ચૂંટણી પરિણામોનાં સુખ અને દુઃખ

કાં કયામત અને કાં જિયાફતનો દિવસ આવી રહ્યો છે
  • અલ્પ-વિરામ – વિનોદ પંડ્યા

ફૂટબોલમાં કે ક્રિકેટમાં હારજીત એ કોઈ જીવન-મરણનો સવાલ નથી, છતાં લોકો તેનાં નિરર્થક પરિણામોને ખૂબ ગંભીરતાથી લે છે ત્યારે ચૂંટણી તો જીવન પર મહત્ત્વનો અને ચારથી છ વરસ લાંબો, પ્રભાવ પાડનારી બાબત છે. સરકારના અમુક નિર્ણયોની અસર આખી જિંદગી સુધી ચાલે છે. આ સ્થિતિમાં ચૂંટણીનાં પરિણામોને લોકો ખૂબ મહત્ત્વનાં ગણવાના જ છે. સ્પોટ્ર્સમાં હારજીત મહદ્અંશે અહમ્ની હારજીત હોય છે. ચૂંટણીનાં પરિણામોમાં અહમ્ ઉપરાંત સ્વહિત, રાષ્ટ્રહિત અને વિચારધારાની હારજીત સામેલ હોય છે, પણ તમામ હારમાં કંઈક ગુમાવવાનું હોય છે.

આજકાલમાં સાડા પાંચ સપ્તાહ લાંબી ચૂંટણીનો સાતમો રાઉન્ડ પૂરો થશે અને ગુરુવારે પરિણામ આવશે. હમણા કાર્ટૂન જોયું. જેમાં મરણ પથારીએ પડેલો એક વૃદ્ધ પ્રાર્થના કરે છે કે, ‘પ્રભુ, ચૂંટણીનાં પરિણામો આવે ત્યાં સુધી જરૃર જીવતો રાખજો.’ પરિણામો જાણવાની સૌને તાલાવેલી હોય છે, તે ગુરુવાર, ૨૩ મેના રોજ જાહેર થશે. આ વખતે વીવીપેટ (વૉટર વૅરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ = વીવીપીએટી) મશીનો, ચૂંટણીની પ્રમાણિકતા પુરવાર કરવા માટે વધુ સંખ્યામાં કામે લગાડવામાં આવ્યાં છે. તેથી પરિણામો પાંચથી છ કલાક મોડા પડશે તેમ ઇલેક્શન કમિશને જાહેર કર્યું છે.

તાલાવેલી સંતોષવા ઓગણીસ તારીખની સાંજે મતદાન પૂરું થવાની સાથે જ ન્યૂઝ ચેનલો પરથી, મતદારોએ મતદાન કર્યા પછીના, એક્ઝિટ-પૉલનાં પરિણામોનો રસપ્રદ દૌર શરૃ થશે. લોકો ચોવીસ તારીખની સવાર સુધી નિસ્પૃહી બનીને રાહ જોઈ લે તો એક્ઝિટ-પૉલની જરૃર ના પડે, પણ જાણી લેવાની તાલાવેલી ગજબની હોય છે. તેમાં વળી ઇલેક્શન કમિશને મતદાનના સાત તબક્કા અને આખરી તબક્કા બાદ ચાર દિવસ બાદ પરિણામોની ગોઠવણી કરી હોય ત્યારે લાંબી ઇન્તેજારી ત્રાસદાયક નીવડતી હોય છે. ઓગણીસમીની સાંજથી (જો ફરી ચૂંટણીનું વિઘ્ન પેદા ન થાય તો) લોકો ટીવી સેટ સામે મંડાઈ જશે. તેમાંય પરિણામોના દિવસની વાત ન પૂછો. ઘણા લોકો કામ પર જવાનું ટાળશે.

વરસ ૨૦૧૪ની ચૂંટણીમાં પરિણામના દિવસે ૨૪ કલાકમાં એનડીટીવીડોટકોમ પર સાડા તેર અબજ (હા, અબજ) હિટ્સ અથવા વિઝિટ થઈ હતી. આખી દુનિયાની વસતિની લગભગ બમણી સંખ્યા. અન્ય સાઇટો પર પણ જિજ્ઞાસુઓ મુલાકાતે જતા હોય છે તે અલગ. ૨૦૧૯માં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શનો વધ્યાં છે ત્યારે સાઇટોને ખૂબ મોટી સંખ્યામાં હિટ મળશે.

ચૂંટણીનાં પરિણામો ઘણાને હસાવશે, ઘણાને રડાવશે. ત્રિપાંખિયા જંગમાં લગભગ સરખેસરખું મતદાન થાય તો હસનારા કરતાં રડનારાઓની સંખ્યા વધી જાય. દિલ્હીમાં એક વખતનાં સુપરકોપ કિરણ બેદી પરાજ્યના સંદેશામાં વારંવાર રડી પડ્યાં હતાં. ઘણા લોકો તો ટિકિટ ના મળે ત્યારે સમર્થકો સાથે સામૂહિક વિલાપ કરતા જોવા મળે. અમેરિકન પ્રમુખપદની ગઈ ચૂંટણીમાં અમારો મુકામ પાટનગર વૉશિંગ્ટન ડી.સી.માં હતો. હિલેરી ક્લિન્ટન અણધાર્યાં હારી ગયાં તેથી એમનું મોં ખાનગીમાં રડીને જાહેરમાં સૂજી ગયું હતું અને શરદી સળેખમ હતાશાની ચાડી ખાતાં હતાં. તે સ્વાભાવિક છે, પણ ડેમોક્રેટિક પક્ષની સમર્થકો, ખાસ કરીને મહિલાઓ જાહેરમાં આંસુ વહાવતી જોવા મળતી હતી. લોકશાહીનું ચલણ અને મહિમા વધ્યાં છે તેમ લોકો પરિણામોને પણ ખૂબ ગંભીરતાથી લેવા માંડ્યા છે.

વિદેશોમાં ફૂટબોલ (સોકર)ની મનપસંદ ટીમ હારી જાય ત્યારે પરસ્પર ટીમના ચાહકો હિંસા પર ઊતરી આવે છે. જાનમાલની મોટી ખુવારી કરે. ફૂટબોલમાં કે ક્રિકેટમાં હારજીત એ કોઈ જીવન-મરણનો સવાલ નથી, છતાં લોકો તેનાં નિરર્થક પરિણામોને ખૂબ ગંભીરતાથી લે છે ત્યારે ચૂંટણી તો જીવન પર મહત્ત્વનો અને ચારથી છ વરસ લાંબો, પ્રભાવ પાડનારી બાબત છે. સરકારના અમુક નિર્ણયોની અસર આખી જિંદગી સુધી ચાલે છે.

આ સ્થિતિમાં ચૂંટણીનાં પરિણામોને લોકો ખૂબ મહત્ત્વનાં ગણવાના જ છે. સ્પોટ્ર્સમાં હારજીત મહદ્અંશે અહમ્ની હારજીત હોય છે. ચૂંટણીનાં પરિણામોમાં અહમ્ ઉપરાંત સ્વહિત, રાષ્ટ્રહિત અને વિચારધારાની હારજીત સામેલ હોય છે, પણ તમામ હારમાં કંઈક ગુમાવવાનું હોય છે. વિજ્ઞાનીઓ કહે છે કે માણસને કંઈક વધુ મેળવવાનું હોય તો પણ કંઈક ગુમાવવાના ભોગે એે મેળવવાનું પસંદ કરતો નથી. સવા રૃપિયો મેળવવાની શક્યતામાં એ પોતાની પાસેનો રૃપિયો ગુમાવવા માગતો નથી. સિવાય કે એ જુગારી  હોય. આ વૃત્તિને ‘નુકસાન નિવારણ’ અથવા ‘લોસ એવરઝન’ વૃત્તિ કહે છે, જે વાનરોમાં પણ હોય છે. વૉશિંગ્ટન ડી.સી.ને અડીને આવેલી મેરીલેન્ડ યુનિવર્સિટીના સંશોધક વિજ્ઞાની સર્જઓ પિન્ટો અને એમની ટીમના સંશોધન મુજબ પોલિટિક્સને પણ પ્રસન્નતા સાથે સીધો સંબંધ છે.

એ વાત અલગ છે કે દુનિયાની અનેક હાડમારીઓ, દૂષણો અને દુષ્પરિણામો સાથે રાજકારણ જોડાયેલું હોય છે. નેતાઓના વ્યક્તિગત અહમ્ને કારણે યુદ્ધો થયાં છે, થઈ રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સરવે આધારિત ‘વર્લ્ડ હેપિનેસનો’ વાર્ષિક અહેવાલ હમણા પ્રસિદ્ધ કરાયો તેમાં પ્રસન્નતા અને પોલિટિક્સ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થાય છે. ૧૩૦૦ જણને આવરી લેતા આ સરવેનું એક મહત્ત્વનું તારણ એ પણ છે કે લોકો ખુશહાલી અનુભવતા હોય તો મતદાનની ટકાવારી વધે છે. લોકો સંતોષ વધુ અનુભવે તો વધુ સંખ્યામાં મત આપે છે. આ સરવે અમેરિકાનો છે, પણ બ્રિટનમાં દાયકાઓનો એ અનુભવ છે કે લોકો ખુશ હોય ત્યારે વધુ મતદાન કરે છે.

આ કારણથી જ બ્રિટનમાં છેલ્લી અનેક ચૂંટણીઓમાં મતદાનનું પ્રમાણ ક્રમશઃ ઘટી રહ્યું છે. બ્રિટિશરો સુખી નથી. ૨૦૦૪માં ‘ઇન્ડિયા શાઇનિંગ’ના નારા વખતે દેશનું કુલ મતદાન ૫૮ ટકા રહ્યું હતું જે ૨૦૧૪માં ૬૬ ટકાને પાર કરી ગયું હતું. ૨૦૦૯માં ૫૭ ટકા હતું. આ ચૂંટણીનાં અનુમાનો કહે છે કે મતદાન ૬૩ ટકાની આસપાસ રહેશે. હજી મતદાન બાકી છે. વરસ ૨૦૦૫માં બહાર પડેલો ‘રિવ્યુ ઓફ ઇકોનોમિક સ્ટડીઝ’નો અભ્યાસ કહે છે કે લોકો જે પક્ષને ટેકો આપતા હોય તે પક્ષ સત્તામાં હોય ત્યારે એ ટેકેદારો ખુશહાલી અનુભવતાં હોય છે. આ બે વસ્તુને પરસ્પર સંબંધ છે, પણ શા કારણથી આ સંબંધ છે તે સ્પષ્ટ નથી, છતાં એક કારણ એ હોઈ શકે કે લોકો પોતાનાં વ્યક્તિગત જીવનમાં અપ્રસન્નતા અનુભવતા હોય ત્યારે તેઓ પોલિટિકલ સિસ્ટમથી પણ નારાજ થાય છે અને મત આપવા જવાનું ટાળે છે. આ બે પરિબળો ત્રીજા પરિબળને પણ સાથે જોડે છે. ખુશીનું કારણ કંઈક જુદું હોય તો પણ મતદાન કરવાની માનવીને ચાનક ચડે છે. દાખલા તરીકે લગ્નજીવન.

સામાન્યપણે લગ્નજીવનને ઘણી તકલીફો અને સમસ્યાનું મૂળ ગણવામાં આવે છે. છતાં કુંવારા લોકો કરતાં પરણેલાઓ પ્રમાણમાં વધુ સુખાકારી અનુભવતા હોય છે. આ કારણથી કુંવારાઓની સરખામણીમાં પરણેલાઓ વધુ મતદાન કરે છે. તેનો જુદો અર્થ પણ કાઢવામાં આવે છે. કહે છે કે મતદાન કરવાથી લોકો વધુ પ્રસન્નતા અનુભવે છે. ત્યાગ અને કોઈને કશુંક આપવાથી મન આનંદ અનુભવે છે એ મોટા ભાગના લોકોનો સ્વાનુભવ છે અને તેની શરીર પર પણ સારી અસર પડે છે તે વિજ્ઞાનનું પણ તારણ છે. નાનાં બાળકો પણ આપીને આનંદ અનુભવે છે. તમને કોઈક ચીજ આપીને એ ઉછળકૂદ કરવા માંડે. પોલિટિક્સમાં પણ આ સાચું છે. માણસ મતદાન કર્યા બાદ ઉપકાર કર્યાનો આનંદ અનુભવે છે. જે કંઈ કારણો હોય, પણ લોકોની સુખાકારી અને પ્રસન્નતાનો રાજકારણ પર મોટો પ્રભાવ પડે છે તે આંકડાઓ દર્શાવે છે. અમેરિકાના સંદર્ભમાં શિક્ષણની પણ મતદાનની ટકાવારી પર નોંધપાત્ર અસર પડે છે. ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ મતદારોમાં ઊંચું હોય તે મુજબ મતદાનનું પ્રમાણ પણ ઊંચું રહે છે. મિસ્ટર પિન્ટોના અભ્યાસમાં જણાયું કે અમેરિકાના પ્રમુખપદ માટેની છેલ્લી બે ચૂંટણીઓમાં અમેરિકનોની સુખાકારીનું પ્રમાણ ઘણુ નીચું ગયું હતું. ખાસ રીને ડેમોક્રેટિક પાર્ટીના ચાહકો અને સમર્થકો ૨૦૧૬ની ચૂંટણીના મતદાનના બીજા દિવસે ખુશ ન હતા અને બે મહિના બાદ એ જ લોકોનો ફરી સરવે કરાયો તો તેઓ વધુ દુઃખી હતા. સામે પક્ષે રિપબ્લિક મતદારોની ખુશીમાં વધારો નોંધાયો હતો, કારણ કે ટ્રમ્પ જીતી ગયા હતા.

છતાં સંશોધનના માપદંડ પ્રમાણે ડેમોક્રેટ મતદારોએ જે દુઃખ અનુભવ્યું હતું તેની સામે રિપબ્લિકન મતદારોનાં સુખમાં ઘણો ઓછો વધારો થયો હતો અને તે પણ અલ્પજીવી હતો. સુખની એ લાગણી થોડા સમય બાદ ઓગળીને ઊડી ગઈ. પરિણામો અને જીત બાદ સામાન્ય પ્રજાની અપેક્ષાઓ જાણીને રિપબ્લિકન મતદારો વધુ નિરાશાત્મક બની ગયા હતા. ટૂંકમાં, ‘હવે શું થશે?’ એ ભાવનાથી તેઓ પણ વિચલિત થયા હતા. સામે પક્ષે હારની કેટલાક ડેમોક્રેટિક મતદારો પર એટલી ખરાબ અસર પડી હતી જેટલી તેઓ નોકરી ગુમાવતા હોય છે ત્યારે અથવા પથારીવશ માંદગી સમયે અનુભવતા હોય છે. પ્રસિદ્ધ સર્વેક્ષણ સંસ્થા ‘ગેલપ હેલ્થવેય્ઝ’ દ્વારા દર મહિને પંદર હજાર લોકોને આવરી લઈને આરોગ્ય અને પ્રસન્નતા વિષે સંશોધન યોજાય છે તેમાં આ નિષ્કર્ષ બહાર આવ્યો હતો. અર્થ એ થયો કે જે મળે છે તેનો આનંદ ખાસ વધુ હોતો નથી અને લાંબો ટકતો નથી, પણ જે પાસે હોય છે તે ગુમાવવાનું દુઃખ ઘણુ વધુ હોય છે અને લાંબંુ ચાલતું હોય છે. રૃપિયો જતો રહે તે ના પોસાય. લોસ એવર્ઝન. તેમાંય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક વિચારધારાના એટલા ખતરનાક અને બેફામ ટીકાકાર રહ્યા છે જેટલા અગાઉના કોઈ રિપબ્લિકન પ્રમુખ રહ્યા નહીં હોય. તેથી ડેમોક્રેટ્સ મતદારો વધુ દુઃખી થયા હતા.

અમેરિકાની આ ઘટનાઓનો ઉલ્લેખ અહીં એટલા માટે કર્યો છે કે ભારતમાં હાલની ચૂંટણીઓમાં પણ ઘટનાઓ અમેરિકાને બંધબેસતી આવે છે. કોઈ પણ પક્ષ હારશે, નારાજગીનું પ્રમાણ ખૂબ મોટું હશે. છતાં ભારતમાં એક વાત સારી છે કે ભ્રષ્ટ રાજનેતાઓ પાસેથી લોકો ખાસ કોઈ ઊંચી અપેક્ષા રાખતા નથી. જેમણે રાખી એ બધા કોઈ અપવાદ વગર નિરાશ થયા છે. લોકો ટેવાઈ ગયા છે, છતાં સોશિયલ મીડિયા પર લોકો તકરાર અને ગાળાગાળીમાં ઊતરી પડે છે. લોહીનું દબાણ વધારે છે. આમ ના થાય તેવું ઇચ્છતા હોય તેમણે સરખી વિચારધારા ધરાવતા લોકો સાથે ટીવી સામે પરિણામો જોવા બેસવું. આપણા પતિ, પત્ની, બાળકો, વડીલો ધારતાં હોય તો પણ આપણને ઘણી વખત સુખી કરી શકતાં નથી. તો રાજનેતાઓ તો ખૂબ દૂરની જમાત છે. મિત્રો સાથે કાયમ રહેવાનું છે, નેતાઓ સાથે નહીં. આ ભાવના સેવવાથી ગમગીનીનો અહેસાસ ઓછો થશે. કાઠિયાવાડી માણસની માફક ‘કોઈ હલ્લે મારી દેવાના નથી’ એમ બોલીને બધો ભાર ખંખેરી નાખવો એ શ્રેષ્ઠ ઉપાય છે. બીજું કરી પણ શું શકાય?

છતાં ગમ્મત, સંતોષ માટે અંદાજો કાઢવા કે અટકળો બાંધવી તે પણ મજાનો ટાઇમ પાસ (પાસ ટાઇમ) છે. કેટલીક પાયાની હકીકતો, કેટલાક અનુભવોને આધારે સાચાં અને સરળ અનુમાનો બાંધી શકાય. જેમ કે વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામોને આધારે, ત્યાર બાદ આવનારી લોકસભાની ચૂંટણીનું પરિણામ નક્કી થઈ શકે કે કેમ?

ભારતમાં હવે એ સ્થિતિ વધુ જોવામાં આવે છે જેમાં વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ વચ્ચે, તેનાં પરિણામો વચ્ચે કોઈ સામ્યતા જોવા મળતી નથી. બંને માટેના મુદ્દાઓ, અપેક્ષાઓ અલગ-અલગ હોય છે. મતદાનની ટકાવારી અલગ હોય છે. ભારતમાં લોકસભાની ચૂંટણીઓ કરતાં વિધાનસભાની ચૂંટણીઓમાં વધુ મતદાન થાય છે. બંનેમાં નેતાઓ અલગ હોય છે. રાષ્ટ્રવ્યાપી ગઠબંધનો હોય છે, જેની ઘણી વખત રાજ્ય વિધાનસભામાં ગેરહાજરી હોય છે. સમગ્ર ભારતમાં જણાયું છે કે મતદારો લોકસભાની સરખામણીમાં વિધાનસભા ચૂંટણીઓને વધુ મહત્ત્વ આપે છે. છતાં સાવ એવું પણ નથી કે વિધાનસભાની ચૂંટણીઓ, ત્યાર બાદ આવેલી લોકસભા ચૂંટણીઓ વિષે કોઈ નિર્દેશ કે અનુમાન આપતી નથી.

છેલ્લાં વીસ વરસના આંકડાઓનું પૃથક્કરણ દર્શાવે છે કે લોકસભાની આવનારી ચૂંટણીમાં જે-તે રાજ્યમાં ક્યા પક્ષને બહુમતી મળશે તે અનુમાન એ રાજ્યની વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામોને આધારે બાંધી શકાય, પણ એ માટે શરત એ કે વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણી એક વરસની અંદર યોજાવી જોઈએ. વિધાનસભાની ચૂંટણીઓના એક વરસ કરતાં વધુ સમય બાદ લોકસભાની ચૂંટણી યોજાય તો પરિણામો જુદાં આવે છે. એક વરસની અંદર યોજાય તો એ જ પક્ષને બહુમતી મળે છે જેને વિધાનસભામાં બહુમતી મળી હોય.

આ સંદર્ભમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં પરિણામો મહત્ત્વનાં બની રહે. રાહુલ ગાંધી, કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનું ગણિત એ જ છે કે આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભામાં જીત મળી હતી તેથી લોકસભામાં પણ જીત મળશે. છતાં અહીં પરિસ્થિતિ જુદી છે, કારણ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખૂબ પાતળી બહુમતી (પોણા ટકાના કુલ માર્જિનથી) વડે કોંગ્રેસ જીતી હતી. તેમાંય મધ્યપ્રદેશમાં ભાજપને કુલ મતો કોંગ્રેસ કરતાં વધુ મળ્યા હતા, પરંતુ બેઠકોના ગાણિતિક સમીકરણો કોંગ્રેસની ફેવરમાં ગયાં હતાં. એ ચૂંટણીને ખાસ લાંબો સમય થયો નથી, પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ એવી કેટલીક તરલ ઘટનાઓ (પુલવામા, મસૂદ અઝહર, સેટેલાઇટ પ્રક્ષેપાસ્ત્ર વગેરે) ઘટી છે તેથી નબળો માર્જિન ભૂંસાઈ જવાની શક્યતા રહેલી છે. છત્તીસગઢની માફક કોંગ્રેસને મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં જંગી બહુમતી મળી હોત તો પરિણામોનું પુનરાવર્તન શક્ય હતું, પરંતુ હાલમાં તેના વિષે કશું અનુમાન થઈ શકે તેમ નથી. છત્તીસગઢમાં કોંગ્રેસને હજી ફેવરિટ ગણી શકાય. નવી સ્થિતિનો ત્યાં કેટલો પ્રભાવ પડ્યો તે જાણવાનું પણ રસપ્રદ બનશે.

વરસ ૧૯૯૯થી ૨૦૧૪ સુધીમાં એવી ચૌદ વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે જેના એક વરસની અંદર તે રાજ્યોમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આમાંનાં તેર રાજ્યોમાં વિધાનસભામાં જે પક્ષને બહુમતી મળી હતી તેને લોકસભામાં પણ બહુમતી મળી હતી. મતલબ કે ૯૩ ટકા કેસમાં વિધાનસભાનાં પરિણામોનું પુનરાવર્તન થયું હતું, પણ માત્ર પુનરાવર્તન જ નથી થતું. લોકસભાનાં પરિણામોમાં એ વિજેતા પક્ષ વધુ મજબૂત બને છે. વિધાનસભાનાં પરિણામોની બરાબરીમાં લોકસભામાં જેટલી બેઠકો મળવી જોઈએ તેના કરતાં પણ ૨૫ ટકા વધુ બેઠકો મળે છે.

વિધાનસભાઓની ચૂંટણી બાદ નવી રચાયેલી સરકારો કેટલીક મહત્ત્વની રાહતકારી જાહેરાતો કરતી હોય છે. પ્રજા પણ નવી સરકાર સાથે પ્રેમમાં હોય છે, તેમાં વૃદ્ધિ થાય છે. તેનું પરિણામ લોકસભામાં જોવા મળે છે. એ રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બીજા રાજ્યોમાં ખેડૂતોનાં દેવાં માફ કરાયાં છે. હવે તે અસરકારક નીવડે છે કે રાષ્ટ્રવાદ? તે ચોવીસ તારીખે સમજાશે. લોકસભાની ચૂંટણી બાદ બાર મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાય તો તે વચ્ચે ખાસ સંબંધ રહેતો નથી. લોકસભામાં બહુમતી મેળવનાર પક્ષ વિધાનસભામાં હારી પણ જાય. બાર લોકસભા ચૂંટણી બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં સાત ચૂંટણીમાં જ એ પક્ષને જીત મળી જેને લોકસભામાં જીત મળી હતી. પાંચમાં અન્ય પક્ષોને જીત મળી હતી.

બાય-ઇલેક્શન અથવા પેટા ચૂંટણી કોઈ નિર્દેશ આપે કે કેમ? આંકડા બતાવે છે કે લોકસભાની પેટા-ચૂંટણી બાદ નવ મહિનામાં લોકસભાની જનરલ ચૂંટણીઓ યોજાય તો ૭૫ ટકા કિસ્સામાં એ જ પક્ષ જીતે છે જે પેટા ચૂંટણી જીત્યો હોય છે. નવ મહિના બાદ ચૂંટણીઓ આવે તો પુનરાવર્તનની શક્યતા ૪૭  ટકા રહે છે. પેટા ચૂંટણી બાદ બે વરસ બાદ જનરલ ઇલેક્શન યોજાય તો કોઈ અનુમાન કાઢી શકાય નહીં. વ્યવહારમાં તેનું અર્થઘટન એ રીતે થાય કે નવેમ્બર, ૨૦૧૮માં કર્ણાટકમાં ત્રણ લોકસભા બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. ત્રણમાંથી બે બેઠકો કોંગ્રેસ+ જેડીએસ ગઠબંધનને મળી હતી, જ્યારે ૨૦૧૪માં એ ત્રણમાંથી બે બેઠકો ભાજપે મેળવી હતી.

આથી હવે આ સ્થિતિ હાલની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાકારક બને છે, પરંતુ તેવી સ્થિતિ અહીં પણ છે. જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે ગ્રાસરૃટ લેવલ પર સામંજસ્ય રહ્યું નથી. મુખ્યમંત્રી કુમારસ્વામી સ્ટેજ પરથી વારંવાર રડ્યા છે. પિતા દેવગોવડા સાથે હેલ્થ રિસોર્ટમાં જતા રહ્યા. રાષ્ટ્રીય કક્ષાએ નવી ઘટનાઓએ આકાર લીધો, તેથી ભાજપની આશા પણ જીવંત છે. કર્ણાટકમાં સ્થિતિ એવી છે કે દરિયાકાંઠા (ઉડીપી-મેંગલોર)નો વિસ્તાર વિચારે વરતે છે તેમ કર્ણાટકનો અંદરનો પ્રદેશ વિચારતો નથી.

ભારત પાસે નિષ્કર્ષ પર આવી શકાય એટલા પૂરતા ડાટા નથી, પરંતુ બ્રિટનમાં છેક ઓગણીસમી સદીથી પેટા ચૂંટણીઓનો ઇતિહાસ ઉપલબ્ધ છે. તે મુજબ પેટા ચૂંટણીઓને શાસક પક્ષ સામે વિરોધના પ્રદર્શન અથવા ઇજહાર તરીકે લેવાય છે. જે પક્ષને જનરલ ઇલેક્શનમાં લેન્ડસ્લાઇડ જીત મળી હોય તે ભારે બહુમતીથી અનેક પેટા ચૂંટણીઓ હારી જાય છે અને સરકાર અમુક અસરકારક પગલાં ભરીને એ વિરોધ શમાવે છે અને બીજી સામાન્ય ચૂંટણીમાં ફરીથી જીત મેળવે છે. આવી ઘટનાઓ લોકશાહીય દેશોમાં સર્વસામાન્ય છે. વિધાનસભાની પેટા ચૂંટણીઓ પરથી પણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓનાં પરિણામોનું અનુમાન બાંધી શકાય નહીં, છતાં નવ મહિનામાં ચૂંટણીઓ યોજાય તો ૬૭ ટકા કેસમાં પરિણામનું પુનરાવર્તન થાય છે.

પેટા ચૂંટણી પછીના નવ મહિના બાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાય તો પરિણામ ઊલટું આવવાની શક્યતા વધુ રહે છે. લોકસભાની ચૂંટણી બાદ પાંચ મહિનામાં પેટા ચૂંટણી યોજાય તો એ જ પક્ષની જીત થવાની શક્યતા ભારતમાં ૮૦ ટકા રહે છે. ૭૫ ટકાથી વધુ પેટા ચૂંટણીઓમાં મતદાનનું પ્રમાણ પણ લોકસભાની ચૂંટણી કરતાં ઓછું રહે છે. પેટા ચૂંટણીઓમાં લોકોને વધુ રસ હોતો નથી. પેટા ચૂંટણીઓ, વિધાનસભાની મુખ્ય ચૂંટણીઓ કે ઓપિનિયન-પૉલ કરતાં પણ મ્યુનિસિપલ અને પંચાયતની ચૂંટણીઓનાં પરિણામોને આધારે સામાન્ય ચૂંટણીઓનાં પરિણામોનું અનુમાન વધુ સારી રીતે બાંધી શકાય. સ્થાનિક સંબંધો, સંપર્કો અને ફરજોને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધુ ઊંચી હોય છે. એ પ્રક્રિયામાં કોઈ પક્ષની લોકપ્રિયતા પણ પુરવાર થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ સાત મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તો એ જ પક્ષને જીત મળવાની સંભાવના ૭૮ ટકા રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો ૭૮ ટકા કિસ્સામાં એ જ પક્ષને જીત મળે છે જેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મળી હોય.

તમે ગુજરાતમાં હો અને વલસાડમાં તમારા કોઈ સગાં કે મિત્ર હોય તેને પૂછીને કોણ જીતી રહ્યું છે તે જાણી શકો. તેના આધારે દેશમાં કોની સરકાર રચાશે તે નક્કી કરી શકો. વલસાડની બેઠક બેલવેધર બેઠક બની છે. તે હવામાનની પાકી રૃખ બતાવે છે. આ એક દુર્લભ યોગાનુયોગ અને વહેમ છે કે કેમ તે નક્કી કદાચ આ વખતે થાય અને કદાચ લાંબો સમય પણ લાગે. ત્યાં સુધી તમે વલસાડ પર આધાર અને અનુમાન બાંધી શકો.

પશ્ચિમ દિલ્હીની બેઠક પણ આવી જ બેલવેધર બેઠક છે, જ્યાં ભાજપના પ્રવેશ વર્મા, કોંગ્રેસના મહાબલ મિશ્ર અને આપના બલબીર સિંહ જાખર લડી રહ્યા છે. ગુરુગ્રામ, ફરીદાબાદ, શાહદોલ, બીડ, ચંડીગઢ, ઉત્તર પશ્ચિમ દિલ્હી, રાંચી અને પલામુ દેશની એવી બેઠકો છે જ્યાં છેલ્લી અગિયારમાંથી નવ લોકસભામાં એ પક્ષ જીત્યો છે જેને લોકસભામાં બહુમતી મળી હતી. આટલી બેઠકોનો ટ્રેન્ડ અને વલસાડ, પશ્ચિમ દિલ્હીની બેઠકોનો ટ્રેન્ડ સરખાવી કંઈક પાકો નિષ્કર્ષ મેળવી શકાશે. બનાસકાંઠા, પોરબંદર, જામનગર અને જૂનાગઢમાં નવ નવ વખત આ ઘટના ઘટી છે તેથી તેના ટ્રેન્ડની પણ મદદ લઈ શકાય.

પરિણામોનો દિવસ એટલે ક્લાઇમેક્સ અથવા કત્લનો દિવસ. કેટલાક માટે આનંદોત્સવ. ઘડીમાં રોમાંચ વધારે અને ઘડીમાં ઘટાડે તેવી ચડઉતરનો દિવસ. ટેકેદારોના જોશ કે નિરાશા ઝઘડા પણ કરાવે. થોડીવાર અગાઉ જે અભિમાન કરતો હોય તેને થોડીવાર પછી નીચા જોવાનો વખત પણ આવે. તેવું ન થાય અને પરિણામોના ટ્રેન્ડનું સાચું અર્થઘટન કરી શકાય તે માટેની કેટલીક ટૅક્નિકો અનુભવના આધારે વિક્સી છે.

લોકસભાની એક બેઠક માટે ઉદાહરણ તરીકે ૨૮૦ ઈવીએમ છે. પ્રત્યેક રાઉન્ડમાં ચૌદ ઇવીએમના મળેલા મતોની ગણતરી થાય તો કુલ ૨૦ રાઉન્ડ  થાય. વીસ રાઉન્ડના અંતે ચૂંટણી અધિકારી તે બેઠકનું પરિણામ જાહેર કરે. જેમ જેમ રાઉન્ડની ગણતરી થાય તેમ તેમ લીડ અથવા સરસાઈની જાહેરાત ચૂંટણી અધિકારી તરફથી થતી રહે. ભારતીય ચૂંટણી વ્યવસ્થાનું આ એક આગવું અને મનોરંજક તત્ત્વ છે. જો બે ઉમેદવારો કટોકટ (નૅક ટુ નૅક) ચાલતા હોય તો ત્રીજા ભાગની (એક તૃતીયાંશ) ગણતરી બાદની લીડ જાહેર થાય ત્યાં સુધી રાહ જુઓ. ત્યાર બાદ જ સાચું અનુમાન લગાવી શકાય. જોકે તેમાં પણ ભૂલ થવાની થોડી શક્યતા રહે છે, પણ જો કોઈ પક્ષને ધુંઆધાર (લેન્ડસ્લાઇડ) વિજય મળવાનો હોય તો પ્રારંભની લીડથી જ તે જાણી શકાય. દરેક મતક્ષેત્રના જો વીસમાંથી દસ અથવા પચાસ ટકા રાઉન્ડ પૂરા થયા હોય અને જે પક્ષ લીડમાં હોય તે બે તૃતીયાંશ બહુમતી મેળવશે તેવું અનુમાન આસાનીથી મૂકી શકાય. ટૅક્નિકલ ભાષામાં તેને ‘વિનર્સ બમ્પ’ અથવા ‘વિજેતાનો કૂદકો’ અથવા ‘વિજેતાનો મુક્કો’ કહે છે.

દાખલા તરીકે જે પક્ષ પચાસ ટકા રાઉન્ડ પૂરા થયે એકસો જેટલી બેઠકમાં સરસાઈ ભોગવી રહ્યો હોય તે આખરી પરિણામ વખતે એકસોથી પણ વધુ બેઠકો પર જીત મેળવે છે. ૯૦ ટકા બેઠકોની સરસાઈની વિગતો જાહેર થાય ત્યારે તેને આખરી આંકડો માની ના લેવો. ૯૦ ટકા બેઠકોની સરસાઈની વિગતો પછી આખરી પરિણામ આવે ત્યારે તેમાં વિજેતા પક્ષને ફાળે ૩૦ ટકા વધુ બેઠકો જાય છે. દસ ટકા રાઉન્ડની ગણતરી બાકી હોવાથી વિજેતા પક્ષને વધુમાં વધુ દસ ટકા વધારે બેઠકો મળે તેમ ધારી ના લેવું. આ ‘બમ્પ’ દરેક ચૂંટણીમાં દરેક રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ જોવામાં આવ્યો છે. વાત ત્યાં જ અટકતી નથી. સોએ સો ટકા બેઠકોની આખરી ગણતરી થઈ રહી હોય ત્યારે સૌથી મોટા વિજેતા પક્ષને ફાળે વધુ ૧૮ ટકા બેઠકો જતી હોય છે. રાજસ્થાનમાં ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં સવારે ૧૧-૪૬ વાગ્યે લીડની છેલ્લી વિગતો (સમાચાર) જાહેર થયા ત્યારે ભાજપ ૧૩૭ બેઠકો પર આગળ હતો, પરંતુ આખરી પરિણામ આવ્યું ત્યારે ભાજપ ૧૬૩ બેઠકો જીત્યો હતો. આ ૧૩૭ પરથી ૧૬૩નો કૂદકો ‘વિનર્સ બમ્પ’ કહેવાય છે. છેલ્લી લીડમાં કોંગ્રેસની ૩૫ બેઠક હતી તે ૨૧ થઈ, બીજા પક્ષોની ૨૫ હતી તે આખરે ૧૬ થઈ.

એ જ પ્રમાણે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તમામ ૫૪૩ બેઠકોની આખરી લીડ જાહેર થઈ ત્યારે એનડીએ ૨૯૧ બેઠકોમાં સરસાઈ ભોગવી રહ્યો હતો, પણ બધા રાઉન્ડ પૂરેપૂરા ગણાઈ ગયા ત્યારે એનડીએની બેઠકો ૨૯૧થી સીધી વધીને ૩૩૬ બેઠકો પર પહોંચી ગઈ. ૪૫ બેઠકોનો સીધો કૂદકો. એ જ રીતે ૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેસ (યુપીએ)ની આખરી બેઠકોમાં ૪૬ સીટનો બમ્પ મળ્યો હતો. સાર એ કે જ્યાં સુધી સત્તાવારપણે આખરી સમાચાર અથવા પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી કશું આખરી માની ના લેવું. આ ચૂંટણીમાં પણ તમામ બેઠકોની સરસાઈ જાહેર થાય તેમાં વિજેતા પક્ષને ૪૫ બેઠકો વધુ આપજો. ગઈ વિધાનસભા ચૂંટણીમાં નેવુ ટકા બેઠકોની સરસાઈ જાહેર થઈ ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી ૩૬ બેઠકોમાં આગળ હતી, પણ આખરી પરિણામમાં તેને ૬૭ બેઠકો મળી. ૮૬ ટકાનો બમ્પ મળ્યો. સોએ સો ટકા બેઠકોની લીડ જાહેર થઈ ત્યારે આપ ૪૭ બેઠકોમાં આગળ હતી અને ૬૭ જીતી. એ રીતે ૪૩ ટકા સીટોનો બમ્પ મળ્યો. જેમ વિજેતા પક્ષે મેળવેલા મતોનું પ્રમાણ વધારે હોય, લેન્ડસ્લાઇડ જીત હોય તો બમ્પ પણ ઊંચો મળે છે. જો જીત-હારનું માર્જિન નબળું હોય તો બમ્પ નબળો મળે છે.

આંકડાશાસ્ત્રની ભાષામાં જેને ખૂબ વધુ મત મળે એની બાબતમાં સ્ટાન્ડર્ડ ઍરર (ભૂલ)નું પ્રમાણ પણ વધારે હોય. ઓછા મત મળે તો ગણતરીમાં સ્ટાન્ડર્ડ ઍરરનું પ્રમાણ ખૂબ ઓછું અથવા નીચું હોય. વળી, રાઉન્ડ બાય રાઉન્ડ ગણતરીને કારણે સ્ટાન્ડર્ડ ઍરરનું પ્રમાણ વધે છે જેનો ફાયદો વિજેતા પક્ષને મળે છે. તમામ રાઉન્ડના તમામ મત ગણાઈ જાય ત્યારે સ્ટાન્ડર્ડ ઍરરનું પ્રમાણ શૂન્ય બને છે. પાઘડીનો વળ છેડે આવે છે. આ આંકડાશાસ્ત્રની બાબત છે તેથી તે વિષે વધુ નુક્તેચીની અહીં કરી નથી, કારણ કે આંકડાશાસ્ત્રીઓ જ આ વાત સમજી શકે.

ભારતમાં સાત રાઉન્ડમાં મતદાન થયું તેમાં છ રાઉન્ડના એક્ઝિટ-પૉલની વિગતો અને પરિણામો પોલસ્ટર કંપનીઓ અને તેના અધિકારીઓ જાણે છે, પરંતુ બહાર પાડી શકતા નથી, કારણ કે જે-જે દિવસે મતદાન થયું

તે-તે દિવસે જ લોકો મતદાન મથકમાંથી બહાર નીકળે ત્યારે જ તેઓને પૂછીને મતદાનને લગતી વિગતો મેળવાતી હોય છે અથવા તો પછીના એક બે દિવસમાં મતદારના ઘરે જઈને મેળવવામાં આવે. છેલ્લા રાઉન્ડનો પૉલ તો મતદાન કેન્દ્રોની બહાર જ લેવાય, કારણ કે તે ઝટપટ પ્રસિદ્ધ પણ કરવાનો હશે. ભારત, અમેરિકા અને અન્ય લોકશાહી દેશોનું માનવું છે કે આખરી મતદાન અગાઉ એક્ઝિટ પૉલની અથવા મતદાનના અમુક દિવસ અગાઉ ઓપિનિયન-પૉલની વિગતો જાહેર કરવામાં આવે તો મતદારો તટસ્થ ભાવે મત આપતા નથી, પરંતુ ‘બેન્ડવેગન’ અસર પેદા થાય છે. મતલબ કે મતદારો ચાલતી ગાડીમાં ચડી બેસે છે. બીજા લોકો સાથે જોડાઈ જાય છે. એક્ઝિટ-પૉલ પ્રસિદ્ધ કરવામાં તો વાંધો ના હોવો જોઈએ, કારણ કે લોકોએ ઓલરેડી મત આપી દીધો હોય છે, પરંતુ ભારતમાં મતદાન જુદા જુદા સાત દિવસે થાય તેથી તેની પ્રસિદ્ધિ પણ અટકાવી દેવી પડે છે. આજના સોશિયલ મીડિયાના સમયમાં આવા પ્રતિબંધો કેટલા કારગર નિવડે છે તે વિવાદનો વિષય છે. ફ્રાન્સમાં ૨૦૧૨માં ચૂંટણીઓ થઈ ત્યારે પ્રમુખ ફ્રાન્સવા ઓલાન્દ અને નિકોલસ સારકોઝીને લગતા ઓપિનિયન-પૉલ પ્રતિબંધ હોવા છતાં ‘ઓલાન્દ’  અને ‘સારકો’ના નામે ટ્વિટર પર જગપ્રસિદ્ધ થઈ ગયા હતા.

અમેરિકામાં પૂર્વના દરિયાકાંઠાના પ્રદેશ અને પશ્ચિમના દરિયાકાંઠાના પ્રદેશ વચ્ચે ત્રણ કલાકનો તફાવત છે. અમેરિકાની ટીવી ચેનલો કાયદો ન હોવા છતાં આપમેળે શિસ્ત પાળીને પૂર્વનાં રાજ્યોમાં મતદાન ત્રણ કલાક વહેલું પતી જાય તો પણ ત્રણ કલાક બાદ એક્ઝિટ પૉલની વિગતો જાહેર કરે, જેથી પશ્ચિમનાં રાજ્યોમાં ચૂંટણી ચાલુ હોય ત્યારે તેના મતદારો પર બેન્ડવેગન ઇફેક્ટ ના પડે, પણ ૧૯૮૦માં પ્રમુખ જીમ્મી કાર્ટર પૂર્વનાં રાજ્યોમાં ખૂબ મોટા માર્જિનથી હારી રહ્યા હતા તેવું એક્ઝિટ પૉલ વડે જાણમાં આવ્યું હતું. પરિણામે જીમ્મી કાર્ટરે પશ્ચિમનાં રાજ્યોમાં ચૂંટણી પૂરી થાય તે અગાઉ જ જાહેરમાં હાર સ્વીકારી લીધી. ટીવી પર એક્ઝિટ-પૉલની વિગતો જાહેર ના થઈ, પણ જીમ્મી કાર્ટરે હાર સ્વીકારી તે ઘટના દર્શાવવી પડી. એ વખતે પશ્ચિમમાં લોકો મતદાન કરી રહ્યા હતા.

ભારતમાં ઓપિનિયન-પૉલ અથવા જનમત સર્વેક્ષણો ક્રમશઃ વધુ સચોટ બનતાં જાય છે. છતાં એ પણ યાદ રાખવું કે ૨૦૦૪માં ‘ઇન્ડિયા શાઇનિંગ’ ચૂંટણીઓમાં લગભગ બધા ઓપિનિયન-પૉલમાં વાજપેયી સરકાર ફરીથી રચાશે તેમ અનુમાન થયું હતું, પણ થયું ઊલટું. હવેની ચૂંટણીઓમાં ઓપિનિયન-પૉલનો અવકાશ બચતો નથી છતાં તેના સંદર્ભો જોડવામાં આવશે. ખરી ચોક્સાઈ એક્ઝિટ-પૉલની હશે. છતાં તે સંપૂર્ણ સચોટ પુરવાર થશે તેમ માનીને દલીલબાજીમાં ના ઊતરવું. સેમ્પલ સાઇઝ અથવા તેમાં ભાગ લેનારા લોકોની સંખ્યા જેમ મોટી તેમ તે વધુ ચોક્કસ બને છે. અન્યથા તેમાં પણ ભૂલ થવાની સંભાવના રહે છે. કાં કયામત અને કાં જિયાફતનો સમય આવી રહ્યો છે.
—————————————

લોકસભા પરિણામવિનોદ પંડ્યા
Comments (0)
Add Comment