રાજકાજઃ ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રનો ગઢ ગુમાવ્યો…

પરિણામ પહેલાં જ પીએમઓ એક્શનમાં
  • રાજકાજ

ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રનો ગઢ ગુમાવ્યો
લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે દેશનાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. લોકસભાનાં પરિણામોના શોરમાં તેને વિશે બહુ ચર્ચા થઈ નથી. આ ચાર રાજ્યોમાં બે મહત્ત્વનાં રાજ્યો ઓરિસા અને આંધ્રનાં પરિણામો જનાદેશના ભિન્ન માપદંડ પ્રસ્તુત કરે છે. દેશની લોકશાહી પરંપરા અને નિર્ધારિત સમયે થતી રહેતી ચૂંટણીઓએ દેશના મતદારોને ઘડવાનું અને તેમને પરિપક્વ બનાવવાનું કામ કર્યું છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે હોય તો બંનેની અલગ-અલગ મહત્તાને સમજીને એ પ્રકારે જનાદેશ આપવાની કુશળતા ભારતના મતદારો દર્શાવતા રહ્યા છે. દેશભરમાં મોદીના નામની સુનામી આવી, પણ કેટલાંક રાજ્યો-ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોએ ભાજપના વિજય રથને અટકાવવાનું કામ કર્યું છે. આ રાજ્યોમાં આંધ્રનો પણ સમાવેશ થાય છે. અલબત્ત, અહીંની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોનું મહત્ત્વ એ દૃષ્ટિએ છે કે આંધ્રમાં તેલુગુ દેશમ પાર્ટીના સર્વેસર્વા મુખ્યપ્રધાન (વિદાયમાન) ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રીય સ્તરે વિરોધપક્ષોની એકતા માટે પ્રયત્નશીલ હતા, પરંતુ એ જ ચંદ્રાબાબુ પોતાના રાજ્યમાં પોતાની સત્તાને સાચવી શક્યા નથી. વિધાનસભાની ચૂંટણીમાં તેમના પક્ષનો સફાયો થઈ ગયો. વાયએસઆર કોંગ્રેસના જગનમોહન રેડ્ડીનો ભવ્ય વિજય થયો છે. રાજ્યની ૧૭૫ બેઠકોમાંથી દોઢસો બેઠકો તેમના પક્ષને મળી છે. રાજ્યની ૨૨ લોકસભાની બેઠકો પણ તેમણે જીતી છે. તેલુગુ દેશમ પક્ષને વિધાનસભાની માત્ર ૨૪ બેઠકો મળી છે. ચંદ્રાબાબુ કેબિનેટના મોટા ભાગના પ્રધાનો પરાસ્ત થયા છે. લોકસભાની ત્રણ બેઠકો ટીડીપીને મળી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીને ફરી સરકાર રચતા અટકાવવાના પ્રયાસમાં વ્યસ્ત રહેનારા નાયડુએ તેમનું આંધ્રનું રજવાડું ગુમાવ્યું છે. મોદીને અટકાવવામાં તો તેઓ સફળ થયા જ નહીં. આમ ચંદ્રબાબુના બંને બગડ્યા છે. જગનમોહન રેડ્ડીએ ચૂંટણી પૂર્વે ૧૪ માસ સુધી રાજ્યમાં પદયાત્રા દ્વારા જનસંપર્કનું પાયાનું કામ કર્યું હતું. તેમના વિજયમાં તેમના દિવંગત પિતા પૂર્વ મુખ્યપ્રધાન વાય.એસ. રાજશેખર રેડ્ડીની પ્રતિષ્ઠાનું બળ પણ ભળ્યું છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જોઈએ કે જગનમોહન રેડ્ડીના ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર હતા. ચંદ્રાબાબુ નાયડુ મોદી વિરોધી છાવણીમાં છે. જગનમોહન મોદી તરફી વલણ અપનાવે એવી શક્યતા છે. તેમણે આંધ્રને વિશેષ રાજ્યના દરજ્જાની માગણી તો વડાપ્રધાન સમક્ષ કરી જ છે.

આંધ્ર વિધાનસભાની ચૂંટણીનો જનાદેશ સત્તા પરિવર્તન માટેનો રહ્યો તો ઓરિસામાં વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન નવીન પટનાયકના પક્ષ બીજુ જનતા દળ (બીજેડી)ને સતત પાંચમી વખત ભવ્ય વિજય મળ્યો છે. અહીં બીજેડીને પડકારનાર ભાજપ ઊંચી મહત્ત્વાકાંક્ષા સાથે મેદાનમાં હતો અને પટનાયક માટે પડકાર ઊભો કર્યો હતો, પરંતુ ચૂંટણીનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે કે ભાજપનો પડકાર માત્ર ભાષણો પૂરતો જ રહ્યો. વિધાનસભાની ૧૪૭ બેઠકોમાંથી ૧૧૨ બેઠકો બીજેડીને મળી છે. જ્યારે ભાજપને માત્ર ૨૩ બેઠકો મળી છે. લોકસભાની ચૂંટણી માટે જોકે ભાજપે બીજેડીને ભારે લડત આપી અને ૨૧માંથી આઠ બેઠકો કબજે કરી છે જ્યારે બીજુ જનતાદળને ૧૨ બેઠકો મળી છે. ઓરિસામાં નવીન પટનાયકની લોક કલ્યાણ યોજનાઓનો કરિશ્મા યથાવત્ છે.

આ યોજનાઓ એવી છે કે જેને અનુસરવાનું અન્ય રાજ્યો પણ વિચારતા હોય છે. ઓરિસાને એવું રાજ્ય ગણવામાં આવે છે કે જ્યાં ઍન્ટિ ઇન્કમબન્સી પ્રવેશતાં ગભરાય છે. પાંચમી વખતના વિજય દ્વારા નવીન પટનાયકે આ વાતને સાચી પુરવાર કરી છે. તેઓ ઉડિયા રાજનીતિના પિતામહ ગણાતા દિવંગત બીજુ પટનાયકના પુત્ર છે. બીજુ પટનાયકના નિધન બાદ ચાર વર્ષ પછી સૌ પ્રથમ ૨૦૦૦ની સાલમાં તેઓ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યારથી અવિરત રાજ્યની શાસનધુરા સંભાળતા રહ્યા છે. આ સિવાયનાં બે રાજ્યોમાંથી અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સત્તા મેળવી છે, જ્યારે સિક્કીમમાં ભાજપને સફળતા મળી નથી. અહીં પ્રાદેશિક પક્ષનું વર્ચસ્વ યથાવત્ રહ્યું છે.
——-.

પરિણામ પહેલાં જ પીએમઓ એક્શનમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી મુદત માટે પોતાના વિજય અંગે એટલી હદે આશ્વસ્ત હતા કે પીએમઓમાં એ માટે પહેલેથી જ તૈયારી ચાલી રહી હતી. ચૂંટણી પંચ જ્યારે આખરી તબક્કાના મતદાનની તૈયારી કરી રહ્યું હતું ત્યારે પીએમઓ ભાજપના વિજયની ઉજવણીની ચર્ચામાં વ્યસ્ત હતું. પીએમઓએ તમામ મંત્રાલયોને પ્રથમ સો દિવસના એજન્ડાનો સત્તા પર આવ્યા પછી ૧લી જૂનથી જ અમલ શરૃ કરવા માટે એક પરિપત્ર પણ તૈયાર કરી રાખ્યો હતો. એ નિર્દેશ તમામ સચિવો અને સંયુક્ત સચિવોને પત્ર દ્વારા અપાઈ ગયા હતા. અમલદારશાહી માટે એ એક પ્રકારે ગ્રીન સિગ્નલ હતું કે મોદી સરકાર ફરી સત્તામાં આવી રહી છે અને તેનો મતલબ એ હતો કે કામ માટે ફરી સજ્જ રહેવાનું છે.

પરિણામ પછી તુરત જ શપથવિધિ સમારોહ માટે મહેમાનોની યાદી તૈયાર કરીને રાષ્ટ્રપતિ ભવનને મોકલી આપવામાં આવી અને રાષ્ટ્રપતિના કાર્યાલયે તેના પર કાર્યવાહી પણ શરૃ કરી દીધી. આ બધી પ્રક્રિયા નિહાળી રહેલા અધિકારીઓ કહેતા હતા કે આટલી હદે આત્મવિશ્વાસ તેઓએ અગાઉ કોઈ સરકારોમાં જોયો નથી. ૨૦૦૪માં ઇન્ડિયા શાઇનિંગના નારા સમયે પણ ખુદ વાજપેયીએ પીએમઓના અધિકારીઓને એવું કહી દીધું હતું કે તમારું કામ રાબેતા મુજબ કરતા રહેજો કેમ કે મને ભાજપની તરફેણમાં પરિણામ આવવાની આશા નથી.
——-.

ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે?
ભાજપના વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન પામશે એ સુનિશ્ચિત લાગે છે ત્યારે તેમના સ્થાને પક્ષના પ્રમુખ કોણ બનશે એ વિશે આજકાલ પક્ષમાં ચર્ચા ચાલી રહી છે. એક વાત નિશ્ચિત છે કે સંઘને વિશ્વાસમાં લીધા વિના કોઈ પક્ષ પ્રમુખ નહીં બની શકે અને સંઘની પસંદ નીતિન ગડકરીના નામ સાથે મોદી-શાહની જોડી સંભવતઃ સંમત નહીં થાય. કદાચ એટલે જ આ રેસમાં ત્રણ નવાં નામ સપાટી પર આવ્યાં છે. એ નામો છે- જે.પી. નડ્ડા, કૈલાસ વિજયવર્ગીય અને ગુજરાતના ગોરધન ઝડફિયા. જે.પી. નડ્ડાનું નામ એક રીતે સ્વીકાર્યતાના માપદંડમાં સૌથી ઉપર છે કેમ કે આ નામ સામે મોદી-શાહને કોઈ વાંધો નથી તેમ સંઘને પણ આ નામ પ્રત્યે કોઈ વાંધો નથી. નડ્ડા સંઘને પણ એટલા જ અનુકૂળ છે. ગોરધન ઝડફિયાનું નામ એક રીતે ચોંકાવનારું છે, પણ તેમની હિમાયત કદાચ માત્ર મોદી જ કરી શકે. કેમ કે ઝડફિયા મોદીના ખાસ મિત્ર ગણાય છે અને આ વખતની ચૂંટણીમાં મોદીએ જ તેમને ઉત્તર પ્રદેશ મોકલ્યા હતા, જ્યાં તેમણે શાનદાર દેખાવ કર્યો છે. નવા પક્ષ પ્રમુખ માટે જો અમિત શાહનું ચાલશે તો તેમની પસંદ કૈલાસ વિજયવર્ગીયની હશે. તેમણે આ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના પાયા હચમચાવી નાખ્યા છે. વિજયવર્ગીય એકદમ એકાગ્ર થઈને આક્રમક રીતે કામ કરે છે. અમિત શાહને આવી રણનીતિ જ ગમે છે.
——-.

મમતા બેનરજીની સરકારનું  ભાવિ અનિશ્ચિત
હજુ હમણા થોડા દિવસો પહેલાં સુધી સંયુક્ત વિરોધ પક્ષના અવાજને બુલંદ બનાવનાર પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો મિજાજ આજકાલ નરમ પડી ગયો છે. તેમને એવું લાગવા માંડ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સીધો પડકાર ફેંકવાનું તેમને મોંઘું પડી ગયું છે. હવે તેમની દુવિધા એ છે કે જે હાથ સીધા થપ્પડ માટે તેઓ ઉઠાવવા ઇચ્છતા હતા એ હાથ યાચના માટે કોઈની સામે કેવી રીતે ફેલાવવા? કૈલાસ વિજયવર્ગીયના આત્મવિશ્વાસ અને સૂત્રોના દાવા પર વિશ્વાસ રાખીને વાત કરીએ તો આવનારા દિવસોમાં પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારનું પતન થવાની શક્યતા છે. તૃણમૂલમાંથી ભાજપમાં ગયેલા અને બેરકપુરના દિગ્ગજ તૃણમૂલ નેતા દિનેશ ત્રિવેદીને પરાસ્ત કરનાર અર્જુનસિંહે તો એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ દાવો કર્યો છે કે તૃણમૂલ ધારાસભ્યો અને સાંસદોની એક મોટી ફોજ તેમના અને મુકુલ રૉયના સંપર્કમાં છે અને ભાજપ ગમે ત્યારે દીદીની સરકારને તોડી પાડી શકે તેમ છે. અર્જુનસિંહનો તો એવો પણ દાવો છે કે આવનારા છ મહિનામાં બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. મુકુલ રૉય મમતા બેનરજીની નબળાઈઓને બરાબર ઓળખે છે. તૃણમૂલના ક્યા નેતાને કેવી રીતે તોડી શકાય તેની માહિતી મુકુલ રૉય પાસે છે. તેઓ વિજયવર્ગીય સાથે મળીને મમતા બેનરજીની તમામ નબળી કડી પર પ્રહાર કરવા તત્પર છે.
————————–

અમિત શાહચંદ્રાબાબુ નાયડુપીએમઓમમતા બેનરજીરાજકાજ
Comments (0)
Add Comment