હસતાં રહેજો રાજઃ શિક્ષણ અને સંસ્કાર

જીવનમાં અજ્ઞાનતાથી મોટી કોઈ આફત નથી
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

જે.  કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે માણસને શિક્ષક, વકીલ, ઇજનેર કે દાક્તર થવા માટે તાલીમ આપવામાં આવે છે, પરંતુ સારાં મા-બાપ થવા માટે કોઈ તાલીમની વ્યવસ્થા નથી. જોકે હું તો એમ લખીશ કે સારા માણસ થવા માટેની તાલીમ મળવી જોઈએ. માણસ સારામાં સારો લેખક, કવિ, કલાકાર, નેતા કે ખેલાડી હોય, પરંતુ જો સારો માણસ ન હોય તો બધું નિરર્થક છે.

આજનો માણસ ઉપગ્રહ છોડી શક્યો, પરંતુ પૂર્વગ્રહ છોડવામાં નિષ્ફળ ગયો. માણસે મંગલ ઉપર જીવન છે કે નહીં તે જાણવામાં ખૂબ મહેનત કરી, પરિણામે જીવનમાં શું મંગળ છે તે જાણવાનું ભુલાઈ ગયું.

‘જે માતાજી બાપુ’ મેં ચંદુભાની હોટલમાં પ્રવેશ સાથે મારા આગમનની આ રીતે જાણ કરી.

‘જે માતાજી લેખક, હું તમારી જ રાહ જોતો હતો.’ ચંદુભાએ આમ કહી મારી આતુરતા વધારી દીધી.

‘મારી રાહ મારો પરિવાર જોતો નથી અને આજે તમારે શા માટે રાહ જોવી પડી?’ મેં સાચંુ ચિત્ર રજૂ કર્યું.

‘તમારા પરિવારને તમારી કદર હોય કે ન હોય, પરંતુ તમારા મિત્રોને તમારી કદર છે. અમે તો તમારા માર્ગદર્શનની રાહ જોઈને બેસીએ છીએ.’ બાપુ બોલ્યા.

‘હું પત્નીને એમ કહું કે આજે ભીંડાનું શાક ખાવાનું મન થયું છે તો ગુવારનું રાંધે છે.’ મેં મજાક કરી.

‘તું ભાભીને નાહક બદનામ કરવાનું રહેવા દે, અમને ખબર છે. ભાભીના કારણે તું આટલો સુખી છે.’ અંબાલાલે મારી પોલ ખોલી નાખી.

‘બોલો બાપુ, શું કામ હતું?’ હું મુદ્દા ઉપર આવી ગયો.

‘હું અને અંબાલાલ ચર્ચા કરતા હતા કે અત્યારે પરિણામની સિઝન ચાલે છે. પહેલા દસમા-બારમા ધોરણનાં પરિણામ આવ્યાં અને પછી તેવીસમી તારીખે ચૂંટણીનાં પરિણામ આવ્યાં.’

‘એમ કહો કે પહેલા ભણેલા લોકોનાં પરિણામ આવ્યાં અને પછી અભણ માણસોનાં પરિણામ આવ્યાં.’ અંબાલાલે રમૂજ કરી.

‘ઉમેદવાર બધા અભણ હોય એવું નથી. એમાં ઘણા ખૂબ ભણેલા પણ હોય છે.’ મેં શિક્ષિત ઉમેદવારોનો પક્ષ લીધો.

‘અમારી ચર્ચાનો વિષય હતો કે શિક્ષણના પરિણામની માણસના જીવનમાં કેટલી અસર થાય છે.’ ચંદુભાએ વિષયની ચોખવટ કરી.

‘જુઓ ભાઈ, મેડિકલ, એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પરિણામની ટકાવારી ખૂબ ભાગ ભજવે છે, પરંતુ સારા માણસ બનવા માટે ભણવા કરતાં ગણવાની વધુ જરૃર પડે છે.’

‘એક દિવસ સવારના પહોરમાં મારા કાકાએ છાપું ખોલ્યું અને મોટો નિસાસો નાખ્યો.’ અંબાલાલે વાત માંડી.

‘કેમ?’

‘એ બોલ્યા કે, અરે રામ… રામ… કેવડો મોટો અકસ્માત થયો. કેવા નાના-નાના છોકરા-છોકરીઓને ઈજા થઈ. કોઈને એંસી ટાંકા તો કોઈને નેવું ટાંકા લેવા પડ્યા છે.’

‘શું વાત કરે છે?’

‘બાપુ સાંભળ્યા વગર પ્રતિભાવ ન આપશો. મેં છાપું જોયું તો ખબર પડી કે એસ.એસ.સી.નું રિઝલ્ટ બહાર પડ્યું છે અને મારા કાકા જેને ટાંકા કહે છે તે ટકા છે.’ અંબાલાલે વાત પુરી કરી.

‘તારા કાકાને પૂછડા વગરનું પશુ કહેવો જોઈએ.’ ચંદુભાનું ક્ષત્રિય લોહી ઊકળી ઊઠ્યું.

‘જીવનમાં અજ્ઞાનતાથી મોટી કોઈ આફત નથી. એકવાર આપણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મહેતાસાહેબ એક ટેલિગ્રામ વાંચીને રડવા લાગ્યા.’

‘મહેતાસાહેબ રડવા લાગ્યા?’

‘હા… પોક મુકીને રડવા લાગ્યા. શિક્ષકો, શિક્ષિકાઓ ટોળે વળી ગયાં. સૌને થયું કે આચાર્ય ઉપર શું આફત આવી કે પોક મુકીને રડે છે.’

‘ખરી વાત છે. શું કારણ હતું ભાઈ?’

‘કોઈકે કારણ પૂછ્યું તો સાહેબ બોલ્યા કે મારી બા ગુજરી ગયા.’

‘મા મરી જાય તો ગમે તેવા પાષાણ હૃદયના માણસને પણ રડવું આવે.’ ચંદુભા બોલ્યા.

‘થોડીવારમાં પટાવાળો આવ્યો. એણે પ્રિન્સિપાલને રડતાં જોઈને કારણ પૂછ્યું તો કોઈકે કહ્યું કે, મહેતાસાહેબના બા ગુજરી ગયા. આ સાંભળી પટાવાળો કહે, મારી બા પણ ગુજરી ગયા. કોઈકે કહ્યું કે સાહેબ ઉપર તો ટેલિગ્રામ આવ્યો છે. ત્યારે પટાવાળો બોલ્યો કે એ મારા ઉપર આવ્યો છે. મેં રજા લેવા માટે સાહેબના ટેબલ ઉપર મુક્યો હતો.’

‘આ લે… લે… આ તો ભારે થઈ.’

પટાવાળાની વાત સાંભળી મહેતાસાહેબે રડતાં રડતાં શાંતિથી ટેલિગ્રામ વાંચ્યો તો રડતાં જડબાં સ્થિર થઈ ગયા.’

‘કેમ?’

‘એ ટેલિગ્રામ પટાવાળા ઉપર આવેલો હતો. મહેતાસાહેબે ઘેર ફોન કર્યો તો એમના માતુશ્રીએ જ ઉપાડ્યો.’

‘આ…તો…રમૂજ થઈ ગઈ.’

‘મેં શરૃઆતમાં કહ્યું ને કે જીવનમાં અજ્ઞાનતાથી મોટી કોઈ આફત નથી. જ્ઞાન મેળવવા માટે શિક્ષણ જરૃરી છે, પરંતુ આજનું શિક્ષણ માત્ર ડિગ્રી આપે છે, જ્ઞાન નહીં.’ મેં વાત પુરી કરી.

‘પૂ. મોરારિબાપુ એસ.એસ.સી.માં ત્રણ વખત નાપાસ થયા હતા.’ ચંદુભાએ માહિતી આપી.

‘શું વાત કરો છો?’ નાપાસ થવાની હૅટટ્રિક?’ અંબાલાલે પૂછ્યું.

‘હા… હૅટટ્રિક… છતાં અત્યારે લાખો માણસો એમને સાંભળવા માટે નવ-નવ દિવસ સુધી બેસી રહે છે. અમિતાભ બચ્ચન આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા હતા.’

‘બિગ બી અવાજની પરીક્ષામાં નાપાસ?’

‘હા… છતાં આજે એમના અવાજ ઉપર કરોડો ચાહકો ફિદા છે.’

‘બાપુ… તમે સાવ સાચા ઉદાહરણો આપ્યા છે. પરીક્ષાની અંદર પાસ કે નાપાસ થવાથી માણસ જિંદગી હારી જતો નથી. અત્યારે બે-પાંચ ટકા ઓછા આવે અને વિદ્યાર્થીઓ આપઘાત કરી બેસે છે. એ સાબિત કરે છે કે શાળામાં સાચું શિક્ષણ આપવામાં આવ્યું નથી.’

‘સા વિદ્યા યા વિમુક્તયે… જે મુક્તિ અપાવે તે વિદ્યા છે.’ અંબાલાલે સૂત્રપાત કર્યો.

‘સરકાર ભાર વગરના ભણતરની વાતો કરે છે, પરંતુ ભણતરનો બોજ હળવો કરવામાં શિક્ષણ-જગત નિષ્ફળ ગયું છે. બીજું, વાલીઓની વધુ પડતી અપેક્ષાઓ બાળક ઉપર બોજ બની જાય છે.’

‘એવા વાલીને વાલી બદલે મવાલી કહેવા જોઈએ.’ બાપુ ઊકળી ઊઠ્યા.

‘હું એક સવારે બજારમાં જતો હતો ત્યારે ચાર-પાંચ વિદ્યાર્થીઓ એક વ્યક્તિને હાથ-પગથી પકડીને ઊંચકીને લઈ જતા હતા.’ અંબાલાલે કહ્યું.

‘ઊંચકીને??’ મેં પૂછ્યું.

‘હા… મેં કહ્યું કે બળજબરીથી ભણાવશો તો એ ભણશે નહીં.’

‘બરાબર છે.’

‘ત્યારે પેલા વિદ્યાર્થીઓ બોલ્યા કે અમે એમને ભણવા માટે નહીં, પરંતુ ભણાવવા માટે લઈ જઈએ છીએ. આ વિદ્યાર્થી નથી, પરંતુ શિક્ષક છે.’

‘શું વાત કરો છો?’

‘હા… આ રીતે શાળાએ જાય એ શું ભણાવે? જે. કૃષ્ણમૂર્તિએ સાચું કહ્યું છે કે શાળાઓ દાક્તર અને વકીલ તૈયાર કરે છે, પરંતુ સારો ઇન્સાન તૈયાર કરતી નથી.’ અંબાલાલે વાત પુરી કરી.

‘જૂના જમાનામાં ગુરુકુળ હતા. ત્યાં જાતે રાંધવું, જાતે લાકડાં કાપવા, ગુરુની સેવા કરવી અને વિદ્યાભ્યાસ કરવો એવી વ્યવસ્થા હતી ત્યારે જે શિક્ષણ મળતું એ સંસ્કાર સાથેનું શિક્ષણ હતું. જીવનમાં કાર નહીં હોય તો ચાલશે, પરંતુ સંસ્કાર વગર ચાલશે નહીં.’ મેં કહ્યું.

‘વાહ… લેખક… લાખ રૃપિયાની વાત કરી છે. અમારી ચર્ચાનો અમને જવાબ મળી ગયો.’ ચંદુભા બોલ્યા.
———————–

જગદીશ ત્રિવેદીહસતાં રહેજો રાજ.
Comments (0)
Add Comment