હવે રૉબોટ રાખશે વડીલોની કાળજી

રૉબોટ્સ વડીલોનો પરિવાર સાથે સંપર્ક-સંવાદ પણ કરાવી શકે છે.

હેલ્થ સ્પેશિયલ – સત્યજીત પટેલ

કલ્પના કરો કે તમે એક સિનિયર સિટીઝન છો અને રોજ-બરોજનાં કામો કરવા માટે ખુદ પર જ નિર્ભર છો. તમે તમારાં સંતાનો સાથે વીડિયો ચેટ કરવા માગો છો અને રાત્રે સૂતાં પહેલાં મનગમતું સંગીત પણ સાંભળવા માગો છો. તો તમે શું કરશો? જો તમારાં બધાં કામ એક રૉબોટ કરી આપે તો? તમને થશે કે આવું કેવી રીતે બની શકે? પરંતુ અશક્ય લાગતી આ વાત હવે સાચા અર્થમાં સાકાર થઈ રહી છે. હવે માત્ર એક વોઇસ કમાન્ડ આપવાથી રૉબોટ તમારી કાળજી લેવા તમારી સમક્ષ હાજર થવા તૈયાર છે.

નવી જનરેશનના રૉબોટ એકલવાયું જીવન જીવતા વડીલોના ઘરની કાળજી લેવામાં પણ સક્ષમ છે. ઘરમાં વડીલના હાથે નંબરના ચશ્માં કે ચાવીઓ ક્યાંક આડી અવળી મુકાઈ ગઈ હોય તો પણ રૉબોટ તેને શોધી શકે છે. ઘણીવાર ખુદનાં સંતાનો અને પૌત્ર-પૌત્રીઓ આવાં કામોમાં મોં મચકોડતાં હોય છે, પરંતુ રૉબોટ કોઈ જ કચવાટ વિના ખોવાયેલી વસ્તુઓ શોધી કાઢીને વડીલોનો શ્રેષ્ઠ સાથી પુરવાર થઈ શકે છે.

બેંગ્લુરુસ્થિત ‘ઇન્વેન્ટો રૉબોટિક્સ’ નામની એક સ્ટાર્ટઅપ કંપની ઑફિસો તેમજ દુકાનો માટે રૉબોટ્સ બનાવે છે. કંપનીના સીઈઓ બાલાજી વિશ્વનાથન કહે છે, ‘ભારતમાં ૨૦૨૦-૨૧ સુધીમાં રૉબોટ્સ વડીલોની સંભાળ લેતા હશે અને આ કલ્પના હકીકત બનવાની છે.’

એચડીએફસી બેન્ક માટે ‘મિત્ર’ નામનો રૉબોટિક કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ વિકસાવનારા ૩૫ વર્ષીય વિશ્વનાથનના મતે ‘એલેક્સા’ જેવા વોઇસ આસિસ્ટન્ટ્સ દિવસે ને દિવસે વધુ સ્માર્ટ બની રહ્યાં છે. તેઓ એકાદ જ વર્ષમાં માણસોની ભાષા ગ્રહણ કરવાની ક્ષમતા કેળવી લેશે તેમાં કોઈ બેમત નથી. હાથે બનાવેલા આ રૉબોટ્સ ગ્રાહકોને સતત ૫૦૦ પ્રશ્નોના જવાબ આપી શકવામાં સક્ષમ છે, એટલું જ નહીં, ઑફિસમાં પણ ગ્રાહકોને યોગ્ય દિશાસૂચનનું કામ પણ આસાનીથી કરી શકે છે.

વિશ્વનાથન વધુમાં ઉમેરે છે કે, ‘આ રૉબોટ્સ વડીલોનો પરિવાર સાથે સંપર્ક-સંવાદ પણ કરાવી શકે છે. વડીલોને સમયસર દવા આપવાથી લઈને તેમને ક્યારે હૉસ્પિટલમાં લઈ જવાના છે તે પણ બરોબર યાદ રાખે છે. નવી જનરેશનના રૉબોટ્સ રસોડામાંથી જમવાનું લાવવાથી લઈને ઘર પર બાજનજર રાખવામાં પણ સક્ષમ હશે. તમારી પાસે એવા રૉબોટ્સ હશે જે જમવાનું બનાવવાનું જ નહીં, પરંતુ તેથી પણ અઘરાં લાગતાં કામ કરી શક્શે તે દિવસો હવે દૂર નથી. ૨૦૨૫ સુધીમાં તો માણસની કાળજી લેતાં આવા રૉબોટ્સ મોબાઇલ ફોનની જેમ જ સામાન્ય બની જશે. ઘર માટે એક પર્સનલ કમ્પ્યૂટર વસાવીએ તેટલી જ કિંમતમાં આવા રૉબોટ્સ મળતા થઈ જશે.’

વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતમાં સિનિયર સિટીઝન્સની વસ્તી ૨૪ કરોડને વટાવી જવાનો અંદાજ છે. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ એકલવાયું જીવન જીવી રહ્યાં છે તે પણ એક કડવી વાસ્તવિક્તા છે.

ગુડગાંવમાં રહેતાં નિરૃપમા રૈના કહે છે, ‘એક જીવતા જાગતા માણસ જેવી હૂંફ તો રૉબોટમાં ન મળી શકે, પણ એટલું જરૃર છે કે તે વધુ ઉપયોગી અને ભરોસાપાત્ર હશે તેમાં કોઈ જ શંકા નથી. જો હું એકલી છું તો એક વિશ્વસનીય સાથી તરીકે આવો રોબોટ રાખવાનું જરૃર પસંદ કરીશ. એક એવો રૉબોટ જે મારા બધા જ પ્રશ્નોના જવાબ આપશે. કેવી રીતે બધું કામ થાય છે તે મને બતાવશે અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની પણ મને જાણકારી આપશે. અગત્યના પ્રસંગો-દિવસો યાદ રાખવામાં તે મને મદદ કરશે, ચીજવસ્તુઓ લાવવામાં મારી સહાયતા કરશે, મને મારું મનગમતું સંગીત સંભળાવશે અને મારી ગમતી કવિતા પણ મને સંભળાવશે. તે મને કંપની પણ આપશે. મજાની વાત એ છે મારો આ સાથી ક્યારેય બીમાર નહીં પડે અને ક્યારેય રજા પર પણ નહીં જાય.’

જાપાનથી આયાત કરાયેલો ‘ચિન્ટુ’ નામનો હ્યુમન રૉબોટ તો તમારા માટે એલાર્મ સેટ કરી આપે છે. તે વડીલોને અખબાર વાંચી સંભળાવે છે. આ રૉબોટને ડાન્સ કરવા પ્રોગ્રામ કરી શકાય છે. તે માણસ જેવા હાવભાવ પણ દર્શાવે છે. શાહરુખ ખાનની જાણીતી અદાની જેમ હાવભાવ પણ વ્યક્ત કરી શકે છે.

પુણેમાં પ્રોફેસર તરીકે કાર્યરત ડૉ.વૃશાલી કુલકર્ણીના નેતૃત્વમાં એક ટીમ કામ કરી રહી છે. આ ટીમે ‘ચિન્ટુ’ માટે સોફ્ટવેર ડેવલપ કર્યું છે.

તેઓ કહે છે, ‘અમે સિનિયર સિટીઝન્સ સમક્ષ ચિન્ટુનું ડેમોેન્સ્ટ્રેશન કર્યું છે અને અમને તેમના તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.  તે માણસની જેમ જ લાગણીઓ સમજી શકે છે અને તે મુજબ વર્તન કરે છે. અલબત્ત, ‘ચિન્ટુ’ને હજી બજારમાં લાવવામાં આવ્યો નથી. રૉબોટિક્સ ટૅક્નોલોજીમાં કલ્પના બહારનું પરિવર્તન આવવાનું છે. ભારતમાં પણ વડીલોની સંભાળ રૉબોટ્સ રાખતા થશે તે દિવસો બહુ દૂર નથી.
——————–

સત્યજીત પટેલહેલ્થ સ્પેશિયલ
Comments (0)
Add Comment