ભવનાથનો મિનીકુંભઃ ભક્તિરસની સાથે વીરરસનો સંગમ

પહેલીવાર મિની કુંભમેળાના સત્તાવાર દરજજા સાથેનો જૂનાગઢનો શિવરાત્રિનો આ મેળો હતો.
  • શ્રદ્ધા – દેવેન્દ્ર જાની

જૂનાગઢનો શિવરાત્રિનો મેળો આ વર્ષે પહેલીવાર મિની કુંભમેળાના સત્તાવાર દરજજા સાથે યોજાયો હતો. અખાડાઓ અને આશ્રમોની સાથે પ્રથમ વખત સરકારી સ્તર પર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભજન, ભોજન અને ભાંગના સંગમ સમા આ કુંભમેળામાં અંતિમ દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી. સરહદ પર ભારતીય જવાનો વીરતા બતાવી રહ્યા છે ત્યારે દેશપ્રેમનો જુવાળ ભવનાથની તળેટીમાં પણ જોવા મળ્યો હતો. ભક્તિ રસની સાથે વીર રસનો અનોખો સંગમ ભવનાથમાં જોવા મળ્યો.

જય ગિરનારી..બમ બમ ભોલે..ના નાદ સાથે ગિરિ તળેટી ગુંજી રહી છે. ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ તળેટીમાં આ વર્ષે ભરાયેલા શિવરાત્રીના મેળાનો માહોલ કંઈક અલગ જ જોવા મળ્યો હતોે. પહેલીવાર મિની કુંભમેળાના સત્તાવાર દરજજા સાથેનો જૂનાગઢનો શિવરાત્રિનો આ મેળો હતો. બીજંુ, સોમવારને શિવરાત્રિનો અદ્ભુત સંયોગ હોવાથી ભાવિકોનો ઉત્સાહ બેવડાયો હતો. ભવનાથ મંદિરથી લગભગ એકથી દોઢ કિ.મી. દૂર સુધી જ્યાં નજર પડે ત્યાં સુધી ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. ભવનાથની તળેટીમાં પહોંચનાર હર કોઈને જાણે શિવદરબારમાં પહોંચ્યાનો અદ્ભુત અનુભવ થતો હતો. આ વર્ષે નજારો કંઈક અલગ જ હતો. ભવનાથ મંદિરની આગળના ભાગમાં વિશ્વનંુ સૌથી ઊંચું રુદ્રાક્ષનું શિવલિંગ અને મંદિરની પાછળ વિરાટ શિવલિંગ આકારની ઇમારત અને ગિરનાર પર્વત દૃશ્યમાન થતો હતો. સાધુ-સંતોના આશ્રમ અને અખાડાઓની સાથે આ વખતે પહેલીવાર સરકારી સ્તર પર મેળામાં ભજન અને ભોજનની વ્યવસ્થાઓ જોવા મળી હતી. જૂનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીના મેળાનું આકર્ષણ છે નાગા સાધુઓ. આ વર્ષે પ્રયાગમાંથી સીધા જ નાગા સંન્યાસીઓ મોટી સંખ્યામાં ભવનાથ આવ્યા હતા. ભવનાથ મંદિરની ફરતે નાગા સાધુઓ તંબુઓ તાણીને ધૂણી ધખાવીને બેઠા હતા. શરીર પર ભભૂતી, લાંબી જટા અને હાથમાં ચીપિયો એ દિગંબર સાધુની ઓળખ છે. રખે માની લેતા કે નાગા સાધુ બનવું આસાન હોય છે. હકીકતમાં આ એક એવી સાધના છે જે એક સૈનિક જેવી કઠિન પરીક્ષાઓમાંથી પસાર થયા બાદ સિદ્ધ થઈ શકે છે. અખાડાઓ અને મઠમાં એક સૈનિકની જેમ નાગા સાધુને તૈયાર કરવામાં આવે છે.

જૂનાગઢના શિવરાત્રીના મેળાનો ઈતિહાસ
દર વર્ષે મહા વદ નોમથી મહા વદ ચૌદશ શિવરાત્રિની મધ્યરાત્રિ સુધી ભવનાથમાં મેળો ભરાય છે. પાંચ દિવસનો આ મેળો હોય છે. હજારો વર્ષ જૂની મેળાની આ પરંપરા છે. સાધુઓના શાહી સરઘસ સાથેનો મેળો છેલ્લાં ૧પ૦ વર્ષથી યોજાઈ રહ્યો છે. જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં મહાદેવના મંદિરે ધજા ચડે પછી આ મેળાનો પ્રારંભ થાય છે. મહાશિવરાત્રિની રાત્રીએ નાગા સાધુઓનંુ સરઘસ – રવાડી નીકળે છે અને મૃગીકુંડમાં સ્નાન બાદ આ મેળાની પૂર્ણાહુતિ થાય છે. આ વર્ષે તા. ર૭ ફેબ્રુઆરીએ શરૃ થયેલો મેળો તા.૪ માર્ચે પુરો થયો હતો. મેળો શરૃ થાય તેના એક સપ્તાહ અગાઉથી સાધુઓનંુ આગમન ગિરનાર તળેટીમાં થઈ જાય છે. જૂનાગઢમાં યોજાનારા શિવરાત્રિના મેળામાં એક હજારથી વધુ સાધુઓ આવ્યા હોવાનો અંદાજ છે.

મહાશિવરાત્રિની રાત્રે નવ વાગ્યાની આસપાસ  ભવનાથ મંદિર જૂના અખાડાથી નાગા બાવાઓનું એક સરઘસ નીકળે છે. આ રવાડી રાત્રે ૧૨ વાગ્યે ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડ નજીક આવે છે. બાદમાં દિગંબર સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે અને આ ઐતિહાસિક મેળાની પૂર્ણાહુતિ થાય છે. એવી એક લોકવાયકા છે કેટલાક દિગંબર સાધુઓ આ શાહી સ્નાન કર્યા બાદ મૃગીકુંડમાંથી ગાયબ થઈ જાય છે. કેટલાક સાધુઓ વર્ષમાં એક જ વાર શિવરાત્રિ પર ભવનાથ આવતા હોય છે, બાકીના સમયમાં તે ગીરના જંગલોમાં રહેતા હોય છે.

ભવનાથ મંદિરના પૂર્વ મહંત અને ગિરનાર અંબાજી મંદિરના વર્તમાન મહંત તનસુખગિરિ બાપુ ‘અભિયાન’ને કહે છે, ‘સનાતન ધર્મમાં જૂનાગઢના શિવરાત્રિના મેળાનું વિશેષ મહત્ત્વ છે. હિમાલયથી ભગવાન શંકર ભ્રમણ કરતાં કરતાં ભવનાથ આવ્યા હતા અને મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું એટલે ભવનાથ અને મૃગીકુંડનું સાધુ સમાજનું વિશેષ મહત્ત્વ છે. પ્રાચીન મુચકુંદની જગ્યાએથી સંતોએ નગર પ્રવેશ કરીને મેળાનો આરંભ કરાવ્યો હતો. પ્રાચીન સમયમાં ઉજજયન પર્વત તરીકે ઓળખાતો પર્વત આજે ગિરનાર તરીકે જાણીતો છે. ગિરનારની ગોદમાં ભરાતા આ મેળામાં લાખો ભાવિકો ખૂબ શ્રદ્ધાથી ભાગ લે છે. આ વર્ષે ભવનાથનો આ મેળો સત્તાવાર રીતે મિનીકુંભ બન્યો હોવાથી તેનો સાધુ-સંતો અને ભાવિકોમાં વિશેષ આનંદ જોવા મળી રહ્યો છે.

મિની કુંભ મેળાનો દરજ્જો
મહામંડલેશ્વર અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીબાપુ કહે છે, ‘જૂનાગઢનો શિવરાત્રિનો મેળો પ્રાચીન પરંપરા ધરાવે છે. ગુરુ સૂર્યભારતીજીના સમયથી એટલે કે દોઢસો વર્ષથી રવાડી – સાધુઓના સરઘસ સાથે મેળાની પરંપરા શરૃ થઈ હતી. ધીરે-ધીરે મેળાનંુ આ આકર્ષણ બનતું ગયું હતંુ. આ ઉપરાંત દેશમાં હાલ ૧૩ અખાડાઓ આવેલા છે. આ અખાડાના સાધુઓ ભવનાથના મેળામાં આવે છે. ખાસ કરીને નાગા સંન્યાસીઓ આ મેળાનું આકર્ષણ બન્યા છે.  ર૦૧૯ના ભવનાથના આ મેળાને રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે મિનીકુંભ મેળાનો દરજજો અપાયો છે. ભવનાથના મેળાને સાધુ-સંતોએ તો અગાઉથી જ કુંભનો મેળો ઘોષિત કર્યો હતો, પણ પહેલીવાર સત્તાવાર રીતે આ મિનીકુંભ ભરાયો છે. દેશમાં ચાર સ્થળોએ કુંભનો મેળો થાય છે, પણ મિનીકુંભ એક માત્ર ભવનાથમાં યોજાયો છે. જૂનાગઢના શિવરાત્રીના મેળાને મિનીકુંભનો દરજજો મળતા અનેક ફાયદાઓ થયા છે. પહેલીવાર રુદ્રાક્ષના શિવલિંગ સહિતના નજરાણાનો ઉમેરો થયો છે. સરકાર તરફથી રૃ.૧પ કરોડ આ વર્ષના મેળા માટે ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગિરનારનાં પગથિયાંના નવનિર્માણ માટે સરકારે રૃ.૬ કરોડ ફાળવ્યા છે. સરકારે આ વર્ષે મેળામાં અખાડા અને આશ્રમો જે છે તેને વીજળી, પાણી, રોડ – રસ્તાની વિનામૂલ્યે સુવિધા ઉપરાંત રાશન અને ગેસ કિફાયતી ધોરણે આપ્યા છે.  સાધુઓ માટે વીઆઈપી ટેન્ટ સિટી ઊભા કરવામાં આવ્યા છે.

તળેટીમાં આપાગીગાની જગ્યા (ચોટીલા ) દ્વારા ર૪ કલાક ભાવિકોને ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહેલા નરેન્દ્રબાપુ કહે છે, ‘આ વર્ષે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમે ચોખ્ખા ઘીનો મોહનથાળ સાથે બુંદી, ગાંઠિયા, શાક અને રોટલી સાથેનું પૂર્ણ ભોજન ર૪ કલાક ભાવિકોને પીરસી રહ્યા છીએ. નોકરી-ધંધા છોડીને સ્વયંસેવકો સેવાની ભાવનાથી કામ કરવા આવ્યા છે. આતિથ્યની ભાવના માટે સૌરાષ્ટ્ર જાણીતું છે. આ તો સંતો, શૂરા અને સાવજોની ભૂમિ છે. ભવનાથના મેળામાં ર૦૦ જેટલાં અન્નક્ષેત્રો ધમધમી રહ્યાં છે. શનિ-રવિની રજા અને સોમવારે શિવરાત્રિ આવી હોવાથી હૈયે હૈયંુ દળાય તેવી ભીડ જોવા મળી રહી છે. સરકારે મિનીકુંભની જાહેરાત સાથે સારી શરૃઆત કરી છે. હવે આગળનાં વર્ષોમાં વધુ નવા નજારાણાઓ આ મેળામાં ઉમેરાશે.

વિશ્વનું સોૈથી ઊંચું રુદ્રાક્ષનું શિવલિંગ
સરકારના યાત્રાધામ વિભાગ દ્વારા પહેલીવાર ભવનાથના મેળામાં ભારતી આશ્રમના બહારના ભાગમાં વિશ્વનું સૌથી ઊંચું પ૧ ફૂટ અને પ૧ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ ઊભું કરવામાં આવ્યંુ છે. આ શિવલિંગ બરોબર ભવનાથ મંદિરની સામે જ છે. મેળાનું આ સૌથી મોટંુ આકર્ષણ બન્યું છે. એક રૃપિયાના સિક્કાથી આ શિવલિંગ પર  અભિષેક કરી શકાય તેવી ઇલેક્ટ્રિક સિસ્ટમથી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરના પાછળના ભાગે પ્રથમ વખત ખાસ લેસર શૉની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભવનાથનો મેળો અને જૂનાગઢના ઐતિહાસિક માહિતી લેસર શૉની મદદથી આપવામાં આવી હતી. આ લેસર શૉ પણ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. મેળામાં આ વખતે સરકારી યોજનાઓની માહિતી આપતાં સ્ટોલ વધુ જોવા મળ્યા હતા. મેળામાં રેન્જ આઈજીના સુપરવિઝન હેઠળ ૩૪ ઝોન પાડીને બંદોબસ્ત ગોઠવાયો હતો. યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતંભરા, મોરારિબાપુ સહિતના મહાનુભાવોએ મેળામાં ખાસ હાજરી આપી હતી. સરકારી કાર્યક્રમો માટે ઇન્દ્રભારતી આશ્રમ નજીક પ્રકૃતિધામની જગ્યા પસંદ કરવામાં આવી હતી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલી માર્ચે મેળામાં આવ્યા હતા. તેમણે સંતો સાથે ભવનાથની પૂજા કરી હતી. નાથ સંપ્રદાયના યોગી આદિત્યનાથે તેમના ગુરુભાઈ શેરનાથબાપુની જગ્યાની મુલાકાત પણ લીધી હતી.

મેળામાં હવે શોકના બદલે જશ્નનો માહોલ
સરહદ પર તનાવની સ્થિતિ વચ્ચે ભારતીય જવાનો દુશ્મનોના દાંત ખાટા કરી રહ્યા છે. તેની અસર ભવનાથના મેળામાં જોવા મળી હતી. ભક્તિરસની સાથે વીરરસ પણ અહીં છલકાતો જોવા મળ્યો હતો. પુલવામા હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થતા દેશમાં શોકનો માહોલ હતો ત્યારે સંતોની બેઠકમાં રવાડી સાદાઈથી કાઢવા અને મોટા મંદિરોમાં થાળ ભેટ આવે તે શહીદોના પરિવારને આપવાનો નિર્ણય કરાયો હતો. મહામંડલેશ્વર ભારતીબાપુએ કહ્યું હતું કે ભારતીય વાયુદળે પાકિસ્તાનની સીમામાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી બાદમાં જે દેશમાં જવાનોની વીરતાને બિરદાવાઈ રહી છે ત્યારે હવે અમે નિર્ણયમાં ફેરબદલ કર્યો છે. હવે રવાડી ધામધૂમથી નીકળશે. રાવટીઓ અને આશ્રમોમાં જે ભજનો ગવાતાં હતાં તેમાં પણ સાથે શૌર્ય ગીતો સાંભળવા મળતાં હતાં.

સાધુઓનો આધુનિક સાધનો સાથે લગાવ
પ્રગાયના કુંભના મેળામાં સાધુઓ આઈફોન સાથે મોંઘી ગાડીઓમાં ફરતા હોય હોય તેવા ફોટા ખૂબ વાયરલ થયા હતા. આવા જ દૃશ્ય જૂનાગઢના ભવનાથના મેળામાં પણ જોવા મળ્યા હતા. આ અંગે જ્યારે કેટલાક સાધુઓને પૂછયું તો એવો જવાબ મળ્યો હતો કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજના સમયમાં કેટલાક સાધુઓ આવાં સાધનોનો ઉપયોગ કરે છે તે કેટલીક હદ સુધી સ્વીકાર્ય છે. આ સાધનોનો ઉપયોગ મર્યાદાઓનો ભંગ થાય તે રીતે ન થવો જોઈએ. સમાજના સેવા કાર્ય માટે થાય તો વાંધો હોવો જોઈએ નહીં.

મહિલા સાધ્વીઓ
દરેક અખાડાઓમાં મહિલા સાધ્વીઓ હોય છે. સામાન્ય રીતે અખાડાઓમાં પુરુષ અને મહિલા સાધ્વીઓની દીક્ષાના નિયમો સરખા હોય છે, પણ તેમાં એક નિયમ એ છે કે મહિલાઓએ એક પીળું વસ્ત્ર ફરજિયાત પહેરવાનું હોય છે. ભવનાથના મેળામાં મંદિરની ડાબી બાજુ એક ધૂણા પર મહિલા સંન્યાસીઓ ભભૂતી સાથે ભક્તિમાં લીન જોવા મળી હતી. આ મહિલા સંન્યાસીઓ સાથે વાત કરી તો કહ્યું કે, પ્રયાગથી સીધા ભવનાથ આવ્યાં છીએ. અમારી ફકીરી પર અમને ગર્વ છે. આ ધૂણો એ અમારું સર્વસ્વ છે. જોકે તેમણે ફરિયાદ એ કરી હતી કે ભલે જૂનાગઢને મિનીકુંભનો દરજજો મળ્યો પણ હજુ અમને સાધુઓને તેનો લાભ પહોંચ્યો નથી. સ્નાન માટે પાણી કે ધૂણા માટે લાકડાની વ્યવસ્થા હજુ અમારે જાતે કરવી પડે છે.

‘હું શરીરે બોમ્બ બાંધીને સરહદ પાર જવા તૈયાર છંુ’
ગિરનાર અંબાજી મંદિરના મહંત અને સાધુ સમાજના આગેવાન તનસુખગિરિબાપુ સાથે ભવનાથ મંદિરમાં જ્યારે વાતચીતનો દોર ચાલતો હતો એ સમયે સરહદ પર તનાવની ચર્ચા થતાં જ તેમણે લલકાર સાથે કહ્યું હતું કે, ‘વીર જવાનો જેવો જ દેશપ્રેમનો જુસ્સો અમારા સાધુ સંતોમાં હોય છે. જ્યારે સનાતન ધર્મ કે દેશ પર આંચ આવે ત્યારે અમે પણ દુશ્મનો સામે લડવા પાછી પાની નથી કરતા. સાધુઓમાં પણ સૈનિકો જેવી જ દેશભક્તિ હોય છે. આ ભોળાનાથની સાક્ષીએ આપને કહી રહ્યો છું કે મને ફાઇટર પ્લેન ચલાવતા નથી આવડતું, પણ જો સેના મને બોલાવે તો હું મારા શરીરે બોમ્બ બાંધીને સરહદ પાર જઈને દુશ્મનોનો ખાતમો બોલાવવા તૈયાર છું. અમે એક સાધુ તરીકે જ્યારે પણ દેશની સેનાને અમારી જરૃર પડે ત્યારે અમે સાથે આવવા તૈયાર છીએ.’
—————–

કુંભમેળોજુનાગઢદેવેન્દ્ર જાની
Comments (0)
Add Comment