રાજકાજ – દેશને આખરે પ્રથમ લોકપાલ મળ્યા

ગાંધીનગર બેઠક પર અનારની બાદબાકી કેવી રીતે થઈ?

રાજકાજ –  ચાણક્ય

દેશને આખરે પ્રથમ લોકપાલ મળ્યા

લોકસભાની ચૂંટણીના માહોલમાં એક મહત્ત્વની ઘટનાની ચર્ચા ઓછી થઈ છે. દેશના પ્રથમ લોકપાલ તરીકે સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષે શપથ ગ્રહણ કર્યા છે. ગત સપ્તાહે વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળની પસંદગી સમિતિની બેઠકમાં લોકપાલ પદે નિવૃત્ત જસ્ટિસ પી.સી. ઘોષની નિયુક્તિનો નિર્ણય લેવાયો હતો. આ લોકપાલ સંસ્થાના માળખા અંતર્ગત ચાર ન્યાયિક અને ચાર બિન ન્યાયિક મળીને કુલ આઠ સભ્યોની પસંદગી પણ કરી લેવાઈ છે. આમ પી.સી. ઘોષ સાથે મળીને લોકપાલ સંસ્થામાં કુલ નવ સભ્યો રહેશે. યુપીએ-૨ના શાસનકાળ દરમિયાન જ્યારે સરકારમાં ઉચ્ચ સ્તરે વ્યાપક ભ્રષ્ટાચાર સામે ઉગ્ર જનાક્રોશની અભિવ્યક્તિ માટે લોકસેવક અન્ના હઝારેના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સ્તરીય ભ્રષ્ટાચારને ડામવા માટે લોકપાલની નિયુક્તિની માગણી સાથે દિલ્હીમાં ઉપવાસ આંદોલનની શરૃઆત થઈ ત્યારે તેને દેશભરમાંથી વ્યાપક જનસમર્થન સાંપડ્યું હતું. એ વખતે આંદોલનના નેતા અન્ના હઝારે હતા. તેમની એક લોકસેવક તરીકેની વિશુદ્ધ ઇમેજને કારણે આંદોલનની વિશ્વસનીયતા નિર્માણ થઈ હતી.

ઉપવાસ આંદોલનના સ્થળે રોજ સવાર-સાંજ હજારો લોકોની ભીડ અને આંદોલન સાથે જોડાતા રહેલા છેક છેવાડાના લોકથી સંભ્રાંત વર્ગના લોકોના સમર્થને આંદોલનને ખરા અર્થમાં જનઆંદોલન બનાવી દીધું હતું. અન્ના હઝારેની કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષા ન હતી. એ સ્પષ્ટ થયા પછી લોકોની તેેમના પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસમાં વધારો થયો હતો. આંદોલનના મંચ પર અરવિંદ કેજરીવાલથી માંડીને પ્રશાંત ભૂષણ અને કિરણ બેદી તેમજ સ્વામી અગ્નિવેશ જેવા સામાજિક કર્મશીલો પણ આંદોલનના નેતૃત્વની હરોળ તરીકે ઊપસી આવ્યાં હતાં. અલબત્ત, એ વખતે લોકો તેમના પ્રત્યે પણ અન્ના હઝારે જેવી નિષ્ઠાપૂર્ણ છતાં નિરપેક્ષ લાગણી ધરાવતા થયા હતા. આંદોલનની પરાકાષ્ઠા એ હતી કે અન્ના હઝારેના ઉપવાસના દિવસો સાથે તેમના સ્વાસ્થ્યની સમસ્યા વધવા લાગી એ સાથે સંસદમાં સરકાર પર લોકપાલના મુસદ્દાના સ્વીકાર માટે દબાણ વધવા લાગ્યું હતું અને આખરે સરકારે લોકપાલની નિયુક્તિનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો ત્યારે જ એ ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો. એ પછી યુપીએ-૨ સરકારનો કાર્યકાળ પુરો થયો અને હવે નરેન્દ્ર મોદીની સરકારનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે એવા સમયે લોકપાલની ખરા અર્થમાં નિયુક્તિ શક્ય બની શકી છે. આપણા રાજકીય પક્ષો અને રાજકારણીઓ આંદોલન સમેટાય એટલો જ ઉદ્દેશ રાખીને જ્યારે આવી વાતો સ્વીકારે છે ત્યારે તેઓ જનતાનો પણ દ્રોહ કરતા હોય છે, પરંતુ આ રાજકીય પક્ષો અને તેના નેતાઓને દોષ દઈએ ત્યારે એ વાત પણ યાદ કરવી પડે કે અન્નાના આંદોલન દ્વારા ઊભરી આવેલા

નેતૃત્વની પ્રચ્છન્ન રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ ત્યાર પછીના દિવસોમાં બહાર આવી અને તેઓએ અન્ના હઝારેની સ્વીકૃતિ વિના આમ આદમી પાર્ટી નામના રાજકીય પક્ષની સ્થાપના કરી. અન્ના તેનાથી નારાજ પણ થયા અને તેમની તેમની સાથેના સંબંધોનો અંત આણ્યો.

આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ લોકોના દિમાગમાં એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે દેશના સ્થાપિત રાજકીય પક્ષો કરતાં તદ્દન જુદા પ્રકારની લોકલક્ષી રાજનીતિનો તેમનો ઉદ્દેશ છે. આવી વૈકલ્પિક રાજનીતિના પ્રયોગને દિલ્હીમાં અવકાશ મળ્યો, પણ થોડા જ સમયમાં કેજરીવાલના પક્ષમાં ભંગાણ સર્જાયું. કેજરીવાલ પક્ષના સર્વેસર્વા તરીકે ઉપસી આવ્યા અને સમયની સાથે કેજરીવાલનો પક્ષ પણ અન્ય રાજકીય પક્ષોની હરોળમાં બેસી ગયો. તેમાં કોઈ વિશેષતા રહી નથી. તેના તમામ આદર્શો ખોખલા પુરવાર થયા. એટલું જ નહીં તો આમ આદમી પાર્ટીના વલણ અને નીતિ-રીતિએ પણ લોકોના મનમાં અનેક સંદેહ ઉત્પન્ન કર્યા છે. વૈકલ્પિક રાજનીતિનું લોકોનું સ્વપ્ન વિલાઈ ગયું. લોકો ફરી એકવાર રાજકારણીઓના દ્રોહનો ભોગ બન્યા. કોંગ્રેસી સરકારના ભ્રષ્ટાચાર સામે લડનાર નેતાઓ આજે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તત્પર બન્યા છે. અરવિંદ કેજરીવાલની રાજનીતિનું વર્તુળ જલ્દી પૂરું થઈ ગયું.

અન્નાના આંદોલન પછીનાં વર્ષોમાં લોકપાલની નિયુક્તિની માગણી સાથે તેમણે ફરી બેએક વાર ઉપવાસ શરૃ કરેલા, પરંતુ એ પછી તેઓ ક્યારેય પહેલાંના જેવો જનજુવાળ સર્જી શક્યા નહીં. લોક આંદોલન પ્રત્યેનો લોકોનો મોહભંગ થયા પછી લોક-લાગણીને ફરી જીતવાનું મુશ્કેલ બની જાય છે. અન્નાના આંદોલને મોડા-મોડા પણ દેશને લોકપાલ આપ્યા છે અને ઉચ્ચ સ્તરીય ભ્રષ્ટાચાર સામે ફરિયાદનું સંસ્થાન નિર્ધારિત થયું છે, એટલું અત્યારે પર્યાપ્ત માનવું રહ્યું.
———————-

કોંગ્રેસમાં ઉપેક્ષિત ટોમ વડક્કન ભાજપમાં જોડાયા
પાટનગર દિલ્હીમાં કોંગ્રેસની બિટ સંભાળતા પત્રકારો કોંગ્રેસની ઑફિસે જતા ત્યારે નિયમિત રીતે આસાનીથી ઉપલબ્ધ રહેતા પક્ષ પ્રવક્તા ટોમ વડક્કનને અવશ્ય મળતા હતા એવી આશાએ કે તેમની પાસેથી કોઈ સમાચારની ટિપ્સ મળશે. હવે પત્રકારોને એ વાતનું સૌથી મોટું આશ્ચર્ય છે કે અવારનવાર પત્રકારોને સ્કૂપ ગણાય એવા સમાચારના સંકેત આપનાર વડક્કન ખુદ પોતાના વિશેના સૌથી મોટા સ્કૂપને છુપાવવામાં સફળ રહ્યા! યાદ રહે, વડક્કન તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે અને તેમને નિયમિત મળતા રહેતા પત્રકારોને છેક સુધી એ વિશેની ગંધ સુધ્ધાં ન આવી. વડક્કનને ૧૯૮૯માં રાજીવ ગાંધીએ કોંગ્રેસમાં નિયુક્ત કર્યા હતા, પરંતુ પછી બન્યું એવું કે વડક્કન હાંસિયામાં ધકેલાતા રહ્યા. ૨૦૦૯માં થ્રિશુરની લોકસભાની બેઠક માટે નગરના ખ્રિસ્તી પાદરીએ તેમના નામની ભલામણ કરી ત્યારે પક્ષે તેમને ઉમેદવાર બનાવવાનો ઇનકાર કરી દીધો. ૨૦૧૫માં રણદીપ સુરજેવાલા મીડિયા ઇન્ચાર્જ બન્યા તો ૨૪ અકબર રોડ પરની વડક્કનની ઑફિસ તેમને ફાળવી દેવામાં આવી. આ વર્ષે રાહુલ ગાંધી સાથેની નિકટતાને કારણે કે.સી. વેણુ ગોપાલને પક્ષના સંગઠન મંત્રી બનાવી દેવાયા. એ પણ કેરળના છે. વડક્કન કહે છે કે તેઓ કોઈ અપેક્ષા વિના ભાજપમાં જોડાયા છે, પરંતુ ભાજપને માટે તેઓ કેરળમાં એક મૂડી, એક એસેટ જેવા બની રહેશે. કેમ કે કેરળમાં વીસ ટકા મતદારો ખ્રિસ્તી છે. ભાજપ કેરળમાં ક્યારેય લોકસભાની બેઠક જીતી શક્યો નથી. હવે એ શક્યતા જન્મી છે.
———————-

અમિત શાહની બાયોગ્રાફી અને ફિલ્મની તૈયારી
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ હવે તેમના રાજકીય ગુરુ નરેન્દ્ર મોદીના પગલે ચાલવા લાગ્યા છે. મોદીની સ્વપ્રચારની શૈલીથી અભિભૂત અમિત શાહ પણ હવે પોતાને માટે પણ એવા કાર્યક્લાપ યોજવાની દિશામાં આગળ વધી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે એક મોટા વિદેશી પ્રકાશન જૂથે અમિત શાહની બાયોગ્રાફી એટલે કે જીવન ચરિત્ર પ્રસિદ્ધ કરવાની જવાબદારી લીધી છે. આ પ્રકાશન ગૃહની એક ઑફિસ દિલ્હીમાં પણ છે. ગત દિવસોમાં આ પ્રકાશન ગ્રૂપની ટીમ અમિત શાહને મળવા ગઈ હતી અને આ બાયોગ્રાફીની બ્લુ પ્રિન્ટની તેમની પાસેથી મંજૂરી પણ મેળવી લીધી છે. કહે છે કે અદ્ભુત સજાવટ સાથેની આ બાયોગ્રાફી આગામી બે-ત્રણ મહિનામાં જ બજારમાં આવી જશે. ચર્ચા એવી પણ છે કે આ બાયોગ્રાફીને આધાર બનાવીને બોલિવૂડના એક જાણીતા નિર્માતા-નિર્દેશક એક ફિલ્મ બનાવવાનું પણ વિચારે છે. મતલબ સ્ટેજ તૈયાર છે. બસ, પડદો હટે એટલી વાર છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં અને ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી વિશે અનેક લેખકો અને પ્રકાશકોએ મોદી વિશેનાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા હતા. આ પુસ્તકો હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયાં હતાં. રાષ્ટ્રીય સ્તરે મોદીની આભા સર્જવામાં આ પુસ્તકોનો હિસ્સો પણ રહ્યો છે. આ વખતની ચૂંટણી દરમિયાન મોદી વિશેની ફિલ્મ પણ રજૂઆત માટે તૈયાર છે. ત્યારે હવે ભાજપ પ્રમુખ અમિત શાહ પણ હવે આ બાબતમાં પાછળ રહેવા ઇચ્છતા નથી એમ જણાય છે.
———————-

ગાંધીનગર બેઠક પર અનારની બાદબાકી કેવી રીતે થઈ?
ગુજરાતમાં ગાંધીનગર લોકસભાની બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની જાહેરાત થઈ ચૂકી છે. જોકે આ બેઠક પર એલ.કે. અડવાણીના સ્થાને કોને ઉમેદવાર બનાવાશે એ અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જળવાઈ રહ્યું હતું. ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોના દાવા પ્રમાણે ગાંધીનગરની બેઠક પર સૌથી મજબૂત દાવો રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાનમાં મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલનાં દીકરી અનાર પટેલનો હતો. એવું પણ કહેવાય છે કે અનારને એક પ્રકારે ઘણા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીલી ઝંડી પણ મળી ગઈ હતી. એથી તેઓ છેલ્લા દોઢ-બે વર્ષથી ગાંધીનગરમાં તેમની એનજીઓ મારફત સક્રિય હતાં. એટલે ટિકિટની જાહેરાત પહેલાં ભાજપ મોવડીમંડળ દ્વારા ત્રણ નિરીક્ષકોને મોકલવામાં આવ્યા હતા. તેમાંથી કહેવાય છે કે બે નિરીક્ષકોના અહેવાલમાં અનાર પટેલની તરફેણ કરવામાં આવી હતી જ્યારે એક નિરીક્ષકનો અહેવાલ અમિત શાહની તરફેણમાં હતો. ચર્ચા તો એવી પણ છે કે ગાંધીનગર સંસદીય બેઠક અંતર્ગત આવતી વિધાનસભાની બેઠકોમાંથી મોટા ભાગના ભાજપના ધારાસભ્યો પણ અનાર પટેલની તરફેણ કરતા હતા, પરંતુ આખરી તબક્કે અમિત શાહની કીર્તન મંડળીએ એવો મુદ્દો ઉછાળ્યો કે, આ બેઠક ભાજપના દિગ્ગજ નેતા અડવાણીની રહી હોવાથી અહીંથી પક્ષના કોઈ રાષ્ટ્રીય નેતાએ જ ચૂંટણી લડવી જોઈએ અને એ રીતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ ટોચ પર આવી ગયું.
———————-

રાજકાજ
Comments (0)
Add Comment