ભાવનગર રેલવેનો વારસો હવે મ્યુઝિયમમાં સચવાશે

૧૮૮૦ના સમયમાં સ્ટેટની પહેલી રેલવે લાઈન ભાવનગરથી લીમડી વચ્ચેની શરૃ

હેરિટેજ – દેવેન્દ્ર જાની

આઝાદીની લડતના સમયે ભારત માતાના ચરણે સોૈથી પહેલું રજવાડું ભાવનગરના રાજવીએ સુપરત કર્યું હતું. ભાવનગર એ ભારતનું વડોદરા અને હૈદરાબાદ પછીનું ત્રીજું સોૈથી મોટું રેલ નેટવર્ક ધરાવતું સ્ટેટ હતું. પ્રજાવત્સલ રાજવીએ ૧૮૮૦ના સમયમાં સ્ટેટની પહેલી રેલવે લાઈન ભાવનગરથી લીમડી વચ્ચેની શરૃ કરાવી હતી. શાહી વારસો ધરાવતા ભાવનગરના રેલવેની કેટલીક દુર્લભ ચીજો સચવાય અને આજની પેઢી આ વૈભવને જાણે તેવા હેતુથી ભાવનગર રેલવે ડિવિઝને હેરિટેજ મ્યુઝિયમ બનાવ્યું છે. ગુજરાતમાં રેલવે મંત્રાલયનો આ પ્રકારનો આ પહેલો પ્રયોગ છે. 

ભાવનગર સ્ટેટનું નામ પડતાં જ નજર સમક્ષ પ્રજાવત્સલ કૃષ્ણકુમારસિંહજીની યાદ તાજી થઈ જાય છે. ભાવનગર સ્ટેટ એ ભારતનાં રજવાડાંઓમાં એક આદરભર્યું અને મહત્ત્વનંુ સ્થાન ધરાવતંુ હતું. ભાવનગર સ્ટેટની ગણતરી એક પ્રગતિશીલ રાજ્ય તરીકે થતી હતી. ભાવનગરના રાજવીએ ૧૮૭૮ના સમયમાં સ્ટેટમાં ભાવનગરથી વઢવાણ સુધીની રેલ લાઈન શરૃ કરવા માટેની દરખાસ્ત બ્રિટિશ શાસનમાં કરી હતી જે મુંબઈના બ્રિટિશ ગવર્નરે મંજૂર કર્યા બાદ ૧૮૮૦માં ભાવનગરથી લીમડી વચ્ચેની પ્રથમ રેલ લાઈન શરૃ કરવામાં આવી હતી. બાદમાં ભાવનગર અને ગોંડલ બંને સ્ટેટના રાજવીઓએ એ સમયમાં પરસ્પર સહયોગ સાધીને લાખોનું યોગદાન આપીને ઢસાથી ગોંડલ સુધીની રેલ લાઈન વિસ્તારી હતી. એક સદી કરતાં વધારે સમયનો રેલવે પરિવહનનો વૈભવ ધરાવતા ભાવનગર રેલવેના ઐતિહાસિક વારસાથી આજની પેઢી તેનાથી વાકેફ થાય તે માટે મ્યુઝિયમ બનાવ્યું છે. માર્ચ ર૦૧૯માં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા દ્વારા લોકાર્પણ કરવામાં આવેલું આ મ્યુઝિયમ ગુજરાતમાં રેલવેનો એક અનોખો પ્રયોગ છે. રેલવે વિભાગ દ્વારા મહિનાઓ સુધી મહેનત બાદ આ ખાસ પ્રકારનંુ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યંુ છે અને તેને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે.

ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ વી.કે. ટેલર અભિયાનને કહે છે, ‘રજવાડાના સમયમાં ભાવનગર એક પ્રતિષ્ઠાભર્યું રાજ્ય હતંુ. ભાવનગરની પ્રજાને રેલવેની સુવિધા મળે તે માટે લગભગ દોઢ સદી પૂર્વે ભાવનગરના રાજવીએ માત્ર સપનંુ જ નહોતંુ જોયું, પણ એ દિશામાં નક્કર પ્રયાસો કર્યા હતા અને તેને કારણે ભાવનગરમાં સદી પૂર્વે રેલવે લાઈન શરૃ થઈ હતી. ભાવનગર, ગોંડલ, પોરબંદર અને પાલિતાણા જેવા સ્ટેટનો વિસ્તાર હાલ ભાવનગર ડિવિઝન હેઠળ આવે છે. રાજાશાહીના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતી નેરોગેજ સ્ટીમ લોકોમેટિવ, નેરોગેજ ડીઝલ હાઈડ્રોલિક લોકોમોટિવ જેનો હાલ ઉપયોગ થતો નથી તેને સંગ્રહાલયમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત રેલવેને પાટાઓ પરથી પેસેન્જરનો સામાન કેવી રીતે લઈ જવામાં આવતો હતો તે સાધનો, સ્ટેશનમાસ્તર અને ટ્રેનના ડ્રાઇવર સંદેશાઓની આપ-લે માટે વાપરવામાં આવતાં સાધનો, ખાસ પ્રકારના લાલટેન અને મીટર ગેજ ક્રેઈનનો ઉપયોગ થતો હતો તેને મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આજે સમયની સાથે આ સાધનો બદલાયા છે. રેલવેના પરિવહનના વારસા સમી આ ચીજો કેવી હતી તેની આજની પેઢી જાણી શકે તે હેતુથી ભાવનગર રેલવે ડિવિઝને આ ખાસ મ્યુઝિયમ બનાવ્યંુ છે.

ભાવનગર ડીઆરએમ કચેરી નજીક જ તૈયાર કરવામાં આવેલા આ હેરિટેજ મ્યુઝિયમમાં લગભગ ૩૦૦થી વધુ ચીજવસ્તુઓ મૂકવામાં આવી છે. તેમાં રાજાશાહીના સમયમાં વેઇટિંગ એરિયામાં લાકડાની ખુરશીઓ રાખવામાં આવતી હતી. તે ખુરશીઓ, ઘંટી, ટેબલ, દર્પણ, લાલટેન, ચાર્ટ, મોનોગ્રામ, રાજચિહ્નો, વેગન, વજન માપવાના કાંટા સહિતની ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવનગર રેલવે ડિવિઝનમાં એક સમયે આ ચીજોને ઉપયોગમાં લેવામાં આવતી હતી.

આ ચીજો હાલ સમયના બદલાવમાં ઉપયોગી નથી, પણ જુદા જુદા રેલવે સ્ટેશનોમાં પડી હતી તેને લાવીને મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. ગોંડલ પેલેસમાં બહારના ભાગે હાલ એક હેરિટેજ ટ્રેનને પ્રદર્શિત કરવામાં આવી છે તે તર્જ પર જ ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ઐતિહાસિક ઇમારતમાં આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે જે સવારના દસથી સાંજે ૬ વાગ્યા સુધી નિઃશુલ્ક જાહેરજનતા માટે ખુલ્લંુ રહેશે.
—————————-

દેવેન્દ્ર જાનીભાવનગરરેલ મ્યુઝિયમ
Comments (0)
Add Comment