મુંબઈની છ બેઠકો પર કોણ બાજી મારશે?

મુલુંડ વિસ્તારમાં સૌથી વધુ કચ્છીઓ છે.
  • મુકામ મુંબઈ – લતિકા સુમન

અમે આ વખતે પણ છગ્ગો મારીશું.મતદાન કેન્દ્ર પર પત્રકારો સાથે વાતો કરતી વખતે ભાજપના ઉમેદવાર પૂનમ મહાજન ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. લોકસભાના ચોથા અને મહારાષ્ટ્રમાં અંતિમ તબક્કાનું મતદાન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. મુંબઈની છ બેઠકો પર મતદાન થયા બાદ અહીં કોણ બાજી મારશે તેના પર હવે સૌની નજર છે.

મુંબઈમાં ધોમધખતા તાપમાં મતદારો લાંબી લાઇનોમાં ઊભા રહીને મતદાન કરી રહ્યા હતા. ખૂબ જ શિસ્તબદ્ધ માહોલમાં મતદાન થઈ રહ્યું હતું. સેલિબ્રિટી પણ લાંબી કતારોમાં ઊભા હતા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ પણ લાંબી કતારમાં મતદાન માટે લગભગ દોઢ કલાક રાહ જોવી પડી હતી. યુવાથી લઈને વૃદ્ધો, અપંગ, દિવ્યાંગ એમ દરેક વ્યક્તિ એક રાજાના ઠાઠમાં પોતાનો હક નિભાવી રહી હતી, જેના મત પર આ દેશના અસલી રાજા એટલે કે પ્રધાનમંત્રીનું ભાવિ નિર્ભર છે. દેશના પ્રધાનમંત્રી કોણ બનશે અને મુંબઈની છ બેઠકો પર કોણ ચૂંટાઈને આવશે તે જાણવા માટે થોડી રાહ જોવી પડશે. ત્યાં સુધી ચૂંટણીના આ માહોલમાં મુંબઈની બેઠકો પર નજર દોડાવીએ કે કઈ બેઠક પર કોની જીતની સંભાવના લાગી રહી છે.

જો ઉત્તર-મધ્ય મુંબઈના ભાજપના ઉમેદવાર પૂનમ મહાજન અને કોંગ્રેસનાં પ્રિયા દત્તની વાત કરીએ તો આ વખતે અહીં ૪૯.૪૯ ટકા મતદાન થયું છે. ૨૦૧૪ની વાત અલગ હતી, જ્યારે મોદી લહેર આખા દેશમાં ફરી વળી હતી અને પૂનમ મહાજન ચૂંટાઈને એમપી બન્યાં હતાં, પરંતુ પાંચ વર્ષમાં કયા ઉમેદવારે શું કામ કર્યું છે તેને અનુલક્ષીને જો આ વખતે મતદારોએ મતદાન કર્યું હશે તો આ બેઠકને લઈને એક પ્રશ્નચિહ્ન ઊભું થાય છે અને તે એ છે કે કદાચ આ વખતે પ્રિયા દત્ત કે જેમણે પૂર્વે આ વિસ્તારમાં કામ કર્યું હતું તેમની વાપસી થઈ શકે છે. બીજી તરફ ઉત્તર મુંબઈની બેઠકને લઈને ઘણી જ ચર્ચાઓ હતી. કેમ કે, અહીં કોંગ્રેસમાંથી ઉર્મિલા માતોંડકરનો ભાજપના ગોપાલ શેટ્ટી સામે મુકાબલો હતો. અહીં સૌથી વધુ ૫૪.૭૨ ટકા મત પડ્યા છે. ઉર્મિલા માતોંડકરના કારણે કોંગ્રેસની ચર્ચા જોરશોરથી થઈ રહી હતી, પરંતુ ભાજપના ગોપાલ શેટ્ટી પ્રત્યે મતદારોનો વિશ્વાસ જોવા મળ્યો છે. મતદારોમાં એવી ચર્ચાઓ હતી કે, કોંગ્રેસે ગોવિંદાને ઊભા રાખ્યા અને તેઓ જીતીને આવ્યા હતા છતાં તેમણે કોઈ જ કામ કર્યું ન હતું. હવે ઉર્મિલા શું કરવાની છે?

દક્ષિણ મધ્ય મુંબઈમાં ૫૯.૫૩ ટકા મતદાન થયું છે. અહીં શિવસેનાના રાહુલ શેવાલે અને કોંગ્રેસના એકનાથ ગાયકવાડ વચ્ચે ટક્કર હતી. દક્ષિણ -મધ્ય મુંબઈમાં શિવસેનાના અરવિંદ સાવંત અને કોંગ્રેસના મિલિંદ દેવરા સામસામે હતા. જ્યાં ૪૮.૨૩ ટકા મતદાન નોંધાયું છે. ઉત્તર-પશ્ચિમ મુંબઈમાં શિવસેનાના ગજાનન કીર્તિકર અને કોંગ્રેસના સંજય નિરુપમ આમને-સામને હતા. અહીં ૫૦.૪૪ ટકા મતદાન નોંધાયું છે. આ ત્રણેય બેઠકો પર શિવસેનાના ઉમેદવારો આવવાની સંભાવનાઓ છે. કેમ કે, મતદારોમાં એવી ચર્ચા હતી કે મરાઠી માણુસ શિવસેના સિવાય બીજા કોઈને વોટ નહીં આપે, કારણ કે શિવસેના સિવાય કોઈ પર્યાય નથી. તો પછી સવાલ એ ઊઠે છે કે શું મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેના લાંબા-લચક ભાષણોની મતદારો ઉપર કોઈ જ અસર થઈ નથી? મોદી અને શાહના વિરોધમાં ભાષણો કરતી વખતે તેઓ દરેક જગ્યાએ લાવ રે તો વીડિયો ( એ વીડિયો લગાઓ જેમાં મોદી અને શાહે કેટલાં જૂઠાં વચનો આપ્યાં છે) બતાવીને પોતાના સમર્થકોમાં સેના-ભાજપની વિરુદ્ધમાં અસર ઊભી કરવાના પ્રયાસ કરતા હતા, ત્યારે ઘણા મતદારોનું એવું જ કહેવું હતું કે રાજ ઠાકરે એ હિન્દુ હૃદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરે નથી કે જેમના આદેશનું પાલન થાય. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે મળીને વિધાનસભાની ચૂંટણીની તૈયારીના બીજ અત્યારથી જ નાંખી રહ્યા છે, પરંતુ મતદારો મરાઠી માણુસને નજર સમક્ષ રાખે છે. આ મતદાર શિવસેનાને જ મત આપશે. આથી આ ત્રણેય બેઠકો પર શિવસેનાના ઉમેદવારો જ આવશે એવી શક્યતા છે.

જોકે, ઉત્તર-પૂર્વ મુંબઈથી ઊભેલા ભાજપના મનોજ કોટક અને રાષ્ટ્રવાદીના સંજય દિના પાટીલમાંથી કોણ બાજી મારશે એ સવાલ છે. અહીં ૫૨.૩૦ ટકા મતદાન થયું છે. શિવસેનાના વિરોધના કારણે કિરીટ સોમૈયાની જગ્યાએ મનોજ કોટકને ટિકિટ મળી, પરંતુ રાષ્ટ્રવાદીના સંજય દિના પાટીલને વિશ્વાસ છે કે તેઓ આ વખતે જીતશે. અલબત્ત, તેમનો વિશ્વાસ કેટલો ખરો ઉતરે છે તે જોવાનું બાકી છે. આ બેઠકમાં સમાવિષ્ટ મુલુંડ વિસ્તારમાં સૌથી વધુ કચ્છીઓ છે. આથી તેને મિની કચ્છ પણ કહે છે. અહીંના મતદારો નરેન્દ્ર મોદીના ટેકેદારો છે. જેથી ભાજપના ઉમેદવાર મનોજ કોટકની જીતની શક્યતાને ટાળી શકાય નહીં. મુંબઈના મતદારોનો વિશ્વાસ જીતવામાં કોણ ખરું ઊતરે છે તે જાણવા માટે આપણે ૨૩ મે સુધી રાહ જોવી પડશે.
—————————-

મુંબઇ ઇલેક્શનલતિકા સુમનલોકસભા ચૂંટણી
Comments (0)
Add Comment