એક બ્રિગેડિયરે ઉપાડ્યું અનોખું મિશન

છેલ્લા શ્વાસ સુધી હું સેના માટે કામ કરતો રહીશ.

રાષ્ટ્રસેવા – દેવેન્દ્ર જાની

ભારતીય સેનામાં બ્રિગેડિયર કક્ષાના એક અધિકારીનું સૌરાષ્ટ્રમાં પોસ્ટિંગ થયું. મૂળ રાજસ્થાની આ ઓફિસરનું આ ભૂમિ અને અહીંના લોકોના પ્રેમપૂર્ણ વ્યવહારે તેમનંુ દિલ જીતી લીધું હતું. તેઓ જ્યારે ગુજરાત બહાર જતા હતા તો ગુજરાતીઓ ફોજમાં જોડાતા નથીતેવું મહેણુ સતત મારવામાં આવતંુ જે આ બ્રિગેડિયરથી સહન ન થયંુ. બસ, આ મહેણુ ભાંગવા બ્રિગેડિયરે નિવૃત્ત થયા પછી વતનમાં રહેવાના બદલે સૌરાષ્ટ્રમાં જ પ્રવૃત્ત થયા અને એક મિશન શરૃ કર્યું. શું છે આ અનોખંુ મિશન, આવો જોઈએ…

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ નોકરીમાંથી નિવૃત્ત થાય એટલે સ્વાભાવિક છે તેઓ પાછલી જિંદગી વતનમાં અને પરિવાર સાથે વીતે એવું ઇચ્છતા હોય છે અને તેમાં પણ વતનની સેંકડો કિલોમીટર દૂર ખાસ કરીને ફોજમાં નોકરી કરતા હોય તેઓ તો ક્યારે નિવૃત્ત થતા હોય તેની રાહ જોતા હોય છે. જોકે બ્રિગેડિયર અજિતસિંહ કંઈક જુદી જ માન્યતા ધરાવનારા છે. તા. ૩૦ એપ્રિલે તેઓ સેવા નિવૃત્ત થયા બાદ વતન વાપસી કરીને પરિવાર સાથે રહેવાને બદલે સૌરાષ્ટ્રનાં ગામડાંઓ ખૂંદવાનું પસંદ કર્યું છે. મહત્ત્વની વાત તો એ છે કે ગુજરાતીઓને મારવામાં આવતા મહેણાને ભાંગવા આ બ્રિગેડિયરે મિશન શરૃ કર્યું છે. ગુજરાતીઓ વેપારી માનસિકતા ધરાવે છે તેઓ ફોજમાં જોડાતા નથી..આવા મહેણા-ટોણા ગુજરાતીઓ બહારના પ્રદેશોમાં જાય ત્યારે વારંવાર માથામાં મારવામાં આવે છે. એક ગુજરાતી તો આ શાબ્દિક મહેણાનો જવાબ શબ્દોથી આપી દેતો હોય છે, પણ જે ગુજરાતી નથી તેવા એક બ્રિગેડિયરે માત્ર શબ્દોથી નહીં, પણ કંઈક નક્કર કામગીરી કરીને આ મહેણાનો જવાબ આપવા કોશિશ કરી છે તે સરાહનીય છે.

બ્રિગેડિયરના ગુજરાત મિશન વિશે વાત કરતાં પહેલાં તેમના જીવન પર એક નજર કરીએ તો મૂળ રાજસ્થાની અજિતસિંહનો પરિવાર જયપુરમાં રહે છે. આ પરિવારનો પેઢીઓથી ફોજ સાથેનો લગાવ રહ્યો છે. બ્રિગેડિયર અજિતસિંહ ૩પ વર્ષથી સેના સાથે જોડાયેલા હતા. વર્ષો સુધી કાશ્મીર ઘાટી જેવા સંવેદનશીલ વિસ્તારમાં તેમણે ફરજ બજાવી હતી. સેનાના વરિષ્ઠ ઓફિસરના નાતે પ૦૦ જેટલા નાના-મોટા મિલિટરી ઑપરેશનમાં તેમણે ભાગ લીધો હતો. કારગિલના યુદ્ધમાં એક પલટનનું નેતૃત્વ લઈને એક વ્યૂહાત્મક રીતે મહત્ત્વની એક ચોટી પર ચઢાઈ કરી દુશ્મનોને ધૂળ ચાટતા કરીને તિરંગો લહેરાવ્યો હતો. એક સમયે દુશ્મનની સામેના જંગમાં જાન હથેળીમાં લઈને ફ્રંટ પર લડી રહ્યા હતા ત્યારે એક ક્ષણ શહીદ થઈ જવાશે તેવી આવી હતી, પણ ભારતીય સેનાની એક ટુકડી તત્કાળ પહોંચી જતા જાન બચી ગઈ હતી. આવા જાંબાઝ ઓફિસર તરીકેની તેમની કામગીરીને ધ્યાનમાં લઈને ભારત સરકારે તેમને યુનાઇટેડ નેશન માટે ડેપ્યુટ કર્યા હતા. યુએન દ્વારા આફ્રિકાના એક ખતરનાક ખંડમાં ર૩ર સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા હતા. તેમને છોડાવવા માટેનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. લક્ષ્ય વીંધવું એ જ જેમનંુ મિશન હતું તેવા અજિતસિંહ ટીમનું નેતૃત્વ લઈને કોઈ પણ જાનહાનિ વિના સૈનિકોને મુક્ત કરાવ્યા હતા. આ ઉપરાંત કોંગો દેશમાં પણ યુનાઇટેડ મિશનના ધ્વજ નીચે એક વર્ષ જેટલો સમય ફરજ બજાવવાની તક તેમને મળી હતી. સેના પ્રત્યેનો તેમનો પ્રેમ એવો છે કે પરિવારનો સદસ્ય સેનામાં કામ કરતો રહેવો જોઈએ તેમ તેઓ માનતા હોવાથી તેઓ નિવૃત્ત થયા પણ પુત્રને સેનામાં મોકલ્યો છે. હાલ તેમનો પુત્ર ચેન્નઈની મિલિટરી એકૅડેમીમાં તાલીમ લઈ રહ્યો છે.

ફરી મૂળ વાત પર આવીએ તો બ્રિગેડિયર અજિતસિંહનંુ રાજકોટ એનસીસીના હેડક્વાર્ટરના વડા તરીકે પોસ્ટિંગ થયું હતંુ. પહેલીવાર તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા હતા, પણ આ ભૂમિ પર વતનની ખૂશ્બૂ જેવો તેમને અનુભવ થયો હતો. સૌરાષ્ટ્રની કૉલેજોમાં એનસીસીની કામગીરીનો વ્યાપ વધારવાની તેમની મુખ્ય કામગીરી હતી. એનસીસીના સૌરાષ્ટ્રના હેડ તરીકેની સવા બે વર્ષ સુધી તેમણે ફરજ બજાવી હતી. સૌરાષ્ટ્રનાં ગામોમાં તેઓ સતત પ્રવાસ કરતા હતા. કૉલેજોમાં કેમ્પ કરતા હતા. માત્ર એનસીસીના કેડેટ્સ જ નહીં, અન્ય યુવાનોને પણ તેઓ સમજાવતા હતા. તેમના મતે તમામ યુવાનો એક સમાન છે. કોઈ કેટેગરીનો ભેદભાવ તેઓ રાખતા નથી. એક જાંબાઝ અને ઉમદા ઓફિસર તરીકેની છબી ધરાવતા તા. ૩૦ એપ્રિલે સેવા નિવૃત્ત થયા. તેઓ માત્ર ઓફિસ સ્ટાફ કે વિદ્યાર્થીઓમાં જ લોકપ્રિય અધિકારીની છબી ધરાવતા ન હતા, પણ સૌરાષ્ટ્રના અનેક સેવાભાવી લોકોમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. નિવૃત્તિના દિવસે સાંજે તેઓ ઓફિસની બહાર આવ્યા એનસીસી ઓફિસના સ્ટાફે અભિવાદન કર્યું. એટલું જ નહીં, કચેરીની બહાર નીકળતી વખતે તેમની કારને દોરડાથી ખેંચીને સેવા નિવૃત્ત સાથે સાચંુ સન્માન આપ્યંુ હતું. રેલવે સ્ટેશન પર વિદ્યાર્થીઓ અજિતસિંહને મૂકવા ગયા હતા તેવો પ્રેમ આપ્યો હતો.

આ પ્રસંગે બ્રિગેડિયર અજિતસિંહે લાગણીવશ થઈને કહ્યું હતું કે, સેનાની ફરજમાંથી હું સેવા નિવૃત્ત જરૃર થયો છું, પણ હું જિંદગીના છેલ્લો દિવસ મારા માટે નિવૃતનો દિવસ હશે. છેલ્લા શ્વાસ સુધી હંુ સેના માટે કામ કરતો રહીશ. ભલે તેનંુ સ્વરૃપ જુદું હોય. સૌરાષ્ટ્રમાં માત્ર સવા બે વર્ષ સુધી ફરજ બજાવી હોવા છતાં આ ભૂમિ અને અહીંના લોકોએ બ્રિગેડિયરનું દિલ જીતી લીધું છે. ‘અભિયાન’ સાથેની વાતચીતમાં અજિતસિંહ કહે છે, ‘હું જ્યારે ગુજરાતની બહાર જતો હતો ત્યારે ગુજરાતીઓ વિશે સતત એવા મહેણા સાંભળવા મળતા હતા કે સૌરાષ્ટ્ર-ગુજરાતીઓ સેનામાં જોડાતા નથી. તેમને વેપારમાં જ વધારે રસ હોય છે. આ વાત સાચી નથી. સૌરાષ્ટ્ર એ માત્ર સંતોની ભૂમિ નથી, બલ્કે શૂરવીરોની પણ ભૂમિ છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ તેનો સાક્ષી છે. સૌરાષ્ટ્રના અનેક શૂરવીરોએ દેશ માટે બલિદાન આપ્યા છે અને આજે પણ સૌરાષ્ટ્રના યુવાનોમાં દેશદાઝ છે. તેઓ સેનામાં જવા તૈયાર છે, તેમનો આ જુસ્સો મેં એનસીસીના કેમ્પોમાં જોયો છે. મેં જોયું છે આ યુવાનોને જરૃર છે સાચા માર્ગદર્શનની.’

બ્રિગેડિયર કહે છે, હું સેવા નિવૃત્ત ભલે થયો પણ વતન રાજસ્થાનમાં હું જવા માગતો નથી. મારે ગુજરાતઓનું મહેણુ ભાંગવું છે. એકાદ વર્ષ પહેલાં હું કોડીનાર ગયો હતો ત્યાં ખંતીલો આહીર સમાજનો એક કાર્યક્રમ હતો. હજારો યુવાનોની હાજરી હતી. બસ, આ સમારંભથી “ગામડાથી સફળતા સુધી”ના એક મિશનની શરૃઆત કરી હતી. આ મારું મિશન સેવા નિવૃત્ત થયા બાદ પણ આગળ ચાલતંુ રહેશે. ર૦ હજારથી વધુ યુવાનો સાથે હું સંપર્ક કરી ચૂક્યો છું. સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને હું યુવાનોને સેનામાં જોડાઈને કરિયર ડેવલપની સાથે રાષ્ટ્રસેવા કઈ રીતે કરી શકાય તે સમજાવીશ. સેનામાં જોડાવાનો મતલબ માત્ર સરહદ પર લડવા જવાનો નથી તેમાં અનેક પ્રકારની કામગીરી હોય છે. ટૅક્નિકલ ફિલ્ડ પણ વિશાળ છે. યુવાનો વાયુ સેના, થલ સેના કે નેવી કોઈ પણ પાંખ સાથે જોડાઈને કરિયર ડેવલપ કરી શકે છે. રાષ્ટ્રભાવનાની, હેલ્થ ફિટનેસ સાથે ફરજનો એક અદ્ભુત અનુભવ સેનામાં થતો હોય છે. સૌરાષ્ટ્રના ગામડે ગામડે હું જઈને યુવાનોને મળીને આ વાત સમજાવીશ. એવંુ નથી કે સૌરાષ્ટ્રના લોકો સેનામાં નથી. આહીર , ક્ષત્રિય , મેર સહિતના ખંતીલા સમાજના અનેક યુવાનો સેનામાં ફરજ બજાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, તેને હું ક્યારેય ભૂલી નહીં શકું. આ પ્રેમ જ મને સેવા નિવૃત્ત પછી પણ સૌરાષ્ટ્રમાં જ રહીને પ્રવૃત્ત રહેવાની પ્રેરણા આપી રહ્યો છે. મારું બીજું વતન સૌરાષ્ટ્ર છે.

બ્રિગેડિયરના ઉમદા કાર્યને જાણીને સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો સાથ આપી રહ્યા છે. રાજકોટના ઉદ્યોગપતિ ભરતભાઈ પરસાણા કહે છે, ‘આવા અધિકારીઓ ભાગ્યે જ જોવા મળે છે. મારી તેમની ખુલ્લી ઑફર છે કે જેટલો સમય તેમને સૌરાષ્ટ્રમાં પ્રવૃત્ત રહેવું હોય તેટલો સમય હું તેમને મારો રાજકોટ સ્થિત ફ્લેટ આપવા માટે તૈયાર છુંુ. સૌરાષ્ટ્રમાં સોમનાથ, સાસણ, જૂનાગઢ, જામનગર, કચ્છમાં હું અનેક પ્રવાસોમાં અજિતસિંહની સાથે રહ્યો છું. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી તો છે જ, પણ સૌરાષ્ટ્ર પ્રત્યે તેમનો વિશેષ લગાવ છે. એનસીસી હોય કે કૉલેજની બીજી કોઈ શાખાના વિદ્યાર્થીઓ હોય, તેમની વચ્ચે ક્યારેય ભેદભાવ રાખ્યા વિના બસ તેમને પ્રોત્સાહિત કરવાનંુ કાર્ય કર્યું છે.’

બ્રિગેડિયરને સૌરાષ્ટ્રમાં અનેક સુખદ અનુભવો થયા છે. બેટ દ્વારકામાં એક સરદારજીનો ભેટો થઈ ગયો હતો. એનસીસીના સો જેટલાં બાળકોનો કેમ્પ બેટ દ્વારકામાં લગાવવાનો હતો. તેમના રહેવા અને જમવા સહિતની વ્યવસ્થાનો પ્રશ્ન હતો. આ સરદારજીએ બ્રિગેડિયરની યુવાનોને મદદરૃપ થવાની ભાવના જોઈને તરત જ ગુરુદ્વારામાં વ્યવસ્થા કરી આપી હતી. આ બંને વચ્ચે મિત્રતા મજબૂત બની તેનું એક કારણ પણ એ હતું કે ઉજાગરસિંહ નામના આ સરદારજીએ પણ ગુજરાતીઓ વિશે મહેણુ મારનાર એક અધિકારીને જવાબ આપવા ત્રણ મહિના સુધી રાજકોટ રેલવે સ્ટેશન પર લંગરની જેમ નિશુલ્ક ર૪ કલાક કેન્ટીન ચલાવી હતી. આમ માત્ર બે વર્ષના ગાળામાં જ અજિતસિંહને સૌરાષ્ટ્રના લોકોએ જે પ્રેમ આપ્યો તેનું ઋણ ચૂકવવા અનોખું મિશન શરૃ કર્યું છે.
————————

આર્મીદેવેન્દ્ર જાનીબ્રિગેડિયર અજિતસિંહ
Comments (0)
Add Comment