ચાલતાં રહેજો, સ્વસ્થ રહેશો

વોકિંગ એક સરળ, સસ્તી અને દરેક વ્યક્તિ કરી શકે તેવી એક્સર્સાઇઝ છે
  • હેલ્થ  ( ફેમિલી ઝોન ) – ભૂમિકા ત્રિવેદી

વોકિંગ એક સરળ, સસ્તી અને દરેક વ્યક્તિ કરી શકે તેવી એક્સર્સાઇઝ છે. તેને બેઝિક એક્સર્સાઇઝ તરીકે અપનાવવામાં આવી છે. હંમેશા વોકિંગ કરતી રહેતી વ્યક્તિને દવા ઓછી લેવી પડે છે અને તેની હેલ્થ સારી રહે છે.

કોઈ વ્યક્તિ અચાનક યોગા, ઝુમ્બા, વેઇટ લિફ્ટિંગ જેવી એક્સર્સાઇઝ શરૃ કરે તો તેને ઇન્જરી થવાની શક્યતાઓ છે. તેથી એક્સર્સાઇઝની શરૃઆત વૉકિંગથી જ કરવી પડે છે. અમુક ઉંમર પછી એક્સર્સાઇઝની શરૃઆત કરી શકાતી નથી. તેથી ડૉક્ટર સલાહ આપે છે કે તમે વૉકિંગ શરૃ કરી દો.

જે વ્યક્તિને ઘૂંટણની તકલીફ થઈ હોય એવા લોકો માટે પણ વૉકિંગ એકમાત્ર એક્સર્સાઇઝ ઓપ્શન છે. ડાયાબિટીસ હોય તેને પણ ડૉક્ટર તરત કહી દે છે કે તમે વૉકિંગ શરૃ કરી દો. ડાયાબિટીસના દર્દીઓને હાર્ટની તકલીફ થવાની શક્યતાઓ વધુ હોય છે. વૉકિંગ એક સરળ અને અસરકારક કાર્ડિયો એક્સર્સાઇઝ છે.

લટાર મારવી એક્સર્સાઇઝ નથી !
ઘણીવાર લોકો જમીને આંટો મારવા કે લટાર મારવા નીકળતા હોય છે. આ લટારને એક્સર્સાઇઝ ન ગણી શકાય. વૉકિંગના ફાયદા ત્યારે થાય છે જ્યારે તમે ઝડપથી ચાલો છો. કોઈ એક મિનિટમાં ૨૦૦ ડગલાં ચાલે છે તો કોઈ ૪૦૦ અને કોઈ માત્ર ૧૦૦. જે લોકો વેઇટ લોસ માટે ચાલે છે તેમણે ખૂબ ઝડપથી ચાલવું જોઈએ. જો તમને આર્થરાઇટિસની તકલીફ હોય તો ૧૦ મિનિટ ચાલો પછી બેસી જાવ. બ્રેક લઈને ફરી ચાલો.

કેવી રીતે ચાલવું?
ચાલવામાં પોશ્ચર એકદમ મહત્ત્વનું છે. શરીર એકદમ સીધું અને ટટ્ટાર રાખીને ચાલવાથી તેમજ પેટને અંદર ખેંચીને ચાલવાથી વધુ ફાયદો થાય છે. ચાલતી વખતે શરીર આગળ ઝૂકેલું હશે તો ફાયદાને બદલે નુકસાન થશે. ટ્રેડમિલ પર ચાલતા લોકોનું કમરથી ઉપરનું શરીર આગળ ભાગતંુ હોય અને કમરથી નીચેનું શરીર પાછળ રહી જતું હોય ત્યારે આ પોશ્ચર કરોડરજ્જુ પર લૉડ આપે છે. જેના લીધે ડિસ્કનો પ્રોબ્લેમ થઈ શકે છે.

ફક્ત વૉકિંગ પૂરતું છે?
વૉકિંગથી તમે મિનિમમ ફિટનેસ લેવલ જાળવી શકો છો. તમે નીરોગી જીવન જીવી શકો છો અને જે રોગ છે તેના પર કાબૂ મેળવી શકો છો. તેનાથી એક લેવલ આગળ વધીએ તો સ્ટ્રેચિંગ, કૂદવું, દોડવું, નાચવું, રમવું કે વેઇટ લિફ્ટિંગ, યોગ, પિલાટેઝ જેવી એક્સર્સાઇઝથી સર્વોત્તમ ફિટનેસ મેળવી શકાય છે.

વૉકિંગના ફાયદા

*           વૉકિંગને કાર્ડિયોવેસ્ક્યુલર એક્સર્સાઇઝ કહે છે.  જેમાં સૌથી વધુ ફાયદો હૃદયને અને શરીરમાં પથરાયેલી નસો એટલી વેસ્ક્યુલર સિસ્ટમને થાય છે. આ એક્સર્સાઇઝ ફેફસાંની ક્ષમતા વધારે છે.

*           વૉકિંગથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. આ પરિભ્રમણને વધુ સારું બનાવવા વૉકિંગ ઘણુ ફાયદાકારક છે.

*           કોઈ પણ એક્સર્સાઇઝ કરો, પરંતુ પગના તળિયાની એક્સર્સાઇઝ ત્યારે જ થાય છે જ્યારે તમે ચાલો. પગના તળિયામાં રહેલા લગભગ ૫૦ જેટલા સ્નાયુઓની એકસાથે એક્સર્સાઇઝ થાય તે માટે વૉકિંગ જરૃરી છે.

* વૉકિંગ સાથે ડાયેટિંગ પણ કરવામાં આવે તો તેનાથી વેઇટલોસ પણ થાય છે. સ્નાયુઓને ટોન કરવામાં પણ તે ખૂબ ઉપયોગી છે.

*  ચાલવાથી કમરથી નીચેનાં હાડકાં સશક્ત બને છે અને તેની મારને સહેવાની શક્તિ પણ વધે છે.  હાડકાં પણ મજબૂત બને છે.

*  બ્રિસ્ક વૉકિંગથી એટલી જ કૅલરી લોસ થાય છે જેટલી રનિંગ કે જોગિંગથી થાય છે.

*           વૉકિંગ કે બ્રિસ્ક વૉકિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ઇન્જરીનું રિસ્ક ઓછું છે.

*           વૉકિંગ કરોડરજ્જુ માટે પણ સેફ એક્સર્સાઇઝ છે. ડિસ્કની તકલીફ જોગિંગમાં રહે છે, પરંતુ વૉકિંગમાં એવું થતું નથી.

——————–

ફેમિલી ઝોનભૂમિકા ત્રિવેદીહેલ્થ
Comments (0)
Add Comment