- રંગમંચ – હરીશ ગુર્જર
૨૭મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ. સુરતના નાટ્ય કલાકારોએ આ દિવસને યાદગાર બનાવવા માટે ૨૬મીએ રાત્રે ૧૨ વાગ્યાથી સતત ૪૮ કલાક નોનસ્ટોપ નાટ્યકૃતિઓ રજૂ કરી હતી. ગત વર્ષે સુરતી નાટ્યકારોએ સતત ૨૪ કલાક કૃતિઓ રજૂ કરી બનાવેલા પોતાના જ રેકોર્ડને આ વર્ષે તોડ્યો હતો. જેને નામ આપવામાં આવ્યું હતું ‘રંગહોત્ર-૨‘.
‘ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પણ પડીશું તો અભિનય ગણાશે!‘
ગુજરાતી ભાષાના જાણીતા અને સુરતના પોતાના શાયર ગની દહીંવાલાના આ શેરને જાણે સાર્થક કર્યો હોય તેમ ૨૭મી માર્ચના રોજ રંગભૂમિ દિવસની ઉજવણી સુરતમાં કંઈક અલગ રીતે જ કરવામાં આવી. ૨૬મી માર્ચના રોજ રાત્રે ૧૧ કલાકે સુરત પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં રંગહોત્ર-૨નું ઉદ્દઘાટન જાણીતા નાટ્યકાર સંજય ગોરડિયાના હસ્તે કરવામાં આવ્યું. સુરતની વિશેષ ઓળખ એવી પારસી રંગભૂમિના યઝદી કરંજિયા પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. બરોબર રાત્રે ૧૨ના ટકોરે પડદો ઊંચકાવાની સાથે રંગહોત્ર-૨નો પ્રારંભ થયો અને ૪૮ કલાક બાદ ૨૮મી માર્ચ રાત્રે ૧૨ વાગ્યે પડદો પડ્યો. સતત ૪૮ કલાકના આ નાટ્યોત્સવ દરમિયાન સુરતના ૩૦૦ કલાકારોએ ૭૭ નાટ્યકૃતિઓ રજૂ કરી તખ્તા પર ૭૦૦ પાત્રોને જીવંત કર્યાં હતાં અને પોતાના દ્વારા જ ગયા વર્ષે નોંધાયેલા સતત ૨૪ કલાકના રેકોર્ડને તોડ્યો હતો.
સતત ૪૮ કલાકના મંચનમાં એકાંકી, નાટ્યાંશ, એકાંકી, માઇમ, રેડિયો નાટક(વાચીકમ), શેરી નાટક, નૃત્યનાટિકા અને પારસી રંગભૂમિનાં નાટકો ભજવવામાં આવ્યાં હતાં. સુરત મહાનગર પાલિકા, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અને સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિયેશન ( SPAA ) દ્વારા આયોજિત કરવામાં આવેલા રંગહોત્ર -૨ની મુખ્ય થીમ ‘ગુજરાતના નાથ’ હતી. આ થીમ થકી ગાંધીજી, ક.મા. મુન્શી, નરસિંહ મહેતા, કવિ નર્મદ, કલાપી, ભોળાભાઈ પટેલ, ભગવતીકુમાર શર્મા અને જ્યોતિ વૈદ્યને તેમનાં નાટકો અને પાત્રો દ્વારા જીવંત કરવામાં આવ્યાં હતાં. સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિયેશન ( SPAA )ના અધ્યક્ષ કપિલદેવ શુક્લે આ વિષે જણાવ્યું હતું કે, સુરતના કલાકારોને એક મંચ પર લાવવા માટે સંસ્થા સતત કંઈક કરવા માગતી હતી અને રંગહોત્ર તેનું માધ્યમ બન્યું છે.
ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ ( ITI )માં ચં.ચી. મહેતાના પ્રયત્નોથી ૨૭ માર્ચને રંગભૂમિ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે અને ગુજરાતી ભાષાનું પહેલું નાટક ‘ગુલાબ’ સુરતના નગીનદાસ તુળજારામે સુરતી ભાષામાં લખ્યું હતું. નાટ્ય ક્ષેત્રે આવી વિરાસત ધરાવતું શહેર જો રંગભૂમિ દિવસે કંઈક નવું કરે એ જરૃરી હતું અને તેથી જ નાટ્ય જગતના વિવિધ રંગોની રંગમંચ પર આહુતિ સ્વરૃપે રંગહોત્ર યોજવાનો નિર્ણય થયો. રંગહોત્રમાં જેટલો સાથ કલાકારો તરફથી મળે છે તેટલો જ સાથ અને સહકાર પ્રેક્ષકો તરફથી પણ મળ્યો છે. નાટ્ય કલાકારો દ્વારા બનેલી સંસ્થા અને નાટ્ય કલાકારોની મદદથી જ યોજાયેલા રંગહોત્રમાં ભજવાયેલા સતત ૪૮ કલાકના મંચન દરમિયાન કલાકારોને અને પ્રેક્ષકોને રંગભૂમિ દિવસની અનુભૂતિ કરાવવા વિશેષ હૉલ બહાર વિશેષ સજાવટ પણ કરવામાં આવી હતી. રંંગહોત્ર-૨ની વિશેષતા એ પણ હતી કે, સતત ૪૮ કલાકના મંચન દરમિયાન કૃતિઓ ભજવનાર ૩૦૦ કલાકારો પૈકી સૌથી નાની ઉંમરની કલાકાર નવ્યનાંદી શાહ હતી, જેની ઉંમર માત્ર ૬ વર્ષની છે અને તેણે ૫ાંચ નાટકોમાં અભિનય કર્યો હતો. તો બીજી તરફ તખ્તા પર ૮૬ વર્ષના વસંતભાઈ ધાસવાલાએ અભિનય કરીને અન્ય કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.
સતત ૪૮ કલાક દરમિયાન ૩૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતાં પરફોર્મિંગ સેન્ટરમાં પ્રેક્ષકોની સતત હાજરી અને કલાકારોનો ઉત્સાહ વધારવા માટે પડતી તાલીઓના ગડગડાટથી કલાકારો અને આયોજકોએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ થાકને બદલે નવી તાકાતનો અહેસાસ કર્યો હોવાનું સંસ્થાના ઉપાધ્યક્ષ પંકજ પાઠકજીનું કહેવું હતું.
સુરતમાં સતત બે વર્ષથી થઈ રહેલા આ પ્રયોગ બાદ હવે સુરતના નાટ્ય કલાકારો તરફ અપેક્ષાઓ વધી છે ત્યારે આવતા વર્ષે સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિયેશન સતત ૭૨ કલાકમાં શેક્સપિયરનાં ૩૬ નાટકોનું મંચન કરવાનું વિચારી રહ્યું છે. આ પ્રકારના આયોજન પાછળનો સંસ્થા અને સુરતના કલાકારોનો ઉદ્દેશ ગુજરાતી રંગભૂમિ સંદર્ભે વિશ્વને સંદેશ આપવાનો છે.
————————-