હેલ્થ સ્પેશિયલ – હેતલ રાવ
આયુર્વેદમાં હૃદયને સ્વસ્થ રાખવાના અનેક ઉપાયો બતાવ્યા છે. જેને સમજી અને તે પ્રમાણેની જીવનશૈલી અનુરૃપ કરવાથી દિલને બીમાર થવાથી બચાવી શકાય છે. જેમાં પૌષ્ટિક ખોરાક અને નિયમિત વ્યાયામ સૌથી જરૃરી છે. એવા અનેક આયુર્વેદિક ઉપાયો છે જેની જાણકારી મદદરૃપ બને છે.
ફાઇબર અને રેસાયુક્ત ખોરાક તમારા દિલને સદાય માટે સ્વસ્થ રાખે છે. જેના કારણે હાર્ટ એટેકની સંભાવના પણ ઘણી ઓછી થઈ જાય છે. માટે જ પોતાના ભોજનમાં વધારેમાં વધારે બીન્સ, સૂપ, સલાડ અને શાકભાજીનો ઉપયોગ કરો. એટલું જ નહીં, પરંતુ છાલવાળા ફળ અને શાકભાજી પણ દિલને વધુ સક્ષમ બનાવે છે.
નિયમિત ઊંઘ લેવી જોઈએ
આજના ભાગદોડભર્યા જીવનમાં શાંતિથી બે પળ બેસવા નથી મળતંુ તો પછી પૂરતી ઊંઘની તો વાત જ શું કરવી, પરંતુ જો તમે વ્યવસ્થિત અને પૂરતી ઊંઘ લેવામાં અક્ષમતા અનુભવો છો તો હાર્ટની બીમારી થવાની શક્યતા વધી જાય છે. તેમાં પણ ૪૦ વર્ષની ઉપરની વ્યક્તિએ તો ફરજિયાત પોતાની ઊંઘ પૂર્ણ કરવી જ જોઈએ. જો એમ કરવામાં નથી આવતંુ તો મગજમાં સ્ટ્રેસ તો વધે જ છે. સાથે શરીરની અન્ય નસો ધીમે ધીમે બ્લોક થતી જાય છે. માટે કોઈ પણ રીતે ઊંઘના પૂરા કલાક કરવામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવી જોઈએ નહીં.
લસણનો ઉપયોગ ખાવામાં કરો
લસણ પ્રાકૃતિક તત્ત્વ છે જે આપણા ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. ઘણા અભ્યાસોમાં એ સાબિત થયું છે કે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટેનું રામબાણ લસણ છે. એટલું જ નહીં, પરંતુ બ્લડશુગરને પણ નિયંત્રણમાં રાખે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં લસણ ખૂબ જ ઉપયોગી છે. સવારે ખાલી પેટ લસણની એક કળી ખાવાથી ભવિષ્યમાં થનારી હાર્ટની બીમારીથી બચવાની શક્યતાઓ વધી જાય છે.
રોજ કરો વીસ મિનિટનો વ્યાયામ
નિયમિત વ્યાયામ કરવાથી કેટલા લાભ થાય છે તે આપણે સૌ જાણીએ જ છીએ. સવારે કે સાંજે ૨૦ મિનિટનો વ્યાયામ હાર્ટ એટેકના જોખમમાં એક તૃતીયાંશ જેટલો ઘટાડો કરે છે. આ માટે કલાકોના કલાકો જિમમાં પરસેવો પાડવાની જરૃર નથી. નાની મોટી કસરતો વૉકિંગ, ઍરોબિક્સ, સામાન્ય ડાન્સ પણ ઉપયોગી નિવડે છે. એટલું જ નહીં, પરંતુ આ માટે બ્રિસ્ક બોક્સિંગ પણ એક સારો વિકલ્પ છે. ૨૦ મિનિટની સેર પણ હાર્ટથી જોડાયેલી તમામ બીમારીઓને દૂર ભગાડી શકે છે.
ઓલિવ ઓઇલનો કરો પ્રયોગ
હાર્ટને સ્વસ્થ રાખવું છે તો કૂકિંગ ઓઇલને બદલતા રહેવું જોઈએ. તેમાં પણ ખાસ કરીને રસોડામાં ઓલિવ ઓઇલ એટલે કે જૈતુનના તેલને કાયમી ધોરણે અપનાવી લેવામાં આવે તો તે બેસ્ટ છે. આ તેલમાં રહેલું ફેટ ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. ઉપરાંત આ તેલમાં એન્ટિઓક્સિડેન્ટ પણ હોય છે. આ ઉપરાંત અન્ય બીમારીઓ સામે લડવામાં પણ મદદરૃપ છે.
આનો નિયમિત ઉપયોગ કરો
ઇલાયચી
આયુર્વેદમાં જુદી-જુદી બીમારીના ઇલાજ માટે ઇલાયચીનો નિયમિત પ્રયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. ઔષધિ ગુણોથી ભરપૂર ઇલાયચી હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદરૃપ બનશે. ઇલાયચીને દિવસમાં એક-બે વાર ચાવવાની આદત ખૂબ જ સારી છે.
લીંબુ પાની
અત્યાર સુધી લોકોની એવી ભ્રમણા હતી કે લીંબુ પાણીનો ઉપયોગ માત્ર વજન જ ઓછંુ કરવા માટે કરવામાં આવે છે, પરંતુ લીંબુમાં એન્ટિઓક્સિડેન્ટ નામનું દ્રવ્ય રહેલું છે જે શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નિકાળીને હાર્ટના બ્લોકેજની શંકાને ઓછી કરે છે.
હળદર
હળદર રોગપ્રતિકારક ક્ષમતાથી ભરપૂર છે. જેમાં રહેલંુ વિટામિન બી-૬ હાર્ટને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના માટે રોજ હળદળવાળું દૂધ પીવું ફાયદાકારક હોય છે, પરંતુ સગર્ભા મહિલા અને યુવતીઓએ આ દૂધ પીવામાં થોડી સજાગતા રાખવી જરૃરી છે. ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીના બીજમાંં ઓમેગા-૩ વધારે હોય છે. જે હાર્ટની માંસપેશીઓને મજબૂત બનાવે છે.
——————-.
હાર્ટનાં સુરક્ષા કવચ
અર્જુન ક્ષીર પાક
અર્જુન ક્ષીર પાક હાર્ટને જોડાયેલી બીમારીઓ જેવી કે, હાઈ કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, આર્ટરી બ્લોકેઝ અને કોરોનરી આર્ટરી ડિસીઝના ઉપચારમાં અર્જુનની છાલ અત્યંત ઉપયોગી છે. આ કોલેસ્ટ્રોલના સ્તરને નિયમિત રાખે છે. હાર્ટને મજબૂત બનાવે છે. આની છાલમાં પ્રાકૃતિક એન્ટિ ઓક્સિડેન્ટ તત્ત્વ જોવા મળે છે. જેનો ઉપયોગ હાર્ટ બ્લોકેજને ઘટાડવા માટે કરવામાં આવે છે. આ છાલ કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર સહેલાઈથી મળી રહે છે. છતાં પણ આ છાલનો ઉપયોગ કરતાં પહેલાં વિશેષજ્ઞોની સલાહ લેવી જરૃરી છે.
પ્રયોગ કેવી રીતે કરવો
છાલને વાટીને એક ચમચી પાઉડર પાણી ભરેલા ગ્લાસમાં નાંખીને તેને ઉકાળો. પાણી ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ના થઈ જાય. પછી ચાની જેમ ગાળીને તેને પીવાના ઉપયોગમાં લો. છાલના પાવડરને દૂધમાં ઉકાળીને પીવંુ સૌથી વધુ સારું માનવામાં આવે છે.
દૂધીનો જ્યૂસ
દૂધીનો જ્યૂસ હાર્ટની બીમારી માટે સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે. દિલની સમસ્યા થાય તો એન્જિયોગ્રાફી અથવા તો બાયપાસથી બચવા માટે દૂધીનો જ્યૂસ ઉપયોગી છે. આયુર્વેદમાં પણ હાર્ટની બીમારી માટે દૂધીના જ્યૂસને બેસ્ટ માનવામાં આવે છે. આ જ્યૂસનો ઉપયોગ કરતાં પહેલાં વિશેષજ્ઞોની સલાહ જરૃરી છે.
પ્રયોગ
દૂધીને બરોબર રીતે ધોઈને પીસી લો. આ પીસેલ દૂધીમાં તુલસી અને ફુદીનાનાં પ-૫ પત્તાં નાંખીને જ્યૂસ નિકાળો. ૧૫૦ ગ્રામ માત્રામાં જ્યૂસ લઈને તેટલી જ માત્રામાં પાણી મિક્સ કરો. તે મિશ્રણમાં ૩-૪ પીસેલા મરી અને સિંધવ મીઠું નાંખીને દિવસમાં બે ત્રણ વખત પીવાનું રાખો.
——————