પાટનગરની ફૂટપાથ પર ‘પ્રભુની પાઠશાળા’!

દરરોજ સાંજે ૬થી ૮ વાગ્યા સુધી ચાલતી ફૂટપાથ શાળા
  • એજ્યુકેશન સ્પેશિયલ –  નરેશ મકવાણા

એકની પીડા બીજા માટે તમાશો બની ચૂકી છે એવા આજના જમાનામાં તદ્દન નિઃસ્વાર્થ ભાવે કોઈ કાર્ય થતું હોય, તેવું માનવા આપણુ મન પહેલી નજરે તો તૈયાર ન જ થાય. એમાં પણ વાત શિક્ષણને લગતી હોય ત્યારે તો ખાસ. આજે શિક્ષણ ઉઘાડી લૂંટનું સાધન બની ગયું છે ત્યારે ગાંધીનગરમાં એક રિક્ષાચાલક દ્વારા ચાલતી ફૂટપાથ શાળા આશાનું કિરણ બનીને ઊભરી આવી છે.

કોઈ સારું કામ શરૃ કરવા માટે રૃપિયા કરતાં પણ જરૃરી હોય છે દ્રઢ ઇચ્છાશક્તિ. પૈસા તો પછી આવે, એ પહેલાં તમે જે કામ હાથ પર લો છો, તેને પૂર્ણ કરવા માટે કેટલી મજબૂત ઇચ્છાશક્તિ ધરાવો છો તે મહત્ત્વનું છે. કેમ કે તેના પર જ તેની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો હોય છે. આ તર્ક આમ તો અનેક વખત કસોટીની એરણે સિદ્ધ થઈ ચૂક્યો છે, છતાં વધુ એક વખત જમીની સ્તરે ફળીભૂત થતો જોવો હોય તો ગાંધીનગરના સેક્ટર-૩ના એક ફૂટપાથ પર ચાલતી શાળાની મુલાકાત લઈ લેવી.

છેલ્લાં ત્રણ વર્ષથી નિયમિત દરરોજ સાંજે ૬થી ૮ વાગ્યા સુધી ચાલતી આ ફૂટપાથ શાળા વાલ્મીકિ સમાજમાંથી આવતાં પ્રભુભાઈ કબીરા અને તેમનાં પડોશી હસુમતિબહેન તથા સંજયભાઈની સતત મહેનતનું પરિણામ છે. પ્રભુભાઈ કબીરા ઑટોરિક્ષા ચલાવે છે. હસુમતિબહેન સચિવાલયમાં કોન્ટ્રાક્ટ પરનાં કમ્પ્યુટર ઑપરેટર છે, જ્યારે તેમના પતિ સંજયભાઈ કૅબ ચલાવે છે. અતિ સામાન્ય પરિવારના આ ત્રણેયની ઇચ્છાશક્તિ એટલી મજબૂત છે કે આજે પણ કામેથી આવીને તેઓ આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતાં ગરીબ બાળકોને ખુદની રિક્ષા અને કૅબ લઈને સ્કૂલવાનની જેમ લેવા જાય છે.

આ ફૂટપાથ શાળાની મુલાકાત લો એટલે તરત મસમોટો વિરોધભાસ તમારું ધ્યાન ખેંચે. ફૂટપાથ પર ચાલતાં તેમના ફ્રી ક્લાસીસની બરાબર સામેની બિલ્ડિંગમાં ઓછામાં ઓછા ચાર ખાનગી ટ્યૂશન ક્લાસીસ ધમધમે છે, જે વિકસિત ગુજરાતમાં શિક્ષણની શું દશા થઈ છે તેની ચાડી ખાય છે. આ વિરોધાભાસને કારણે દરરોજ સાંજ પડ્યે અહીં વિચિત્ર દ્રશ્યો જોવા મળે છે. એક તરફ પ્રભુભાઈ અને સંજયભાઈ પોતાની રિક્ષામાં ગરીબ બાળકોને એમના ઘેરથી પિકઅપ કરીને અહીં લઈ આવતાં હોય, બીજી તરફ માલેતુજારોનાં બાળકો ખાનગી ટ્યૂશન ક્લાસીસના એ.સી. રૃમના પગથિયાં ચડતાં હોય. એક તરફ ગરીબ બાળકો પાસે પહેરવા સારાં કપડાં પણ ન હોય, બીજી તરફ પૈસાદાર માબાપો પોતાનાં બાળકોને કાર કે સ્કૂટર પર મૂકવાં આવ્યાં હોય. ફૂટપાથ શાળાનાં બાળકોની ભૂખી હોજરીઓ આસપાસની લારીઓ પર વેચાતા નાસ્તાઓ તરફ તાકી રહી હોય, સામે ખાનગી ટ્યૂશનમાંથી છૂટતાં બાળકો ભેળપૂરી, પાણીપૂરી કે દાબેલી આરોગતાં હોય. આવા તો બીજા પણ અનેક વિરોધાભાસો અહીં જોવા મળે છે.

ગરીબ બાળકો માટે ક્લાસીસ શરૃ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તેની વાત કરતાં પ્રભુભાઈ કબીરા કહે છે, ‘પહેલાં હું વન વિભાગમાં રોજમદાર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ઓછું ભણેલો હોઈ વળતર પણ એવું જ મળતું હતું. માંડ ૧૦૦ રૃપિયા મળતાં. એ નોકરી ૨૦૧૫માં છૂટી ગઈ એટલે બેકાર બની ગયેલો. હું ઓછું ભણેલો હોવાથી બીજે ક્યાંય મને નોકરી મળી નહીં. એટલે આખરે ગુજરાન ચલાવવા મેં મિત્રો પાસેથી નાણા ઉછીના લઈને ઑટોરિક્ષા ખરીદીને ચલાવવી શરૃ કરી દીધી. રિક્ષામાં આખું ગાંધીનગર ફરવાનું થતું. એ વખતે મેં જોયું કે મારી આસપાસના વિસ્તારમાં અનેક ગરીબ બાળકો શિક્ષણથી વંચિત હતાં અથવા તો ગરીબીને કારણે ભણતર અધૂરું છોડી દેવું પડતું હતું.

આજના જમાનામાં ભણ્યાં ન હોય તો શું હાલત થાય તે મેં સ્વયં અનુભવ્યું હતું. મને ખ્યાલ હતો કે આજે બધાં બાળકોને શાળા ઉપરાંત ટ્યૂશન ક્લાસીસની પણ જરૃર પડે છે, પણ ગરીબ માબાપ પાસે એટલા રૃપિયા હોતા નથી કે તેઓ પોતાનાં બાળકોને ખાનગી ટ્યૂશન અપાવી શકે. આથી અમે એવાં બાળકો માટે શાળા શરૃ કરવાનું વિચાર્યું. હસુમતિબહેન સારું એવું ભણેલાં હોઈ તેમને વાત કરી. તેમના પતિ સંજયભાઈને પણ મારો વિચાર જણાવ્યો. બંને બહુ રાજી થયાં. આમ બીજા જ દિવસે અમે વિચારને અમલમાં મૂક્યો અને મારા ઘરની બહાર સરકારી વીજળીના થાંભલાની નીચે બત્તીના અજવાળે જ શાળા શરૃ કરી. ધીમે-ધીમે બાળકોની સંખ્યા વધતી ગઈ એટલે અમે ઑટોરિક્ષા અને કૅબ લઈને દરરોજ તેમને લેવાં-મૂકવાં જવાનું શરૃ કર્યું. આજે અમારી મહેનત રંગ લાવતી દેખાય છે. કેમ કે ૮૦ જેટલાં ગરીબ બાળકો અહીં ભણવા આવે છે.’

આ ફૂટપાથ શાળાનું ટાઇમટેબલ સમજાવતાં હસુમતિબહેન ધમેરિયન કહે છે, ‘અમારી શાળામાં આવતાં મોટા ભાગનાં બાળકો સેક્ટર-૩ અને ૪માંથી આવે છે. તેમનાં મા-બાપ છૂટક મજૂરી અથવા તો ઘરઘાટી તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હોઈ અમારા પર તેમને ભણાવવાની વિશેષ જવાબદારી છે. ઉપર આભ અને નીચે ધરતી જેવી અમારી શાળા સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી ચાલે છે. અહીં ભણવા આવતાં બાળકો દિવસે સરકારી શાળાઓમાં જાય છે અને સાંજે અહીં આવે છે. મારા પતિ સંજયભાઈ અને સાથીમિત્ર પ્રભુભાઈ પોતાની કૅબ અને ઑટોરિક્ષામાં તેમને લેવા-મૂકવા જાય છે. હવે તો બીજા રિક્ષાવાળા પણ તેમાં જોડાયા છે એટલે ફેરા ઘટ્યા છે. બાકી અગાઉ ૮૦ બાળકોને લેવા-મૂકવા જવામાં ત્રણેક ફેરા થઈ જતાં. અમારી શાળામાં કદી વૅકેશન પડતું નથી. માત્ર રવિવારની રજા રાખીએ છીએ જેથી બાળકો રિલેક્સ રહે. બધાં ભેગાં બેસીને ભણે છે જેથી એકબીજાંનો પરિચય થાય. અમે તેમને ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન જેવા મહત્ત્વના વિષયોની પ્રેક્ટિસ કરાવીએ છીએ. ઉપરાંત ચિત્રકળા, ગીત, સંગીતને પણ પ્રોત્સાહન આપીએ છીએ, જેથી બાળકની પ્રતિભા ખીલે.’

હસુમતિબહેનના પતિ સંજયભાઈ ધમેરિયન બાકીની પ્રવૃત્તિઓ વિશે વાત કરતાં કહે છે, ‘અમે માત્ર બાળકોને ભણાવતાં જ નથી, તેમને સમયાંતરે અડાલજની વાવ, કાંકરિયા તળાવ, વૈષ્ણોદેવી જેવી નજીકની જગ્યાઓએ પિકનિકમાં પણ લઈ જઈએ છીએ. ત્યાં જવા-આવવાનો, ખાણીપીણીનો તથા બાળકોને મનપસંદ રાઇડ્સમાં બેસાડવાનો વગેરે તમામ ખર્ચ અમે ભોગવીએ છીએ. ક્યારેક કોઈ બાળક બીમાર જણાય તો તેની સારવાર પણ કરાવીએ છીએ. શાળામાં આવતાં દરેક બાળકને સ્કૂલબેગ, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, રબ્બર, કંપાસ બોક્સ, ચિત્રો દોરવા માટે પેન્સિલ કલર અને કાગળો પણ પુરાં પાડીએ છીએ. આ સિવાય અઠવાડિયામાં એક વખત તેમને ગમતો નાસ્તો આપીએ છીએ. જેમાં પૂરી-શાક, પનીર, સમોસા, પાંૈઆ, ચોકલેટ, સેવ મમરા, કોલડ્રિન્ક્સ અને કોઈ બાળકનો જન્મ દિવસ હોય તો કેક પણ કાપીએ છીએ. આ બધું અમે સ્વખર્ચે કરીએ છીએ, કેમ કે દાન લેવામાં હજુ અમને ડર લાગે છે કે, ક્યાંક લોકો એમ ના કહે કે આ પોતાના ફાયદા માટે કર્યું છે.’

પ્રભુભાઈ, હસુમતિબહેન અને સંજયભાઈ ગાંઠના રૃપિયા, સમય અને શક્તિ ખર્ચીને આ શાળા ચલાવી રહ્યાં છે. આ ત્રણેયનું શાળા પ્રત્યેનું સમર્પણ જુઓ ઃ પ્રભુભાઈ સાંજે પાંચ વાગ્યા પછી બાળકોને લેવા જવાનું હોવાથી પિક અવરની રિક્ષાની મોટી કમાણી જતી કરી દે છે. એક વર્કિંગ વુમન ઉપરાંત ગૃહિણી તરીકે સમગ્ર પરિવારની જવાબદારી માથે હોવા છતાં હસુમતિબહેન ઘેર જવાને બદલે પહેલાં ફૂટપાથ શાળાએ પહોંચે છે. ત્યાં બાળકો ભણીને ઘેર જાય પછી પોતે ઘર તરફ વળે છે. તેમના પતિ સંજયભાઈ બાળકોને લેવા અને મૂકવા જવાનું હોવાથી સાંજે ૬ વાગ્યા પછી કૅબનું બુકિંગ લેતાં નથી. આ સેવાકાર્યમાં હવે તો અન્ય લોકો પણ જોડાયાં છે. હસુમતિબહેનની કૉલેજમાં ભણતી દીકરી પોતાની અનુકૂળતા મુજબ બાળકોને અંગ્રેજી શીખવે છે.

વિરેન્દ્રભાઈ મોદી, મનુભાઈ મકવાણા અને ભાવનાબહેન નામનાં શિક્ષિકા પણ જોડાયાં છે. એક્ટિવિસ્ટો અરુણ પટેલ, પાર્થ સોનારા, ઘનશ્યામ કબીરા, મનીષ ભારતીય, ઈશાન તથાગત વગેરે જરૃરી મદદ કરતાં રહે છે. આ બધાના સંકલનને કારણે ગંભીર બીમારીથી પિડાતાં બાળકોને પણ મદદ મળવી શરૃ થઈ છે. કિંજલ નામની એક વિદ્યાર્થિનીનો પગ જન્મથી જ વાંકો હતો તેને આ ટીમે પોલિયો ફાઉન્ડેશનની મદદથી ઑપરેશન કરાવીને સારી રીતે ચાલતી કરી હતી. બાળકોમાં જોવા મળતી નાની-મોટી બીમારીઓને ધ્યાનમાં રાખીને હવે અહીં સમયાંતરે મેડિકલ કૅમ્પ પણ યોજાય છે. ટૂંકમાં, એક નાનકડા વિચારનો દૃઢ નિશ્ચય સાથે અમલ કરવામાં આવે તો કેટલું સુંદર પરિણામ મળી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ ફૂટપાથ શાળા છે. હાલ જ્યારે ગુજરાતભરમાં સરકારી શિક્ષણ મરવા પડ્યું છે, ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને ખાનગી ટ્યૂશન ફરજિયાત થઈ પડ્યું છે ત્યારે, પ્રભુભાઈ, હસુમતિબહેન અને અરુણભાઈની ટીમ ગરીબ બાળકો માટે સાક્ષાત સરસ્વતીનું રૃપ લઈને આવી છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ લાગતી નથી.
——————————–

એજ્યુકેશન સ્પેશિયલકવર સ્ટોરી - નરેશ મકવાણા
Comments (0)
Add Comment