યુવા સોચ – નરેશ મકવાણા
વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીની સરખામણીએ આ વખતે પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા મતદારોની સંખ્યામાં ૮.૪ કરોડનો વધારો થયો છે. એમાં પણ ૧૮-૧૯ વર્ષના ૧.૫ કરોડ મતદારો છે જેઓ કોઈ પણ પક્ષની જીત માટે અતિ મહત્ત્વના સાબિત થવાના છે. કેમ કે દેશની કુલ ૨૮૨ લોકસભા બેઠકો પર તેઓ નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. એ સ્થિતિમાં અહીં ગુજરાતમાં પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા મતદારોના દિમાગમાં શું ચાલી રહ્યું છે તેનો ક્યાસ કાઢવા પ્રયત્ન કરાયો છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એકેય રાજકીય પક્ષ પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા મતદારોને અવગણી શકે તેમ નથી. કેમ કે ઓછામાં ઓછી ૨૮૨ લોકસભા બેઠકોનાં સમીકરણો તેઓ બનાવી કે બગાડી શકે તેમ છે. આ આંકડો લોકસભાના બહુમતીના આંકડાથી પણ વધારે છે. આ ૨૮૨ બેઠકો પૈકી ૨૧૭ બેઠકો દેશનાં ૧૨ મોટાં રાજ્યોમાં આવેલી છે. જેમ કે પશ્ચિમ બંગાળમાં ૩૨, બિહારમાં ૨૯, યુપીમાં ૨૪, કર્ણાટકમાં અને તામિલનાડુમાં ૨૦-૨૦, રાજસ્થાન અને કેરળમાં ૧૭-૧૭, ઝારખંડમાં ૧૩, આંધ્ર અને મહારાષ્ટ્રમાં ૧૨, મધ્યપ્રદેશમાં ૧૧ અને આસામમાં ૧૦ છે. ગુજરાતની વાત કરીએ તો ૨૦૧૪માં જ્યાં ૧૮-૧૯ વર્ષની વયજૂથના ૨.૮૮ ટકા ફર્સ્ટ ટાઇમ વોટર્સ હતા તેમાં આ વખતે ૧.૧૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ હાલમાં જાહેર કરેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં પ્રથમ વારના મતદારોની સંખ્યા ૭.૬૭ લાખ છે.
અનુમાન લગાવીએ તો સમજાય છે કે હાલના પ્રથમવારના મતદારો ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ૧૩થી ૧૭ વર્ષની ઉંમરના હશે. એમનો જન્મ ૧૯૯૭થી ૨૦૦૧ની વચ્ચે થયો હોવો જોઈએ. અર્થાત્ જ્યારે તેઓ જન્મ્યા હશે ત્યારે આઈ.કે. ગુજરાલ અથવા અટલબિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હશે. જો વસ્તીવધારાનો દર એકસરખો માનીને ચાલીએ તો આ ૫ાંચમાંથી ૪ નવા મતદારો વાજપેયીના કાર્યકાળમાં જન્મ્યા હોવા જોઈએ. કેમ કે ૧૯૯૭માં ગુજરાલ બાદ ૧૯૯૮થી ૨૦૦૧ની વચ્ચે વાજપેયી વડાપ્રધાન હતા. (તેઓ ૨૦૦૪ સુધી વડાપ્રધાન રહેલા.) જોવાનું એ રહેશે કે અટલના કાર્યકાળ દરમિયાન જન્મેલા આ નવા મતદારો કોને વફાદાર રહે છે. નિષ્ણાતોના મતે ૧૨ વર્ષનો તરુણ રાજકીય-સામાજિક પરિસ્થિતિને આછી-પાતળી સમજતો થાય છે. માટે આ મતદારો ૬થી ૧૦ વર્ષથી દેશની રાજકીય-સામાજિક પરિસ્થિતિઓને થોડીઘણી સમજી રહ્યા છે. એટલે કે ૨૦૦૯થી લઈને ૨૦૧૩ના મધ્ય સુધીની ઘટનાઓ તેમના દિમાગમાં હશે. એવું કહેવાય છે કે જે ઘટનાને તમે નજર સામે ઘટતા જુઓ છો તેનાથી સૌથી વધુ પ્રભાવિત થતા હો છો. એ જાણવું રસપ્રદ રહેશે કે આ નવા મતદારો જ્યારે મતદાન કરવા જશે ત્યારે કયા મુદ્દાઓથી પ્રભાવિત હશે.
ડૉ. મનમોહન સિંહ અને મોદી કાર્યકાળની તુલના
આ મતદારોની ઉંમર કહે છે કે તેમણે મોટા ભાગે બે સરકારોના કાર્યકાળને જોયો છે. એક ડૉ. મનમોહન સિંહની બીજી ટર્મનો અને બીજો નરેન્દ્ર મોદીનો. ડૉ. સિંહ તેમના પ્રથમ કાર્યકાળના બળે ૨૦૦૯માં બીજી વખત સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા, પણ બીજી ટર્મમાં સાથી પક્ષોએ કરેલાં કૌભાંડોને કારણે તેમની ભારે બદનામી થઈ હતી. એ પછી નરેન્દ્ર મોદીએ જગાવેલી અચ્છે દિનની આશાને પણ પાંચ વર્ષ થઈ ગયાં છે. નવો મતદાર આ બધું જોઈને નિર્ણય લેવાનો છે.
અમદાવાદનો ઉર્વિશ ગજ્જર કહે છે, ‘હું કોઈ ઉમેદવારનાં પક્ષ, જ્ઞાતિ કે તેના પક્ષના ટોચના નેતાઓના ચહેરા જોઈને મતદાન કરવા જવાનો નથી. મારા દિમાગમાં તો અત્યાર સુધીમાં જે-તે સરકારોએ કરેલાં કામો જ યાદ રહેશે. તમારા ખાતામાં ૧૫ લાખ આપીશું કે ૭૨ હજાર આપીશું જેવી બાબતો મને આકર્ષી શકતી નથી. આમાં ચૂંટણીલક્ષી જુમલાઓથી વિશેષ કશું હોતું નથી. જેવી ચૂંટણી પુરી થાય કે તરત આ નેતાઓ આવા વાયદાઓ ભૂલી જતાં હોય છે. એટલું જ નહીં, નફ્ફટ થઈને જાહેરમાં તેમણે જ કરેલા વાયદાઓની હાંસી ઉડાવતા હોય છે એટલે હું તો આ પ્રકારના વાયદાઓ જમીની સ્તર પર કેટલા લાગુ કરી શકાય તેમ છે તે જોઈને જ મત આપવાનો છું.’
અન્ય એક મતદાર પારસ મારૃનું કહેવું છે કે, ‘મોટા ભાગના કિસ્સાઓમાં અમને ઉમેદવાર વિશે પૂરતી માહિતી જ મળતી નથી. છેલ્લી ઘડીએ જાહેર થતાં ઉમેદવારોનાં નામો પણ મૂંઝવણ પેદા કરે છે. પરિણામે ટોચના નેતાઓના ચહેરા જોઈને મતદાન કરવું પડતું હોય છે, પણ મેં મારા વિસ્તારના ઉમેદવારોની પૂરતી માહિતી લેવાનું નક્કી કર્યું છે. તેનો ગુનાઇત ઇતિહાસ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જેથી સાચા ઉમેદવારને મત આપી શકું.’
અમદાવાદના જોધપુર વિસ્તારની ભ્રાંતિ ઠક્કરનું કહેવું છે કે, ‘મોટા ભાગના કિસ્સાઓમાં માતાપિતા કે વડીલો જ કોને મત આપવો તેની સમજણ આપતાં હોય છે. પણ મેં નક્કી કર્યું છે કે હું મારી સમજણના આધારે મતદાન કરીશ. શક્ય છે ભૂતકાળનાં કામોને કારણે માતાપિતા અમુક ઉમેદવારને વોટ આપવા કહેતાં હોય, પણ બીજો ઉમેદવાર તેનાથી પણ સારો હોઈ શકે છે. પ્રથમ વખત મત આપવા જતી વખતે સાંભળેલી વાતોને આધારે આપણુ મગજ ઘડાતું હોય છે. પરિણામે જે-તે ઉમેદવારને મત આપવાનું નક્કી કરવા પાછળ ખુદના નિર્ણયની ટકાવારી ૨૦ ટકા હોય છે, બાકીનું ૮૦ ટકા આસપાસમાં સાંભળેલું હોય છે તેના આધારે નક્કી થયું હોય છે.’
પત્રકારત્વની વિદ્યાર્થિની માનુશ્રી પટેલ ચૂંટણીઓમાં જ્ઞાતિવાદ કેટલો હાવી રહે છે અને રાજકીય પક્ષો દ્વારા કેવા હાઉ ઊભા કરવામાં આવે છે તેની વાત કરતાં કહે છે. ‘મારા વોર્ડમાં વિધાનસભા ચૂંટણી વખતે ભાજપ સામે ભયંકર વિરોધ હતો. ધારાસભ્યે રસ્તા, પાણી, ગટર, વીજળી, શૌચાલયની સુવિધાઓને લઈને જે વાયદાઓ કર્યા હતા તે પુરા નહોતા કર્યા. ધારાસભ્ય અમારા વિસ્તારમાં કદી ડોકાતા પણ નહોતા છતાં તેમને ફરી ટિકિટ મળી. તેમની હાર નક્કી મનાતી હતી, પણ કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી. એ સાથે જ રાતોરાત લોકોની વિચારસરણી બદલાઈ ગઈ. ગઈકાલ સુધી જે ભાજપના નેતાને લોકો ગાળો ભાંડતા હતા તેણે મુસ્લિમ ઉમેદવારની બીક બતાવવી શરૃ કરી. લોકો પણ માનવા લાગ્યા કે ગમે તે થાય તો પણ મુસ્લિમ ઉમેદવારને તો મત નથી જ આપવો. છેલ્લે ભાજપના ઉમેદવાર જીતી ગયા અને આજની તારીખે પણ મૂળ પ્રશ્નો તો ઊભા જ છે.’
આ જવાબો પછી એટલું તો સ્પષ્ટ છે કે નવા મતદારો ૨૦૧૩-૧૪ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૨૦૧૯માં મતદાન નહીં કરે. તેમને તમે આસાનીથી ઉલ્લુ નહીં બનાવી શકો. તેઓ મતદાન કરશે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકે તેવા નેતા પર. તેઓ વિચારશે કે તેમનાં માતાપિતાની તકલીફ ઓછી થઈ કે નહીં ? તેઓ વિચારશે કે જ્યારે તેઓ સ્વયં નોકરી માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે સામે વિકલ્પો કેટલા છે? તેઓ એની પણ ખરાઈ કરશે કે વર્તમાન સરકારની કેટલી નીતિઓ તેના માટે કામની છે અને કેટલી ચૂંટણીલક્ષી? મોદીના કાર્યકાળની આક્રમકતા તેને લલચાવશે, પણ સાથે જ ખરેખર જમીની સ્તર પર કેટલું કામ થયું છે તેની પણ ચકાસણી કરશે. એ પણ તપાસશે કે આક્રમકતાનો ક્યો ડોઝ દેશહિતમાં કામે આવ્યો અને ક્યા ડોઝથી મુશ્કેલીઓ વધી.
યુવા મતદારો પર સોશિયલ મીડિયાની અસર
આ ચૂંટણીમાં સ્વાભાવિક રીતે જ વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની યુવાનોમાં તુલના થઈ રહી છે. સાથે જ એ નેતાઓની પણ કસોટી થવા જઈ રહી છે જેઓ અંકગણિતના બળે ૭, લોક કલ્યાણ માર્ગ સુધી પહોંચવાની આશાઓ સેવીને બેઠા છે. રાષ્ટ્રીય સ્તરે ઇમેજ બિલ્ડિંગ અને સરખામણીની રીતે જોઈએ તો નવા મતદારોએ રાહુલ ગાંધીને ઘણી મોટી ચૂંટણીઓમાં હારતા જોયા છે. એ પછી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં સારાં પરિણામો આપવાથી લઈને કોંગ્રેસ અધ્યક્ષ બનવા અને વડાપ્રધાન મોદી સામે આક્રમકતાથી ઊભા થવા સુધીનાં પરિવર્તનો રાહુલમાં જોવા મળ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે મત આપવા જતી વખતે નવા મતદારોના દિમાગમાં ‘નબળા અને સોશિયલ મીડિયા પર હાંસીનું પાત્ર બની ગયેલા રાહુલ ગાંધી હશે કે બદલાયેલા અને પોતાના રાજકીય વિરોધીઓ વિરુદ્ધ લડતાં રાહુલ ગાંધી’?
ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ સંજના બોડા અને અર્પિતા જાની કહે છે, ‘એ વાત સાચી છે કે નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થતી પોસ્ટ અને ટ્વિટના અમારા મનમાં એક ચોક્કસ ઇમેજ ઊભી કરે છે. તેના આધારે પણ મત કોને આપવો, કોન નહીં તે નક્કી થતું હોય છે, પણ હાલ તો મોટા ભાગના કિસ્સામાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ તૈયાર કરીને પક્ષોના આઈટી સેલ જે સાચી-ખોટી માહિતી પોસ્ટ કરતી હોય છે તેનાથી ગેરમાર્ગે દોરાવાની શક્યતા વધુ છે.’
અન્ય એક વિદ્યાર્થિની નિત્યા ત્રિવેદીનું કહેવું છે કે, ‘સોશિયલ મીડિયા પર જાતભાતની માહિતી પોસ્ટ કરવામાં આવતી હોય છે. જેની ચકાસણી કરવાનું હવે કોઈને સૂઝતું નથી. જે પિરસવામાં આવે છે તેને સાચું માની લેવામાં આવે છે, પણ હવે મને સમજાઈ ગયું છે કે યુવા મતદારોને ભરમાવવા માટે આ પ્રકારની સામગ્રી તૈયાર કરવામાં આવે છે. એટલે હું આ મામલે પૂરતી તકેદારી રાખી રહી છું કે મારાથી ખોટા ઉમેદવારને મત ન અપાઈ જાય.’
અમદાવાદનાં જ અમિત ગજ્જર અને છાયલ ભટ્ટનું કહેવું છે કે, ‘તેમને જેવા ઉમેદવાર જોઈએ છે તેવા મળતાં નથી. રાજકીય પક્ષો અમુક જ નેતાઓને વારંવાર ટિકિટ આપીને જનતા પર ઠોકી બેસાડે છે. પરિણામે વિકલ્પોના અભાવે તો ક્યારેક મત નિષ્ફળ જવાના ડરે અમારે બેમાંથી ઓછા ગમતા ઉમેદવારને મત આપવો પડે છે. હવે નોટાનો વિકલ્પ છે, પણ તેનો કોઈ અર્થ નથી કેમ કે અમે ઇચ્છીએ છીએ કે અમારો મત અમારા પસંદગીના નેતાને જાય.’
ગુજરાતની વાત કરીએ તો અહીં વડાપ્રધાન મોદીનો વન મેન શૉ ચાલે છે. ભાજપ અહીં છેલ્લાં ૨૫ કરતાં વધુ વર્ષથી સત્તામાં છે. પ્રથમ વારના મતદારોએ તો બીજા એકેય પક્ષનું શાસન ગુજરાતમાં જોયું નથી. વળી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન મોદીનું વતન હોઈ ગુજરાતીઓ ભાવનાત્મક રીતે પણ યુવા મતદારો તેમની સાથે જોડાયેલા છે. જોકે નબળા સ્થાનિક નેતાઓ અને તેમની નબળી કામગીરીને લઈને યુવા મતદારોમાં ભારે આક્રોશ જોવા મળે છે. રોજગારી, મોંઘું શિક્ષણ, ખાનગીકરણ, નબળી આરોગ્ય સેવાઓ વગેરે બાબતે યુવાનો નારાજ છે. કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવા માગે છે, પણ તેનો જોઈએ તેવો પ્રભાવ જોવા મળતો નથી.
દેશમાં સૌથી વધુ પ્રથમવારના મતદારો પશ્ચિમ બંગાળમાં છે. અહીં કુલ ૨૦.૧ લાખ લોકો પહેલીવાર મતદાન કરશે. તેમના દિમાગમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્યના કાર્યકાળની કેટલી ધૂંધળી યાદો હોઈ શકે છે, પણ ઊંડી છાપ તો મમતા દીદીના રાજની જ પડી હશે. સાથે જ તેમણે ભાજપ વિરુદ્ધ તૃણમૂલના રાજકીય જંગને પણ નજીકથી જોયો હશે અને પોતાનો દ્રષ્ટિકોણ પણ કેળવ્યો હશે. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં ૧૬.૭ લાખ અને મધ્યપ્રદેશમાં ૧૩.૬ લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. યુપીના પ્રથમવારના મતદારોએ અખિલેશ યાદવનાં પાંચ વર્ષ અને યોગી આદિત્યનાથના કાર્યકાળના ૨ વર્ષ પણ જોઈ લીધા છે. તેમણે માયાવતીના શાસન વિશે માત્ર સાંભળ્યું હશે. જ્યારે રાહુલ ગાંધીના રાજકારણને નજીકથી જોયું અને જાણ્યું છે અને હવે પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને લઈને પણ એક મત નક્કી કર્યો હશે. આ તમામ બાબતોને લઈને ત્રણેય પક્ષો એવી આશા સેવીને બેઠા છે કે નવા મતદારોના મનમાં તેમને લઈને સારો દ્રષ્ટિકોણ કેળવાય.
————————–