આપણા કાશ્મીરમાં નિઓલિથિક માનવી

કાશ્મીરી ભાષા અનુસાર બુર્જહોમ અર્થાત્ ભૂર્જનું રહેઠાણ.
  • ચર્નિંગ ઘાટ –  ગૌરાંગ અમીન

ભારત ભરમાં પુરાતત્ત્વનો મામલો તત્ત્વતઃ અધૂરો રહ્યો
આપણા કાશ્મીરનો ઇતિહાસ બેઉ બાજુથી અધમૂઓ થયો

બર્ચ અર્થાત્ ચાંદી જેવી ચળકતી સફેદ છાલ વાળું વૃક્ષ. મૂળ શબ્દ સંસ્કૃતનો ભૂર્જ છે. ભોજ એટલે ઉદાર, આનંદી જીવ કે ગાયનું ધણ. અસાધારણ રાજા. ભોપાલના મૂળ નામ ભોજપાલ, રાજા ભોજ ‘ને ભોજન શબ્દમાં છે તે ભોજ, ભૂર્જ  નહીં. શાસ્ત્ર જેના પર લખાયેલા તે ભોજપત્ર નહીં, ભૂર્જપત્ર છે. બુરજ અલગ ચીજ. કિલ્લાના મથાળા ઉપર તોપ ગોઠવવાને માટે કાઢેલી અગાસી જેવી રાવઠી, કિલ્લાની દીવાલને ચાર ખૂણે બહાર કાઢેલો તે તે ગોળાકાર અને દીવાલમાં અમુક અમુક અંતરે તે તે ચોરસ કે લંબચોરસ કોઠો જેના ઉપર રહી સૈનિકો કિલ્લા ઉપર આક્રમણ કરનાર શત્રુ સામે અસ્ત્રોથી લડી શકે, કોટ ઉપર તોપનો મોરચો માંડવાનો ગુંબાર, તોપ વગેરે મૂકવાને કિલ્લાના મથાળાની બહાર પડતી બાજુએ અથવા મેદાનમાં ઊંચું ગોળાકાર પોલું અથવા નક્કર ચણતર. હાથણી, પુસ્તો, ઘુમ્મટ, મિનારો, ગુંબજ, દીવાદાંડી. બુર્જ મૂળે અરબી શબ્દ. અંગ્રેજીમાં બટ્રેસ, જેના મૂળમાં ભૂમિનો ભૂ ‘ને ભૌમનો ભૌ છે. અરબસ્તાનમાં બર્ચ જેવા વૃક્ષ હોઈ ના શકે. તેમ છતાં બર્ચ, બુર્જ અને બટ્રેસ ત્રણે શબ્દના મૂળમાં ભૂ છે એ વાતમાં ફક્ત ભારતીય મૂળની ભાષા પ્રત્યે નકારાત્મક અભિગમ હોય તેને જ શંકા જાય.

ભારતમાં હિમાલયનો વિસ્તાર એટલે આ ભૂર લોકમાંથી જન્મેલી ઊર્જા એવા ભૂર્જના વૃક્ષોનું ઘર, જે વૃક્ષની છાલ એવં પર્ણ ઉત્તર ભારત આસપાસના માનવીઓ લેખન માટે ઉપયોગમાં લેતાં. કાશ્મીરમાં શારદા પીઠ નામની મહાવિશ્વવિદ્યાલય હોય કે કોઈ સાધારણ પંડિતની વ્યક્તિગત કવિતા, ભૂર્જપત્ર તે સમયનો કાગળ હતો. સંસ્કૃત સિવાયની ભાષામાં પણ જે લખાતું તે ભૂર્જપત્ર પર લખાતું. શક્ય છે ભૂર્જપત્ર પર લખતાં પહેલાં માનવી એટલો પઢાકુ કે ભણેશ્રી ના થયો હોય. બેશક ભારતીય સંસ્કૃતિએ બોલી ‘ને સાંભળીને અપાતા-લેવાતા જ્ઞાનનો સમય જોયેલો છે. કિન્તુ, ત્યારે પણ ભાષા તો પૂર્ણ રીતે વિકસેલી હોય જ અને ઓછું વધતું ભૂર્જપત્ર પર લખાયેલું હશે જ. સંભવ છે કે એ પહેલાં મનુષ્ય ‘ને તેનું શિક્ષણ વા જ્ઞાન કક્કો બારાખડી વડે સુસજ્જ એવી ભાષાની કક્ષાથી દૂર હોય, એ માત્ર ચિહ્નથી કામ ચલાવતો હોય. શક્ય છે ભૂર્જપત્રનું વાંચન કરતાં માનવીના સમૂહની હયાતીમાં જ એક કે વધુ માનવ જૂથ એવા હોય જે એ પ્રકારના ભાષાકારણથી દૂર હોય. ૧૯૩૬-૩૯માં પહેલી વાર એવું શોધાયું કે આપણા કાશ્મીરમાં એવી પુરાણી કે આદિમ હિસ્ટ્રી છૂપાયેલી હોય તેવી જગ્યાઓ છે. એવી જગ્યાઓ જ્યાં આધુનિક પરિભાષા મુજબના ઉત્તર પથ્થરયુગીય યાને નિઓલિથિક અને વિશાળ પથ્થરોનો ઉપયોગ કરતાં મેગલિથિક માનવીઓની વસ્તીના પુરાવા હોય.

પ્રાગૈતિહાસિક કાળની એ નૂતન પાષાણ એવં મહાપાષાણ સંસ્કૃતિનું પ્રથમ સ્થળ જડી આવેલું શ્રીનગરની ઉત્તર-પૂર્વમાં નસિમ-શાલીમાર રોડ પર દાલ સરોવર ‘ને જબરવન પહાડીઓ વચ્ચે. જે ભૂમિમાં પ્રાચીન સમયમાં સતીસર નામનું મહાસરોવર હતું તેના ક્ષેત્રફળમાં. તેલબલ ગામ પાસે. જગ્યાનું નામ છે બુર્જહોમ. કે બુર્ઝહોમ. કાશ્મીરી ભાષા અનુસાર બુર્જહોમ અર્થાત્ ભૂર્જનું રહેઠાણ. કાશ્મીરમાં ‘હોમ’ પ્રત્યય નોર્મલ છે. કાશ્મીરમાં મન્દહોમ, નિચહોમ, બાલહોમ, દોદરહોમ જેવા ‘હોમ’ ઉપસર્ગધારી ઘણા પ્લેસ છે. બુર્જહોમ ખ્રિસ્તના ત્રણ હજાર વરસ પહેલાંની માનવ વસાહત. જે-તે સમયમાં આ વિસ્તારમાં ભૂર્જ વૃક્ષોનું વન હશે. જંગલમાં ખાવાલાયક વસ્તુઓ વિપુલ પ્રમાણમાં હશે. સ્વત્રંતતા પછી ૧૯૬૦-૭૧ દરમિયાન જાણીતા પુરાતત્ત્વશાસ્ત્રી ટી. એન. ખજાનચીના માર્ગદર્શનમાં થોડું વિગતે ખોદકામ હાથ ધરવામાં આવેલ. ઘણા આ સ્થળ ઇસુ પૂર્વે છ હજાર વર્ષ જૂનું માને છે. અહીં એવા પુરાવા મળ્યા છે જે સિદ્ધ કરે છે કે અહીં રહેતી પ્રજાને ભારતના અન્ય સ્થાનમાં રહેતાં લોકો તેમ જ મધ્ય એશિયા અને દક્ષિણ પશ્ચિમ એશિયાના લોકો સાથે સંબંધ હતા. અહીં હરપ્પાની સિંધુ સંસ્કૃતિ સાથે તાલમેલ ધરાવતી સંસ્કૃતિ હતી. અગિયાર વરસના ખોદકામ દરમિયાન એવું જાણી શકાયું છે કે ચાર અંતરાલ દરમિયાન અહીં સતત માણસો રહેતાં હતાં.

પ્રથમ અંતરાલની નોંધપાત્ર શોધ છે વિશિષ્ટ ખાડાઓ. બુર્ઝહોમના પ્રારંભિક નિઓલિથિક નિવાસ એકમો પથ્થર સાધનોનો ઉપયોગ કરીને ભૂમિ સ્તર નીચે ખોદેલા ખાડાઓ હતા. ખાડાઓની બાજુઓ કાદવથી ઢાંકેલી કહો કે લીંપણ કરેલી હતી. આ ખાડાઓએ કાશ્મીરની કાતિલ ઠંડ દરમિયાન એ પ્રારંભિક નિઓલિથિક લોકોને રક્ષણ પૂરું પાડ્યું હશે. એ પીટ કે પોટ સામાન્ય રીતે ગોળ અથવા અંડાકાર છે અને ટોચ પર તથા પહોળાઈમાં સાંકડા હોય છે. અમુક ખાડા ચોરસ અને લંબચોરસ પણ છે. ખાડાઓની આસપાસ દેખાતાં છિદ્રો કદાચ ભૂર્જ વૃક્ષની ડાળીઓથી બનેલી છતને ટેકો આપવા વપરાયેલ લાકડાની ધ્રુવોને ગોઠવવા માટે ઉપયોગમાં લેવાયા હશે. કેટલાક ઊંડા ખાડાઓમાં નીચે તરફ દોરી જતાં પગલાંઓ મળી આવ્યા છે, જ્યાં પગથિયા અને સીડી હશે. એ ખાડાઓની ટોચ પર ભૂર્જપત્રો બિછાવેલા રહેતા હશે. કાર્બન ડેટિંગ દ્વારા જાણી શકાયું છે કે આ સાઇટની નિઓલિથિક સંસ્કૃતિ ઇ.સ. પૂર્વે ત્રીજી સહસ્ત્રાબ્દીની છે, ૨૩૫૭ બીસી પહેલાંની.

બુર્ઝહોમના આ પ્રારંભિક નિઓલિથિક લોકોએ વિવિધ આકાર અને કદમાં સામાન્ય રાખોડી અથવા લાલ-ભૂરા રંગના હસ્ત બનાવટનાં વાસણો વાપરતાં હતાં. પ્રાણીઓનાં હાડકાં અને શિંગડામાંથી અવનવા સાધનો પણ બનાવ્યાં જેમાં માછીમારી માટે વાપરવાનો કાંટાળો ભાલો, સિલાઈ માટે સોય, તીર ‘ને બરછીના માથા અને શિકાર માટેનાં અન્ય સાધનોનો સમાવેશ થાય છે. ખાડાઓમાંથી રાખ, કોલસો અને માટીકામના ટુકડાઓ મળી આવ્યા હતા. અમુક ખાડાઓમાં માટીનાં વાસણ પકાવવાની નાની ભઠ્ઠીઓ છે. એક ખાડામાં એક ગ્રાઇન્ડિંગ પથ્થર મળી આવેલો. છરી, વાળ કાપવા માટે કાશ્મીરી હરણ હાંગુલનાં હાડકાંમાંથી બનેલ રાબિયાં અને વિવિધ કામમાં વપરાય તેવા મુશળ પણ મળ્યા છે. બુર્ઝહોમ ખાતેના નિઓલિથિકના પ્રારંભિક તબક્કામાં કોઈ પણ દફનવિધિના પુરાવા પ્રાપ્ત થયા નથી, શું એ લોકો શબને અગ્નિદાહ આપતા હતા કે ગીધ યા અન્ય વન્ય જીવોને ખાવા માટે ક્યાંક છોડી આવતા? ખાસ જાણવા જેવું એ છે કે હાલના પાકિસ્તાનમાં આવેલા સિંધમાં ઇસા પૂર્વે ૩૩૦૦ વર્ષ પુરાણી જે કોટ-ડીજી વસાહત મળી આવેલી ત્યાં વપરાયેલાં વાસણો અને અહીંનાં વાસણોમાં સહજ સામ્યતા છે.

બીજા તબક્કા દરમિયાનના મળી આવેલા વિશિષ્ઠ ખાડાઓ પરથી જાણવા મળ્યું કે લોકોએ જમીનના સ્તરે બનેલા માળખામય ખાડામાંથી બહાર આવીને જમીનના સ્તરે કાદવના ઝૂંપડાઓમાં રહેવાનું શરૃ કરેલું. જોકે મૂળ ખાડાઓએ અને તેની સાથે સંકળાયેલા ખંડોએ એકથી વધુ માળના માળખાના બેઝ ફ્લોરનું રૃપ લીધેલું. ખાડાઓને કાદવના પ્લાસ્ટરથી આવરી લીધેલા અને ક્યારેક દીવાલો ગેરુઆ રંગથી ચિતરી હતી. ખાડાઓના પાછળના છિદ્રો પરથી જાણવા મળ્યું છે કે માટીના ભોંયરા પર બનેલા માળ લાકડાથી બનાવવામાં આવેલા. આ સમયગાળો પ્રથમ વખત નિઓલિથિક લોકોની દફનવિધિને પ્રકાશમાં લાવે છે. માનવીય અને પશુના હાડપિંજર બંને ઊંડા અંડાકાર આકારના ખાડામાં મળી આવ્યા હતા, જે ક્યાં તો નિવાસ એકમોના ફ્લોરની નીચે અથવા તેની આસપાસના ભાગમાં સ્થિત હતા. આ ખાડાઓ રાખ, પથ્થરો અને ઠીકરાંથી ભરેલા હતા. અહીં મળી આવેલી માનવ ખોપડીઓમાં અસામાન્ય છિદ્ર છે, શસ્ત્રવિદ્યાથી થયેલા હોય એવાં છિદ્ર. અમુક ખાડાઓમાં, કૂતરાઓનાં હાડકાં સાથે સાબરના હાડપિંજર મળી આવ્યા છે. એ સિવાય વરુ, ઘેટાં, બકરાં જેવાં પ્રાણીઓના અસ્થિ સાથે બેઠેલી અવસ્થામાં માનવ હાડપિંજર મળી આવ્યા છે. અમુક ખાડા ખાલી છે.

વૈજ્ઞાનિકોએ આગળના કાળની માફક આ કાળમાં પણ જુદા જુદા પ્રકારનાં ઘઉં, જવ અને મસૂરના બીજની ઓળખ કરી છે. પોટરીના વિષયમાં અગાઉના સમયગાળાની તુલનામાં આ પિરિયડ ચઢિયાતો છે. જેમાં હાથ બનાવટની સરસ પૉલિશ કરેલું માટલું કે માન અને સ્ટેન્ડ સાથેની ડિશ તેમ જ લાંબા મોઢા વાળો કુંજો રસપ્રદ છે. અર્ધ-કિંમતી પથ્થરથી બનેલા ૯૫૦ સુંદર માળાથી ભરેલા લાલ ચક્રથી બનેલું એક વાસણ ખરેખર અદ્ભુત છે. એક લાલ રંગના પોટ પર લાંબા શિંગડા અને લબડેલા કાનવાળા જંગલી બકરીનું ચિત્ર છે. આ અવધિની જબરદસ્ત શોધ બે સ્વતંત્ર ગોઠવાયેલા પથ્થરનાં બે સપાટ ચોસલાં છે. એક પર ખાસ કોતરણી નથી. અન્ય પથ્થર ૧૯ ઇંચ બાય ૧૧ ઇંચનો છે, જેની એક ચકચકિત બાજુ પર શિકારના દૃશ્યનું રેખાંકન છે. એક શિકારી ભાલા સાથે, એક હરણ અને બીજો શિકારી તીરને છોડવાની પ્રક્રિયામાં દર્શાવે છે.

વળી એ પથ્થર પર સૂર્યની ગતિનું ચિત્ર છે, જાણે એક સાથે બે સૂર્ય ચિતર્યા હોય. તેની પર કોતરવામાં આવેલા આંકડાનુમા ચિહ્ન પણ સ્પષ્ટપણે દૃશ્યમાન છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડમેન્ટલ રિસર્ચના મયંકભાઈનું કહેવું છે કે એ બે સૂર્ય નથી. ચંદ્ર અને સુપરનોવા છે. સુપરનોવા એચબી ૯. અમુક તારા જ્યારે

મૃત્યુ પામે ત્યારે પ્રચંડ ઊર્જા ‘ને પ્રકાશ સ્ખલિત થાય છે જે બનાવ સુપરનોવા તરીકે ઓળખાય છે. જાણે કોઈ નવો તારો જન્મ્યો હોય તેવું દેખાય. એચબી ૯ સુપરનોવા ઘટના ખ્રિસ્તના ૪૬૦૦ વર્ષ અગાઉ બનેલી. વત્તા એમનું કહેવું છે કે પેલા શિકારીઓવાળું ચિત્રાંકન મૃગશીર્ષ અને વૃષભ નક્ષત્ર સંબંધિત છે. જો એમના અવલોકનમાં સચ્ચાઈ હોય તો એ પથ્થર વિશ્વમાં સૌ પ્રથમ પુરાવો ગણાશે, જેમાં પહેલા વહેલા મનુષ્યોએ અવકાશ અંગેની ચોક્કસાઈ સાથેની નોંધણી કરી હોય. બીજી એક જોરદાર માહિતી એ મળી છે કે એ સમયના માણસોના મસ્તકનો ભાગ એટલે કે શીર્ષ ભાગ સામાન્ય કરતાં ઊંચો હતો.

બુર્જહોમમાંથી થર્ડ પિરિયડના નવ્યપાષાણ યુગ કે નવપપ્રસ્તાર યુગના નોંધપાત્ર અવશેષ પણ મળી આવેલા છે. અંગ્રેજીમાં મેગાલિથિક સમયના પથ્થરના સ્મારક સ્તંભ કે સ્તંભમંડળને મેન્હિઅર કહેવાય છે.  બ્રિટનના સ્ટોનહેન્જ જેવા એ સ્ટ્રક્ચર ત્યાંના રહેવાસીઓના તાપમાનમાં થયેલા ફેરફાર સાથેના સ્થળાંતર જેવા સામૂહિક કાર્યને અંકિત કરવા બનાવવામાં આવ્યા હશે એવું મનાય છે. આ સમયગાળા દરમિયાન ચક્રની શોધ થઈ ગયેલી એટલે કુંભારકામ વધુ સારી કક્ષાનું જણાય છે. હાડકાં અને પથ્થરના બનેલા સાધનો સાથે તાંબાની ચીજો પણ મળી આવી છે. એ ચીજોમાં તાંબામાંથી બનેલા તીરના અગ્રભાગ સ્પષ્ટ રીતે ધાતુવિદ્યાનું જ્ઞાન સૂચવે છે. બુર્જહોમ ખાતેના માનવ વસવાટનો ચોથો યાને અંતિમ અંતરાલ પ્રારંભિક ઐતિહાસિક કાળ સાથે સંબંધિત હતો. બાંધેલા માળખા અગાઉના સમયગાળા કરતાં વધુ ચઢિયાતા હતા જે કાદવની ઈંટોથી બનાવવામાં આવ્યા હતા. વાસણો પણ અગાઉ કરતાં ઊંચી ગુણવત્તાના મળી આવ્યા છે. ખાસ નોંધવા જેવું એ છે કે છેલ્લા અંતરાલની મળી આવેલી વસ્તુઓમાં અમુક વસ્તુઓ લોખંડની છે.

વર્ષોથી કાશ્મીરની વાત હોય એટલે આતંકવાદ અને આતંકવાદના ઇંગ્લિશ ચમચા ચમચીઓએ મીડિયા હાઈજેક કર્યું છે. અતઃ કાશ્મીરમાં આવું કોઈ સ્થાન છે તે જાણકારી બહુ ઓછાને છે. સમગ્ર દુનિયાના આધુનિક માનવીઓ માટે કામ લાગે એવું સંશોધન કરી શકાય તેવા આ ભૂતપૂર્વ તેમ જ અભૂતપૂર્વ જગતની વર્તમાન વિદેશી વિશેષજ્ઞો પણ યોગ્ય નોંધ નથી લેતા. યુનેસ્કોમાં આ પ્લેસને હેરિટેજ સાઇટ જાહેર કરવાની ૧૫ એપ્રિલ, ૨૦૧૪ના રોજ થયેલી અરજીનો જવાબ હજુ નથી આવ્યો. બચેલા સ્થાનિક લોકોમાં ગરીબોને પોતાના જીવનના બે છેડા ભેગા કરવામાંથી એ દિશામાં જોવાનો સમય નથી અને બાકીનામાંથી જૂજ કાશ્મીરીને અપવાદ રૃપે આવા જૂના વાસ્તવિક સમાજમાં રસ હોય એ સાનમાં સમજી શકાય છે. કટ્ટર ‘ને હિંસક એવા ઇસ્લામના નામે ચરી ખાતાં તત્ત્વો જ્યારે તાજેતરના બિનમુસ્લિમ વારસાના ભસ્મનો પુરાવો પણ કાશ્મીરમાં રહેવા દેવા ના માંગતા હોય ત્યાં આર્યો વિદેશમાંથી ભારતમાં આવેલા એ થિયરી પર પ્રત્યક્ષ સવાલો કરી શકે તેવી આ નક્કર સાબિતીઓને ઢાંકી રાખવામાં વગવાન પશ્ચિમી ગોરાઓને પણ રસ હોય તે વાત સહજ પામી શકાય છે.

કોઈ જાતની સુરક્ષા વગર રખડી પડેલી આ આર્કિઓલોજિકલ સાઇટ પર બકરાં-ઘેટાં ચરે છે. લોકલ લોકોએ જાણે અજાણે નુકસાન પહોંચાડ્યું છે. ખરો સવાલ તો એ છે કે બુર્જહોમના ખોદકામ દરમિયાન મળી આવેલી જે સો કરતાં વધુ ચીજો વર્ષો પહેલાં કાર્બન ડેટિંગ વગેરે કાર્ય અર્થે કલકત્તા પહોંચેલી તેનું સંગ્રહાલય ક્યાં છે? શું વેદિક સંસ્કૃતિને લાગતું વળગતું તેમાંથી કશું મળી આવેલું? બુર્જહોમમાં અગિયાર સ્ટ્રક્ચર મળી આવ્યા હતાં, જેમાંથી અત્યારે કદાચ પાંચ જ બચ્યાં છે. આપણા કાશ્મીરમાં ગુફક્રાલ, હરિપરીગામ અને અવંતિપુરા જેવી આ બુર્જહોમની સિવિલાઇઝેશન સાથે કોઈક રીતે જોડાયેલી બીજી ઘણી પુરાતત્ત્વીય જગ્યાઓ છે. કોને ખબર બીજી કેટલી સાઇટ આપણી જાણ બહાર કાશ્મીરી હિમાલયના ખોળામાં આપણી માનવીય દ્રષ્ટિની રાહ જોતી સમાધિમાં બેઠી હશે. સો વાતની એક વાત કે ભૂતકાળના હાથવગા પુરાવા જો આપણે શોધીશું નહીં અને સમજીશું નહીં તો આપણે વિદેશીઓએ લખેલો આપણો ઇતિહાસ ભણવો પડશે. ખેર, હજુ ઘણો સમય છે. હજુ કાશ્મીર આપણુ છે અને આપણે જીવી રહ્યા છીએ.
————

બુઝારો:

કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ ગામ પાસે ગુફક્રાલ સાઇટ આવેલી છે. ગુફ એટલે ગુફા. ક્રાલ એટલે કુંભાર અને ગુફકરાલ સમજો તો કરાલ એટલે ડરજનક. ગુફકરાલની ગુફાઓ ઇસુ પૂર્વે ૩૦૦૦ વર્ષ જૂની ખરી. વર્ષોથી એ ગુફાઓ એક પરિવારના કબજામાં છે. નિસાદ અહમદ કુમાર નામના એ પરિવારના સદસ્યનું કહેવું છે કે એના દાદા એ ગુફામાં રહેતાં અને એના પપ્પા એ ગુફામાં જ જન્મેલા. આજે એ ગુફાઓ પાસે એમણે દીવાલ ચણીને એ ગુફાઓ બંધ કરી દીધી છે.
—————————

ચર્નિંગ ઘાટ. ગૌરાંગ અમીન
Comments (0)
Add Comment