ફળની ઇચ્છા ઉર્ફે ભવિષ્યની લાલસા…

કૃષ્ણ કક્ષાના અવતારી પુરુષને પણ આ મોહ તો છે જ.

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

જો એનો છેદ ઊડી જાય તો વર્તમાન પૂરેપૂરો આત્મસાત થાય છે

એક ક્ષણ જે ભવિષ્યમાંથી આવે છે અને હજુ તો એને માણો કે જાણો ત્યાં એ વર્તમાનમાં થઈને ભૂતકાળમાં પ્રવેશી જાય છે. ક્ષણોની આ કીડિયાળી હારમાળા સતત ચાલતી જ રહે છે. વળી એ એકબીજા સાથે અડોઅડ કડીબદ્ધ પણ છે. યુગયુગોના અંધકાર અને ઉજાસનું એણે વહન કર્યું છે. કૃષ્ણ વર્તમાનનો પુરસ્કર્તા છે અને એને કારણે જ એ ભૂતકાળ અને ભવિષ્યનો ઉચ્છેદક પ્રજ્ઞાપુરુષ છે. ભવિષ્યની માયા હોય એટલે કે ફળની ઇચ્છા હોય એ વર્તમાનને શું જાણે ને શું માણે? એ જ રીતે ભૂતકાળને અંતઃકરણમાંય સાથે રાખીને ફરનારાઓ વર્તમાનને તો ઓળખી જ ન શકે. કૃષ્ણને પુનર્જન્મમાં બિલકુલ રસ નથી. એનું કારણ સંસારમાં દુઃખની જે વ્યાપ્તિ છે એને તે જાણે છે. કોઈ પણ જીવના કોઈ પણ જન્મને તેઓ દુઃખ જ માને છે. ગીતામાં એમણે સ્પષ્ટ કહ્યું કે મારા ધામ સિવાય એટલે કે કૃષ્ણલોક સિવાયના બધા જ લોક ખરેખર વિષાદલોક છે.

ફળની ઇચ્છા એટલે જ ભવિષ્યની લાલસા. જો એનો છેદ ઊડી જાય તો વર્તમાન પૂરેપૂરો ભોગવવા મળે છે. દરેક મહાપુરુષને એમ હોય છે કે મારી વાત હું સહુને કહેતો જાઉં તો ઘણાકનો ઉદ્ધાર થઈ જાય. કૃષ્ણ કક્ષાના અવતારી પુરુષને પણ આ મોહ તો છે જ. વિદ્વાનો એને પરમતત્ત્વની માનવજાત પરની કરુણા કહે છે. અર્જુનના બહાને આખા જગતને સંબોધન કરવાનો મોકો અને કુરુક્ષેત્રની યુદ્ધ પૂર્વેની પ્રશાન્તિ કૃષ્ણ હાથમાંથી સરી જવા દે એમ નથી. એકની એક વાત ઘૂંટી ઘૂંટીને છતાં પુનરાવર્તન ન થાય એ રીતે કૃષ્ણે અઢાર રીતે અર્જુનને કહી છે અને એ જ તો ગીતા છે. વર્તમાનમાં વિદ્યમાન રહેવું અને પ્રતિક્ષણ સ્વયંમાં સભાન રીતે હયાત રહેવું એ એક અજાયબ કૃષ્ણબોધ છે.

કૃષ્ણને દરેક સમયમાંથી બહાર નીકળતા આવડે છે એટલે એને ભૂતકાળ વળગી શકતો નથી. આપણામાંથી સમય તો એના સ્વભાવ પ્રમાણે પસાર થઈ જ જાય છે, પણ આપણે બધા જ સમયમાંથી નીકળી શકતા નથી. જે સમયમાંથી ન નીકળી શકો એ ગળે વીંટળાઈ ગયેલો ભૂતકાળ છે. લોકો કેટકેટલા ભૂતકાલીન સમયખંડોને હિમશિલાની જેમ પોતાની સાથે તાણી લઈ જઈને પ્રવાહમાં તરે છે. એ સમયખંડ કે એ સ્મરણને છોડી દો તો આગળની સફર આસાન થશે, પણ માણસજાતને એ બહુ ગમી ગયેલો ભાર છે, એને ઊંચકે નહીં તો એને જાણે કે માથું જ ન હોય એવું લાગતું હશે. કૃષ્ણએ માણસજાત માથેના એ ભૂતકાલીન પોટલાઓ જોઈ લીધા છે. અર્જુનના વિષાદનું એક કારણ ભૂતકાલીન સ્મૃતિ છે. એને ખંખેરવામાં જ સમય પસાર થાય છે.

કૃષ્ણ અને અર્જુન તો જુગજૂના મિત્રો છે. કૃષ્ણ અરધું વેણ ઉચ્ચારે તો આગળ બોલવું જ ન પડે એટલું અર્જુન સમજે છે. છતાં આટલી બધી દલીલો કૃષ્ણે કરવી પડે? મેદાનમાં ઉભય સેનાના ભીષણ રથયોદ્ધાઓ રૃપે વર્તમાન પહોળે પાટલે પથરાઈને પડ્યો છે. પડ્યો જ હોય છે, પણ ન તો એ આપણને દેખાય છે કે ન તો આપણને એની તમા છે. હારવાનાં આ જ કારણો છે. ધનુષ્યનો ટંકાર કરી યુદ્ધે ચડતા પહેલાંનો એક એવો અર્જુન વેદ વ્યાસે બતાવ્યો છે જે જગતે જોયો જ નથી. લડતા પહેલાં જ હારી ગયેલા મહારથીનું એ દર્શન એટલે કરવા જેવું છે કે એમાં જ તો આપણા એક સાવ સામાન્ય મનુષ્ય તરીકેના સર્વ અસામાન્ય અને અકારણ પરાજયોનું આખું દર્શનશાસ્ત્ર સમાયેલું છે. સહજાનંદ સ્વામીએ ભારતીય ધર્મ અને સંસ્કૃતિના ઇતિહાસમાં પહેલીવાર કૃષ્ણ અને અર્જુનને સમાન આસન આપ્યું છે. તેમણે નર-નારાયણ દેવની આરાધના કરવાનું કહ્યું છે. સહજાનંદ સ્વામીએ નરનારાયણ એટલે કે અર્જુન અને કૃષ્ણની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરેલી છે. કાલુપુરનું મંદિર મૂળભૂત રીતે નરનારાયણદેવનું મંદિર છે.

નર છે તો નારાયણ છે એ પણ વાત એમાં છે. દુનિયામાં સંઘર્ષ વિના જ પરાજય સ્વીકારીને ગહન ગર્તામાં સરી પડેલાઓને કૃષ્ણ એક જ વાત કહે છે કે ગઈકાલ આજે કામમાં આવે એમ નથી. આ સાવ નક્કોર ‘આજ’ છે અને જે છે તે પણ આ જ છે. આજને એટેન્ડ કરો. ફૂલલેન્થ એટેન્ડ કરો. એ માટે ‘આજ’માં વેરાયેલી ગઈકાલ પર સાવરણી ફેરવવી પડે. આજમાંથી ગઈકાલની ગંધ બાદ કરો પછી જે વધે તે વર્તમાનની સુગંધ છે. કૃષ્ણ પાસેથી ગઈકાલ બાદ કરવાની કળા શીખવા જેવી છે. વૃંદાવનની માયા કોને ન હોય? તો પણ કૃષ્ણે એકવાર યમુના ઓળંગીને મથુરામાં પગ મૂક્યો પછી કદી પણ ગોકુળ તરફ જોયું પણ નથી. ભૂતકાળ તરફ જોવાની બાબતમાં અંધત્વ કેળવવા જેવું છે. કૃષ્ણની તો થિયરી અને પ્રેક્ટિસ બંને ભૂતકાળ તરફ ન જ જોવાની છે.

રિમાર્ક –  નિયત કર્મને કર્તવ્ય સમજીને કરતી વેળાએ ભૌતિક સંગ અને ફળની આસક્તિ બંનેનો ત્યાગ કરવાનો છે. – ગીતા
———————-

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment