બૈજુસઃ ઍપ વડે શિક્ષણનો તોતિંગ બિઝનેસઃ

ટ્યૂશન-શિક્ષક ૩૮૦ અબજ રૃપિયાનો માલિક

એજ્યુકેશન – વિનોદ પંડ્યા

ઓનલાઇન ટ્યૂશનની નવી પેટર્ન એટલી સફળ થઈ છે કે પચ્ચીસ-ત્રીસ બાળકોથી શરૃ થયેલા ટ્યૂશન ક્લાસ આજે તોતિંગ કંપનીઓ બની ગયા છે અને તેના સ્થાપક શિક્ષકો કરોડપતિ નહીં, પણ અબજોપતિ બન્યા છે. તેઓની પ્રગતિ ચોંકાવી દે તેવી છે.

આજે  સરસ્વતીનો મહિમા વધ્યો છે, કારણ કે વધુ ને વધુ પુરવાર થઈ રહ્યું છે કે સરસ્વતી હશે તો લક્ષ્મી પધારશે. ભારત મહત્ત્વાકાંક્ષી યુવાનો અને કિશોર-કિશોરીઓનો દેશ છે. દીકરીઓ વધુ પ્રમાણમાં ભણતી થઈ છે. દેશમાં દસથી ચોવીસ વરસની વય ધરાવતાં બાળકો અને યુવાનોની સંખ્યા ૩૬ કરોડ છે. દુનિયામાં આજે ભારતનું ઉચ્ચ શિક્ષણનું નેટવર્ક બીજા ક્રમે આવે છે. આટલી સંખ્યાનાં કિશોરો, તરુણો અને યુવાનોને ભણાવવા માટે વિરાટ નેટવર્ક અને સતત સખત પરિશ્રમની જરૃર પડે. સરકારો દ્વારા શિક્ષણ ક્ષેત્રને મોટી ધનરાશિ પૂરી પડાય છે છતાં ખામીઓ રહી જાય છે.

સાધનો પૂરતાં પડતાં નથી. સરકારી શૈલીને કારણે કુશળ માનવધન, શિક્ષકોનો અભાવ રહે છે. પરિણામે ખાનગી ક્ષેત્રનો પ્રવેશ થયો. આજે દેશમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા માન્ય ૯૦૭ યુનિવર્સિટીઓ છે જેમાંની ૩૩૪ ખાનગી યુનિવર્સિટીઓ છે. બીજી ૧૩૦ ડીમ્ડ્ યુનિવર્સિટીઓ છે. તેમાંની પણ કેટલીક ખાનગી છે. વિદ્યાર્થીઓમાં સ્પર્ધા પારાવાર છે. સંસ્થાઓના શિક્ષણ ઉપરાંત ખાનગી ટ્યૂશન ક્લાસની મદદ જરૃરી બની છે. ટ્યૂશન ક્લાસોની પણ ઘણી મર્યાદાઓ હતી અને છે. ફલતઃ આજના વિજ્ઞાન યુગમાં ઓનલાઇન ટ્યૂશનનું મહત્ત્વ વધી રહ્યું છે.

મોટાં શહેરોમાં વસતાં વિદ્યાર્થીઓને ટ્યૂશન ક્લાસ મળી રહે, પરંતુ નાનાં શહેરો અને નગરોના વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસ આશીર્વાદરૃપ બની રહ્યા છે. વડીલો પણ બીજા ખર્ચમાં કાપ મૂકીને બાળકો માટે રૃપિયા પંદર હજાર કે તેથી વધુ ચૂકવીને ઓનલાઇન ટ્યૂશન પ્રોગ્રામ અને બીજી સામગ્રીઓ ખરીદે છે. ટ્યૂશનની નવી પેટર્ન એટલી સફળ થઈ છે કે પચ્ચીસ-ત્રીસ બાળકોથી શરૃ થયેલા ટ્યૂશન ક્લાસ આજે તોતિંગ કંપનીઓ બની ગયા છે અને તેના સ્થાપક શિક્ષકો કરોડપતિ નહીં, પણ અબજોપતિ બન્યા છે. તેઓની પ્રગતિ ચોંકાવી દે તેવી છે.

એપ્ટિટ્યૂડ અને ઍડ્મિશન ટેસ્ટો માટે વિદ્યાર્થીઓએ અલગથી ખાસ તૈયારી કરવાની રહે છે. જેમ કે નીટ વગેરે. ઉપરાંત અમેરિકા ભણવા જવા માટેની ‘સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ’ (સેટ) વગેરે પણ મુખ્ય પરીક્ષાઓ જેટલી જ મહત્ત્વની બની રહે છે. ભારતમાં નવી ટૅક્નોલોજી તેઓને નવા ભવિષ્યમાં લઈ જવામાં મદદરૃપ બને છે તો હવે આ નવી એજ્યુટેક કંપનીઓ વર્તમાન પણ છે અને ભવિષ્ય પણ છે. ઍપ્લિકેશન્સ અર્થાત્ ઍપ્સ દ્વારા શિક્ષણ પ્રાપ્તિ ભવિષ્ય છે જે હવે શરૃ થયું છે. ઍપ્સ વડે શિક્ષણ આપતી ટ્યૂશન કંપનીઓમાં બૈજુસ, ટૉપ રેન્કર્સ, યુએન એકૅડેમી, ટૉપર, ડાઉટનટ, વેદાન્તુ આજે દેશમાં અને વિદેશોમાં નામ અને દામ કમાઈ રહી છે. આમાંની ‘બૈજુસ’ દુનિયાની સૌથી મોટી એજ્યુકેશન કંપની બનવાના ઇરાદા સાથે આગળ વધી રહી છે.

નેશનલ સેમ્પલ સરવેના આંકડા પ્રમાણે ૨૦૧૬માં સાત કરોડથી વધુ વિદ્યાર્થીઓએ ટ્યૂશન્સ અથવા તો કોચિંગ ક્લાસ જોઇન કર્યા હતા. આમાંના ૩૦ લાખ વિદ્યાર્થીઓ હાલમાં ઓનલાઇન ઍપ્સ અથવા સાઇટની ફી ભરીને શિક્ષણ મેળવી રહ્યા છે. એક આકલન પ્રમાણે આરોગ્ય, મકાન અને શિક્ષણ એ ત્રણ બાબતો એવી છે જેમાં ભારતના લોકો પૈસા ખર્ચતા અચકાતા નથી. ગયા વરસે વાલીઓએ ઓનલાઇન શિક્ષણ પ્રાપ્તિ માટે રૃપિયા ૧૮૦૦ કરોડ ખર્ચ્યા હતા. કેપીએમજીના અંદાજ મુજબ હવેનાં બે વરસમાં એ ખર્ચની રકમ વધીને રૃપિયા ૧૪ હજાર કરોડ પર પહોંચશે. ૨૦૨૧ સુધીમાં લગભગ એક કરોડ જેટલાં વિદ્યાર્થીઓ ઓનલાઇન ઍપ્સ વડે પણ શિખતા હશે. એમનું શાળા-કૉલેજોનું ફોર્મલ શિક્ષણ ઉપરાંત આ વ્યવસ્થાનો ફાયદો લેશે. લોકોની આવક અને આકાંક્ષાઓ વધશે તેમ વધુ વિદ્યાર્થી ફાયદો લેતા થશે.

કેરળના કન્નૌરના બૈજુ રવિન્દ્રને થોડાં વરસ અગાઉ બેંગ્લુરુમાં ૩૫ વિદ્યાર્થીઓ સાથે બૈજુસ ક્લાસીસના નામે ટ્યૂશન ક્લાસ શરૃ કર્યા હતા. ક્લાસ ન લાગે તેવા પરિસરમાં આ ક્લાસ ખોલ્યા હતા. જેમાં ગણિતપ્રેમી બૈજુ વિદ્યાર્થીઓેને કંટાળો ના આવે એવી શૈલીથી સીએટી વગેરેની પરીક્ષા માટેનું શિક્ષણ આપતા હતા. તેમાં એ સાચા જવાબો મેળવવાની શોર્ટકટ રીતો પણ વિદ્યાર્થીઓને સમજાવતા. વાસ્તવમાં બૈજુ રવિન્દ્રન એક શિપિંગ કંપનીમાં નોકરી કરતા હતા અને સાથે-સાથે ગણિત પ્રત્યેના લગાવ અને શોખને કારણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મદદ કરતા,

પરંતુ ૨૦૧૧માં એમણે ૨૮ વરસની ઉંમરે નોકરી છોડી કોચિંગના કામમાં જ પૂરો સમય આપવાનું નક્કી કર્યું. આજે લગભગ નવ વરસ બાદ એના બૈજુસ ક્લાસીસ પાંચ અબજ ત્રીસ કરોડ ડૉલર અર્થાત્ રૃપિયા ૩૮ હજાર કરોડની કંપની બની છે. ટેલિવિઝન પરની કોમર્શિયલમાં તમે શાહરુખ ખાનને બૈજુસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોયો હશે. જેમાં એ કહે છે, ‘ખરી મજા બિલિયન ડૉલર કંપની ઊભી કરવામાં નથી, પરંતુ લાખો અને કરોડોને વધુ સારી રીતે વિચારતા અને ભણતાં કરવામાં છે.’

બૈજુ રવિન્દ્રનનું બાળપણ અને યુવાનીનાં અમુક વરસ કેરળના કન્નૌરમાં મધ્યમવર્ગીય પરિવાર સાથે ગુજર્યા. એન્જિનિયર બન્યા પછી બેંગ્લુરુમાં નોકરી લીધી અને ગણિત પ્રત્યેનો લગાવ એને ટૂંક સમયમાં આટલી ઊંચાઈ પર લઈ ગયો. જે ઉદ્યોગ શરૃ થયા પછી છલાંગ લગાવવાનો હોય તેમાં પ્રથમ પ્રવેશનારને ખૂબ ફાયદો થતો હોય છે. બૈજુને યાસે-અનાયાસે એ ફાયદો મળ્યો. જાણે કે ઍપ આધારિત શિક્ષણ ઉદ્યોગ બૈજુના આગમનની રાહ જોતો હતો. જે તમામ એડ્યુટેક કંપનીઓ શરૃ થઈ છે તે એન્જિનિયરોએ જ કરી છે.

બૈજુ રવિન્દ્રને પ્રારંભમાં કોચિંગ ક્લાસ શરૃ કર્યા હતા અને ત્યારે એને નવી ટૅક્નોલોજીનો ફાયદો લેવાનો વિચાર આવ્યો હતો. સેટેલાઇટના માધ્યમથી વીડિયો ટીચિંગની શરૃઆત કરી. ત્યાર બાદ મોબાઇલ ફોન ક્ષેત્રમાં ક્રાન્તિ આવી. સ્માર્ટફોન આવ્યા અને મોબાઇલ ઍપ પણ શરૃ થયાં. ૨૦૧૫માં એણે પ્રથમ ઍપ લોન્ચ કરી. દેશમાં શીખવા માગતા યુવાનોની કમી તો હતી નહીં. તેમાં વળી ફોર-જી ટૅક્નોલોજી આવી અને હવે ફાઈવ-જી આવવાની છે. બૈજુને યોગ્ય લોન્ચિંગ પેડ મળી ગયું.

બૈજુ કન્નૌરની એન્જિનિયરિંગ કૉલેજમાં ભણ્યો જ્યાં પરીક્ષામાં સારા માર્ક્સ લાવતો હતો, પરંતુ ગણિત ગણવાની પદ્ધતિમાં એ નવા પ્રયોગો કરવા માંડ્યા. એ કહે છે કે ગણિતમાં શોર્ટકટ હોતો નથી, પરંતુ તમે તેને સાચી રીતે શીખો તે જ તેની ટ્રિક છે. તેમાં પ્રોબ્લેમને ઝડપથી સોલ્વ કરવાની અમુક ચાવીઓ પણ મળી રહે. બૈજુ કહે છે કે, ‘હું કૉલેજના ક્લાસ-રૃમમાં કંઈ શીખ્યો જ નથી. હું જાતે શીખતો, પણ કોઈ પ્રોબ્લેમ હોય તો શિક્ષકને પૂછતો. હું કૉલેજની ક્રિકેટ, ફૂટબોલ અને ટેબલ-ટેનિસની ટીમમાં પણ સિલેક્ટ થયો હતો. તો પણ પરીક્ષામાં મને સારા માર્ક્સ મળ્યા હતા.’

સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓ આ સ્થિતિને ‘નવંુ શીખવાનો આનંદ’ ગણાવે છે, જેમાં શિખનાર પોતે શિખવાની નવી રીતો શોધી કાઢે છે. બૈજુએ શિખવાની નવી રીતો ક્લાસમાં અજમાવી અને ૩૫નો ક્લાસ વધીને ૨૦૦ વિદ્યાર્થીઓનો થયો. વાત ફેલાઈ અને પછી સેંકડો વિદ્યાર્થીઓ આવ્યા. જેમના માટે ક્લાસ યોજવા ઑડિટોરિયમો ભાડે રાખવા પડ્યાં. ઑડિટોરિયમની બેઠકો ઓછી પડી તો સ્ટેડિયમ ભાડે લીધું. જ્યાં એક હજાર વિદ્યાર્થી દીઠ એક શિક્ષકને રોકવામાં આવતા. સ્ટેડિયમમાં કાં રમતો અને કાં સંગીતના કૉન્સર્ટ યોજાય, પણ બૈજુ ગણિતના કૉન્સર્ટ યોજવા માંડ્યો.

દિલ્હીનું ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, પુણેનું બાલેવાડી સ્ટેડિયમ અને હૈદરાબાદનું ગાચીબાવલી સ્ટેડિયમ હજારો વિદ્યાર્થીઓથી છલકાઈ પડવા માંડ્યા. એ સમયે ફોર-જીનો તો ઠીક, થ્રી-જીનો જમાનો પણ ન હતો, પણ બૈજુના વીડિયો લોકપ્રિય બની રહ્યા હતા. સ્ટેડિયમમાં એક વિશાળ પરદા નજીક બૈજુ એક ખૂણામાં ઊભો રહે અને પરદા પર વીડિયો ચલાવવામાં આવતો. ત્યાર બાદ ‘બૈજુસ ઃ ધ લર્નિંગ ઍપ’ વહેતી મૂકવામાં આવી અને તેના પ્રતાપે કંપની દેશની અગ્રણી ઍપ એજ્યુકેશન કંપની બની ગઈ. ૨૦૧૫માં લોન્ચ કરાયેલી એ ઍપ વરસમાં ત્રણ કરોડ ત્રીસ લાખ વખત ડાઉનલૉડ થાય છે, જેમાં બાવીસ લાખ વિદ્યાર્થી પૈસા ચૂકવીને, લવાજમ ભરીને ડાઉનલૉડ કરે છે. લવાજમ ભરનારાઓ દિવસના સરેરાશ ૬૪ મિનિટ તે ઍપ વડે અભ્યાસ કરવામાં ગાળે છે. ઍપના ફાયદા પણ છે. કોઈ પણ સમયે તેના વડે અભ્યાસ થઈ શકે જે કોચિંગ ક્લાસમાં શક્ય નથી.

છતાં આજકાલ બાળકોનો શિક્ષણ કે કામ તરફ અપાતા ધ્યાનનો સમયગાળો (અટેન્શન સ્થાન) ઘટી રહ્યો છે. એ સ્થિતિમાં બાળકોને વીડિયોઝ સાથે વળગાડી રાખવા તે ચેલેન્જિંગ કામ છે. બૈજુ કહે છે, ‘તે માટે રચનાત્મક રીતે વિચારવું પડે. જેમ કે અમે ઉપર તરફ ગતિ કરતી ચીજની ગતિનો દાખલો ગણીએ ત્યારે ક્રિકેટના શોટને ગણિતમાં આધાર બનાવીએ. વગેરે.’ બૈજુના ઍપના ગ્રાહક વિદ્યાર્થીઓમાંથી ૮૫ ટકા એમનું લવાજમ રિન્યુ કરાવે છે. આ કારણથી બૈજુને લાગે છે કે પોતે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. એ પોતાના લક્ષ્યાંકો ઊંચે અને ઊંચે લઈ જાય છે. તેમ કરવાથી મનમાં કે સંસ્થામાં બેદરકારી પ્રવેશતી નથી એમ બૈજુ માને છે.

ગયા વરસે બૈજુની કંપનીએ રૃપિયા ૧૪૦૦ (ચૌદસો) કરોડનો વકરો કર્યો હતો. હવે કંપનીને વિશ્વના તખ્તા પર લઈ જઈ તેને દુનિયાની પ્રથમ ક્રમની એજ્યુટેક કંપની બનાવવાનો બૈજુનો ઇરાદો છે. બૈજુસમાં હાલમાં ૩૨૦૦ કર્મચારીઓ કામ કરે છે જેમની સરેરાશ ઉંમર ૨૫ વરસથી નીચે છે. દુનિયાનું ઓનલાઇન એજ્યુકેશન માર્કેટ ૨૦૧૭માં ૧૬૦ અબજ ડૉલરનું હતું તે ૨૦૨૩ સુધીમાં વધીને ૨૯૦ અબજ ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. મતલબ કે કંપની સામે વિકાસની અપાર શક્યતાઓ છે. વૈશ્વિક સ્તરે પગ માંડવા કંપનીએ અમેરિકા ખાતેની ‘ઓસ્મો’ નામક કંપની બાર કરોડ ડૉલર ચૂકવીને ખરીદી છે. આ કંપની પ્રાથમિક શિક્ષણ ગમ્મત સાથે પીરસવાનું કામ કરે છે. અન્ય દેશોમાં પણ બીજા પ્લેટફોર્મ હસ્તગત કરવાની યોજના છે, પણ હાલમાં તે માટે અભ્યાસ ચાલી રહ્યો છે.

બૈજુના ક્લાસમાં સૌ પ્રથમ નાણા રોકનારાઓમાં મણિપાલ (યુનિવર્સિટી) ગ્રૂપના માલિક રંજન પાઈ અને ભારતના વિદ્યાર્થીઓમાં જાણીતા આરીન કેપિટલના મોહનદાસ પાઈ હતા. એક દિવસ રંજન પાઈએ જોયું કે એમની એક કૉલેજના ઑડિટોરિયમમાં ૪૦૦ જેટલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રાત્રે નવ વાગ્યે ગણિતનો એક વીડિયો ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા. એમણે બીજા દિવસે બૈજુનો નંબર મેળવી ફોન જોડ્યો અને ઑફર મૂકી કે, ‘જો તું આ કામને વિસ્તારવા માગતો હોય તો હું તેમાં નાણા રોકવા તૈયાર છું.’ આ ક્ષેત્રમાં રહેલી વિકાસની તક રંજન પાઈ પામી ગયા હતા. ત્યાર બાદ દુનિયાભરની કંપનીઓ નાણા લઈને હાજર થવા માંડી. ૨૦૧૫માં ‘સિકવોઇવા કેપિટલ’ આવી.

અમેરિકાની ‘ધ ચાન ઝુકરબર્ગ ફાઉન્ડેશને’ આજ સુધીમાં એશિયામાં કોઈ મૂડીરોકાણ કર્યું હોય તો માત્ર ‘બૈજુસ’માં કર્યું છે. નાસ્પર્સ, જનરલ એટલાન્ટિક, ટેન્સેન્ટ, સોફિના અને બીજી કંપનીઓએ ૮૦ કરોડ અમેરિકી ડૉલરનું રોકાણ કર્યું છે. આમાંના વીસ કરોડ ડૉલર પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે ખર્ચાયા છે. બાકીના બેન્કમાં જમા છે. નવી શરૃ થયેલી ભારતીય સ્ટાર્ટ-અપ કંપનીમાં મૂલ્યની દૃષ્ટિએ બૈજુનો ચોથો ક્રમ આવે છે. પ્રથમ ક્રમે ‘પૅટીએમ’ના માલિક ‘વનનાઇન્ટીસેવન કૉમ્યુનિકેશન્સ’ છે. ત્યાર બાદ ‘ઑલા’ના માલિક ‘એએનઆઈ ટૅક્નોલોજિસ’ અને ‘ઑયો રૃમ્સ’ના માલિક ‘ઑરાવેલ સ્ટેયુઝ’નો ક્રમ આવે છે. તે હોટેલ કંપની છે.

‘બૈજુસ’નો ચાલીસ ટકા હિસ્સો બૈજુ, એની પત્ની દિવ્યા ગોકુલનાથ અને ભાઈ રિજુ રવિન્દ્રનના નામે છે. દિવ્યા પોતે બાયોટૅક્નોલોજીની એન્જિનિયર છે અને ગણિત શીખવા બૈજુ પાસે જતી હતી. પોતે પણ ગણિતમાં પારંગત છે. એણે પોતે પણ શિખવાડવાનું કામ હાથમાં લીધું – અને બૈજુ સાથે લગ્ન કર્યાં. બૈજુના ઘણા મહત્ત્વના ટોચના અધિકારીઓ ગણિત શીખવા આવ્યા હતા અને એન્જિનિયરો છે. ઘણા લોકો તો ગણિત શીખ્યા અને સીએટી જેવી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ પ્રવેશ મળવા છતાં આઈઆઈટી કે આઈઆઈએમમાં જોડાવાને બદલે બૈજુસમાં રહી ગયા. તેઓને બૈજુસની પદ્ધતિમાં અને કામમાં રસ પડ્યો હતો.

બૈજુસની સામે કોઈ હરીફાઈ નથી એવું નથી. હરીફો તો ઘણા છે, જેમનાં નામ આપણે આગળ વાંચ્યા, પણ તેઓ હાલમાં તો દૂરના હરીફો છે. તેમાં પણ નજીકના હરીફ તરીકે ઝીશાન હયાતની કંપની ‘ટૉપર’ છે. ટૉપરની ઍપ જોઈને શિખનારા વિદ્યાર્થીઓ ૬૦ લાખ છે તો બૈજુસના દોઢ કરોડ છે. ટૉપરમાં પણ વિદેશી કંપનીઓ જેવી કે ‘એઇટ રોડ્સ વૅન્ચર્સ,’ હેલીઓન વૅન્ચર્સ,’ સિંગાપોરની ‘કેઈઝેન’ વગેરેએ મૂડીરોકાણ કર્યું છે. બીજા ક્રમના હરીફ તરીકે ‘ગ્રેડઅપ’ છે. તેના ઍપના ૩૦ લાખ યુઝર્સ છે. ત્રીજા ક્રમે ‘ટૉપ રૅન્કર્સ’ છે. તેની ઍપ ૨૫ લાખ વિદ્યાર્થીઓ વાપરે છે.

આ બંને કંપનીઓમાં પણ વિદેશી મૂડીનું રોકાણ થયું છે. ત્યાર પછીના ક્રમે ‘યુએન એકૅડેમી’ છે. બૈજુસમાં રોકાણ કરનારી ‘સિકવોઇવા’ કંપનીએ આ કંપનીમાં પણ રોકાણ કર્યું છે, પણ તેના ઍપના યુઝર્સ માત્ર બે લાખ વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત તનુશ્રી નાગોરીની કંપની ‘ડાઉટનટ’ છે. દરેક કંપનીની અલગ-અલગ ખાસિયતો અને ઓળખાણો છે. એમની શિખવવાની ભિન્ન ભિન્ન તરાહ છે. આજે જે સામાન્ય જણાઈ રહી હોય તેનો આવતી કાલે વિરાટ ઉદય થાય તે પણ શક્ય છે. કેટલીક ભુલાઈ પણ જશે, જે રીતે કેટલીક નવી કંપનીઓ ભૂતકાળ બની જતી હોય છે તે રીતે.

‘ટૉપર’, ‘યુએન એકૅડેમી’ અને ‘ગ્રેડઅપ’ વગેરે તમામ પોતાનો બિઝનેસ વિસ્તારી રહી છે. વિદ્યાર્થીઓ તરફથી મોટું લવાજમ પણ મળે છે અને વિદેશી મૂડીરોકાણ પણ થઈ રહ્યું છે, પણ ફેસબુકના માર્ક ઝુકરબર્ગે જે કોઈમાં રોકાણ કર્યું છે તો માત્ર ‘બૈજુસ’માં કર્યું છે.

ઍપ આધારિત શિક્ષણ લોકપ્રિય થઈ રહ્યું છે તેનાં કારણો છે. જેમ કે, આ પ્લેટફોર્મ વિદ્યાર્થીના સમય અને ઝડપ સાથે તાલ મિલાવે છે. વિદ્યાર્થી અનુકૂળ સમયે ભણી શકે છે, પુનરાવર્તન કરી શકે છે. ટૉપરના ઝીશાન હયાત કહે છે કે, ‘ઍપ વિદ્યાર્થીનો એના માટેનો ખાસ ક્લાસરૃમ બને છે. ઓરડામાં ચલાવાતાં પરંપરાગત ક્લાસરૃમમાં અમુક વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોય, જ્યારે બીજા અમુક એસએટી માટે, અમુક બીઆઇટીએસ કે આઈઆઈટી માટે તૈયારી કરતા હોય. એ દરેક માટે અલગ-અલગ ક્લાસરૃમ શરૃ કરી ના શકાય, પણ દરેક માટે અલગ-અલગ ઍપ તૈયાર કરી શકાય. મતલબ કે ક્લાસરૃમમાં તે સર્વસામાન્ય શિક્ષણ મેળવે, પણ ઍપ દ્વારા ખાસ જોઈતું હોય તે શિખી શકે.’

આ નવા પ્રકારના ઉદ્યોગપતિઓ એમના બિઝનેસનો વિસ્તાર પણ ઝડપથી કરી રહ્યા છે. ‘બૈજુસ’ દ્વારા બિગ-બજેટના ઍડ્વર્ટાઇઝિંગ માટે શાહરુખ ખાનને રોકવામાં આવ્યો છે તો બીજી નાની કંપનીઓએ પ્રચાર અને પ્રસારના બીજા નાના-મોટા રસ્તાઓ અજમાવ્યા છે. જેમ કે ‘ટૉપર’ દ્વારા ઘરે-ઘરે જઈને, એમનાં બાળકોની કારકિર્દી માટે ટૉપરની ઍપ કેટલી જરૃરી છે તે સમજાવવા માટે સેલ્સમેનોની ફોજ રખાઈ છે. બૈજુસની પેરન્ટ-કનેક્ટ ઍપ્લિકેશન વિદ્યાર્થી દ્વારા અભ્યાસમાં થઈ રહેલી પ્રગતિની પળેપળની જાણકારી મા-બાપને રિયલ-ટાઇમમાં આપે છે. ‘ગ્રેડઅપ’ દ્વારા નાનાં શહેરો પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે અને ગૂગલ તેમજ ફેસબુકના પ્લેટફોર્મનો ઉપયોગ કરી જાહેરખબરો અપાય છે.

ઍપ આધારિક શિક્ષણનો વિરોધ કરનારા લોકોની એક દલીલ એવી છે કે તેમાં વિદ્યાર્થી અને ટ્યુટર (શિક્ષણ) વચ્ચે સંવાદ થતો નથી, પરંતુ આ સમસ્યાનો હલ શોધાયો છે. ટ્યુટર સાથે વાતચીત થઈ શકે તે માટે ઍપમાં ‘ચેટ વિન્ડો’ રખાઈ છે. વિદ્યાર્થી ઇચ્છે તો ટ્યુટરનો સંપર્ક કરી શકે છે. વિદ્યાર્થીઓ પણ આપસમાં ચેટ વિન્ડોઝ મારફતે વાતચીત કરી શકે છે -જેથી સાથે ભણતા હોય તેવો માહોલ પેદા થાય છે. બૈજુસ દ્વારા યુ-ટ્યૂબ પર આવતા લોકપ્રિય શિક્ષકોને સાથે લઈને એક નવી ઍપ પણ લોન્ચ થશે. ઍપ પ્લેટફોર્મનો બીજો એક મોટો ફાયદો એ છે કે તે પ્રમાણમાં સસ્તા પડે છે. રાબેતા મુજબના કોચિંગ ક્લાસ, ઍપની સરખામણીમાં દસ ગણા મોંઘા હોય છે. ગરીબ વર્ગના તેમ જ ગ્રામ્ય પ્રદેશોના વિદ્યાર્થીઓને ઍપ દ્વારા ભણવાની તક મળે છે. તેઓને વર્લ્ડ-ક્લાસ શિક્ષણ ઉપલબ્ધ બને છે જે કોચિંગ ક્લાસમાં મળે અને ન પણ મળે. શિક્ષક પર આધાર રહે.

‘ડાઉટનટ’ના તનુશ્રી નાગોરી બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરો પર વધુ ભાર મૂકે છે. એમની કંપનીએ રૃપિયા ૨૩ કરોડનું મૂડીરોકાણ મેળવ્યું છે. એ કહે છે કે, ‘બૈજુસ ભલે લીડર હોય, પરંતુ અમારી વ્યૂહનીતિ અલગ છે. અમે વિદ્યાર્થીને જે પ્રશ્નો અકળાવતા હોય તે પોઇન્ટ પર ખાસ ધ્યાન આપીએ છીએ. બૈજુસ મેટ્રો સિટીમાં વસતા ધનિકો પર વધુ ધ્યાન આપે છે. અમારા પ્રાઇમરી લેસન પણ બોલિવૂડમાં બોલાતી ‘હિંગ્લિશ’ (હિન્દી + ઇંગ્લિશ)માં રાખ્યા છે, જ્યારે બૈજુસના લેસન પ્યોર ઇંગ્લિશમાં હોય છે. વળી, અમે ભારતની બીજી બાર ભાષાઓમાં પણ શિક્ષણ આપીએ છીએ.’

બૈજુસ પણ હિન્દી અને બીજી ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપશે. બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં પણ પહોંચ વધારશે. બૈજુસનું વાર્ષિક લવાજમ રૃપિયા પંદર હજાર છે. મા-બાપ આ રકમ ભરે ત્યારે બાળકના શિક્ષણ પ્રત્યે વધુ ગંભીર પણ બને છે તેમ બૈજુસનું માનવું છે.

બૈજુસ સામે મોટો પડકાર કુશળ શિક્ષકો મેળવવાનો છે. વિદ્યાર્થીઓનો રસ જાળવી રાખે તેવી નવી પદ્ધતિઓ સતત શોધવી પડશે. એક વખત ક્લાસ કે ઍપની વિગતો પ્રસિદ્ધ થઈ જાય, જાહેર થઈ જાય પછી હરીફો દ્વારા તેનું અનુકરણ અથવા નકલ થઈ શકે છે. બૈજુસ હજી ભારતના બે ટકા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું છે માટે તકો ભરપૂર છે. મોબાઇલ અને ટેબ્લેટ્સ કે લેપટોપનો વ્યાપ વધશે તેમ આ બિઝનેસ પણ વધશે. જેની ક્વૉલિટી શ્રેષ્ઠ હશે તે વધુ ચાલશે.

એટલું ખરું કે શિક્ષણમાં એક નવી તરાહની ક્રાન્તિ આવી રહી છે. આ લખનારાના બે પત્રકાર મિત્રોએ એમનાં બાળકોને શાખાએ કદી મોકલ્યા નથી અને ઘરમાં જ ભણાવ્યા. ત્યારે આ ઍપ્લિકેશનો હોત તો તો ઘરે ભણવામાં ખૂબ સરળતા પડી હોત. તેનો અર્થ એ કે મોંઘીદાટ શાખાઓથી કોઈક છુટકારો મેળવવા માગશે તો મેળવી શકશે. છતાં બાળકો બીજાં બાળકો સાથે બેસીને ભણે તે બાબતની તેના માનસ પર ઘણી અસર પડતી હશે. મુખ્યત્વે તે સારી જ હશે. જેમ કે સમૂહજીવન. ભવિષ્યમાં આ પ્રકારની ઍપ બાળકોને એ ભાવનાથી અળગી રાખે તેમ બની શકે.
—————————-

ટ્યૂશન ક્લાસબૈજુસવિનોદ પંડ્યા
Comments (0)
Add Comment