- ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
જો કામ નહીં કરીએ તો લિવિંગ બગડી જશે
ફક્ત કામ કર્યા કરીશું તો લાઇફ સબડી જશે
સુખ એ કાર્યરત રહેવાની સ્થિતિ છે. ચતુર માણસનો ઉદ્દેશ દુઃખ દૂર કરવાનો હોય છે, નહીં કે સુખ પ્રાપ્ત કરવાનો. મનોરંજનમાં સુખ નથી. દુઃખ વિના શીખવાનું શક્ય નથી. ઇચ્છાની પ્રકૃતિ જ અસંતોષી રહેવાની છે અને બહુમત લોકો ઇચ્છા સંતોષવા મથ્યા કરતાં હોય છે. મનુષ્ય મૂળેથી જ લક્ષ્યાંક તરફ ચાલવા ‘ને પામવાનો સ્વભાવ ધરાવે છે. આપણે જે વારંવાર કરીએ છીએ તે જ આપણે પોતે બની જઈએ છીએ. ભૌતિક વળતર આપતું દરેક કામ મન ગળતું જાય છે ‘ને મનને હલકટ બનાવે છે. આપણે વર્ષો નહીં, આપણે જે ક્રિયાઓ કરીએ છીએ તે જીવીએ છીએ. માણસ કામ કરે છે તેનો પ્રાથમિક હેતુ અંતે આરામ કરવાનો છે.
વેલ, આ બધું એરિસ્ટોટલ કહી ગયા છે. પશ્ચિમની વિચારસરણી ‘ને જીવની પર જેમની ગંભીર અસર છે. મુદ્દો કામ છે. એરિસ્ટોટલજીના ઉપરના ક્વોટ્સ એકમેક સાથે સાંકળીને અર્ક કાઢો તો આગળની વાત અહીં અત્યારે જ સમજાઈ જશે. ડુઇંગ, એક્શન, જોબ, વર્ક જેવા શબ્દો વચ્ચે રહેલો ભેદ એમને ખબર હતી. આપણે ત્યાં ક્રિયા, કાર્ય, કામ ‘ને કર્મ જેવા શબ્દોની રેન્જ છે. છતાં એ સર્વવિદિત બાબત છે કે જેમ વ્યવહારમાં નોર્મલ માનવી માઇન્ડ ‘ને બ્રેઇન વચ્ચેનો ફર્ક દિલ પર નથી લેતો તેમ વર્ક ઇઝ વર્શીપ બોલે ત્યારે એ ડ્યૂટી, સર્વિસ ‘ને બિઝનેસ જેવા શબ્દો વચ્ચેના અંતરને આત્માથી દૂર રાખે છે. હિબ્રુ ભાષામાં એક શબ્દ છે- અવોદાહ. આધુનિક યહૂદીઓ તેનો અર્થ કાઢે છે- વર્ક, વર્શીપ ‘ને સર્વિસ. વ્યવસાય ‘ને વૃત્તિ સંસ્કૃતમાં એક થઈ શકે છે. અલબત્ત, કામ અંગે ભાષા જે કહે તે આખરે થોડું કે પૂરું શરીર વપરાય અને અંતે પૈસા મળે એ કામ એવો આપણો તારવેલો અર્થ છે. અંગ્રેજી ભાષામાં વર્ક શબ્દનો એક વિરોધી શબ્દ છે ફન. આળસ, પ્રમાદ, નિષ્ફળતા, મનરંજનને પણ વર્કના દુશ્મન ગણવામાં આવ્યા છે. ઉદ્યમ, સંઘર્ષ, પ્રયત્ન, પરસેવો, ઉત્પાદન જેવા શબ્દો મિત્રની સૂચિમાં છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે એવું આપણા વડવાઓએ વર્ક કરીને આપણને સમજાવેલું છે. માણસ રાજકીય પ્રાણી છે એવું એરિસ્ટોટલ જેવા જૂજ વડીલોએ સમજાવવાનું વર્ક કર્યું છે. માનવી સ્વાર્થી છે ‘ને અમાનવી છે એવું ઘણા જાતે વર્ક કરીને સમજ્યા છે. ઢગલાબંધ લોકો માને છે કે તેમના જીવનના ત્રણ મુખ્ય સિદ્ધાંત છે- વર્ક, વર્ક ‘ને વર્ક. વર્ક ઇઝ ગોડ ‘ને રિલિજયન કહેવા લખવા પૂરતું હોય છે. બાકી મસ્તિષ્કમાં વર્ક ઇઝ લોજિક, વર્ક ઇઝ રેશનાલિટી ‘ને વર્ક ઇઝ હ્યુમેનિટી ભર્યું હોય છે. વર્ક ઇઝ લાઇફ ‘ને વર્લ્ડ મનાવનારા એ વર્કિસ્ટ લોકોએ વર્કને કુદરત, વિજ્ઞાન ‘ને બ્રહ્માંડ કહેવાનું બાકી રાખ્યું છે. ના, અહીં કર્મવાદની વાત નથી થતી. વાત આપણા સંસારને વર્ક માટેની ઑફિસ ગણનારા હોમો વર્કિઅસ વર્કિઅસ બની ગયેલા હ્યુમન્સના વર્કિઝમની છે.
ભારતની આઝાદી પહેલાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિક જ્હોન કેઇન્સ વિશ્વના પ્રમુખ અર્થશાસ્ત્રી હતા. જેમના લખાણ કે સલાહ થકી મેક્રોઇકોનોમિક્સ ‘ને જગતભરની સરકારની આર્થિક નીતિઓમાં આધારભૂત પરિવર્તન આવેલા. ‘૩૦માં એમણે લખેલો નિબંધ ‘ઇકોનોમિક પોસિબિલિટીઝ ઓફ અવર ગ્રાન્ડચિલ્ડ્રન’ એ જમાનામાં ભવિષ્યની કલ્પના કરતાં કહેતો હતો કે એકવીસમી સદીમાં ૧૫ કલાક કામ એટલે કે પાંચ દિવસનું વિકએન્ડ હશે ત્યારે મનુષ્યજાતનો સમસ્ત જીવનમાં પહેલી વાર તેની સાચી સમસ્યાનો સામનો થશે- ફુરસદનો સમય કેવી રીતે પસાર કરવો? ભણેલા ભદ્ર વ્યક્તિએ બતાવેલું આ સપનું ચિચિયારીઓ ‘ને તાળીઓથી વધાવવામાં આવેલું. બધી ગાળો રાજકારણ ‘ને ધર્મનું કામ કરતાં પ્રવચકો જ ખાય છે અને આવા વાસના પ્રચૂર ગપ્પાઓ પર લોકો પૈસા ‘ને ફૂલ વરસાવે છે. આગળ આવેલા સમાજના ભાગ કે દેશોમાં આ વિચારડું ત્યારનું વર્તમાન જીવન જીવવા માટે ચમત્કારી એવરેજ આપતું ઈંધણ બની ગયેલું. ઘણા રિસેસ પહેલાંના પિરિયડમાં ભણીએ છીએ એવી મસ્તીમાં આવી ગયેલાં તો ઘણા રજાના આગલા દિવસે સ્કૂલ છૂટતાં પહેલાંના છેલ્લા પિરિયડમાં ભણીએ છીએ એવા મદમાં. યાદ રહે એ લખાયું ત્યારે સરેરાશ વિકમાં પિસ્તાલીસથી પચાસ કલાક વર્ક થતું.
એ પછી વખત વહેતો વહેતો એનર્જી, પેશન ‘ને મોટિવેશનનો આવ્યો. વિટામિન સી બજારમાં વધુ અને વધુ છવાઈ ગયું. ઓરેન્જ જ્યૂસ, કૉફી ‘ને આપણે જેને કોલ્ડ-ડ્રિન્ક કહીએ છીએ તે ખાંડથી ભરપૂર સોડા-વૉટરની અવનવી રેલમછેલ ચાલી. ચોકલેટથી કામ કરવા માટેની તાકાત આવે એવું ચાલ્યું. કેચ-અપ કે અન્ય સોસ વિના મજા જ ના આવે એવી શોધ થઈ. એસિડ જ એસિડ.
પશ્ચિમમાં આમે મહદ્અંશે ઠંડી રહે એટલે એ બધું લોકોને સારુંય લાગતું. આયુર્વેદ મુજબ પિત્ત અને રજને સીધો સંબંધ. હિન્દુ મત મુજબ માયાવી દુનિયા પ્રત્યે અનુરાગ થવો એટલે અંતે ઈશ્વર વિમુખ થવું, પણ આ તો પૈસો મારો પરમેશ્વર જેવા મહાકાયદાનો પાયો નાખવાનો કાળ હતો. નો યોર પેશન ‘ને ફાઇન્ડ યોર પેશનની દૈવી હાકલોથી માર્કેટ ગાજતું રહ્યું. અંતે એવો મનુષ્ય બહાર આવ્યો જેને વર્ક સિવાય એ જીવનમાં શું કરી શકે છે એ કલ્પના પણ ના આવે. આજે વિશ્વમાં કરોડો લોકો એવા છે જેમને વર્ક ના હોય તો જીવન સજા જેવું લાગે.
દસકાઓથી માહોલ એવો બન્યો છે કે પૈસાવાળો હોય એને વધુ પૈસાવાળા થવાની ધૂન ઊપડી છે. રૃપિયાવાળાને ડૉલરવાળા ‘ને સોનાવાળાને હીરાવાળા થવું છે. ઘરવાળાને ફારમહાઉસવાળા થવું છે. કોર્પોરેટ વર્લ્ડમાં જાડા પગારે જોબ કરનારા રજા વગર કામ કરી મહત્તમ કલાક કામ કરવાનો આદર્શ સ્થાપે છે. અક્કલવાન મહેનતુ ગ્રેજ્યુએટ જેવી નોકરી મળે કે મશીનને શરમ આવે એવું ‘ને એટલું કામ કરવા માંડે છે. એમને વણઅટક્યા ફતવા ‘ને આશીર્વાદ મળે છે કે કમાવાની ઉંમર છે બને એટલું કમાઈ લો. દાર્શનિકો ‘ને લેખકો વીતેલા જમાનામાં કહેતા રહ્યા કે તમે પૈસા કમાવા સિવાય જે કરો છો તે ખરેખર તમે છો, પૈસા કમાવા સિવાય જે જીવો છો તે ખરું જીવો છો. ચલચિત્રો પણ એવા હીરો ‘ને હીરોઇન સફળતાપૂર્વક રજૂ કરતાં કે જેનું વ્યક્તિત્વ એ પૈસા કમાવા સિવાય જે કશું હોય તેના પરથી ડિફાઇન થતું. બાયોડેટા યા સીવીમાં જે હોબી ‘ને ઇન્ટરેસ્ટ છાપ્યા હોય તે ઇન્ટરવ્યૂમાં ધ્યાન પર લેવામાં આવતાં, પરંતુ એ જમાનો આરઆઈપી થઈ ગયો.
અને આજે? આજે તમે પૈસા કમાવા જે કામ કરો છો તે અને તે જ તમારી ઓળખ બની ગઈ છે. અપવાદને જેએસકે. ઓળખાણ થાય કે સામેવાળો પૂછશે કે શું કરો છો? કહેવાતાં ત્રીજા ચોથા વર્ગના કર્મચારી વા મનુષ્યો માટે ભલે સ્ટેટસ કે આઇડેન્ટિટી નામની પરિસ્થિતિ એની એ રહી, પરંતુ મધ્યમ વર્ગ અને પ્રથમ વર્ગના સામાજિક પ્રાણીઓનો હુંકાર ફક્ત એમના વર્ક સાથે જોડાઈને રહી ગયો. કોણ કેવું છે એ પેસ્લિપ નક્કી કરે છે. ભણતર? ગણતર? એક્સ્ટ્રા કે જન્ક ડેટાની કોને પડી છે! સંસ્કાર ‘ને સંસ્કૃતિ જેવી બાબતો લાચારી બનતી ગઈ. સદ્ગુણો ‘ને સજ્જનતા ભગ્નાવેષ ઉર્ફે નકામો સરસામાન બનતા ગયા. ઇજનેર છે તે નહીં, કઈ કંપનીમાં કઈ પોસ્ટ છે તે અને એથી વિશેષ કેટલો પગાર પાડે છે તે મહત્ત્વનું બની ગયું છે. વર્ક એ ઓળખ અને સ્વભાવ માત્ર નથી, અસ્તિત્વ બની ગયું છે. મૃત્યુ બાદ ચિત્રગુપ્ત કે જે કોઈ પૂછે કે ભૂરા/ભૂરી તેં જીવનમાં શું કર્યું? તો એ વિથ પ્રાઉડ કહેશે કે મેં આથી આ વર્ષ સુધી ફલાણી કંપનીમાં કામ કર્યું, પછી જમ્પ માર્યો ‘ને ઢીંકણી મલ્ટિનેશનલ જોઇન કરી. આટલો પગાર ‘ને તેટલાં પર્કસ. પછી? પછી? પછી? અલ્યા, ચિત્રગુપ્ત તને ખબર નથી કે પૃથ્વી એટલે પ્લેનેટ ઓફ વર્ક, પ્લેનેટ બાય વર્ક ‘ને પ્લેનેટ ફોર વર્ક? અહીં જીવ્યા હોય તો કામ, કામ ‘ને કામ જ કરવાનું હોય ને!
અમેરિકન સેમ્યુઅલભાઈનું પુસ્તક “હુ આર વી? ધ ચેલેન્જિઝ ટુ અમેરિકા’ઝ નેશનલ આઇડેન્ટિટી” કહે છે કે અમેરિકા અને બાકીના અન્ય વિકસિત દેશોમાં એક બહુ મોટો ફરક છે. અમેરિકામાં દર વર્ષે જેટલા કલાક કામ થાય છે તે અન્ય જી-૫ કે મોટા ઉર્ફે ઊંચા દેશોની સરખામણીમાં નોંધપાત્ર રીતે જ્યાદા છે અને આ ગેપ સર્જવા ‘ને જાળવવામાં મોટામાં મોટો ફાળો અતિધનાઢ્ય લોકોનો છે. એંશીના સમય સુધી ટોપની ઇન્કમવાળા માણસો મધ્યમ કે નીચી ઇન્કમવાળા કરતાં ઓછું કામ કરતા. જ્યારે ૨૦૦૦ પછીના ગાળામાં પરણેલા રિચ માણસો સૌથી વધુ કલાકો કામ કરવા લાગ્યા. એકવીસમી સદીમાં કૉલેજ ભણેલા યુવાનોએ તેમનો મોજમજા કે નવરાશનો સમય કાપી અને વધુ કામ કરવામાં ફાળવવાનું શરૃ કર્યું. અંતે અમેરિકાએ વિશ્વને એક્સ્ટ્રીમ વર્કિઝમની ભેટ આપી. આર્થિક રીતે ઉચ્ચ વર્ગ એવં વર્કના અમેરિકનો વિશ્વના ટોચના વર્કોહોલિક બન્યા.
પરિણામ? અગાઉના અર્થશાસ્ત્ર ‘ને સમાજશાસ્ત્રનાં તારણો અને અનુમાન ખોટા પડ્યા. આંકડાશાસ્ત્ર એવું ધારીને બેઠેલું કે કાયમ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકો વધુ કલાકો કામ કરે છે અને કરતા રહેશે. એ જમાનામાં માલેતુજાર લોકો ખાવા, પીવા, નાચવા ‘ને ગપાટા મારવા કે સીનસપાટા કરવામાંથી ઊંચા નહોતા આવતા. આજના વૈશ્વિક ધનિકો અગાઉના ધનિકો કરતાં વધુ સંપત્તિ ધરાવે છે. છતાં એમણે ઓવરઓલ એક જ ચીજ ખરીદવામાં રસ દાખવ્યો છે- વર્ક. શેઠ ‘ને શેઠના ડાબા જમણા હાથ બનેલા સ્વયં હાઈએસ્ટ કામ કરીને સ્ટાફ પર પ્રત્યક્ષ ‘ને પરોક્ષ પ્રેશર બનાવતા રહ્યા કે હજુ વધુ કામ કરો. લોકો જેવું વાવો એવું લણો ‘ને જેવું કરો એવું પામો જેવી ઉક્તિનો મનોમન અર્થ કાઢતા રહ્યા કે જેટલું વાવો એટલું લણો ‘ને જેટલું કરો એટલું પામો.
શા માટે સામાન્યમાંથી અતિ અને અંતે આત્યંતિક વર્ક કરવા સુધી મનુષ્ય પહોંચ્યો? એક્સ્ટ્રીમ વર્કિઝમ ફોલો કરનારને કામ કરવાથી સર્જન કરવાનો આનંદ આવે છે. જીવન જીવવાનો ખરો અર્થ અનુભવાય છે. ઈશ્વરની યોજનામાં મોટો કે પૂરતો ફાળો આપવાનો સંતોષ થાય છે. દેશ કે સમાજ પ્રત્યેની ફરજ પૂર્ણ કરવાથી આગળ વધીને દેશ ‘ને સમાજને ઊંચે લાવવાનો કે ચલાવવાનો અહેસાસ થાય છે. પોતાના કુટુંબ ‘ને લાગતાવળગતા પ્રત્યેનો પ્રેમ સિદ્ધ કરવાની લાગણી થાય છે. બેશક આવું કરવામાં એ પોતાની શારીરિક તબિયત સાથે માનસિક હાલત ખરાબ કરતાં હોય છે. પોતાની આસપાસ જીવનારાને અવગણતા કે અપમાનતા રહે છે. અહંકાર ‘ને સ્વાર્થમાં ડૂબતાં જાય છે. ક્યાંક કાયદા તો ક્યાંક નૈતિકતા સાથે ખિલવાડ કરવા લાગે છે. મારું કટુંબ એ જ મારું જીવન પ્રકારની સાધારણ કહો કે સર્વસામાન્ય વ્યાખ્યાને કારણે એ ન્યાય-અન્યાયની પોતાની સંકુચિત વ્યાખ્યામાં બંધાઈને અધાર્મિકમાંથી અમાનવીય કર્મ કરવા માંડે છે. ના, આ નિયમો નથી, શક્યતા છે.
રોટી, કપડાં ‘ને મકાન જેવી સામાન્ય ચીજોમાં અધધ વેરાયટી આવી ગઈ. મોંઘી ચીજોના ભાવની જાણે કોઈ મર્યાદા જ નથી રહી. મૂળભૂત જરૃરિયાતો સિવાયની મનોરંજન ‘ને શોખની દુનિયા પર નજર મારો તો આપણને થાય કે જો કશે પણ સ્વર્ગ છે તો અહીં આ જગતમાં જ છે, ફક્ત સૌથી વધુ પૈસાવાળાની મુઠ્ઠીમાં જ છે. રિચ એન્ડ ફેમસ વા સેલિબ્રિટી જાતિના ઇન્સાનોના જીવન વિષે જાણીને મોટી સંખ્યામાં લોકો પ્રેરણા મેળવે છે, આદર્શ પ્રાપ્ત કરે છે. ફોર્બ્સ જેવા માતબર મૅગેઝિન પૈસાવાળાની યાદી બહાર પાડ્યા કરે અને એમના પૈસા ગણીને યુવાન પોતાના જીવનને એટલા પૈસા જેટલું દૂર ધકેલ્યા કરે. ઉંમર વર્ષોમાં નહીં કમાયેલા પૈસામાં મપાવા લાગી. જાજરૃ હોય કે દેવસ્થાન, જેમાં વધુ પૈસા વપરાયા હોય તે આજના કસ્ટમર ચ કન્ઝ્યુમરને પ્યારું લાગે છે. પૈસો તો ફરતો રહેવો જોઈએ કહી કહીને ફ્રી-ઇકોનોમી તેમ જ ગ્લોબલાઇઝેશન તરફથી યુવાનોને એક મહાઆદેશ મળ્યો છે- ઊઠો, જાગો અને કરોડપતિ ના થાવ ત્યાં સુધી મંડ્યા રહો. ‘ને જે યુવાનો નબળી આર્થિક સ્થિતિમાં મોટા થયા હોય વત્તા જેમણે લાંબી પહોળી એમાઉન્ટ ભણવામાં દાવ પર લગાડી હોય એમને બીજું કરવા જેવું દેખાય પણ શું? વર્ક ઇઝ મની અને મની ઇઝ લાઇફ, આ એક જ કાનૂનની બે બાજુ વચ્ચે આજે રોજિંદું જીવન પિસાય છે. એમાં ખોટું શું છે? વારુ, વાત કાયમ રોંગ ‘ને ફોલ્સની ના હોય. પૈસા પાછળ પૂંછડું પટપટાવીને ભાગ્યા જ કરવાની એક મર્યાદા હોવી જોઈએ.
કેપિટાલિસ્ટ ઇકોનોમીને માણસ પોતાના જીવનમાં પૈસાના જમા ઉધાર સિવાય બીજું શું મેળવે ‘ને ગુમાવે છે તેની સાથે મતલબ નથી હોતો. અર્થતંત્રીઓ એવા વિશિષ્ટ વ્યક્તિઓ હોય છે કે જેમનું ફોકસ ફક્ત પૈસા આસપાસ જ ફર્યા કરે છે. શા માટે ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં આઇસલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિઆ, પોર્ટુગલ, ડેન્માર્ક જેવા દેશો ટોચ પર છે? એક મુખ્ય કારણ ત્યાંની પ્રજાનું માનસ છે. આપણે જ્યાં બેમાપ પૈસા ઊભરાતા એ પંજાબમાં આતંકવાદ જોયો છે ‘ને આપણે નવરા બેસી નખ્ખોદ વાળનારા કાશ્મીરમાં આતંકવાદ જોઈ રહ્યા છે. નિઃસંદેહ, વર્ક એ નથિંગ ‘ને એવરિથિંગની ક્યાંક મધ્યમાં સમથિંગ છે.
ન્યૂઝીલેન્ડમાં ‘પરપેચ્યુલ ગાર્ડિયન’ નામની ટ્રસ્ટ, વિલ ‘ને એસ્ટેટ મૅનેજ કરતી એક કંપની છે. અઠવાડિયાના ચાલીસ કલાક નોર્મલ કામ કરતી. કંપનીએ ગયા વર્ષે એક પ્રયોગ કર્યો. પાંચ વર્કિંગ દિવસોમાંથી એક દિવસ કાપી કાઢ્યો. પગાર એટલો જ રાખ્યો. વર્કના કલાકો ઘટાડીને ૩૨ કરી કાઢ્યા. હા, કામ એટલું જ કરવાનું જેટલું ચાલીસ કલાકમાં કરતા હતા. ૨૪૦ એમ્પ્લોઇઝને પૂછ્યા વિના તો આવું નહીં જ કર્યું હોય. આખરે નતીજો એ આવ્યો કે કર્મચારીઓના વર્ક ‘ને હોમ લાઇફ વચ્ચેના બેલેન્સમાં ૨૪% વધારો થયો. કર્મચારીઓ રજા પતે એટલે કામ પર વધુ જોશથી આવવા લાગ્યા. કંપનીની પ્રોડક્ટિવિટી વધી. વર્કર્સની સર્જનાત્મકતા વધી. આવો જ પ્રયોગ ભૂતકાળમાં સ્વિડનમાં પણ થયેલો. રોજના વર્ક અવર્સ ઘટાડીને છ કલાક કરવામાં આવેલા. એઝ એ રિઝલ્ટ, કર્મચારીઓએ કામ પહેલાં જેટલું કે વધુ સારું કર્યું.
આપણને અનુભવ છે કે આપણે જે કામ કરતાં રોજ કલાક લગાડીએ એ આપણને ખરેખર જરૃર હોય કે રેલો આવ્યો હોય તો અર્ધા કે પોણા કલાકમાં ઊંચું મૂકી શકીએ છીએ. સ્પેશિયલ રૃમમાં જે મિટિંગ કરવામાં આવે છે તે બહુ નહીં તો થોડોક સમય વેડફવા માટે જાણીતી હોય છે. કર્મચારીઓને અનુભવ છે કે એમને નવરા ના પડવા દેવા બોસ ઘણુ બોગસ કામ આપતા હોય છે. માલિકો એવું સ્પષ્ટ દેખાડતા હોય છે કે તને મેં અમુક સમય માટે ખરીદી લીધો છે. કામ નહીં હોય તોય તું ઘરે તો ના જ જઈ શકે. કેટલાક કમમાનુષ માલિકો તો કર્મચારીઓ પાસે પોતાના ઘરનું કે પર્સનલ કામ પણ કરાવતા હોય છે. ભાવાર્થનું કહેવાનું કે આજનો કર્મચારી વર્ક પર જેટલા કલાક ગાળે છે એટલા કલાક ખરેખર વર્ક કરતો હોય તેવું જરૃરી નથી. સ્વાભાવિક છે કે નક્કી જાતે કરવાનું હોય છે. પોતાનું જીવન ક્યા-ક્યા કામ માટે વાપરવું છે. યસ, કામ એટલે ફક્ત વર્ક નથી જ. જરૃરિયાતો વધી છે. ભૂખ વધી છે. મોંઘવારી વધી છે. વર્ક તો કરવું જ પડશે, પણ જો એટલું સમજીએ કે વર્ક એટલે જીવનનું બધું જ કામ નથી તો સારું છે. જીવવાનું સમાજમાં છે, મોટા ભાગે કોઈના કોઈ કમ સે કમ અન્ય એક મનુષ્યની સાથે છે. એવું આજ દિન સુધી થયું નથી કે વર્ક કરવા માણસ ઘરે આવે અને વર્કિંગ અવર્સ પતે એટલે ઑફિસ જાય. બાળકોના ભણતર પર વધી ગયેલા પ્રેશરની વાતો કરનારા પિતાએ જાતે સમજવું રહ્યું કે પોતાના પર વર્કનું પ્રેશર આપી અને એ પોતાની સાથે કુટુંબ જોડે કેટલો અન્યાય કરી રહ્યો છે. શૉ-રૃમની વિન્ડોઝ કે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ સિવાય પોતાની લાગતીવળગતી સ્ત્રીઓની ખરીદેલી ચીજો જોઈને દ્રવિત થતી માતાઓએ સમજવું રહ્યું કે જીવન જીવવું એટલે શોપિંગ કરવું નથી. ના, સ્ત્રી-પુરુષ વચ્ચે તફાવત પાડી મુદ્દો બદલીને કોઈ લાભ નહીં થાય. પોઇન્ટ સિમ્પલ છે- બહુ કામ કરવા કરતાં સારું, સાચું ‘ને સક્ષમ કામ કરવું જરૃરી છે. ઉંમર જાય પછી પૈસા કમાવામાં તકલીફ પડે એ સાચું હોય તો એય સાચું છે કે ઉંમર જાય પછી પૈસો હોય તોય ઘણા કામમાં નથી આવતો. ભારત સોનાનું પક્ષી હતું એ સૌને યાદ હશે. શું નવી પેઢી ધનિક થશે એટલે ભારત સ્વર્ગ બની જશે?
બુઝારો
પૈસાના માપદંડથી સમાનતા હાંસિલ કરવી કે ઊંચનીચના ભેદભાવ કરવા એ બંને દિશા અમાનવીયતા તરફ લઈ જાય છે.
—————-