અંતરની ગુફા એક અભયસ્થાન

જર્મન લેખક હરમાન હેસ તેની 'સિદ્ધાર્થ' નવલકથા માટે ભારતીય વાચકોમાં વિશેષ જાણીતા છે.
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

જર્મન લેખક હરમાન હેસ તેની સિદ્ધાર્થનવલકથા માટે ભારતીય વાચકોમાં વિશેષ જાણીતા છે. હરમાન હેસની વાર્તાઓ, સંસ્મરણો અને નિબંધો વાંચનારને એમ લાગે કે આ માણસનો આત્મા ભારતનો કે કંઈક ચીનનો જ હશે. જર્મન ભાષામાં લખનાર ઝેક લેખક ફ્રાંઝ કાફ્કા વિશે તો કોઈકે એવું સંશોધન કર્યું છે કે કાફ્કાનો આત્મા નક્કી કોઈ ચીનવાસીનો જ હશે. હેસને ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મ માટે ઊંડી લગની હતી. ૮૫ વર્ષની ઉંમરે ૧૯૬૨માં એમનું અવસાન થયા પછી તે હજુ તેની કોઈ ને કોઈ કૃતિ માટે જિજ્ઞાસા અને રસ જગાડ્યા જ કરે છે. હરમાન હેસે એમની સાડા આઠ દાયકાની જિંદગીમાં ઘણા સુખ-દુઃખ જોયાં હતાં, ઘણી ચડતી-પડતી જોઈ હતી. યુરોપની યુવાન પેઢીના એ પયગંબર પણ બન્યા હતા અને પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીના લશ્કરવાદનો વિરોધ કરીને નિર્માલ્ય દેશદ્રોહી લેખક જેવી ગાળ પણ તેમણે ખાધી હતી અને હડધૂત પણ થયા હતા.

તેમને આત્મનિરીક્ષણનું જબરું વ્યસન હતું. તેમણે એક જગ્યાએ લખ્યું છે કે, ‘મેં તનમનથી ઘણી પીડા વેઠી છે અને છેવટે પીડાનો સ્વીકાર ખુલ્લા દિલે કરતાં મારી જાતને હું શીખવી શક્યો ત્યારે જ મને શાંતિ અને ચેનનો અનુભવ થઈ શક્યો હતો. મેં જોયું છે કે માણસ પીડાથી દૂર ભાગે છે, તેનાથી બચીને ચાલે છે, તેને ગમે તે રીતે ટાળવા મથે છે તેથી તે વધુ દુઃખી થાય છે. પીડા તેને અકારી લાગે છે, પીડાનો ડર લાગે છે તેથી તે નાહિંમત થઈ જાય છે. જે પીડાથી ડરતો નથી તેની કલ્પના કરીને તે ભડકતો નથી અને પીડાનો સામનો કરવા તત્પર રહે છે તેને પીડાથી પરેશાન થવું પડતું નથી. એક એવી સ્થિતિ આવે છે જ્યારે તેને પીડા સંગીત જેવી લાગે છે. ખરેખર એ સંગીત એટલા માટે છે કે તે કોઈક કરુણ ગીત માટે પણ હૃદયની વીણાના તારને તંગ અને તેજીલા કરી આપે છે. પીડાનું સંગીત સાંભળવા માટે કાનને સરવા કરવા પડે છે.

હરમાન હેસ કહે છે કે, ‘જીવન સાથે આવા સમાધાન પર આવતાં પહેલાં મારે મારી જાત સાથે ખૂબ લડવું પડ્યું છે. હું કેટલીક વાર બૂરાઈના દ્વાર પરથી પાછો ફર્યો છું. કેટલીક વાર પાગલખાના સુધી પહોંચીને પાછો ફર્યો છું અને કેટલીક વાર મોતના દરવાજેથી પાછો આવ્યો છું. એવી જ રીતે મેં ઘણીબઘી વાર ક્યાંક શાંત એકાંત ખૂણો શોધ્યો છે. શાંત અને સલામત ગુપ્ત સ્થાન, જ્યાં મને કોઈ શોધી શકે નહીં, પરેશાન કરી શકે નહીં! પણ આવો શાંત એકાંત વિસામો મને ક્યાંય મળ્યો નથી. સ્વિટ્ઝર્લેન્ડની સૌંદર્યભૂમિમાં આટલાં બધાં વર્ષો રહ્યો, પણ ત્યાં પણ ક્યાંય આવું આશ્રયસ્થાન જડ્યું નથી. છેવટે આવું આદર્શ અભયસ્થાનમળ્યું. બહાર નહીં, પણ મારા મનની અંદર! અંતરની આ ગુફા જેવંું શાંત, એકાંત, સલામત સ્થળ બીજે ક્યાંય સંભવી શકતું નથી. મારું આ આશ્રયસ્થાન એવું છે કે ત્યાં બીજું કોઈ પહોંચી શકતું નથી. મારા અંતરની ગુફામાં કોઈ તોફાન પ્રવેશી શકતું નથી, કોઈ આગની ઝાળ ત્યાં પહોંચી શકતી નથી. ગમે તેવું દારુણ યુદ્ધ ત્યાં કશો સંહાર કે વિનાશ નિપજાવી શકતું નથી. મારી પોતાની અંદર એક નાનકડો કમરો, એક નાનકડી પેટી – એક નાનકડું પારણુ!

હરમાન હેસે તેમની નોંધપોથીમાં એક બીજી વાત કહી છે કે, ‘માણસ વિચાર કરે છે અને સ્વપ્નની કોક મંઝિલ જુએ છે – આ લાંબા પંથમાં કોઈક ઠેકાણે એવું તીર્થધામ આવી જાય કે જ્યાં શાંતિથી, આનંદથી, ચિંતા વિના, આરામથી જીવી શકાય! અચળ સુખનો આવો વિસામો માણસ ઝંખે છે, પણ આવો તો કોઈ ટાપુ કદી જીવનસાગરમાં ક્યાંય હોતો જ નથી. બહુ વિચાર કરતાં લાગ્યું કે આવું અંતિમ સુખશોધવાની મથામણમાં આપણે ઊલટા વધુ દુઃખી થઈએ છીએ. સોનાની ખાણ અને હીરા-ઝવેરાતની ખાણની શોધમાં આપણે જે રઝળપાટ કરીએ છીએ તેને લીધે આપણી આંખ સામે જ જે નાનાં નાનાં આનંદ-ઝરણા વહી રહ્યાં હોય છે તે જોવાનું ચૂકી જઈએ છીએ. સંસાર-વહેવારની ભુલભુલામણીમાંથી ઘડીક વાર મન બહાર કાઢીને તમે તમારી આંખ સામેની સૃષ્ટિ જ જુઓ. મેં કેટલીક વાર મારી પોતાની ઉપાધિઓના કૂવામાંથી કૂદકો મારીને બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે. કોઈક વાર બધું ભૂલીને આપણે જાણે બીજા કોઈ ગ્રહ ઉપરથી પૃથ્વીની મુલાકાતે આવ્યા હોઈએ એ રીતે બધું જ વિસ્ફારિત આંખે જોવાનો પ્રયાસ કરીએ તો આપણને અચંબો થાય. એક દૂબળો પણ સુડોળ બાંધાનો કૂતરો મોજથી ઊભો છે – કોઈક વૃક્ષની ડાળીઓ અજબ મસ્તીથી પવનને ભેટે છે અને પાંદડાં જાણે અંદર અંદર હસે છે! આકાશ તો જાણે નવા ને નવા, વધુ ને વધુ રંગીન તાકા ખોલીને તરેહતરેહનાં વસ્ત્રો લહેરાવે છે!
——————————–.

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment