અતિપ્રેમ જ્યારે લગ્નવિચ્છેદનું કારણ બને છે

લગ્નના શરૃના દિવસો તો સપના જેવા હતા, પણ ત્રણ મહિના પછી નિકુંજનો વધારે પ્રેમ, કૅર મને ડંખવા લાગ્યો.

ફેમિલી ઝોન હેતલ રાવ

પ્રેમ અને વિશ્વાસ કોઈ પણ સંબંધને મજબૂત બનાવે છે, પરંતુ જ્યારે પ્રેમમાં ભરતી આવે ત્યારે તે કોઈ પણ સંબંધને ડુબાડી પણ શકે છે. આ વાત કદાચ સાચી ના લાગે, પરંતુ વધારે પડતો પ્રેમ પણ મનભેદ તો ક્યારેક મતભેદનું કારણ બને છે. એટલું જ નહીં, પરંતુ અતિરેક પ્રેમ ક્યારેક બે વ્યક્તિ વચ્ચે એટલું અંતર લાવી દે છે કે તેમનું સાથે રહેવંુ પણ અશક્ય બની જાય છે.

આપણે વડીલો પાસેથી અનેક વાર સાંભળ્યું છે કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. કોઈ પણ વાત હદમાં રહીને જ કરવી જોઈએ પછી તે નફરત હોય કે પ્રેમ, કારણ કે જ્યારે કોઈ પણ વાત, વસ્તુ કે વ્યવહારમાં હદથી વધારો થાય છે ત્યારે તેનું ના સમજાય તેવું પરિણામ આવીને ઊભું રહે છે. માયરા અને અંગતના રિલેશનમાં પણ એવંુ જ કંઈક બન્યું. કૉલેજની મિત્રતા ધીમે-ધીમે પ્રેમમાં પરિણમી અને વડીલોએ પ્રેમનો સ્વીકાર કરતાં બંને મિત્રો લગ્નગ્રંથિમાં જોડાઈ ગયાં. કૉલેજનાં ત્રણ વર્ષ તો માયરાને અંગતની નાની-નાની વાતનું ધ્યાન રાખવું ગમતંુ હતું. લગ્નના શરૃના દિવસોમાં પણ અંગત માયરા સામે જુદી-જુદી રીતે પ્રેમને પ્રગટ કરતો. આ બધું માયરાને પણ ગમતું. ધીમે-ધીમે અંગત માયરાને નાની-મોટી દરેક વાતમાં કંઈ ને કંઈ કહ્યા કરતો. તું આ પહેર, તને કમ્ફર્ટેબલ રહેશે, ના, તંુ ત્યાં ના જઈશ, બોર થઈ જઈશ, અરે તને રાત્રે ખટાશ ખાવાથી એલર્જી થાય છે માટે આવું બધું ના ખઈશ, ચાલ સૂઈ જા તો, નહીંતર સવારે આંખના નીચે કાળા કુંડાળાં થઈ જશે, ચાલ બહાર આંટો મારી આવીએ, તને લોન્ગ ડ્રાઇવ ગમે છે ને..,

એટલું જ નહીં, કોઈ તહેવાર હોય તો અંગત પહેલેથી જ માયરાને કહી દે કે આપણે બહાર નીકળી જઈશંુ, તું અને હું બસ બીજંુ કોઈ નહીં. આ બધી વાતોથી માયરા હવે અંદરોઅંદર અકળાતી હતી. તે અંગતના પ્રેમને સમજતી હતી, પણ તે ઘણી વાર કહેતી કે હવે આપણી લાઇફ જુદી છે. પહેલાં કુંવારા હતાં ત્યારે હરતાં-ફરતાં અને મન માનીતું કરતાં તે જુદી વાત છે. હવે આપણા પર જવાબદારી છે. પરિવાર, સંબંધી, બધાંને સાથે રાખીને ચાલવાનું છે. માટે બધંુ જ આપણને ગમતું ના કરી શકીએ અને હવે મારી આદતો પણ બદલાઈ છે. મારી દરેક વાતમાં તારો ઑપિનિયન મને સારો નથી લાગતો. મારું પણ જીવન છે, તેને થોડું તો મારી રીતે જીવવા દે. દરેક વાતમાં તું મને રોક-ટોક કરે છે. આ તારો પ્રેમ નહીં, પણ મને અત્યાચાર લાગે છે. લગ્નનાં ત્રણ વર્ષમાં જ અંગત અને માયરાએ છૂટા પડવાનો નિર્ણય કરી લીધો હતો. સાત જન્મો જેના સાથે જીવવા મરવાના સોગંદ ખાધા હતા તે યુગલ એકબીજાનો વધારે પડતો પ્રેમ સહન ન કરી શક્યાં. ખરેખર વધારે પડતો પ્રેમ પણ જુદા થવાનું કારણ બની શકે..!

પ્રેમ સાથે જોડાયેલા સંબંધો અને બ્રેકઅપ સાઇકોલોજી સાથે જોડાયેલા એક રિસર્ચમાં નવી જ માહિતી જાણવા મળે છે. આજકાલ પ્રેમ થવો અને બ્રેકઅપ થવું તે વાત સાવ સામાન્ય બની ગઈ છે. તેનું એક કારણ વધારે પડતો પ્રેમ છે. મિશિગન યુનિવર્સિટીના હ્યુમન સાઇકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલા રિસર્ચમાં પ્રેમને બ્રેકઅપનું કારણ બતાવામાં આવ્યું છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે યુરોપ અમેરિકા જેવા દેશોમાં લગ્નજીવન તૂટવાનું મોટું કારણ પાર્ટનરનું પ્રેમ પ્રત્યે વધુ પડતું સંવેદનશીલ હોવાનું છે. હવે આપણા ત્યાં પણ એવા લોકો જોવા મળે છે જેમને વધારે પડતી કૅર ગમતી નથી. હકીકતમાં જ્યારે એક પાર્ટનર વધારે પ્રેમ કરે છે ત્યારે તે પોતાના પાર્ટનર પાસેથી પણ એવા જ પ્રેમની અપેક્ષા રાખે છે. જ્યારે બીજો પાર્ટનર તે વાત સમજી ના શકે તો બંનેના સંબંધમાં તિરાડ પડે છે. આ પરિસ્થિતિથી બંને વ્યક્તિ અજાણ હોય છે. એક સમજે છે કે તેના પ્રેમની કોઈ કિંમત જ નથી, તેની કદર નથી થતી. જ્યારે બીજી વ્યક્તિને લાગે છે કે તેની આઝાદી પર અંકુશ લાગી રહ્યો છે. આ મનમુટાવ એટલો વધી જાય છે કે સંબંધોને સાચવવાના વિચારથી પણ દમ ઘૂંટાવા લાગે છે. અંતે બંનેને જુદા પડવાનું જ યોગ્ય લાગે છે. આ તો વાત થઈ પ્રેમ કરતાં કપલ અને પરણિત યુગલોની,

પરંતુ આવા કિસ્સામાં પરિવારના અન્ય સભ્યો પણ જોડાયેલા હોય છે. સંતાનની સતત ચિંતા થવાના કારણે માતા-પિતા તેમની પર વૉચ રાખતાં હોય છે, પરંતુ સંતાનોને એમ લાગે છે કે પેરેન્ટ્સને તેમના પર ભરોસો નથી માટે તેમની દરેક વાતમાં દખલગીરી કરે છે. બીજી બાજુ એવું પણ બને છે કે લગ્ન પછી પણ દીકરા કે દીકરીના જીવનમાં વધારે પડતી સંવેદના દર્શાવવાના કારણે ક્યારેક સંબંધોને સાચવવાની જગ્યાએ સંતાનો સંબંધોથી બચવાના પ્રયત્ન કરે છે. પિતાને એમ લાગ્યા કરે કે દીકરાને કંઈ સમજાશે નહીં, હું અનુભવી છું માટે તેને કામમાં મદદ કરું, પરંતુ દીકરાને પિતાનો આ પ્રેમ ડંખે છે તો ક્યારેક માતા પણ પુત્રવધૂ કે પુત્રને સાચવી લેવાની ભાવનામાં એવું કંઈ કરી બેસે છે કે તેમનો પ્રેમ સંતાનોને વહેમ જેવો લાગે છે. આવા બનાવો રોજબરોજ બનતા હોવાના કારણે ઘરમાં વગર કારણના કંકાસ થયા કરે છે. વડીલોને લાગે કે બાળકો અમારા પ્રેમને સમજી જ નથી શકતા, જ્યારે બાળકોને લાગે કે ઘરના મોટા છે એટલે અમારી બધી આઝાદી ઝૂંટવી લીધી છે, અમારી પર્સનલ લાઇફમાં પણ દખલ કરે છે. અંતે પરિવાર વીખરાઈ જાય છે અને મતભેદ ક્યારે મનભેદમાં તબદીલ થઈ જાય છે તે કોઈને સમજાતું નથી.

આ વિશે વાત કરતાં ફેમિલી કોર્ટના વકીલ હેમેન્દ્ર એ. શાહ કહે છે, ‘કોઈ પણ વ્યક્તિનું છૂટા પડવા પાછળનું મુખ્ય કારણ સાઇકોલોજિકલ વધારે હોય છે. ક્યારેક કોઈ માટે અત્યંત લાગણી થવી કે કોઈ પ્રત્યે વધુ પડતો રોષ દર્શાવો તે સાઇકોલોજિકલ ફિટનેસ ન હોવાના કારણે થાય છે. વધારે પડતી ચિંતા કે કૅર કરવી સામેની વ્યક્તિને કેટલી ગમે છે તે જાણવું જરૃરી છે, કારણ કે ઘણીવાર તમારો વધુ પ્રેમ સામેની વ્યક્તિ માટે મુશ્કેલી પણ ઊભી કરે છે. માટે પ્રેક્ટિકલી બનવંુ વધારે યોગ્ય છે. વધારે પ્રેમના કારણે પોતાના વિચારો જ સાચા લાગે છે. હકીકતમાં જે વ્યક્તિ માટે તમે વિચારતા હોય તેવી તે હોતી પણ નથી, પરંતુ પ્રેમ શંકા અને શંકા જુદા પડવાનું કારણ ક્યારે બની જાય તે કહી શકાતું નથી.

જ્યારે શિક્ષિકા નયના બ્રહ્મભટ્ટ કહે છે, ‘કોઈ પણ વાતમાં અતિરેક સારો નથી તે આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ. છતાં પણ ઘણી વ્યક્તિ એવી હોય છે જેમને પોતાના વિચારો ને પોતાની વાતો જ યોગ્ય લાગતી હોય છે. કોઈની દેખરેખ રાખવી, ચિંતા કરવી તે સારી બાબત છે, પરંતુ તેના કારણે તે વ્યક્તિની પાછળ સતત રહેવંુ તે યોગ્ય નથી. આ બધી વાતો શરૃઆતમાં કોઈને પણ સારી લાગે, પણ સમયની સાથે કૅરિંગ સ્વભાવ ક્યારે ટેવ બની જાય તે સમજાતું નથી અને આ સ્વભાવના કારણે તમે જેની વધારે કૅર કરતા હશો તે તમારાથી દૂર પણ થઈ જાય છે. માટે હંમેશાં એવી રીતે જ વ્યવહાર કરવો જોઈએ જે તમારી કોઈ પણ પ્રિય વ્યક્તિને અતિ ના લાગે.

માતા-પિતાથી અલગ રહેતા અમદાવાદના ડૉક્ટર દંપતી અંશુલ શર્મા અને રાધિકા શર્મા કહે છે, ‘અમારાં લગ્નને બે વર્ષ થયાં છે, પરંતુ અમે પરિવારથી અલગ થઈ ગયાં હતાં. મારાં માતા-પિતાનો હું એક જ દીકરો છું, માટે તેમણે મને બાળપણથી જ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી છે. મારી દરેક વાતમાંંં તેમને પોતાની ખુશી દેખાતી હતી. રાધિકા અન્ય જ્ઞાતિની છે, પરંતુ મારા પ્રેમને કારણે તેને સ્વીકારી લીધી, પરંતુ લગ્ન પછી પણ તે પહેલાંના જેમ જ મને ટ્રીટ કરતાં રહ્યાં. હંમેશાં મને નાની નાની વાતમાં ટોક્યા કરતા હતા. ઘણીવાર રાધિકા આ બાબતને લઈને મારી મજાક પણ કરતી. અંતે મેં નક્કી કર્યું કે હું અન્ય જગ્યાએ રહેવા ચાલ્યો જઈશ. ક્લિનિકનું બહાનું બનાવીને હું માતા-પિતાથી દૂર આવી ગયો, પરંતુ છ મહિનામાં અમને સમજાઈ ગયું કે અમને ટોકતાં હતાં તેમાં તેમની ચિંતા અને પ્રેમ હતો. જ્યારે મમ્મી-પપ્પાને પણ સમજાયંુ કે દીકરાનું પણ અંગત જીવન છે. હવે ફરી એકવાર અમે સાથે રહીએ છીએ. મને એટલી ખબર છે કે વધારે પ્રેમ પરિવારને તોડી નાંખે છે. દરેક વાતમાં હદ હોવી જરૃરી છે.

લગ્નના છ મહિનામાં જ ડિવૉર્સ પેપર ફાઇલ કરનાર અંકિતા વ્યાસ કહે છે, ‘હું કૉલેજના છેલ્લા વર્ષમાં હતી ને મારી સગાઈ નિકુંજ પંડ્યા સાથે થઈ. સગાઈ અને લગ્ન વચ્ચેનો સમય ગોલ્ડન પિરિયડ હોય છે. મારી માટે પણ એ સમય યાદગાર બની રહ્યો. નિકુંજ રોજ કૉલેજ આવતા. અમે સાથે કૉફી પીતા, વાતો કરતાં, લોન્ગ ડ્રાઇવ પર જતાં અને ક્યારેક ફિલ્મ પણ જોઈ આવતાં. અમને બંનેને લાગતંુ હતું કે અમારા એરેન્જ નહીં, પણ લવ મેરેજ છે, કારણ કે સગાઈ કરી તે પછીથી જ અમે એકબીજાની નાની-નાની વાતોનું ખૂબ ચીવટપૂર્વક ધ્યાન રાખતાં, એકબીજાને શું ગમે છે, શું નથી ગમતંુ, ગમતા રંગ, ગમતી વસ્તુ, ગમતી જગ્યા, ભાવતી વાનગી, દરેકે દરેક વાતને મહત્ત્વ આપતાં. લગ્નના શરૃના દિવસો તો સપના જેવા હતા, પણ ત્રણ મહિના પછી નિકુંજનો વધારે પ્રેમ, કૅર મને ડંખવા લાગ્યો.

હું બી.કોમ. હતી અને તે એન્જિનિયર હતા માટે મને લાગતું હતું કે મારા કરતાં તે વધુ બ્રોડમાઇન્ડ અને સમજુ હશે, પણ નિકુંજ બિલકુલ અલગ હતા. તે દરેક વાતમાં વચ્ચે બોલતા. મારે શું પહેરવું, શું ખાવું, ક્યાં જવું, ક્યાં બેસવું, કોની સાથે કેવી રીતે વાત કરવી, ત્યાં સુધી કે ઑફિસમાં પણ હું કેવંુ વર્તન કરું તે વિશે મને સતત કહ્યા કરતા. હું બહુ કંટાળું ત્યારે તેમને કહેતી કે મને હવે આ બધું ગમતું નથી. ત્યારે તે કહેતા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું માટે તારી ચિંતા છે, પણ તારે શંુ, તને તો મારી પરવા જ નથી. બસ, પછી રોજ રોજ તેમનું લેક્ચર શરૃ થઈ જતંુ કે મને તેમની ચિંતા નથી, હું તેમને પ્રેમ નથી કરતી વગેરે વગેરે. આ બાબત એટલી વધી ગઈ કે હવે નિકુંજ સાથે જીવ્યા કરતાં મને મૃત્યુ વધારે વ્હાલું લાગવા લાગ્યું. માટે પરિવારે પણ છૂટાછેડા લેવાની છૂટ આપી. હું અને નિકુંજ એકબીજાની સાથે નથી, પણ સગાઈ પહેલાંના દિવસોની યાદ મારા માટે આજે પણ સુંદર છે. જો નિકુંજે પોતાનો સ્વભાવ થોડો બદલ્યો હોત તો આજે અમે સાથે હોત.

ખરેખર પ્રેમ, લાગણી અને કૅર પણ છૂટા પડવાનું કારણ બની શકે છે, ના. પ્રેમ, લાગણી ને કૅર નહીં, પરંતુ તેની આગળ અતિ લાગે તો જ કોઈ પણ બંધન તૂટી શકે. તમે પ્રેમ કરો અને પ્રેમ દર્શાવી શકો, પરંતુ બીજી વ્યક્તિ પ્રેમ કરતી હોય અને પોતાની લાગણી તમારી સમક્ષ વ્યક્ત ન કરી શકે તેનો અર્થ એ નથી કે તે તમને પ્રેમ નથી કરતી. સંબંધ કોઈ પણ હોય, પરંતુ યોગ્ય સમયે તેમાં યોગ્ય સ્પેસ આપવી જરૃરી છે. જીવનની લાઇનમાં જો એન્ટર નહીં મારો તો તમારા લાગણીથી ભરેલા સંબંધ ક્યારે ડિલીટ થઈ જશે તે ખબર જ નહીં પડે.
————————

ફેમિલી ઝોનહેતલ રાવ.
Comments (0)
Add Comment