દુઃખના દફતરના તમે જ પ્રધાન છો

રાજા જ્યારે દયા વગરનો બને છે ત્યારે ધરતીના રસકસ સુકાય છે
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

વિશ્વના તમામ ધર્મોએ કરુણાનો – દયાનો મહિમા ગાયો છે. સુધરેલો માણસ પણ હજુ દયાને ‘જુનવાણી’ ગણાવતો થયો નથી એટલું સારું છે. કરુણાવૃત્તિ આપણી નવી સંસ્કારિતાની પણ શોભા ગણાય છે. છતાં જરા વધુ પ્રામાણિક બનીને વિચારીએ તો આપણને સવાલ જાગે કે આપણી કરુણા પણ ઠગારી બની નથી ગઈને? તખ્તા ઉપર કે પડદા ઉપર અભિનય કરનારની ગરીબી કે લાચારી આપણને ગદ્ગદિત કરી શકે છે. રસ્તા ઉપરના કોઈ ગરીબને આપણે પિછાની શકતા નથી. રાજ કપૂરની ‘બૂટપૉલિશ’ ફિલ્મ આપણને ઘણાને ગમી ગઈ હતી, પણ રસ્તા ઉપર સેંકડોની સંખ્યામાં જે માસૂમ ચહેરા ભણવાની ઉમ્મરે રોજી માટે ભટકે છે કે પોલીસની કરડી નજર નીચે કોઈક સલામત ખૂણો શોધે છે તે આપણામાં કરુણા જગાડી શકે ખરા? આપણી બીજી ઘણી લાગણીઓની જેમ કરુણામાં પણ ઠગારું તત્ત્વ દાખલ થઈ ગયું છે, તેમાં સચ્ચાઈ નથી. તુલસીદાસે આપણી જ ભૂમિમાં ગાયું હતું કે, ‘તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમેં પ્રાણ.’ દેહમાં જીવ હોય ત્યાં સુધી દયા નહીં છોડવાનું તુલસીદાસે કહ્યું છે, કેમ કે બધા કહે છે કે કરુણા માણસાઈનો અર્ક છે, પણ આજે ક્યાં છે કરુણા?

રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, માણસ દયાળુ છે, પણ માણસો ક્રૂર છે. એક અર્થમાં આ માર્મિક વિધાન સાચું છે, પણ આજે એવો પ્રશ્ન થાય છે કે માણસ પણ દયાળુ છે ખરો? હોય તો તેની દયાવૃત્તિ પણ કળિયુગના ધનની જેમ ખોટી જગ્યાએ તો નથી ખર્ચાઈ રહીને? માણસો ભેગા મળીને દયાવૃત્તિનો આભાસ ઊભો કરે છે, પણ વ્યક્તિગત દયાવૃત્તિનો ગુણાકાર કેમ થતો નથી?

આપણને સાચી કરુણાવૃત્તિ હચમચાવતી જ નથી. દેખાવ આપણને ગમે છે, દેખાવ આપણે ઓળખી શકીએ છીએ; દેખાવ આપણે કરી શકીએ છીએ.

આપણને સચ્ચાઈ નથી ગમતી, તેની નકલ આકર્ષે છે. એક જ ગામમાં બે સાધુ ભેગા થાય છે. એક સાધુ પાસે માણસો ઊમટે છે. એ સાધુનો ભક્ત બરોબર ગધેડા જેવો અવાજ કાઢે છે. લોકો સાધુના પગમાં પાઈપૈસા નાખીને ચાલ્યા જાય છે. પેલો માણસ ગધેડા જેવો અવાજ કાઢે છે, તેને તેઓ સાધુનો ચમત્કાર ગણતા હોય તોય નવાઈ નહીં! બીજો સાધુ બિચારો ગધેડાનો અવાજ કાઢી શકે તેવો કોઈ ભક્ત ધરાવતો નથી એટલે એ સાચો ગધેડો ખડો કરી દે છે! ગધેડો સરસ ભૂંકે છે, પણ લોકો ત્યાં મુદ્દલ ફરકતા નથી. લોકો આપસઆપસમાં વાત કરે છે કે આમાં શી નવાઈ? ગધેડો તો ભૂંકે જ ને? માણસ ભૂંકે તે જ નવાઈ! આપણી કરુણાવૃત્તિમાં પણ આવું જ નથી બનતું? દુઃખી માણસ તો રડે જ ને, એમાં શી નવાઈ? અદાકાર દુઃખી માણસની ભૂમિકામાં રડે અને આબેહૂબ રડે ત્યારે નવાઈ! નવાઈ પણ ખરી અને આપણે દાદ આપીએ પણ ખરા. નક્કી આમાં જ કાંઈક ગરબડ છે.

આપણી સંસ્થાઓ ખ્રિસ્તીઓની પ્રવૃત્તિથી ભડકતી રહે છે. તેમણે પણ જરા વિચારવાની જરૃર છે. ખ્રિસ્તીઓ પીડાતા માણસોની નજીક દોડે છે. પ્રચાર તો તેઓ કરતા જ હશે, પણ સૌથી મોટો પ્રચાર આ જ બની જાય છે કે તેઓ દુઃખની ઘડીએ દોડી આવે છે. આપણી ધાર્મિક સંસ્થાઓએ હવે સમજવાની જરૃર છે કે માણસને જ્યાં પીડાતો-રિબાતો જુઓ ત્યાં તમારું મંદિર લઈ જાઓ.

દુઃખનો પોર્ટફોલિયો એટલો મોટો છે કે એ દફતર કોઈ અમુક ખાતા હસ્તક કે અમુક માણસ હસ્તક રહી જ ના શકે. આ તો રાજ્યની જવાબદારી કહેવાય, આ તો કેન્દ્રની જવાબદારી કહેવાય, તેવા વિવાદને આમાં અવકાશ જ હોવો ના જોઈએ. દુઃખના દફતરના તમે જ પ્રધાન છો તેમ સમજીને તેની પાછળ પડો. તમારાથી થઈ શકે તેવું જે કાંઈ હોય તે કરો.

કવિ કલાપીએ ‘રસહીન થઈ છે ધરા, દયાહીન થયો નૃપ’ (ગ્રામ્યમાતા) કવિતા રચી છે. રાજા જ્યારે દયા વગરનો બને છે ત્યારે ધરતીના રસકસ સુકાય છે; પણ રાજા તો હવે રહ્યો નથી, આજે પ્રજા જ રાજા બની છે. પ્રજા જ જો દયાહીન થશે તો ધરતીના રસકસ સુકાવા કરતાં પણ વધુ ખરાબ પરિણામ આવવાનું જોખમ નથી? કવિ કલાપીના કાવ્યની ચમત્કૃતિની વાત જવા દો. નરી વાસ્તવિકતામાં આથી મોટો ચમત્કાર કરવાની ત્રેવડ છે. મોટી આફતો કુદરત સર્જે છે તેમ માનવામાં વાંધો નથી. આવી આફતોનું નિવારણ કરવા પણ કુદરત કોઈકને મોકલશે તેવી માન્યતા નિર્દયતાના સિક્કાની જ એક બાજુ છે. તેણે કોઈને મોકલ્યા હોય તો તે પણ તમે જ છો તેમ માનો તો તે વધુ યોગ્ય ગણાશે.
——————————.

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment