મોદી કેબિનેટઃ મંત્રી બનાવવામાં દબાણ, ભલામણનો યુગ અસ્ત થયો

મોદી સરકારે સૌથી મોટો નિર્ણય એસ. જયશંકરને વિદેશમંત્રી બનાવવાનો લીધો
  • કવર સ્ટોરી-૧ – હિંમત કાતરિયા

દિલ્હીના રાજકારણ ઉપર અડધી સદીથી ચાંપતી નજર રાખતા રાજકીય વિશ્લેષકો કહે છે કે, નરેન્દ્ર મોદીએ મંત્રી સરકાર બનાવવાની, મંત્રીઓના વિભાગો નક્કી કરવાની સિસ્ટમ જ બદલી નાખી છે. પહેલાંના જમાનામાં મંત્રી બનાવવા માટે રીતસર લોબિંગ, દબાણ થતું હતું, ભલામણો કરવામાં આવતી હતી. ભલામણો કરવા માટે ઉદ્યોગપતિઓ અને પત્રકારો સહિતના અગ્રણીઓના આંટાફેરા થતા હતા. આ વખતે કોઈએ ભલામણ કરવાની હિંમત નથી કરી. કોઈએ મંત્રી બનવા માટે પ્રેશર ઊભંુ કરવાની કોશિશ નથી કરી. કોઈએ પસંદગીના વિભાગો માંગ્યા નથી. અરે, કોઈને કાંઈ ખબર જ નહોતી કે કોને શું મળશે. જે અટકળો લગાવવામાં આવી હતી તેમાંથી મોટા ભાગની ડ્રોપ થઈ. જેમને પડતા મૂકવામાં આવ્યા તેમણે નારાજગી નથી બતાવી. દિલ્હીમાં લોબિંગ કરવાવાળા બેરોજગાર થઈ ગયા છે. આ જ તો એક સૌથી મોટો બદલાવ છે. આ બદલાવ નરેન્દ્ર મોદીએ કર્યો છે, ચૂપચાપ કર્યો છે.

મોદી સરકારે સૌથી મોટો નિર્ણય એસ. જયશંકરને વિદેશમંત્રી બનાવવાનો લીધો છે. અરુણ જેટલીએ નરમ તબિયતના કારણે વિનંતી કરી હતી કે તેમને મંત્રીપદ ન આપવામાં આવે અને સુષ્મા સ્વરાજે પણ સ્વાસ્થ્યનાં કારણોસર ચૂંટણી નહોતી લડી. મંત્રીમંડળ બનવાથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કેબિનેટ કમિટી ઓન સિક્યૉરિટી(સીસીએસ)માં બે નવા ચહેરાઓ સામેલ કરાયા છે. વડાપ્રધાનની આગેવાનીવાળી આ કમિટીમાં રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને નાણા મંત્રાલય હાજર રહે છે. પહેલાની મોદી સરકારમાં આ કમિટીમાં સુષ્મા સ્વરાજ, રાજનાથ સિંહ, અરુણ જેટલી અને નિર્મલા સીતારામન હતાં. નવી સરકારમાં વડાપ્રધાન મોદી સાથે સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના સ્થાને અમિત શાહ અને એસ. જયશંકર સીસીએસમાં સામેલ થશે. વિભાગોની વહેંચણી વખતે મોદીએ ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા બે મોટા વાયદાઓને ધ્યાને લીધા છે. એક તો એ કે તેમણે પાણી જળ સંસાધન અને પીવાના પાણીના મંત્રાલયને જોડીને નવું મંત્રાલય બનાવ્યું છે જેનું નામ જલશક્તિ મંત્રાલય રાખવામાં આવ્યું છે. બીજો વાયદો ફિશરીઝ મંત્રાલયનો કર્યો હતો તેને પણ પુરો કર્યો છે અને તેની જવાબદારી ગિરિરાજ સિંહને આપવામાં આવી છે.

હવે ચાર મહત્ત્વના અને શક્તિશાળી મંત્રીઓની પસંદગી પાછળની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગણતરીને સમજીએ. નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી તરીકે એસ. જયશંકરની નિમણૂક કરીને સૌને આશ્ચર્ય પમાડ્યું છે. શપથગ્રહણ વખતે પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને મંત્રીઓ વચ્ચે બેઠેલા જોઈને સૌને નવાઈ લાગી હતી. બીજા દિવસે વિદેશ મંત્રી તરીકે એસ. જયશંકરના નામની ઘોષણા કરવામાં આવી. અત્યારે એસ. જયશંકર ન તો લોકસભાના સભ્ય છે કે ન તો રાજસભાના. ચૂપચાપ કામ કરતા બાહોશ અધિકારી અને ૧૯૭૭ની બેંચના આઇએએસ અધિકારી એસ. જયશંકર ઉપર મોદીને બહુ ભરોસો છે.

મનમોહનસિંહની સરકાર વખતે એસ. જયશંકર અમેરિકામાં ભારતના રાજદૂત હતા. તેમણે અઘરી એટોમિક ડીલને આખરી ઓપ આપવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. સુજાતા સિંહ સિનિયર હોવાના નાતે વિદેશ સચિવ બની ગયા, પરંતુ મનમોહન સિંહે એસ. જયશંકરને કાબેલ હોવા છતાં વિદેશસચિવ ન બનાવ્યા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી માત્ર ૮ મહિનામાં એસ. જયશંકરનું હીર પારખી ગયા અને જાન્યુઆરી ૨૦૧૫માં વિદેશ સચિવ પદેથી સુજાતા સિંહને હટાવીને તેમને બેસાડ્યા. એસ. જયશંકર ચીનમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા હતા એટલે ચીન સાથે ડોકલામ વિવાદ અને લાઇન-ઓફ-કન્ટ્રોલ પર ભારત અને ચીનના જવાનો સામસામે આવી ગયા ત્યારે આ વિવાદો ઉકેલવામાં એસ. જયશંકરે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. જાન્યુઆરી ૨૦૧૮માં એસ. જયશંકર રિટાયર્ડ થયા ત્યારે તેમને સલાહકાર તરીકે ચાલુ રાખવાની પીએમઓમાં ચર્ચા થઈ હતી. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાને નાખવામાં આવી હતી. તે વખતે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે દેશની સુરક્ષાના આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા એમ બે વિભાગ પાડીને આંતરિક સુરક્ષા સલાહકાર તરીકે અજીત ડોભાલ અને બાહ્ય સુરક્ષા સલાહકાર તરીકે એસ. જયશંકરની નિમણૂક કરવામાં આવે.

એમ કરવામાં બે વિભાગ વચ્ચે આપસી કલેહની શક્યતાને પગલે વડાપ્રધાનને આ વિચાર ન રુચ્યો અને એસ. જયશંકર નિવૃત્તિ બાદ ટાટામાં એક મોટા પ્રોજેક્ટ સાથે જોડાઈ ગયા, પરંતુ મોદી સરકાર ૨.૦ની રચના કરતી વખતે વડાપ્રધાને એસ. જયશંકરને સંભાર્યા અને તેમણે પણ ટાટાએ આપેલી ભારે સુવિધાઓ છોડીને નરેન્દ્ર મોદીના તેડાને સ્વીકાર્યું. શપથગ્રહણ સમારોહમાં તેમના નામની કેબિનેટ મંત્રી તરીકે ઘોષણા થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા નિર્ણયની સૌને જાણ થઈ. એસ. જયશંકર ચીનમાં ચીની ભાષા બોલી શકે છે, તેમના પત્ની જાપાનીઝ છે એટલે તેમણે જાપાનીઝ ભાષા પણ શીખી લીધી છે. એસ. જયશંકર સાથેનું નરેન્દ્ર મોદીનું કનેક્શન ઘણુ જૂનું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદી ૨૦૦૭માં સિંગાપુરની મુલાકાત લીધી હતી ત્યારે એસ. જયશંકર સિંગાપુરના રાજદૂત હતા અને ૨૦૦૯માં ચીનમાં ગયા હતા ત્યારે તે ચીનના રાજદૂત હતા.

૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની ગ્લોબલ આઉટરિચ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં પહેલીવાર ગયા ત્યારે એસ. જયશંકર અમેરિકાના રાજદૂત હતા. વડાપ્રધાનની એ મુલાકાત ઘણી સફળ રહી હતી, ભારત અને અમેરિકાના સંબંધો આગળ લઈ જવામાં એ વિઝિટનું ઘણુ યોગદાન હતું અને એ વિઝિટમાં કો-ઓર્ડિનેશનનું બધંુ કામ એસ. જયશંકરે કર્યું હતું. પોખરણ-૨ વખતે ભારત અને જાપાન વચ્ચેના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી. ૧૯૯૬-૨૦૦૦ દરમિયાન જયશંકર જાપાનના રાજદૂત હતા. ૨૦૦૦માં મનમોહન સિંહની સરકાર બની જ્યારે એસ. જયશંકરે મનમોહન સિંહની જાપાનના વડાપ્રધાન શિન્જો આબે સાથે મુલાકાત કરાવી હતી. ત્યાર બાદ ભારત અને જાપાનના સંબંધો ધીરેધીરે સુધરવા લાગ્યા હતા. આ જ કારણે રાષ્ટ્રપતિ ભવનમાં મનમોહન સિંહે પણ એસ. જયશંકરને વિદેશ મંત્રી બનાવવાના મોદીના નિર્ણયની પ્રશંસા કરી હતી. વિપક્ષના નેતા પણ પ્રશંસા કરે ત્યારે ઉત્તમ નિર્ણય પર મહોર લાગી જાય છે.

એસ. જયશંકર જબરદસ્ત રણનીતિકાર છે. મોદી સરકારની પહેલી ટર્મમાં વડાપ્રધાનના શી-જિનપિંગ, શિન્જો આબે, બરાક ઓબામા, વ્લાદીમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મજબૂત સંબંધો સ્થપાયા. એની રણનીતિ ઘડવામાં સલાહકાર તરીકે જયશંકરનું મહત્ત્વનું યોગદાન રહ્યંુ હતું. ચીન સાથે સંબંધોમાં ભરતી-ઓટને જયશંકર સારી રીતે સંભાળી શકે છે. નરસિમ્હા રાવના મનમોહન સિંહને નાણામંત્રી બનાવવાના ક્રાંતિકારી નિર્ણય જેટલો જ ક્રાંતિકારી નિર્ણય એસ. જયશંકરને વિદેશમંત્રી બનાવવાનો છે. નરેન્દ્ર મોદીની ડાયનેમિક પૉલિસીઓનું અમલીકરણ કરવા માટે એસ. જયશંકર જેવા સ્ટ્રેટેજિસ્ટની જરૃર હતી.

વડાપ્રધાન ઇચ્છે છે કે ગૃહખાતું તેમના સૌથી ભરોસાપાત્ર સાથી સંભાળે અને તેથી જ વડાપ્રધાનની સૌથી નજીક મનાતા અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. અમિત શાહ ભાજપના અધ્યક્ષ પણ છે. અમિત શાહને ગૃહમંત્રી બનાવવા પાછળનું સૌથી મોટું કારણ તેમનો લાંબો પ્રશાસનિક અનુભવ. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમિત શાહે ૮ વર્ષ સુધી ગુજરાતના ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. એટલું જ નહીં, એક સમયે અમિત શાહ ગુજરાતમાં ૧૨ મંત્રાલયો સંભાળતા હતા. જેનાથી અમિત શાહની ક્ષમતાનો પરિચય મળે છે. એક અન્ય મહત્ત્વની વાત એ છે કે બહુ લાંબા સમય બાદ દેશને જમીન સાથે જોડાયેલા અને સમગ્ર દેશની અંદરની સ્થિતિને સારી રીતે જાણનારા ગૃહમંત્રી મળ્યા છે. ભાજપ અધ્યક્ષ તરીકે તેમણે આખા દેશમાં પ્રવાસો કર્યા છે. દેશની આંતરિક સુરક્ષાને લગતા મુદ્દાઓને તેઓ બારીકીથી જાણે છે અને આક્રમક સ્ટેન્ડ લઈ શકે છે. અમિત શાહ કાશ્મીર, આસામ અને પશ્ચિમ બંગાળને સારી સમજે છે, આ મુદ્દાઓ સાથે અને આતંકવાદના મુદ્દાને ઉકેલવામાં અને રાષ્ટ્રવાદની નીતિને આગળ ધપાવવામાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ ઘણા ઉપયોગી પુરવાર થશે. અમિત શાહની સૌથી મોટી ખાસિયત એ છે કે જોખમ ખેડતા તે ગભરાતા નથી. ઇન્ટેલિજન્સ ઉપર પણ તેઓ ઘણુ ધ્યાન આપશે. તેલગાંણાના સિકંદરાબાદના બીજેપી સાંસદ કિશન રેડ્ડીને રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે અને તે અમિત શાહ સાથે કામ કરશે.

નિર્મલા સીતારમનને નાણાખાતું આપવા પાછળનું કારણ એ છે નિર્મલા પૂર્વ રાજ્યકક્ષાના નાણામંત્રી રહી ચૂક્યા છે અને અરુણ જેટલી પાસેથી કામ શીખ્યા હતાં. નિર્મલાને પ્રવક્તા અરુણ જેટલીએ બનાવ્યા હતા. ડબલ્યુટીઓ જેવા સમજવામાં અઘરા મુદ્દાઓ પણ તેઓ અરુણ જેટલી પાસેથી શીખ્યા છે. બહારથી કોઈ બ્યુરોક્રેટ્સને લાવીને નાણામંત્રી બનાવી દેવાની પદ્ધતિ નરેન્દ્ર મોદીની નથી. નાણામંત્રી તરીકે નિર્મલા શ્રેષ્ઠ પસંદ જણાયા છે અને આ તબક્કે મોદી કોઈ જોખમ ઉઠાવવા માંગતા નથી. અરુણ જેટલી જેવા પાવરફુલ મંત્રીના સ્થાને નિર્મલા ઊણા ઊતરશે એવો જેમને ડર લાગે છે તેઓ નિર્મલાને જાણતા નથી. નિર્મલાએ સંરક્ષણ મંત્રાલય બખૂબી નિભાવ્યું અને રાફેલ જેવા મુદ્દે રાહુલ ગાંધીને એક ઘા ને બે કટકાની ભાષામાં સંભળાવ્યું. અરુણ જેટલીએ ગત અઠવાડિયે વડાપ્રધાનને ચિઠ્ઠી લખી હતી કે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે મંત્રીપદ નહીં સંભાળે. હા, સલાહકાર તરીકે સરકારને મદદ કરતા રહેશે. આમ, નિર્મલાને જેટલીનું માર્ગદર્શન મળતું રહેશે.

નરેન્દ્ર મોદી ૨.૦ સરકારમાં નરેન્દ્ર સિંહ તોમરની જવાબદારી વધારી દીધી છે. તોમરને કૃષિ અને કલ્યાણ વિકાસ મંત્રાલયની સાથે સાથે ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, સ્વચ્છતા વિભાગ જેવા મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી સરકાર પહેલી સરકારમાં બે મંત્રીઓ કૃષિમંત્રી રાધા મોહન અને ગ્રામીણ વિકાસ મંત્રી ચૌધરી ધીરેન્દ્ર સિંહની જવાબદારી એકલા નરેન્દ્ર સિંહ તોમર ઉપર મૂકવામાં આવી છે. ચૌધરીની ટિકિટ કાપવામાં આવી હતી અને રાધા મોહનને મંત્રાલય નથી અપાયું. નરેન્દ્ર સિંહ માટે સૌથી મોટી જવાબદારી નિર્ધારિત સમયમર્યાદામાં ખેડૂતોની આવક ડબલ કરવાની છે. તોમરે કહ્યંુ છે કે નવા ભારતના નિર્માણ માટે સમગ્ર વિકાસ સંતુલિત ભારતના સૂત્ર ઉપર કામ કરવું પડશે અને તે અમે કરીશું.

ડૉ. હર્ષવર્ધનને આરોગ્ય વિભાગ અને સાયન્સ એન્ડ ટૅક્નોલોજી મંત્રાલય આપવામાં આવ્યું છે. પહેલી સરકારમાં આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને સાયન્સ અને ટૅક્નોલોજી વિભાગ ડૉ. હર્ષવર્ધનને સોંપવામાં આવ્યો હતો. આ વખતે જે.પી. નડ્ડાને મંત્રાલય સોંપવામાં આવ્યંુ નથી અને તેમનો વિભાગ ડૉ. હર્ષવર્ધનને સોંપવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાઓમાં નવું જળશક્તિ મંત્રાલય ખોલવાનો વાયદો કર્યો હતો. આ વાયદો પુરો કરતા ગજેન્દ્ર સિંહ શેખાવતને જળશક્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે. જળસંસાધન અને પેય જળ નામના બે વિભાગને જોડીને જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે. હવે, નમામિ ગંગે પ્રોજેક્ટ આ વિભાગ હેઠળ આવશે. પહેલી સરકારમાં આ મંત્રાલયની જવાબદારી પહેલા ઉમા ભારતી પાસે હતી અને બાદમાં નીતિન ગડકરીને સોંપવામાં આવી હતી. ગજેન્દ્ર સિંહે જળશક્તિ મંત્રાલય સંભાળતા કહ્યંુ કે, ગંગાની સફાઈનું કામ ઝડપથી આગળ વધશે. સાથે નદીઓને જોડવાનું અને જળ સંરક્ષણનું મોટાપાયે કામ હાથ ધરવામાં આવશે.

હંમેશાં ચર્ચામાં રહેતા ગિરિરાજ સિંહના કદમાં પણ વધારો થયો છે. ગિરિરાજ સિંહને પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રાલય સોંપવામાં આવ્યા છે. ગત કાર્યકાળના રાજ્ય મંત્રી ગિરિરાજ સિંહ કેબિનેટ મિનિસ્ટર બની ગયા છે. નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન કચ્છમાં ચૂંટણી સભામાં અલગથી ફિશરીઝ મંત્રાલય બનાવવાનું વચન આપ્યંુ હતું. જેને પૂરું કરવામાં આવ્યંુ છે. ગિરિરાજ સિંહ ડેરી એગ્રિકલ્ચરને આગળ વધારવા ઉપર વધુ ભાર આપશે. વડાપ્રધાન નેતા મોટો હોય એટલે મોટું મંત્રાલય નથી આપી દેતા. જેમનામાં મોટું કામ કરવાની ક્ષમતા હોય તેમને મોટું મત્રાલય આપે છે તે મોદી ૨.૦ સરકારને જોઈને લાગે છે. વળી, પાર્ટીની શિસ્તમાં જે માને છે તેને મોદી શિરપાવ આપવામાં પણ માને છે. જેડીયુ સાથેના ગઠબંધનને કારણે ગિરિરાજ સિંહની સીટ બદલવામાં આવી, ગિરિરાજ સિંહે નવી સીટ બેગુસરાયનો સહર્ષ સ્વીકાર કર્યો અને સીપીઆઈના કનૈયા કુમારને સવા ચાર લાખ મતે હરાવ્યો.

નરેન્દ્ર મોદીએ મેનિફેસ્ટોમાં વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. વૉટર સિક્યૉરિટીને લઈને વડાપ્રધાન મોદીનું પોતાનું એક વિઝન છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નર્મદા કેનાલ થકી ગુજરાતની નદીઓને જોડી છે અને વિવિધ પ્રોજેક્ટ થકી પાણીને દૂરસુદૂર કચ્છ-સૌરાષ્ટ્રમાં પહોંચાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિવર લિન્કિંગ પ્રોજેક્ટ મારફતે વૉટર મૅનેજમૅન્ટનું આ ગુજરાત મૉડેલ સમગ્ર દેશમાં લાગુ પાડવા માગે છે. તદુપરાંત દેશના કાંઠા વિસ્તારોમાં પાણીના રિસાઇક્લિંંગની બહુ મોટી સંભાવના રહેલી છે. ટૅક્નોલોજી આધારિત આ વિઝનના અમલીકરણ માટે તેમણે ગજેન્દ્ર સિંહ સેખાવતની નિમણૂક કરી છે. ગજેન્દ્ર સિંહ ટેકસેવી છે અને તેમની પાસે ઇનોવેટિવ આઇડિયાનો ભંડાર છે જેને જળશક્તિમાં ઉપયોગમાં લેવાશે. ગત સરકારમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી ગજેન્દ્ર સિંહના આ હુન્નરને નરેન્દ્ર મોદીએ જોયો અને તેને નવાજતા તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે. વડાપ્રધાને પહેલીવાર સાંસદોને સંબોધિત કર્યા હતા ત્યારે તેમણે સૌ પ્રથમ એક મોટા વિઝનની વાત કરી હતી, તે મિશન વૉટર સિક્યૉરિટી હતું. પીએમઓ ગજેન્દ્ર સિંહની કામગીરીની નિયમિત સમીક્ષા પણ કરશે.

મોદી સરકારમાં કુલ ૧૯ નવા ચહેરા છે, તેમાં ૯ પહેલીવાર કેબિનેટ મંત્રી બન્યા છે. નવા મંત્રીઓમાં સૌથી પહેલું નામ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ છે. રમેશ પોખરિયાલને હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ અર્થાત્ કે શિક્ષણ મંત્રાલય આપવામાં આવ્યંુ છે. આ પદને પહેલી સરકારમાં સ્મૃતિ ઇરાની અને પ્રકાશ જાવડેકર જેવા સિનિયર નેતા સંભાળી ચૂક્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં લાગુ નથી કરી શકાય તેવી નવી અને પેન્ડિંગ શિક્ષણ નીતિઓને લાગુ પાડવાની મોટી જવાબદારી રમેશ પોખરિયાલ માથે આવી છે. તેનો ડ્રાફ્ટ મંત્રીને મળી ગયો છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડાને આદિવાસી મામલાના મંત્રી બનાવવામાં આવ્યા છે. કર્ણાટકના ધારવાડના સાંસદ પ્રહલ્લાદ જોશીને પાર્લામેન્ટ અફેર્સ, કોલસો અને ખાણના વિભાગો સોંપવામાં આવ્યા છે. ગત સરકારમાં સંસદીય મંત્રી પહેલા વૈંકયા નાયડુ અને બાદમાં અનંત કુમાર હતા. વિપક્ષોને સાથે રાખીને સંસદ સુમેળપૂર્વક ચલાવવાનું કામ ઘણુ મુશ્કેલ હોય છે. પુરુષોત્તમ રૃપાલાને કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

બંગાળની દેબાશ્રી ચૌધરીને મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાંથી વધુ મંત્રી બનાવવામાં આવશે એવી ધારણા સૌકોઈને હતી, પરંતુ પોર્ટફોલિયો જોતા મંત્રીમંડળમાં પશ્ચિમ બંગાળના માત્ર બે રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આવું કેમ થયું? પશ્ચિમ બંગાળના નેતાઓનું આ મુદ્દે કહેવું છે કે મંત્રી બનવા માટે અનુભવ બહુ મહત્ત્વનો છે. બંગાળમાંથી મોટા ભાગના સાંસદો નવા છે. સંસદમાં પહેલીવાર પગ મુકી રહ્યા છે ત્યારે તેમને કેન્દ્રીય મંત્રી બનાવી દેવા ઉતાવળિયો અને અપરિપક્વ નિર્ણય ગણાય. એટલા માટે જ નરેન્દ્ર મોદીએ બંગાળના કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રી બનાવ્યા નથી. વડાપ્રધાને બંગાળને હૈયાધારણ આપી છે કે સંસદમાં થોડો અનુભવ લે એ પછી કેબિનેટમાં સંભાવના ઊભી થશે તો તેના માટે પસંદગી થશે. અત્યારે તો પરફોર્મન્સ સૌથી મહત્ત્વનું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નજીક આવી જશે ત્યારે મંત્રીમંડળમાં બંગાળના વધુ મંત્રીનો સમાવેશ થઈ શકે છે. ત્યાં સુધીમાં તેમની પાસે સંસદનો અનુભવ પણ આવી જશે. વડાપ્રધાન નવા નવા પ્રયોગો કરે છે, નવા લોકોને આવકારે છે, તેમને નવા પડકારો સોંપે છે, નવા આઇડિયા આપે છે. સામાન્ય રીતે નેતાઓ આવું જોખમ લેતા નથી.

૧૩ મંત્રીઓ એવા છે જેમનો પોર્ટફોલિયો બદલવામાં નથી આવ્યો. તેમાં સૌ પહેલું નામ નીતિન ગડકરીનું છે. ગડકરી પાસે ગત સરકારની જેમ સડક અને પરિવહન મંત્રાલય છે. તેમણે આ ક્ષેત્રે જોરદાર કામ કર્યું છે અને સમગ્ર દુનિયાએ તેમના કામની પ્રશંસા કરી છે. આ કામ એમનું ફેવરિટ કામ પણ છે અને આ કામને જ તેમણે આગળ વધારવાનું છે. એક નવી જવાબદારી તેમની પાસે છે, એમએસએમઈ (માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ) મંત્રાલયની. ગત સરકારમાં તેમની પાસે શિપિંગ અને વૉટરવેઝ મંત્રાલય હતું, પણ વર્તમાન સરકારમાં આ મંત્રાલય તેમની પાસે નથી. પીયૂષ ગોયલને ફરીવાર રેલવે મંત્રી તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગનો વિભાગ પણ પીયૂષ ગોયલ સંભાળશે. પેટ્રોલિયમ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનને ચાલુ રખાયા છે, તદુપરાંત સ્ટીલ મંત્રાલયનો વધારાનો કારભાર તેમને સોંપવામાં આવ્યો છે. કર્ણાટકના મોટા નેતા ડી.વી. સદાનંદ ગૌડા પાસે ગત સરકારની જેમ જ વર્તમાન સરકારમાં રસાયણ અને ખાતર મંત્રાલય છે. રામ વિલાસ પાસવાનની પાસે પણ પહેલી સરકારની જેમ કન્ઝ્યુમર અફેર્સ રહેશે. રવિશંકર પ્રસાદને ગત સરકારની જેમ કાનૂન મંત્રાલય અને આઇટી મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. હરસિમરત કૌર પહેલી સરકારની જેમ ફૂડ પ્રોસેસિંગ મંત્રી બની રહેશે. થાવરચંદ ગેહલોત ફરી સામાજિક ન્યાય મંત્રી બની રહેશે. શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવાર, પીએમઓ રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ અને શહેરી વિકાસ મંત્રી તરીકે હરદીપ સિંહ પુરીના ખાતા બદલાયા નથી. અલબત્ત, હરદીપ પુરી પાસે નાગરિક ઉડ્ડયન વિભાગનો નવો હવાલો સોંપવામાં આવ્યો છે, જે પહેલા જયંત સિન્હા પાસે હતો. રોજગાર મંત્રી ગંગવારે કહ્યંુ કે તેમની પ્રાથમિકતા રિક્ષા ચલાવતા, લારી ચલાવતા કે બિલ્ડિંગ દુકાનોમાં કામ કરતા, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને સલામતી કવચ પૂરું પાડવાની છે.

નવી દિલ્હીમાં મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિતો વચ્ચે ચર્ચા થતી હતી કે નરેન્દ્ર મોદીએ મંત્રી સરકાર બનાવવાની, મંત્રીઓના વિભાગો નક્કી કરવાની સિસ્ટમ જ બદલી નાખી છે. પહેલાના જમાનામાં મંત્રી બનાવવા માટે રિતસર લોબિંગ, દબાણ થતું હતું, ભલામણો કરવામાં આવતી હતી. ભલામણો કરવા માટે ઉદ્યોગપતિઓ અને પત્રકારો સહિતના અગ્રણીઓના આંટાફેરા થતા હતા. આ વખતે કોઈએ ભલામણ કરવાની હિંમત નથી કરી. કોઈએ મંત્રી બનવા માટે પ્રેશર ઊભંુ કરવાની કોશિશ નથી કરી. કોઈએ પસંદગીના વિભાગો માંગ્યા નથી. અરે, કોઈને કાંઈ ખબર જ નહોતી કે કોને શું મળશે. જે અટકળો લગાવવામાં આવી હતી તેમાંથી મોટા ભાગની ડ્રોપ થઈ. જેમને પડતા મૂકવામાં આવ્યા તેમણે નારાજગી નથી બતાવી. દિલ્હીમાં લોબિંગ કરવાવાળા બેરોજગાર થઈ ગયા છે. આ જ તો એક સૌથી મોટો બદલાવ છે. આ બદલાવ નરેન્દ્ર મોદીએ કર્યો છે, ચૂપચાપ કર્યો છે, પરંતુ ક્રેડિટ દેશની જનતાને જાય છે. જેમણે નરેન્દ્ર મોદી ઉપર ભરોસો કર્યો, તેમને એટલી શક્તિ આપી કે તે આ કરી શકે, કારણ કે બદલાવ સહેલો નથી. એક મજબૂત સરકારનો શું ફાયદો થાય છે તે તો પાંચ વર્ષ દરમિયાન દેખાશે, પરંતુ મોટો ફાયદો મંત્રીમંડળના નિર્માણ સાથે જોવા મળ્યો અને અને આ બદલાવનો તીવ્ર પડઘો દિલ્હીની સત્તાની ગલીઓમાં સંભળાયો છે.

મોદી સરકારે કેબિનેટની પહેલી મિટિંગમાં મોટા નિર્ણયો લીધા છે. પહેલી મિટિંગમાં મોદી સરકારે કિસાન સન્માન નિધિ યોજનાનો વ્યાપ વધારી દીધો. પહેલા બે હેક્ટર જમીનધારકોને જ વર્ષે ૬ હજાર રૃપિયાની મદદ મળતી હતી. હવે બે હેક્ટરની શરતને દૂર કરવામાં આવી છે જેને પગલે હવે વર્ષે ૨ કરોડ વધુ ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાનો ફાયદો મળશે. હવે તમામ ખેડૂતો તેના લાભાર્થી બનશે. આ યોજના ઉપર વધારાના ૧૨,૦૦૦ કરોડ રૃપિયા સાથે કુલ ૮૭,૦૦૦ કરોડ રૃપિયા ખર્ચવામાં આવશે. મોદી સરકારે બીજો  મોટો નિર્ણય પીએમ પેન્શન યોજનાને લઈને લીધો છે. આ યોજના હેઠળ ખેડૂતો, સામાન્ય લોકો, ગરીબોને ૩૦૦૦ રૃપિયાના પેન્શનની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના માટે પેન્શનનો એક હિસ્સો લોકો આપશે અને બીજો હિસ્સો સરકાર આપશે. આ યોજનાનો વાયદો ચૂંટણી ઢંઢેરામાં ભાજપે કર્યો હતો અને તેનું અમલીકરણ કરી દેવામાં આવ્યંુ છે.
———————–

કવર સ્ટોરી - હિંમત કાતરિયા
Comments (0)
Add Comment