હીરાથી ‘દિલનો ઇલાજ’

હીરાથી દિલનો ઇલાજ શક્ય છે

હેલ્થ સ્પેશિયલ – હરીશ ગુર્જર

૧૯૯૩માં હીરાથી દિલનો ઇલાજ કરવાની પદ્ધતિની શોધ કરવામાં આવી હતી. શું સાચે જ હીરાથી દિલનો ઇલાજ શક્ય છે અને ૧૯૯૩માં શોધાયેલી પદ્ધતિની આજે ચર્ચા શા માટે? હૃદય રોગ સંબંધિત ઇલાજની આ પદ્ધતિમાં હવે એક નવી પદ્ધતિનો ઉમેરો થયો છે, જેનું નામ છે – રોટા બ્લેટર (રોટેશનલ એથરેક્ટોમી).

ચરબી ઉપરાંત કેલ્શિયમના કારણે પણ ધમનીઓમાં બ્લોકેજ સર્જાય છે અને હાર્ટ એટેક આવે છે. ચરબી એટલે કે કોલેસ્ટ્રોલથી હૃદયની નળીઓમાં સર્જાતા બ્લોકેજના કદ અને સંખ્યાને આધારે એન્જિયોગ્રાફી બાદ કાર્ડિયોલોજિસ્ટ દર્દીને પહેલા એન્જિયોપ્લાસ્ટીની સલાહ આપતાં હોય છે, જેમાં બલૂનની મદદથી સ્ટેન્ટ મૂકવામાં આવે છે અને જો બ્લોકેજ મોટા અને વધુ સંખ્યામાં હોય તો શરીરના અન્ય અંગની ધમનીઓનો ઉપયોગ કરી બાયપાસ ઑપરેશન કરવામાં આવે છે, પરંતુ કેલ્શિયમના કારણે સર્જાતા એક બ્લોકેજની સ્થિતિમાં, એન્જિયોગ્રાફી બાદ સીધો બાયપાસનો નિર્ણય કાર્ડિયોલોજિસ્ટ લેતા હોય છે.

સુરતના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અતુલ અભ્યંકર આ સંદર્ભે જણાવે છે કે, કેલ્શિયમના કારણે સર્જાતા બ્લોકેજ ખૂબ જ કઠિન હોય છે, લગભગ હાડકાં જેટલાં મજબૂત. આ પ્રકારના બ્લોકેજને ખોલવા માટે એન્જિયોગ્રાફી બાદ એન્જિયોપ્લાસ્ટીમાં બલૂન ઉતારવામાં આવે અને ખૂબ પ્રેશર કરવામાં આવે તો પણ બ્લોકેજ ખૂલવાની કોઈ શક્યતા હોતી નથી. બલૂન ફૂલે નહીં ત્યાં સુધી સ્ટેન્ટ મૂકવું શક્ય હોતું નથી અને જો વધુ પ્રેશર કરવામાં આવે તો બલૂન ફાટી જવાની શક્યતા પણ રહે છે. માટે આ પ્રકારના બ્લોકેજમાં બાયપાસ સર્જરીની સ્ટાન્ડર્ડ પદ્ધતિને ફોલો કરવામાં આવે છે. એક બ્લોકેજ હોય તેમ છતાં અને દર્દીની ઇચ્છા ન હોય તેમ છતાં કેલ્શિયમના બ્લોકેજ દૂર કરવા માટે બાયપાસને આખરી શસ્ત્ર અત્યાર સુધી ગણવામાં આવતું હતું, પરંતુ હવે હીરા જડિત રોટો બ્લેટરની મદદથી રોટેશનલ એથરેક્ટોમી પદ્ધતિથી કેલ્શિયમના બ્લોકેજ દૂર કરવામાં આવે છે.

દુનિયામાં ૧૯૯૩માં પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં ઉપયોગમાં લેવામાં આવેલી રોટો બ્લેટર પદ્ધતિનું ચલણ છેલ્લાં પાંચ વર્ષમાં વધ્યું છે. આ પદ્ધતિથી થતી હાર્ટની એન્જિયોપ્લાસ્ટીમાં કેલ્શિયમના કારણે સર્જાયેલા કડક બ્લોકેજને ખોલવા સૌથી કડક સ્ફટિક હીરા જડિત ડ્રિલનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયમન્ડ સ્ટડેટ રોટો બ્લેટરને કેથેટરની મદદથી બ્લોકેજ સુધી લઈ જઈ હવાના દબાણનો ઉપયોગ કરી કડક બ્લોકેજને ૫ાંચ માઇક્રોન કે તેથી નાના-નાના ટુકડામાં તોડવામાં આવે છે. કડક બ્લોકેજને તોડવા માટે રોટો બ્લેટર ૧ મિનિટમાં ૧ લાખ ૫૦ હજારથી ૨ લાખ રોટેશન ફરે છે. હીરા જડિત ડ્રિલનો આકાર જ એ પ્રકારનો બનાવવામાં આવ્યો છે કે જેથી કરીને તે જ્યારે આટલી ઝડપથી ફરે ત્યારે પણ ધમનીના સારા ભાગને નુકસાન ન કરે અને માત્ર ને માત્ર કેલ્શિયમવાળા ભાગને જ તોડે. કેેેલ્શિયમના ભૂકાને ૫ાંચ માઇક્રોન કરવા પાછળનો ઉદ્દેશ રોટા બ્લેટરનો એ છે કે, લોહીમાં વહેતા રક્તકણનો આકાર ૭ માઇક્રોન જેટલો હોય છે અને તે રક્તનળીઓમાં સહેલાઈથી ફરી શકે છે. તેથી કેલ્શિયમના આ ટુકડાઓ પણ ધમનીઓમાં ફરી કિડની સુધી પહોંચી કચરામાં પરિવર્તિત થઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે.

ડૉ. અતુલ અભ્યંકર આ સંદર્ભે જણાવે છે, રોટા બ્લેટરની પદ્ધતિ ઉપયોગી હોવા છતાં તે સમયે ડ્રિલ કર્યા બાદ ધમનીમાં મૂકવામાં આવતાં સ્ટેન્ટ ધાર્યું પરિણામ આપતાં ન હતાં. ૪-૫ વર્ષમાં દર્દીમાં ફરી નળી સંકોચાય જવાની સમસ્યા જોવા મળતી હતી. જેથી વધુ ખર્ચ કરવા છતાં દર્દીને રાહત નહીં થવાથી કાર્ડિયોલોજિસ્ટ બાયપાસનો માર્ગ પસંદ કરતા, પરંતુ હવે સ્થિતિ બદલાય છે. સ્ટેન્ટ બનાવતી કંપનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલાં સંશોધનોને કારણે હવે મેડિસિન કોટેડ સ્ટેન્ટ માર્કેટમાં આવ્યાં છે જે લાંબા ગાળા સુધી સારાં પરિણામ આપે છે અને તેથી જ હવે ૧ કેલ્શિયમ બ્લોકના કિસ્સામાં પણ બાયપાસને બદલે દર્દીને આર્ર્થિક અને શારીરિક રીતે રાહત આપતાં રોટો બ્લેટર પદ્ધતિથી સારવાર કરી આપવાની કાર્ડિયોલોજિસ્ટ ઑફર કરે છે. આ ઉપરાંત હવે હૃદયની નળીઓમાં સર્જાયેલા બ્લોકેજને ઓપરેટ કરતાં પહેલાં ઇન્ટ્રા વાસ્ક્યુલર અલ્ટ્રા સાઉન્ડ અને ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફીની મદદથી મોટી ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે. જેના કારણે એક્સ-રૅમાં જોવા મળતું કેલ્શિયમનું બ્લોકેજ નળીની અંદરની તરફ છે કે બહારની તરફ છે તેની સ્પષ્ટતા કાર્ડિયોલોજિસ્ટ કરી શકે છે અને રોટો બ્લેટરનો ઉપયોગનું સારું પરિણામ પણ મળી શકે છે. એક સમયે મોંઘી લાગતી આ સારવાર પદ્ધતિ હવે બાયપાસની સરખામણીમાં સસ્તી પડે છે.
————

હરિશ ગૂર્જરહેલ્થ સ્પેશિયલ
Comments (0)
Add Comment