કવર સ્ટોરી – હિંમત કાતરિયા
ભારતના અથાક પ્રયત્નોને અંતે આખરે ૧ મે, ૨૦૧૯ના રોજ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી દેવામાં આવ્યો છે. જે પુલવામા આતંકી હુમલા બાદ ભારતે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા માટે ભારે કોશિશ કરી તેનો યુએનની વેબસાઇટ પર ઉલ્લેખ જ નથી. કહે છે કે પુલવામા હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે જે પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેમાં પુલવામા અને કાશ્મીરનો ઉલ્લેખ હતો, પરંતુ ચીને પુલવામાનો સંદર્ભ હટાવ્યા બાદ વીટો પાછો ખેંચ્યો હતો.
પાકિસ્તાન એ વાતને લઈને ખુશ છે કે મસૂદ પર જે પ્રસ્તાવ હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં કાશ્મીરનો ઉલ્લેખ નથી. ભારતનું કહેવું છે કે તેમનો ઇરાદો મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાવવાનો હતો અને તેમાં તેને સફળતા મળી છે. પ્રસ્તાવમાં ભલે કાશ્મીરનો ઉલ્લેખ ન હોય, મસૂદ પર પ્રતિબંધ લગાવવામાં પુલવામા હુમલાનું મહત્ત્વનું યોગદાન છે. પાકિસ્તાન દેશમાં કૂટનીતિક હારની ખરી તસવીર રજૂ ન થાય એ માટે કાશ્મીરનો હવાલો આપીને પોતાની જીત તરીકે ગણાવી રહ્યંુ છે. ભારતમાં રહેલા પાકિસ્તાન પ્રેમીઓએ પણ આ વાતને ખૂબ ચગાવી કે મસૂદના પ્રસ્તાવમાં પુલવામા કે કાશ્મીરનો કોઈ ઉલ્લેખ નથી એટલે આ પગલું ભારતની જીત ન ગણાય. ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે સંશોધિત પ્રસ્તાવનો ઊંડો અભ્યાસ કર્યા બાદ વીટો હટાવવા માટે અમે તૈયાર થયા છીએ. પાકિસ્તાન પણ રાજી થયું કે પ્રસ્તાવમાં રાજનીતિક ઉલ્લેખ નથી. વાસ્તવમાં ભારતના વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ વચ્ચેની વુહાન સમિટમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા હતા અને ચીને નિર્ણય લીધો તેમાં તે પણ એક કારણ હતું.
સ્વાભાવિક છે કે ભારતના પ્રસ્તાવમાં કાશ્મીર અને પુલવામા હુમલામાં મસૂદની સંડોવણીને વણી લેવામાં આવી હતી. જેથી મસૂદની પાછળ પાકિસ્તાનની સીધી સંડોવણીને પ્રસ્થાપિત કરી શકાય અને જરૃર પડ્યે પાકિસ્તાન પર રાજનીતિક દબાણ ઊભંુ કરી શકાય. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના પ્રસ્તાવમાં પણ પુલવામા અને કાશ્મીરનો ઉલ્લેખ હતો, પરંતુ પાકિસ્તાનની ભારે અપકીર્તિ અટકાવવા માટે ચીને વીટો હટાવવા માટે પ્રસ્તાવમાંથી પુલવામા અને કાશ્મીરનો ઉલ્લેખ દૂર કરવાની શરત મુકી. આમ કરીને ચીન બેવડી ચાલ રમ્યું. તેણે આંતરરાષ્ટ્રીય દબાણને પણ ખાળ્યું અને પાકિસ્તાનને પણ એ દિલાસો અપાવવામાં સફળ થયંુ કે ચીન આપણુ પરમ મિત્ર છે અને તેણે પ્રસ્તાવમાં મસૂદના પાકિસ્તાન સાથેના ગાઢ રાજનીતિક કનેક્શનનો છેદ ઉડાડીને પાકિસ્તાનને બચાવી લીધંુ છે.
આનાથી ફરક એ પડશે કે ભારત મસૂદની દરેક ગતિવિધિઓને પાકિસ્તાન સાથે જોડીને રજૂ કરી શકશે નહીં. હા, મસૂદના ગળે ગાળિયો કસવા માટે તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાની મંશામાં ભારત સફળ થયંુ છે. આપણને એટલી હૈયાધારણ મળી છે કે મસૂદ ઉપર લાગેલા પ્રતિબંધોને પાકિસ્તાને તત્કાલ લાગુ કરવા પડશે અને હવે પાકિસ્તાન મસૂદનો રાજનીતિ માટે ઉપયોગ કરી શકશે નહીં અને વહેલા-મોડા પાકિસ્તાનને મસૂદ પર કાર્યવાહી કરવા માટે મજબૂર કરી શકીશું.
જૈશ-એ-મોહમ્મદ સંગઠન ઉપર ૨૦૦૧માં જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતે આપેલા પુરાવાના આધારે સુરક્ષા પરિષદની ૧૨૬૭ પ્રતિબંધ સમિતિએ પ્રસ્તાવમાં મસૂદનું જેઈએમ સાથેનું મજબૂત કનેક્શન પ્રસ્થાપિત કરી દીધું જેને કારણે ૧૮ વર્ષ પછી મસૂદ ઉપર પ્રતિબંધ આવ્યો.
જો મસૂદની જાહેરાતમાં પુલવામા અને કાશ્મીરનો ઉલ્લેખ કરાયો હોત તો તેનાથી આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધો મામલે પાકિસ્તાનને બ્લેક લિસ્ટેડ પણ કરાવી શકાત. અલબત્ત, હજુ પણ મસૂદ મામલે પાકિસ્તાનને ભીંસમાં લેવાની ભારતને તકો મળશે. કેમ કે વૈશ્વિક આતંકવાદી જાહેર થતા મસૂદ હવે ન તો ખુલ્લેઆમ ફરી શકશે કે ન તો રેલી કે સભાઓ ભરી શકશે. તેની સંપત્તિ અને આર્થિક સંસાધનો ફ્રીજ થશે. તે યુએનના કોઈ પણ સભ્ય દેશમાં પ્રવેશી નહીં શકે. પાકિસ્તાન અહીં પણ પોતાની તંગડી ઊંચી રાખવા અને પ્રતિબંધને બેકાર બતાવવા માટે ગત માર્ચમાં કહી ચૂક્યું છે કે મસૂદ બહુ બીમાર છે અને હાલીચાલી શકતો નથી.
જોકે મસૂદને લઈને કરાયેલી જાહેરાત કેટલી અસરકારક કે બેઅસરકારક નિવડે છે તેનો સંપૂર્ણ આધાર આખરે તો ભારતની વિદેશનીતિની આક્રમકતા ઉપર રહેલો છે. કેમ કે ૨૦૦૮માં મુંબઈ હુમલા બાદ યુએને લશ્કર-એ-તોયબાના હાફીઝ સઇદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકાએ પણ તેના ઉપર અંદાજે ૭૦ કરોડ રૃપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તેમ છતાં સઇદ આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ખુલ્લેઆમ રેલીઓ અને સભાઓ ભરીને ફંડ એકઠંુ કરે છે. નવા આતંકવાદીઓ પણ તૈયાર કરે છે. પાકિસ્તાનની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને પણ ઉતાર્યા હતા.
મસૂદનેે વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સંબંધી ૪ દેશોની રણનીતિ જોઈએ તો, પાકિસ્તાનને થયેલું નુકસાન ભારત માટે ફાયદો છે. અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધતા ભારત બંને દેશો પાસેથી વેપાર સહિત સુરક્ષા ક્ષેત્રે સારા ભાવતાલ કરી શકશે. અમેરિકાની મંશા છે કે ભારતના સંરક્ષણ બજેટનો વધુ હિસ્સો અમેરિકન કંપનીઓની પાસે આવી જાય. હજુ ભારત રશિયા પર વધુ નિર્ભર છે. આ પગલાંથી ભારત અમેરિકાના દબાણમાં આવી શકે છે અને રશિયાનો ભારત કરતાં વધુ પાકિસ્તાન તરફ ઝુકાવ થઈ શકે છે. એનો થોડા સંકેત તો ત્યારે જ મળી ગયા હતા કે ભારતના પક્ષમાં રહેતું રશિયા મસૂદ મામલે ચૂપ રહ્યું હતું.
ચીન વિશે કહી શકાય કે તે દુનિયા સામેના ફજેતામાંથી બચી ગયું છે. અમેરિકાએ ચીનને સ્પષ્ટ કરી દીધું હતું કે કાં તો વીટો હટાવો કાં તો સુરક્ષા પરિષદના ખુલ્લા મંચ ઉપર મસૂદનો બચાવ કરો. ચીન પણ પાકિસ્તાનના કારણે પોતાની ખરાબ થઈ રહેલી છબીને બચાવવા માંગતું હતું. ખુલ્લા મંચ પર મસૂદનો બચાવ કરતા બચવા માટે ચીને ઝૂકવું પડ્યું. બીજી તરફ ચીનને ભારતના બજારમાં સ્થાન જમાવવા માટે મોકો મળ્યો છે. ચીન ભારતની ચૂંટણીમાં મોદીને ફાયદો ન મળે એ માટે મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર થતો અટકાવવાના પક્ષમાં હતું.
મસૂદ મામલે અમેરિકાને તો બંને હાથમાં લાડુ હતા. ભારતને ખુશ કરી વેપાર મેળવવો અને મસૂદના નામે ચીન પર દબાણ વધારવું. પેન્ટાગોન આ મહિને થઈ રહેલી શાંગ્રીલા વાર્તાલાપમાં એક નવો ઇંડો-પેસિફિક સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટ લાવી શકે છે, જેથી આ ક્ષેત્રમાં તે વધુ તાકાત ઝીંકી શકે. મસૂદને લઈને લવાયેલો પ્રસ્તાવ એનું પ્રદર્શન છે. આનાથી ચીન પર દબાણ વધશે, ભારત અમેરિકાની નજીક જશે અને ઈરાન ઉપર લાગેલા પ્રતિબંધોને લઈને ભારત ચૂપ પણ રહેશે.
પાકિસ્તાન વિશે બે વાત કરવી હોય તો એમ કહી શકાય કે પાકિસ્તાનને એવો ભ્રમ છે કે પુલવામા અને કાશ્મીરનો ઉલ્લેખ દૂર થવાથી તેમની જીત થઈ ગઈ. પાકિસ્તાને ગત ૧ મેના રોજ પ્રેસ રિલીઝમાં કહ્યું કે, અમે કાશ્મીરી ભાઈઓને રાજનીતિક, કૂટનીતિક અને નૈતિક સહયોગ આપતા રહીશું. વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન આતંકવાદનું પોષક છે અને પાકિસ્તાન રમણભમણ થવાની સ્થિતિની બહુ નજીક પહોંચી ગયું છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ(આઇએમએફ) પાસેથી લોન લેવામાં તકલીફ પડશે. મળશે તો પણ આકરી શરતો સાથે મળશે. આ વર્ષે જ મળી રહેલી ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં હવે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખી શકાય છે. અત્યારે તે ગ્રે લિસ્ટમાં છે. એવું થશે તો પાકિસ્તાન વૈશ્વિક અર્થવ્યવસ્થામાંથી બહાર ફંગોળાઈ જશે અને કોઈ સાથે આર્થિક લેવડદેવડ નહીં કરી શકે. પાકિસ્તાન આર્થિક ક્ષેત્રે બહુ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એવામાં પ્રતિબંધ લાગશે તો હાલત વધુ ખરાબ થશે.
આ જાહેરાતથી પાકિસ્તાનને મહત્ત્વનો સંદેશ મળે છે કે તે પોતાની રીતભાતો સુધારી લે અને ભારતમાં આતંકી ગતિવિધિઓ ચલાવતાં સંગઠનોને સમર્થન બંધ કરે. અહીં સવાલ એ થાય કે લશ્કર-એ-તોયબાના પ્રમુખ હાફીઝ સઇદ અને અન્યો પર પ્રતિબંધ પહેલેથી લાગેલા છે છતાં પાકિસ્તાનમાં આવા લોકો ઉપર કોઈ પ્રતિબંધ દેખાતો નથી. ખરું, પણ આ જ કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પાકિસ્તાનની પોલ ઉઘાડી પડી ગઈ છે કે તે આતંકવાદને અટકાવવામાં ગંભીર નથી. આવા આતંકવાદીઓની ગતિવિધિઓ ઉપર નિયંત્રણ નહીં હોવાના કારણે પાકિસ્તાન આજે ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના દબાણનો સામનો કરી રહ્યું છે. જો મસૂદ મામલે પાકિસ્તાનની ઇચ્છાશક્તિ નહીં હોય તો પાકિસ્તાનમાં મસૂદ ટેસથી ફરશે, પરંતુ પાકિસ્તાનની આબરૃનું વધુ ધોવાણ થશે અને આંતરરાષ્ટ્રીય દબાણ વધતા તેની હાલત વધુ ખરાબ થશે. એટલે મસૂદની જાહેરાત પાકિસ્તાનને ગંભીર બનવા માટે વિવશ કરશે. આ જાહેરાતથી પાકિસ્તાન એકલું-અટૂલું પડી જશે અને અત્યારના વૈશ્વિકીકરણના યુગમાં કોઈ રાષ્ટ્ર એકલું પોતાના દમ પર જીવી ન શકે.
૨૩ મેના રોજ કેવી સરકાર બને છે, ચીન અને અમેરિકા વચ્ચે આ મહિનાની ટ્રેડ વૉર વાટાઘાટો કેવો રંગ પકડે છે, ઈરાનનું વલણ અમેરિકા પ્રત્યે કેવું રહે છે તેમજ ચીન અને રશિયા પાકિસ્તાનને કેટલો સપોર્ટ કરે છે… આ બધી બાબતો નક્કી કરશે કે આગળ શું થશે.
ચીન મસૂદ અઝહરને આતંકવાદી કેમ નહોતું માનતું?
ગત ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)ના કાફલા ઉપર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલા બાદ ભારતે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરાવવા માટે પ્રયાસો તેજ કર્યા હતા. આ માટે ભારત સુરક્ષા પરિષદમાં રજૂઆત કરતું હતું અને દરેક વખતે ચીને ભારતના પ્રસ્તાવ પર વીટો પાવરનો ઉપયોગ કર્યો. ચીન આવું કેમ કરતું હતું?
મસૂદ અઝહર પ્રત્યે પાકિસ્તાની સેનાને વિશેષ લગાવ છે અને આ લગાવને કારણે જ તે ચીનને મસૂદ અઝહરને રક્ષણ આપવા માટે મનાવતું રહ્યંુ. પાકિસ્તાનમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે, પણ પાંચ દાયકા જૂની પાકિસ્તાન-ચીનની દોસ્તી સલામત છે. બલ્કે, છેલ્લા બે-ત્રણ દાયકામાં તેમાં નવો જુસ્સો ઉમેરાયો છે. ચીને પાકિસ્તાનમાં થોકબંધ રોકાણ કર્યું છે. પાકિસ્તાનની રાજનીતિ, સેના કે જનસામાન્યમાં ભાગ્યે જ કોઈ એવું મળશે કે જે ચીનની વિરુદ્ધમાં કંઈ કહેતું હોય. અલબત્ત, પાકિસ્તાનમાં એક એવો બુદ્ધિજીવી વર્ગ પણ છે જે માને છે કે પાકિસ્તાનમાં ચીનની દખલની એક મર્યાદા હોવી જોઈએ અને દોસ્તી રાખવી પણ ‘લિમિટ’માં રાખવી. ચીન પાકિસ્તાનનો સાથ શું કામ આપે છે તે સમજવા માટે આપણે અત્યાર સુધીના આપણા સાંભળવા-સમજવાથી ઉપર ઉઠવું પડશે. ભારતમાં એવું કહેવાય છે કે ચીન પાકિસ્તાનનો ઉપયોગ ભારત વિરુદ્ધમાં કરી રહ્યંુ છે. આ વાત આંશિક સત્ય છે. આમ કરીને ભારતને આર્થિક મહાશક્તિ બનતા અટકાવી શકાય છે, પરંતુ પૂર્ણ સત્યને સમજવા માટે ચીન-પાકિસ્તાનના સંબંધોની તાસીર સમજવી જરૃરી છે.
ચીનના ટ્રક પાકિસ્તાનમાં જઈ શકે એ માટે ૧૯૫૦ના દાયકામાં કારાકોરમ ઘાટને ટૅક્નોલોજીની મદદ વગર જ પહોળો કરાયો હતો. આજે પણ ચીનમાંથી પાકિસ્તાનમાં જવાનો આ એકમાત્ર માર્ગ છે. આજે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર આ રોડ છે જેને લંબાવી દેવામાં આવ્યો છે. આ જ રીતે અક્સાઇ ચીનના વિસ્તાર વિશે પાકિસ્તાન જાણતું હતું કે આ હિસ્સાને સંભાળવાની તેનામાં ત્રેવડ નથી. એટલે પાકિસ્તાને તે વિસ્તાર ચીનને આપી દીધો. પાકિસ્તાન અને ચીનનો આ સંબંધ જૂનો છે. વચ્ચે અમેરિકા આવ્યું અને પાકિસ્તાનને ડૉલર આપવા લાગ્યું. ચીન પાસે આપવા માટે એટલા રૃપિયા નહોતા. ડૉલરથી પાકિસ્તાન અને અમેરિકાનો પ્રેમ પાંગર્યો. આજે અંદાજે ૬૦ અબજ ડૉલર પાકિસ્તાને અમેરિકાને ચૂકવવાના છે. આજે તો ચીન પાકિસ્તાનને આર્થિક મદદ પણ કરે છે. સેના માટે ચીન પાસેથી વિમાનો અને ટેન્કો મળી રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ ૧૨૬૭ હેઠળ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં કોઈ મુશ્કેલી નહોતી, પણ ચીન અડંગો લગાવીને બેઠંુ હતું. ભારતના પ્રસ્તાવ સામે ચીન દ્વારા વીટો વાપરવાનાં ત્રણ કારણો હતાં. ચીન પહેલું કારણ એવું બતાવતું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કેટલાક નીતિ-નિયમો છે જેનું પાલન કરવું જરૃરી છે. એ હિસાબે લિસ્ટિંગ થાય છે તો અમે એ પ્રમાણે વિચારીએ છીએ. બીજું કારણ એવું બતાવતું હતું કે મસૂદ અઝહર સામે અમને ગળે ઉતરે એવા ભારત કોઈ વિશેષ પુરાવાઓ આપી શકતું નથી. જ્યારે એવા પુરાવાઓ આપશે ત્યારે અમે જોઈશું. ત્રીજંુ કારણ, ચીન એવું કહેતું કે ભારત ભલે કહેતું હોય કે ચીન સિવાયના બધાનું તેમને સમર્થન છે, પરંતુ આ મુદ્દે સુરક્ષા પરિષદના બધા સભ્યોનું ભારતને સમર્થન નથી.
પાકિસ્તાનના લોકો એવું માનતા કે ચીનના વીટોનું કારણ પાકિસ્તાન સાથે દોસ્તી નહીં, બલ્કે તેની ભારત સાથેની દુશ્મની છે. આતંકવાદી ગ્રૂપોને એનો ફાયદો મળે છે. દુશ્મન કા દુશ્મન દોસ્ત વાળી વાત છે. મસૂદને પાકિસ્તાની સેના અને આઈએસઆઈનું સમર્થન હતું અને ચીન નહોતું ઇચ્છતું કે પાકિસ્તાની સેના નારાજ થાય. એનું એક અન્ય કારણ એ છે કે ચીનને પાકિસ્તાની સેનાની જરૃર છે, કારણ કે પાકિસ્તાનની ચીન સરહદે શિનજિયાંગ પ્રાંત છે જ્યાં મુસલમાન વસ્તી છે જે ચીન સરકારના વિરોધમાં છે. ચીન નથી ઇચ્છતું કે તાલિબાન એ તરફથી શિનજિયાંગના મુસલમાનોની મદદ માટે આ તરફ આવી જાય. આ જ કારણે ચીને કુલ ચાર વખત વીટો પાવર વાપરીને મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર થતો અટકાવવામાં પાકિસ્તાનની મદદ કરી હતી.
આ તો મસૂદ મામલે ચીન ભારતને સાથ નહોતું આપતું તેનાં કારણોની ચર્ચા થઈ. હવે ચીને ભારતનો કેમ સાથ આપવો પડ્યો તેની વાત કરીએ. ચીનને ડર હતો કે પાકિસ્તાનના સતત સાથને કારણે ક્યાંક ભારતમાં તેમના વિરુદ્ધ આક્રોશ ઊભો ન થઈ જાય. જો એમ થાય તો ભારતમાં અબજોનો વ્યાપાર કરતી ચીનની કંપનીઓ બેસી જાય.
——–.
મસૂદ અઝહરની કરમ કુંડળી…
મસૂદ અને જૈશ-એ-મોહમ્મદની કહાણી ઉપર એક ઉપલક નજર કરીએ તો, મસૂદનો જન્મ બહાવલપુર, પાકિસ્તાનમાં ૧૯૬૮માં થયો હતો. સરકારી વિદ્યાલયના આચાર્યનાં ૧૧ સંતાનો (કોઈ ૧૦ કહે છે)માં મસૂદ ત્રીજા નંબરનું સંતાન છે. કરાચીના જામિયા ઉલૂમ ઉલ ઇસ્લામિયા મદરેસામાં અભ્યાસ દરમિયાન તેનો સંપર્ક આતંકી સંગઠન હરકત-ઉલ-અંસાર સાથે થયો અને તે તેના ઉર્દૂ અને અરબી પત્રિકાનો સંપાદક બની ગયો. બાદમાં તે હરકત-ઉલ-અંસારનો મુખ્ય સચિવ બની ગયો અને નવી ભરતીઓ કરવા, ફંડ એકઠું કરવા અને ઇસ્લામી ગણરાજ્યનો પ્રચાર કરવા દેશ-વિદેશનો પ્રવાસ કરવા લાગ્યો. આ સંદર્ભે તેણે જામ્બિયા, અબુ ધાબી, સાઉદી અરેબિયા, મોંગોલિયા, યુકે, નૈરોબી, કેન્યા અને અલ્બાનિયાનો પ્રવાસ કર્યો.
તે ઓછામાં ઓછો ત્રણ વાર ગૃહ યુદ્ધથી ત્રસ્ત સોમાલિયામાં ગયો છે. મસૂદે હરકત-ઉલ-જિહાદી(હુજી) અને હરકત-ઉલ-મુજાહિદ્દીન(હુમ)ને એક કરીને હરકત-ઉલ-અંસાર બનાવ્યું હતું જે અલ કાયદા સાથે કામ કરતું રહ્યું. ૧૯૯૪માં તે હરકત ઉલ અંસારના સમર્થક હરકત-ઉલ-જિહાદી-અલ-ઇસ્લામી અને અહકત- ઉલ-મુજાહિદ્દીન વચ્ચેના ખરાબ સંબંધો સુધારવા શ્રીનગરમાં આવ્યો હતો. જ્યાં અનંતનાગમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૯૯માં કંધાર વિમાન અપહરણમાં ૧૬૦ લોકોના જીવ સામે સાટા પદ્ધતિમાં છૂટેલા મસૂદે પાકિસ્તાનમાં શું કર્યું તે જોઈએ. ભારતમાં જેલની સજા થઈ તે પહેલાં મસૂદ અઝહર હરકત ઉલ અંસારનો હિસ્સો હતો. છૂટ્યા પછી તે પાકિસ્તાન ગયો. પાકિસ્તાનમાં તેનું જોરદાર સ્વાગત થયું. પાકિસ્તાનમાં મસૂદે ૨૦૦૦માં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સ્થાપના કરી. પાકિસ્તાની સરકારે તેની ભરપૂર મદદ કરી અને ફરી કાશ્મીરમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો. તેણે ઓસામા બિન લાદેનને પણ મદરેસામાં સહકાર આપ્યો હતો.
—————————–