપણું મગજ જ સત્ય ‘ને આપણા યોગ વચ્ચે અવરોધક બને છે.

વાત મગજ બોગસ છે એવી નથી, વાત મગજની બોગસગીરીની છે. આપણી ભૂલ એ છે કે આપણે મગજને સંપૂર્ણ રીતે યોગ્ય માની બેસીએ છીએ. જેમ મોટા ભાગના માણસ કેવળ માણસ હોવાને લીધે જેમાં ખાસ માહિતી, અનુભવ ‘ને બુદ્ધિ જોઈએ તેવી બાબતમાં પણ ‘મારી પાસેય મગજ છે,’ ‘હું કહું એ સાંભળવું જ પડે’ ‘ને હું ખોટો તો તમેય ખોટા પ્રકારની જીદ કરતાં હોય છે તેમ નોર્મલ મગજ પોતાની પાસે જે હોય તે મુજબ વર્તી જાણે છે. પ્રત્યેક મગજ સર્વાઇવલ યા ડિફેન્સ મિકેનિઝમ દ્વારા સદૈવ સજ્જ હોય છે અને તેને કારણે મગજ એએનટી અર્થાત્ ઓટોમેટિક નેગેટિવ થોટ્સ પેદા કરતું રહે છે. આ એએનટી મગજને સિક્યોર રાખે છે, બીજા અર્થમાં સમજીએ તો લૉક કરી દે છે. અંતે મગજનું પોતાનું ભણતર ‘ને આપણું ઘડતર રોકાઈ જાય છે. એવામાં મગજ અધૂરી, સાચી ના હોય તેવી કે ક્ષતિગ્રસ્ત વાતોને ક્વૉલિટી ચેક પાસનું પ્રમાણપત્ર આપી દે છે. મગજ એક રીતે જાણે છે કે એ જુઠ્ઠું કહે છે. ભલે એ અન્ય કોઈ રીતે એવું માનતું હોય કે તે જે કહે છે તે કુલ મિલાકે અયોગ્ય નથી. આખરે આજનું મગજ સદીઓની ઉત્ક્રાંતિની સફરમાં ભય અને ભયમાં કેવી રીતે જીવતા બચવું એ ભણતર પામ્યું છે.

આ મુદ્દે અભ્યાસુઓએ સાત મુદ્દા તારવ્યા છે, સાત રીત જે થકી મગજ તેના ધારક સાથે ઠગાઈ કરે છે. અતિમહાદર્શન- સમસ્યા વાસ્તવમાં હોય તેના કરતાં મગજ ઘણી મોટી બતાવે તથા એક કે વધુ રીતે ઘણુ અનિષ્ટ થશે તેવું સમજાવે. શ્વેતશ્યામદર્શન- મોટા ભાગની બાબત કે વસ્તુ પરત્વે કાયમ ક્યાં તો એ શ્રેષ્ઠ છે ક્યાં તો એ કનિષ્ઠ છે એમ માત્ર બે અંતિમ છેડા જ બતાવે. પ્રતિષેધદર્શન- ધારકની નજર પર નકારાત્મકતાના ચશ્મા ચોંટાડી દે જેથી તેને કશું જ સારું ના દેખાય.

ખાસ કરીને જેના જીવનમાં અત્યંત વેદનાકારી ઘટના બની હોય કે જેણે લાંબા સમય માટે દુઃખ જ અનુભવ્યા કર્યું હોય તેનું મગજ આ મોડ પર આવી જાય છે. દક્ષદર્શન- મગજની આ ઢબ જાતકને સ્વયંની નબળાઈ જ દેખાડ્યા કરે ‘ને તેને સુધારવા માટે જ મરીમસાલો આપ્યા કરે. કોમનલી આવા માણસો પર્ફેક્શનિસ્ટ તરીકે વખાણ કે ટીકા પામતા હોય છે. સ્વપાપદર્શન- મગજ જ્યારે ધારકને આ પદ્ધતિની દીક્ષા આપી દે છે ત્યારે માણસ પોતાનામાં રહેલાં નગણ્ય કે થોડાં નકારાત્મક પાસાં પરથી નજર હટાવી જ નથી શકતો, તે પોતાનામાં રહેલા હકારાત્મક પાસા સ્વીકારી જ નથી શકતો.

સ્વયં પ્રત્યે તેને અભાવ થાય છે ‘ને એક સમયે તે ખુદની ઘૃણા કરવા લાગે છે. ભવિષ્યદર્શન- આ રસ્તો માણસને એ અવસ્થામાં મૂકી દે છે જેમાં તેને આસપાસના રિયલ કે ઇન્ટરનેટ પરના વર્ચ્યુઅલ લોકો પોતાના વિષે ખરાબ વિચારે છે તેવું ફીલ કરાવે, વધતા-ઓછા અંશે સ્કિટઝોફ્રેનિક કે પેરેનોઇડ બનાવી દે. બલિદર્શન- આ દશામાં મગજ ચાલે ત્યારે માણસ દરેક પગલે કોઈ પણ દુઃખજનક ક્રિયા કે બનાવ માટે અન્યને દોષિત ગણે ‘ને પોતાને શિકાર. ઘણા બાળકો આ દશાના પાંજરામાં પોતાને લૉક કરીને ચાવી સંતાડી દેતા હોય છે. આવા માણસો નિર્જીવથી લઈને ઈશ્વર સુધીના તત્ત્વો સાથે બ્લેમ-ગેમ રમીને જાતે જ હારી જતા હોય છે.

આ તમામ ‘દર્શન’ મોડ એક જ ધ્યેય લઈને મચ્યા હોય છે- માણસને બાંધી રાખવો. પ્રગતિ ના થવા દેવી. ઉત્ક્રાંતિ રોકવી અને શક્ય હોય તો અધોગતિ કરાવવી. આવા મોડ ક્યારેક માણસને પથ્થર કે શાકભાજી તુલ્ય બનાવી દે છે તો ક્યારેક જાનવર. અલબત્ત, આ મોડઝમાંથી મગજને બહાર કાઢી શકાય છે. માણસે સૌપ્રથમ તો એ સ્વીકારવું રહ્યું કે પોતાના મગજમાં તકલીફ છે. ના, પોતે રોગી છે તેવું માનવું જરૃરી નથી. પોતે સ્વસ્થ થવાની જરૃર છે તે સ્વીકારવું પડે. પોતે જે વિચારે છે એ બધું સાચું નથી હોતું. માણસ પાસે મગજ એવમ બુદ્ધિ હોય તેથી શું? વિવેક એટલે સહી-ગલત વચ્ચેનું અંતર પારખવાની આવડત માણસે વિકસાવવી રહી. માણસે પોતાનું જ્ઞાન વિસ્તારવું રહ્યું અને તેમ કરીને પોતાના વિચારોમાંથી વિણામણ બહાર કાઢવું પડે. પાણી, પ્રકાશ ‘ને ખાતર સાથે મહેનત જો નીંદણને મળે તો પાક કરતાં વધારે એ હૃષ્ટપુષ્ટ થતાં જશે ‘ને અંતે પાક અકાળે નિધન પામશે.

ઘણા સંસારીઓ સાક્ષી ભાવ અંગેની વાતો કરતાં હોય છે. સાક્ષી ભાવ હોય તેણે બહારના કોઈને એમ કહેવું પડે કે હું સાક્ષી ભાવમાં રહું છું? જોનારને એમનેમ જ ખબર પડી જાય કે આ મારા ‘ને મારા જોવા અંગે પણ સાક્ષી ભાવ ધરાવે છે. ખેર, તટસ્થ ભાવથી સ્વયમને જોવી ‘ને ચકાસવી એ શક્ય છે. મગજ જે હોય તે, ખરી તાકાત મનમાં છે. મનની મદદથી મગજની ગતિવિધિનું નિરીક્ષણ કરી શકાય છે. મગજ ક્યાં કેવી રીતે ઉલ્લુ બનાવે છે? પોતાને ‘ને બીજાને અને પકડાય છે ત્યારે કેવી દલીલો કરે છે? વિચારો દબાવવાના નથી, તેનું નિયમન કરવાનું છે. વિચારો સાચી દિશામાં સાચી સફર કરીને સાચા ઉદ્દિષ્ટ કે નિર્દિષ્ટ સ્થાન પર પહોંચવા જોઈએ. પોતાના અંતરને જાણવા, સમજવા ‘ને સુધારવા જાસૂસ ભાવ વધુ કામનો છે. બી યોર ઓન પર્સનલ ઇન્વેસ્ટિગેટર.

વિચારો કરવા અને વિચારો આવવા એ બંને મામલો નોખો છે. ઇરાદાપૂર્વક વિચાર કરો અને નુકસાનકર્તા વિચારોને કાઢી મૂકો. પોતાની જાતનું એક માતાની જેમ જતન કરવું જરૃરી છે. એવી પ્રવૃત્તિ શોધી અને તેમાં પોતાની જાતને ગૂંથી કાઢો કે જેમાં સ્વયંનું જાતે લાગણીથી જતન કરી શકાય. માણસ પથ્થર નથી કે મગજ તેને ટાંકણા, વીંધણા ‘ને વિવિધ હથોડીઓથી શિલ્પ બનાવે. માણસ નથી હરાયું ઢોર કે નથી પાલતુ પશુ. માણસ કોઈ શાકભાજી નથી. દુર્ગુણ, મર્યાદા ‘ને અક્ષમતાને છોલવા, સમારવા ‘ને બાફવા સિવાય પણ રસ્તા હોય છે. યાદ રહે કે મગજ જ્યારે આપણને સાચા ‘ને સારા કામમાં ના આવે ત્યારે તે બરાબર કામ નથી જ કરતું. આનંદની વાત તો એ છે કે મગજ જ્યારે બોગસગીરી કરે છે ત્યારે જ એવા મોડ પર કામ કરે છે. બીજી રીતે સમજીએ તો મગજ પોતે બોગસ નથી કે કાયમ માટે બોગસગીરી કરે એવું ફરજિયાત નથી. આપણે એવું સમજીને બેસી રહીએ કે આપણે મગજ પર ડિપેન્ડન્ટ છીએ એ ખોટું.

ખરેખર તો મગજ આપણા પર ડિપેન્ડન્ટ હોય છે. મગજ પણ મનની જેમ જ્યાં દોરીએ ત્યાં જાય, તે રીતે જાય. વેલ, જો આપને ખાતરી હોય કે આપનું પોતાનું મગજ પોતાના કહ્યામાં છે ‘ને આપનું જીવન બરાબર જઈ રહ્યું છે તો સારું છે. બાકી મગજ મારું હોય કે તમારું, એ માંસમજ્જાનો એવો બહુરૃપી લોચો છે કે જેમાં આપણે જેવા પ્રાણ ફૂંકીએ તેવું એ કામ આપે અને આપણે તો જાણીએ જ છીએ કે તીતીઘોડા, સિંહ ‘ને શેતાન સિવાય આ અસ્તિત્વમાં બીજા ઘણા બધાં કામના સ્વરૃપ છે.

બુઝારો – મગજ શબ્દ ફારસી શબ્દ મઘ્જ પરથી આવ્યો છે. ઘડી માટે તેને સંસ્કૃત શબ્દ ગણી લઈએ તો સંસ્કૃતમાં મગ અર્થાત્ જાદુગર એટલે મગજ અર્થાત્ જે જાદુગરમાંથી જન્મેલું છે તે યાને જાદુ થાય.
—————————–

ચર્નિંગ ઘાટ. ગૌરાંગ અમીન
Comments (0)
Add Comment