- અતિથિ કટાર – કેશુભાઈ દેસાઈ
ગુજરાત આમ તો સંસદમાં માત્ર છવ્વીસ લોકસભાની બેઠકો ધરાવતું રાજ્ય છે, પરંતુ ભારતીય રાજકારણમાં એનું આગવું મહત્ત્વ રહ્યું છે. પહેલી લોકસભાના અધ્યક્ષ ગુજરાતી હતાઃ ગણેશ વાસુદેવ માવળંકર.
ગુજરાતે દેશને સુપર પ્રાઈમ મિનિસ્ટર જેવા સરદાર પટેલ અને પ્રથમ બિનકોંગ્રેસી સરકારના વડાપ્રધાન મોરારજી દેસાઈ જેવા નેતાઓ આપ્યા છે. ગાંધીજી વિશ્વપુરુષ હોવા પહેલાં ગરવા ગુજરાતી હતા. ઇન્દિરા ગાંધી પોતાને ગુજરાતનાં પુત્રવધૂ ગણાવતાં હતાં. ભારતીય જનતા પાર્ટીના બે સર્વોચ્ચ નેતાઓ અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ગુજરાતમાંથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા. છેલ્લે ગુજરાતે દેશને પાટણની પ્રભુતા અને વડનગરના વૈભવના પ્રતીક પુરુષ સમા અદના લોકનાયક સમા પ્રભાવશાળી વડાપ્રધાન ભેટ ધરીને પોતાની અસ્મિતાનો પરચો બતાવ્યો. કનૈયાલાલ માણેકલાલ મુનશીના આત્માને એ ઘટનાથી કદાચ પરમ પરિતોષ થયો હશે. નહેરુની ખફાનજર સરદાર આગળ તો નહોતી ચાલી શકતી, પરંતુ મુનશી એનો ભોગ જરૃર બન્યા હતા.
ગુજરાત દેશ આખાને દોરવણી આપનારી ભૂમિ રહી છે. મહાભારતનો સંગ્રામ અર્જુન એકલા હાથે થોડી જીતી શક્યો હોત? એના સારથિ તરીકે દ્વારિકાધીશ શ્રીકૃષ્ણે સેવા ન આપી હોત તો અંજામ જુદો જ હોત. અટલબિહારી વાજપેયીને વડાપ્રધાનપદ સુધી પહોંચાડનાર ‘લાલકૃષ્ણ’ અડવાણી પણ યોગાનુયોગ ગુજરાતના જ પ્રતિનિધિ હતા. છેક તળિયે બેસી ગયેલી પાર્ટીને હરક્યુલિસની જેમ પીઠ પર ઊંચકીને એમણે રાયસીના હિલનાં કપરાં ચઢાણ આંબી ચમત્કાર સર્જ્યો હતો. હિન્દુત્વનું કાર્ડ તો છેક પંડિત જવાહરલાલ નહેરુના જમાનાથી ઊતરવાની કોશિશ થતી રહી હતી; નહેરુ સામે ચૂંટણી લડવાની હિંમત પણ હિન્દુ મહાસભા જ કરતી હતી, પરંતુ એ કાર્ડનો સફળતાપૂર્વક વિનિયોગ અડવાણીએ કરી જાણ્યો હતો. સોમનાથ હિન્દુ અસ્મિતાનું પ્રતીક તીર્થ હતું જ. એને અયોધ્યા સાથે સાંકળવાનો કીમિયો અડવાણીના ફળદ્રુપ ભેજાની પેદાશ હતી. એથી ભારતીય રાજકારણમાં ધર્મકારણનો ધમાકાબંધ પ્રવેશ થયો અને તે નહેરુની બિનસાંપ્રદાયિક વિચારધારાને વરેલી કોંગ્રેસ માટે ખતરાની ઘંટડી બની રહ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાલકૃષ્ણ અડવાણીના રાજકીય વારસ કહેવામાં કે એમના ‘માનસ પુત્ર’ તરીકે ઓળખાવવામાં ભાગ્યે જ અતિશયોક્તિ લેખાશે. રાજકારણ બહુ કાવાદાવાવાળું કમઠાણ છે. એમાં પદ મેળવવા માટે સગા બાપનો ભોગ લેવાતો રહ્યો છે. ઔરંગઝેબ શાહજહાંને નજરકેદમાં નાખી મયૂરાસન પર ચઢી બેઠો હતો. જે હકીકત છે તે નકારી શકાય એમ નથી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો મજબૂત પાયો નાખનાર કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા જેવા વરિષ્ઠ નેતાઓને રાજકીય કુનેહપૂર્વક હાંસિયે ધકેલવામાં અને કેશુભાઈ પટેલના અનુગામી મુખ્યમંત્રી તરીકે સુરતના સજ્જન રાજપુરુષ કાશીરામ રાણાનો વાજબી સિનિયોરિટી મુજબનો હક ડુબાડવામાં અડવાણીનો ‘વીટો’ જ ચાલ્યો હતો અને મોદીના માથે ‘ગોધરાકાંડ’ની તલવાર ઝળૂંબતી હતી ત્યારે એમની ગાદી બચાવવાનું શ્રેય પણ લાલજીના જ ફાળે ગયું હતું. તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયી તો એમને હટાવવાનું મન બનાવી ચૂક્યા હતા. વિચક્ષણ હિન્દુત્વ વિચારધારાના પુરસ્કર્તા અડવાણી સંઘના પણ લાડકા રાજપુરુષ હતા. હકીકતમાં પડદા પાછળના સાચા વડાપ્રધાન એ જ હતા. મુશર્રફને મધરાતે સંધિના કાગળિયાનો વીંટો વાળીને નીકળી જવું પડેલું એનું કારણ પણ અડવાણી જ હતા.
દુનિયા આખી એક સમયે અડવાણીને ભારતના સર્વોચ્ચ રાજનેતા તરીકે સ્વીકારવા લાગી હતી અને વાજપેયી એમના ઉદાર મતવાદી વલણને કારણે બહાર દેખાડવા પૂરતો મુખવટો બની રહ્યા હતા. ગુજરાતે ઉમળકાભેર લાલકૃષ્ણ અડવાણીને રાજધાની ગાંધીનગરના પ્રતિનિધિ તરીકે વારંવાર ચૂંટીને દિલ્હી મોકલી આપ્યા હતા. અડવાણી છેલ્લે વાજપેયી મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યા હતા અને ‘શાઇનિંગ ઇન્ડિયા’ની ઝાકઝમાળમાં ચાર છ માસ વહેલી ચૂંટણી કરાવી વડાપ્રધાન પદે આરૃઢ થવાનાં સોનેરી સપનાં નિહાળવા લાગ્યા હતા. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો એનડીએની તરફેણમાં ન આવ્યાં ત્યારે લાલકૃષ્ણ અડવાણીને કદાચ આગોતરો અણસાર મળી જવો જોઈતો હતો કે કિસ્મતની દેવી એમને નાયબ વડાપ્રધાનથી વધુ મોટું પદ આપવા રાજી નહોતી, પરંતુ રાજકારણમાં ખાબકેલા જીવને મૃત્યુપર્યન્ત ‘અચ્છે દિન’ આવવાની આશા સતાવતી રહે છે. એ મુજબ એક સમયના ભારતીય રાજકારણના આ મહારથી પાર્ટીના સ્પષ્ટ સંકેતો છતાં હું ક્ષેત્રસંન્યાસ લઉં છું એવું કહી ન શક્યા. વડાપ્રધાનપદનું સપનું સાકાર ન થઈ શક્યું, પણ હજી પાર્ટીના વરિષ્ઠ માર્ગદર્શક તરીકેની ઓળખ બચી હતી. હજી રાષ્ટ્રપતિ બની શકાય એમ હતું. અડવાણી મુંગેરીલાલનાં હસીન સપનાં જોતાં રહ્યા અને એક સમયના એમના પટ્ટ શિષ્ય હાથીની ગતમાં આગળ વધતા રહ્યા. જેની કલ્પના પણ નહોતી એવા રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બની ગયા!?
આખરે પાર્ટીએ એમને ધીમે રહીને ચામાં પડી ગયેલી માખીની જેમ બહાર કરી દીધા અને એમની પરંપરાગત બેઠક પર ખુદ વર્તમાન ભાજપ પ્રમુખ ગોઠવાઈ ગયા. જ્યારે ગુજરાતની ઘણી બધી બેઠકો પર પાર્ટી હાઈકમાન્ડ નો-રિપીટ થિયરીનું જોખમ ઉઠાવવાની હિંમત નથી કરી શક્યું, બલકે ભરૃચના બળવાની ભાષા બોલતા મનસુખ વસાવા જેવા નેતાને કે નવસારીના વિવાદાસ્પદ બિન ગુજરાતી સાંસદ સી.આર. પાટીલને બદલી શક્યું નથી- ત્યારે એક સમયના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાને દરવાજો દેખાડી દેવામાં એણે પળનોય વિલંબ નથી કર્યો તે શું સૂચવે છે? ઉંમર જ એક માત્ર ક્રાઇટેરિયા હોય તો ૭૫ વર્ષ પાર કરી ગયેલા તમામ સાંસદોને એ નિયમ સરખી રીતે લાગુ પાડવો જોઈએ. ગુજરાત મોદી અને શાહની હોમલૅન્ડ છે અને ૨૦૧૪ની લોકસભા વખતે મોદીના નામનું જે વાવાઝોડું ફૂંકાયેલું તે ૨૦૧૯ આવતાં સુધીમાં સાવ શાંત પડી ગયેલું છે. પુલવામા હુમલાની પ્રતિક્રિયા સ્વરૃપે કરાયેલ ઍર સ્ટ્રાઈક જરૃર મોદીની તરફેણમાં ગઈ છે છતાં ખુદ મોદીને પોતાના જ વતનની બેઠકોના નિષ્ક્રિય અને શોભાના ગાંઠિયા જેવા સાંસદોને ફરી ટિકિટ આપી દેવી પડી છે. તાલુકા કક્ષાના કાર્યકરમાંથી નસીબની યારી અને જ્ઞાતિની બલિહારીના જોરે સાબરકાંઠાની બેઠક પર ‘જાયન્ટ કિલર’ સાબિત થયેલા દીપસિંહ રાઠોડ કરતાં ઘણા વધારે લાયક અને સિનિયર કાર્યકર્તાઓએ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. દીપસિંહ રાઠોડ માટે સાબરકાંઠાની સીટ કીડીના મોઢામાં કાલિંગડા જેવી હતી.
શંકરસિંહ વાઘેલા કિસ્મતના કાણા એટલે વારંવાર તકો ગુમાવતા રહ્યા. જેમાં સૌથી છેલ્લે દીપસિંહ રાઠોડ જેવા સાધારણ કક્ષાના કાર્યકર્તા સામે સાબરકાંઠાની લોકસભાની બેઠક હારી ગયેલા તે ઘટના એમની રાજકીય કારકિર્દી ઉપરના કારી ઘા સમાન હતી. આ વખતે દીપસિંહ રાઠોડની જગ્યાએ શંકરસિંહ વાઘેલાના જ સુપુત્ર અને બાયડના ધારાસભ્ય રહી ચૂકેલા ક્ષત્રિય યુવાન મહેન્દ્રસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવી દઈ ઉમેદવાર બનાવવાનો વ્યૂહ વિચારાયો હતો, પરંતુ ‘બાપુ’ની અવઢવ બેટાને નડી છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા પછી સ્વગૃહે પાછા ફરતાં ભોઠપ અનુભવી. અહમદ પટેલ વિરુદ્ધ મતદાન કરીને અપ્રિય બન્યા, પરંતુ મોદી-શાહની બેલડી સાથે બેસવામાં હીણપત અનુભવી. ડૂબતો માણસ તરણુ ઝાલે એમ છેવટે મહાગઠબંધનના ચક્કરમાં અટવાઈ શરદ પવારના ખોળે જઈને બેસી ગયા. ગુજરાતમાં ત્રીજા રાજકીય પરિબળનો ક્યારેય સ્વીકાર થયો જ નથી. એનો રાજપા વખતનો કડવો અનુભવ હોવા છતાં શંકરસિંહ વાઘેલા ઝેરનાં ફરીવાર પારખાં કરવા કેમ તૈયાર થયા હશે!
ગુજરાતનો મતદાતા સ્પષ્ટ રીતે બે છાવણીઓમાં વહેંચાયેલો છે. જો એને મોદી પ્રત્યે અણગમો હશે તો એ કોંગ્રેસ તરફ જ વળશે. ત્રીજા પરિબળને એણે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યું જ નથી. એટલે શરદ પવારની ઘડિયાળની ટીક ટીક લાંબી સંભળાય એ વાતમાં માલ નથી. હા, આ ચૂંટણી એ સંદર્ભે જરૃર મહત્ત્વની બની રહેશે કે એમાં પેરાશૂટ ઉમેદવાર નહીં હોય. પરેશ રાવલ શ્રેષ્ઠ અદાકાર હોઈ શકે છે, પરંતુ અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે હરગિજ નહીં ચાલી શકે, એની પ્રતીતિ હાઈકમાન્ડ જેટલી જ એમને પોતાને પણ થઈ ચૂકી હશે. તેથી ‘નો રિપીટ’ થિયરીમાં એમનું નામ જરૃર લખાઈ ગયું! પરેશ રાવલ પાસે કોઈ ‘વોટબેંક’ નહોતી. મોદી કે શાહ ગમે તેટલા વિચક્ષણ નેતા હોઈ શકે, પરંતુ વોટબેંક ધરાવતા સ્થાનિક નેતાને અવગણવાની હિંમત નથી કરી શકતા. ગુજરાત હવે વોટબેંક ધરાવતાં કોળી, ઠાકોર, પાટીદાર કે આહીર સામંતોની જાગીર બની રહ્યું છે. જિંદગીભર પદથી વેગળા રહી કામ કરવા ટેવાયેલા રાષ્ટ્રપિતા ગાંધીજીને આ સંજોગોમાં કોઈ બેઠક ફાળવી શકાઈ હોત ખરી!
———————