માનવ શરીરમાં બાયોચિપ કેવી રીતે કામ કરે છે?

જાસૂસી કરવાના આશયથી અભિનંદનના શરીરમાં કોઈ ચિપ કે ચિપ્સ બેસાડી કે ઘૂસાડી દીધી છે કે કેમ
  • ટેક્નોલોજી – વિનોદ પંડ્યા

ભારતીય વાયુ સેનાના જાંબાઝ પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ભારતને સોંપવામાં પાકિસ્તાને ધાર્યા કરતાં વધુ કલાકો લીધા ત્યારે નિષ્ણાતો દ્વારા આશંકા વ્યક્ત થઈ હતી કે કદાચ અભિનંદનનું શારીરિક ઉત્પીડન થયું હોય. ટોર્ચરના ઘા રૃઝાય તો પાકિસ્તાનની કરતૂતો ઢંકાઈ જાય તે આશયથી અભિનંદનને પાકિસ્તાનમાં વધુ કલાકો રાખ્યા હોઈ શકે. ઉપરાંત પાઇલટને ઘેનનું ઇન્જેક્શન આપી એમના શરીરમાં કોઈ ઇલેક્ટ્રોનિક્સ ચિપ પણ બેસાડી દેવાઈ હોય તેવો ડર વ્યક્ત થયો હતો. પાકિસ્તાન છે, કંઈ પણ સાહસ કે પ્રયોગ કરે.

અભિનંદન ભારતને પરત મળ્યા પછી એમને સેનાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની વિગતવાર શારીરિક અને માનસિક તપાસ થઈ. અસહ્ય ઊંચા ઘોંઘાટિયા સંગીત અને પ્રકાશ વચ્ચે બેસાડીને એમને એવો માનસિક ત્રાસ અપાયો હતો જેનાં નિશાન શરીર પર ના પડે, પણ તે સહન કરનાર તોબા પોકારી જાય. આ વિગતો એમણે સ્વદેશ આવ્યા બાદ ડૉક્ટરોને જણાવી છે. પાકિસ્તાનીઓએ જાસૂસી કરવાના આશયથી અભિનંદનના શરીરમાં કોઈ ચિપ કે ચિપ્સ બેસાડી કે ઘૂસાડી દીધી છે કે કેમ તેની પણ અવશ્ય તપાસ થઈ અને તેમના શરીરમાં આવી કોઈ ચીપ ન હોવાનું જાહેર કરાયું છે. બાયોચિપ તરીકે ઓળખાતી આ પ્રકારની ચિપ્સ અગાઉ કાલ્પનિક વિજ્ઞાન કથાઓમાં ખૂબ વપરાઈ છે, પરંતુ હવે તે વાસ્તવિકતા બની છે. જે કામની જરૃર હોય તે કામનો પ્રકાર તે અત્યંત બારીક ચિપમાં ગોઠવી દીધા પછી શરીરમાં છૂપાયેલી ચિપ તે કામ પોતાની રીતે કરતી રહે છે.

વરસ ૨૦૧૧માં બ્રિટનમાં નિર્માણ પામેલી એક ટીવી સિરિયલ નામે ‘બ્લેક મિરર’ પ્રસારિત થઈ હતી. તેમાં એક પતિ-પત્ની બંનેના કાનની પાછળ એક અનાજના દાણા જેવડી ચિપ્સ ઇમ્પ્લાન્ટ કરેલી હોય છે જેમાં તેમના જીવનમાં બનેલા પ્રસંગોનું દૃશ્ય અને શ્રાવ્ય રેકોર્ડિંગ થતું રહે છે અને જીવનના કોઈ પણ સમયની કોઈ પણ ઘટના પતિ કે પત્ની પોતાની રીતે ચાલુ બંધ કરીને જોઈ શકે છે. આખરે આ કૃત્રિમ યાદદાસ્ત પતિ અને પત્નીને જીવનમાં શાંતિથી રહેવા દેતી નથી અને બંને તેમાંથી છુટકારો ઇચ્છે છે. આપણે હવે ૨૦૧૯માં વિચારીએ કે એ કથા ૨૦૧૧ની કાલ્પનિક વિજ્ઞાન કથા છે તો તે ખોટું પડે. માનવીના શરીરમાં આજે અનેક પ્રકારની ચિપ્સ ફિટ કરવામાં આવી રહી છે અને તે માટે કોઈ નાની કે મોટી શસ્ત્રક્રિયા કરવાની પણ જરૃર નથી. એક ઇન્જેક્શનની સોય વાટે પણ તે શરીરમાં દાખલ કરી શકાય છે. જોકે જે કામો માટે તે ડિઝાઇન કરવામાં આવે છે તે કામના પ્રકારો હજી પ્રાથમિક અને સરળ હોય છે. વિજ્ઞાનકથાઓની ચિપ્સ જેટલી શક્તિ અને કરામાતો તે વાસ્તવિક સ્વરૃપમાં ધરાવતી નથી, છતાં ઘણા કામો કરે છે અને હજી તો શરૃઆત છે. ભવિષ્યમાં તે ખૂબ કમાલ કરશે. દુનિયામાં બાયોચિપ્સનાં સંશોધનો અને અનુસંધાનો માટે ઘણી નવી કંપનીઓ શરૃ થઈ છે. અગાઉ અને હાલમાં શરીર પર ટેટૂ (છૂંદણાં) પાડી આપે છે અને બુટ્ટી બોરિયા અને રિંગો (નાક-કાનની વાળીઓ) ઘૂસાડી આપે છે તે પાર્લરોમાં હવે તમારી જરૃરિયાત અને કામ મુજબની બાયોચિપ્સ પણ બેસાડી આપવામાં આવે છે.

સ્વીડનના ગોથનબર્ગ શહેરના બારેબેલા નામક પાર્લરમાં જોવાન ઓસ્ટરલેન્ડ નામનો એક નવી અને નાનકડી સ્ટાર્ટઅપ કંપનીનો માલિક આવીને બેસે છે અને પોતે ડેવલપ કરેલી બાયોચિપના ગ્રાહકો મેળવે છે. એણે પોતાની કંપનીનું નામ બાયોહેક્સ ઇન્ટરનેશનલ રાખ્યું છે. પોતાના ખભા પર લટકાવેલા થેલામાંથી એ પ્લાસ્ટિકમાં વીંટાયેલી ઇન્જેક્શન માટેની સિરિન્જો બહાર કાઢે છે જે દરેકમાં એક ખૂબ જ નાની, કાળા રંગની માઇક્રોચિપ હોય છે જે બહારથી જોઈ પણ શકાતી નથી. આ ચિપ ટૅક્નોલોજિસ્ટ જોવાનની રચના છે, પરંતુ નવી નવી ટૅક્નોલોજી છે એટલે ખૂબ ઓછા લોકો શરીરમાં તે દાખલ કે ફિટ કરવામાં રસ ધરાવતા હોય છે તેથી જોવાનની કંપની હજી વધુ ખીલી શકી નથી, પણ જોવાન માને છે કે બાયોચિપ્સ લોકપ્રિય થશે પછી તે એક વિશાળ ઉદ્યોગ બની જશે અને પોતાની કંપની પણ નામ અને દામ કમાશે. હાલમાં તો જોવાન થોડા ઘણા ગ્રાહકો મળે તેના પર કંપનીનું ગાડું ચલાવે છે.

ગયા નવેમ્બરમાં ભારતની માર્કેટ્સ એન્ડ માર્કેટ્સ રિસર્ચ કંપનીએ અહેવાલ આપ્યો હતો તે મુજબ વરસ ૨૦૧૦ સુધીમાં બાયોચિપનું વૈશ્વિક માર્કેટ લગભગ અઢાર અબજ ડૉલરનું બની જશે. વળી, ગયા વરસના પ્રારંભમાં જગપ્રસિદ્ધ ટૅક્નોલોજી આધારિત ઉદ્યોગપતિ ઇલોન મસ્કે જાહેર કર્યું હતું કે, કેલિફોર્નિયા ખાતેની કંપની ‘ન્યુરાલિન્ક’ને પોતે પીઠબળ આપી રહ્યા છે. મસ્કની સ્પેસએક્સ કંપની નાસાના સહયોગમાં નવાં પ્રકારનાં રોકેટ અને અવકાશયાનોનું નિર્માણ કરે છે. હમણા એની નવા પ્રકારની પ્રથમ સમાનવ કેપ્સુલ સ્પેસ સ્ટેશન પર પહોંચી છે. મસ્ક દ્વારા પોષિત આ ‘ન્યુરાલિન્ક’ કંપની મગજમાં ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સ ઇમ્પ્લાન્ટ કરીને મગજના વિચાર જગત પર કાબૂ મેળવવાના પ્રયોગો કરી રહી છે. અહીં કાબૂનો મતલબ અંકુશ નહીં, પણ વ્યવસ્થા અને નિયમન છે. જોવાન કહે છે કે, ‘બાયોચિપ દ્વારા એક સંપૂર્ણપણે નવા માનવીય વ્યવહારો અને વર્તણૂકની શરૃઆત થશે. આજે આપણી પાસે છે તેના કરતાં ખૂબ ખૂબ કિંમતી એવા ડાટા અને તેના ઉપયોગની શરૃઆત થશે. આજે ભલે એ બધું પરિકથા જેવું લાગતું હોય, પણ ભવિષ્યની તે જ વાસ્તવિકતા છે.’

પાર્લરમાં આવતા નવા ગ્રાહકની હથેળીના પાછળના ભાગમાં અંગૂઠા અને પ્રથમ આંગળી (નિર્દેશિકા)ના વચ્ચેના નરમ (સોફ્ટ) પ્રદેશમાં જોવાન ઇન્જેક્શનની સોય વડે એક કિલોબાઈટની માઇક્રોચિપ ઘૂસાડી આપે છે. અમુક ટૅક્નોલોજીની કંપનીઓના વડા અધિકારીઓ કે જેમને પાસવર્ડ, પાસવર્ડ કી વગેરે ખૂબ મોટા પ્રમાણમાં યાદ રાખવા પડતા હોય તેમના માટે બાયોચિપ્સ જાદુઈ કામ કરે છે. એક વખત શરીરમાં બેસાડ્યા બાદ મશીન સામે હાથ ધરીને ઇલેક્ટ્રોનિક્સ પેમેન્ટ થઈ શકે છે. લેપટોપ અને મોબાઇલ ફોનનાં ઍપ્લિકેશનનો ખૂલી જાય છે. જટિલ પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ નથી રહેતી અને વારંવાર તે ફીડ કરવા પડતાં નથી. બેન્કના લૉકરનાં ડિજિટલ તાળાં પણ ખૂલી જાય. ધારણ કરનાર વ્યક્તિ પોતાની આઈડી પણ તેમાં સ્ટોર કરી શકે. શરત એ છે કે જે જે ઉપકરણો કે બેન્કિંગ વગેરે સેવાઓ પાસેથી બાયોચિપ વડે કામ લેવાનું હોય તે સાધન કે બેન્ક પણ તેને અનુરૃપ ટૅક્નોલોજીથી સજ્જ હોવા જોઈએ. જેમ કે એટીએમ વગેરે. ભારતમાં તેના આગમન અને વ્યાપને હજી સમય લાગશે, પણ સ્વીડન જેવા ટૅક્નોલોજી-પ્રિય દેશમાં તેની સ્વીકૃતિ વધી રહી છે.

જોવાન ઓસ્ટરલેન્ડને ખાતરી છે કે દુનિયામાં એવા લાખો લોકો છે જેઓ એમના શરીરમાં ચિપ ફિટ કરાવવા ઉત્સુક છે. એના ફેસબુક મેસેજ પર છેક મેક્સિકો અને ઓસ્ટ્રેલિયાથી ચિપ બેસાડી આપવાની ઢગલાબંધ રિક્વેસ્ટો એને મળે છે. દુનિયાના દરેક ખૂણેથી ઈ-મેઇલ મળે છે. છતાં જોવાનની પ્રગતિ ઝડપી રહી નથી. એણે ૨૦૧૩માં કંપની શરૃ કર્યા બાદ ૨૦૧૬માં તેને પૂર્ણ સમય આપવાની શરૃઆત કરી. એ કહે છે કે બહારનાં સાધનો (એકસ્ટર્નલ ડિવાઇસીસ) પર હાલમાં જે ફંક્શનો કે કામ થાય છે તેને વધુ અને વધુ પ્રમાણમાં ચિપ્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને એ ચિપ્સ આપણા શરીરમાં બેસાડાશે પછી તેની લોકપ્રિયતા ખૂબ વધી જશે. જોવાનની બાયોહેક્સ કંપનીએ આજ સુધીમાં સ્વીડન અને યુરોપના મળીને લગભગ ચાર હજાર લોકોનાં શરીરમાં ચિપ્સ ગોઠવી છે.

બાયોચિપ્સની બીજી અમુક કંપનીઓ અને પ્રોજેક્ટ્સ આરોગ્યની સંભાળ લેવા પર કેન્દ્રિત થયેલાં છે. જેમ કે હૃદયના ધબકારા, લોહીનું દબાણ, લોહીમાં સાકરનું (ડાયાબિટીસનું) પ્રમાણ વગેરે બાયોચિપ દ્વારા મોનિટર થશે જે બહારના ટચૂકડા કે મોટા સ્ક્રીન પર જોઈ શકાશે. આવી ચિપ્સ બેસાડવાની શરૃઆત પણ થઈ ચૂકી છે. જોવાનના પ્રોજેક્ટમાં એટીએમ, ક્રેડિટ કાર્ડ, ઍડ્મિશન કાર્ડ, પાસવર્ડ વગેરે સાચવતી અને જરૃર પડ્યે ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રોનિક વિગતો કાર્ડને બદલે બાયોચિપમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમના વડે ખરીદી પણ કરી શકાય અને તિજોરી કે લૉકરનાં તાળાં પણ ખોલી શકાય.

આ ચિપ્સ શરીરમાં નિષ્ક્રિય પડી રહે છે અને શરીરને કોઈ નુકસાન પહોંચાડતી નથી. ઘણાને લાગે છે કે આ ચિપ્સ વ્યક્તિની પ્રાઇવસીનો ભંગ કરે છે, પણ આ દલીલના સમર્થકો ઝાઝા નથી, કારણ કે તેમાં વ્યક્તિ સામે ચાલીને પોતાની પસંદગીથી ચિપ બેસાડે છે, પરંતુ એટીએમનું લૉક ખોલવા માટે એક ચિપ માટે આખી વ્યક્તિનું અપહરણ થઈ શકે છે,  જ્યારે કાર્ડ લઈને જતા રહે તો પણ એમનું કામ થઈ જાય. ઘણા લોકોને પોતાના શરીરમાં કાયમ માટે ચિપ બેસાડવાથી પોતાના શરીર પરનો પોતાનો અબાધિત અધિકાર ગુમાવ્યો હોવાનું પ્રતીત થાય છે. આથી બાયોચિપના ઉપયોગ અંગેના કોઈ સમાચાર મળે તો એક વર્ગ તેની સામે ઊહાપોહ મચાવી દે છે.

ગયા નવેમ્બરમાં બાયોટેક લિમિટેડ નામની ઇંગ્લેન્ડની એક બાયોચિપ કંપનીએ જાહેર કર્યું હતું કે કંપનીએ બ્રિટનમાં લગભગ ૧૫૦ જણના શરીરમાં બાયોચિપ બેસાડી છે ત્યારે બ્રિટિશ વેપારી સંગઠન સંસ્થા બીસીઆઈ દ્વારા તેનો વિરોધ થયો હતો. બ્રિટનની ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા કામદારોને ચેતવણી અપાઈ હતી કે બાયોચિપ દ્વારા કંપનીના માલિકો કામદારો પર કાબૂ જમાવશે અને કામદારો પાસે પોતાનું ધાર્યું કરાવશે.

વાત સાચી પુરવાર પણ થઈ શકે છે, અને તેની સામે તકેદારીની જરૃર પણ છે તેમ કેટલાક નિષ્ણાતો માને છે. ‘ઇન્ટરનેશનલ કોન્સોર્શિયમ ફોર ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સ’ નામની પત્રકારોની સંસ્થાનો એક રિપોર્ટ જણાવે છે કે અમુક દેશોની હૉસ્પિટલોમાં બરાબર ચકાસ્યા વગરના ઇમ્પ્લાન્ટ્સ (જેમાં બધા બાયોચિપ હોય તે જરૃરી નથી) દરદીઓના શરીરમાં બેસાડવાને કારણે દરદીઓના શરીરને વધુ નુકસાન પહોંચ્યું હતું. નવાં સાધનોના નિયમન માટે ઘણા દેશમાં પૂરતા કાયદા-કાનૂન પણ નથી. આ બધાં જોખમો વચ્ચે પણ બાયોચિપની લોકપ્રિયતા વધી રહી છે. તેનાથી સાનૂકૂળતા પણ ઘણી વધે છે. પશ્ચિમના દેશોમાં લોકોના વૉલેટ થોકબંધ પ્લાસ્ટિક કાર્ડથી ફુલાઈને દેડકા જેવા બની ગયા હોય છે. ચિપ શરીરમાં હોય તો આવો આખો થોકડો રાખવાની ઝંઝટ મટે છે. અઘરા પાસવર્ડ ભૂલાઈ જાય અને જે અડચણોનો સામનો કરવો પડે તે શરીરમાં ચિપ હોય તો ના કરવો પડે. સ્ત્રીઓમાં આવી ચિપ્સ બીજાં પ્રકારનાં ઈમ્પ્લાન્ટ્સની માફક લોકપ્રિય બની રહી છે. કારણ કે ઘણી વખત, ખરીદી, બેન્કના વ્યવહારો જેવા પ્રસંગોમાં નાના બાળકની સાથે કાર્ડ પણ સંબાળવા પડે છે. એ બધાના પાસવર્ડ યાદ રાખવા પડે. બાયોચિપ એ બધી ઝંઝટો દૂર કરે. હવે તો વીમા કંપનીના પ્રિમિયમનાં કાર્ડ હોય, ગ્રોસરી શોપનાં કાર્ડ હોય, જિમની મેમ્બરશિપનાં કાર્ડ હોય, પાર્લરનાં કાર્ડ હોય. બાયોચિપ એ બધાને દૂર કરી નાખે છે. ઘણા લોકો ઘરના કે ઑફિસના દરવાજાની ફિઝિકલ ચાવીઓ વારંવાર ખોઈ બેસે છે અથવા ગમે તે જગ્યાએ મૂકી દે છે. જરૃર ટાણે મળતી નથી અને સમય તેમ જ મગજ ગુમાવી બેસે છે. બાયોચિપ તેઓના માટે વરદાનરૃપ બની રહે છે. હાથ બતાવો કે એટીએમ પૈસા આપે, જિમનો કે ઘરનો દરવાજો ખૂલી જાય. આવી વ્યવસ્થા મોબાઇલ ફોનમાં પણ આવી છે, પણ મોબાઇલ ફોન ગુમ થઈ જાય કે ચોરાઈ જાય તો? સ્વીડનમાં જોવાન ઓસ્ટરલેન્ડે બસની ટિકિટ પણ બાયોચિપમાં ફીડ કરી છે. કંડક્ટર આવે એટલે હાથ મશીન સામે ધરે, સ્વીડનનું સંપૂર્ણ રેલવે તંત્ર હવે બાયોચિપ-કેપેબલ છે.

તમામ જિમ પણ બાયોચિપ-કેપેબલ છે. લગભગ અનેક મહત્ત્વનાં સ્થળોએ નીઅર-ફીલ્ડ કોમ્યુનિકેશન (એનએફસી) રીડરો લાગેલાં છે જે બાયોચિપની વિગતો વાંચવાનું કામ કરી આપે છે. મોબાઇલ ફોન અને બાયોચિપની મદદ વડે હજારો કિલોમીટર દૂરનાં દરવાજા અને તાળાં ખોલી શકાય. અમુક કોમ્પ્યુટરો પણ ઓપરેટ કરી શકાય. કોઈ સૈનિક કે મહત્ત્વની વ્યક્તિના શરીરમાં એની જાણ વગર બાયોચિપ ગોઠવી દેવાઈ હોય તો જાસૂસીની સંભાવના રહે છે, પરંતુ હજી ટૅક્નોલોજી એટલી હદે ડેવલપ થઈ નથી. દુનિયાની નામી મોટરકાર કંપનીઓ અને એપલ, સેમસંગ જેવી ટેક કંપનીઓ પણ હવે તેમની મોટરગાડીઓના દરવાજા સ્માર્ટફોનના ઍપ્લિકેશનની મદદથી ખોલવા-બંધ કરવા કે એન્જિન ચાલુ કરવા માટે ડિજિટલ કી સિસ્ટમ શરૃ કરી રહી છે. જો તે ફોનના ઍપ્લિકેશનથી થઈ શકે તો તેને બાયોચિપમાં પણ ટ્રાન્સફર કરી શકાય. મતલબ કે બાયોચિપ વડે કારનું એન્જિન ચાલુ બંધ કરી શકાય અને દરવાજા ખોલી શકાય. હાલમાં બાયોચિપમાં માત્ર એક કિલોબાઇટની મેમરી છે, પણ અન્યત્ર બન્યું છે તેમ તેની ક્ષમતા પણ વધશે. એક ચોખાના દાણા જેવડી બાયોચિપ વડે હજારો કામ સાધી શકાતાં હોય અને હજારો ઝંઝટો દૂર થતી હોય તો સ્વાભાવિકપણે તેના માટે ભવિષ્ય ઘણુ ઉજળું છે.

બાયોચિપની ખૂબ પ્રાથમિક આવૃત્તિની શરૃઆત વરસ ૨૦૦૪માં થઈ હતી જ્યારે અમેરિકાના ફ્લોરિડામાં લોકો પોતાના મેડિકલ રિપોર્ટ બાવડાના ઉપરના ભાગે ચિપના રૃપમાં સાચવી રાખે તેવી વ્યવસ્થા સરકારે સ્વીકારી હતી. માણસ અચાનક બીમાર, બેહોશ થઈ જાય તો શરીરમાં ત્વચા નીચે સાચવેલી આ ચિપ મદદરૃપ પુરવાર થાય. તબીબો બીમારીની ઓળખ જાણી, તેનો મેડિકલ ઇતિહાસ અને રિપોર્ટ જાણી સારવાર શરૃ કરી શકે. જોકે એ દિવસોમાં કોઈ ગ્રાહકો આવી ચિપ બેસાડવા તૈયાર થયા ન હતા. તબીબોએ ચિપના આધારે દરદી સાથે વાત કરે એ હકીકત દરદીઓને માફક આવી ન હતી અને નિજતા (પ્રાઇવસી)ના ભંગ સમાન જણાઈ હતી.

બાયોચિપમાં સૂક્ષ્મ એન્ટેના હોય છે જે પોતાની હાજરીની માહિતી સંકેતો દ્વારા સતત મોકલતી રહે છે. ઘણાને લાગે છે કે આવી ચિપ્સ દ્વારા સરકાર અને બીજા લોકો આપણી હિલચાલો, હાજરી, ગેરહાજરીની સતત નોંધ લઈ શકે છે. આ ડરથી ઘણા તેનાથી દૂર રહે છે. ડર અમુક અંશે વાજબી પણ છે. એ કે ચીનની સરકાર સત્તાવારપણે એવી ઇલેક્ટ્રોનિક્સ વ્યવસ્થા ફરજિયાત બનાવી રહી છે જેમાં દરેક વ્યક્તિની દરેક

પ્રવૃત્તિઓ પર સરકારની સતત નજર રહે. તેના હિસાબ અને પૈસાની લેવડદેવડ પર પણ ચીન સરકાર ચાંપતી ઇલેક્ટ્રોનિક નજર રાખવાની છે. સ્વીડનમાં લોકોને સરકાર પર ખૂબ ભરોસો છે, પણ અમેરિકનોને કે બીજા દેશોના નાગરિકોને પોતાની સરકારો પર એટલો ઊંચો ભરોસો નથી. સ્વીડનમાં ટૅક્નોલોજીનો આવિષ્કાર અને ઉપયોગ ભરપૂર થયો છે. તેઓની વસતિ ખૂબ ઓછી છે, પણ સ્વીડનના એન્જિનિયરોએ દુનિયાની પ્રથમ મોબાઇલ ફોન કંપની એરિક્સન સ્થાપી હતી. સ્કાઇપ અને સ્પોટીફાય એ સ્વીડનની જગતને દેન છે. સ્વીડિશ લોકો બાયોચિપનો ઉપયોગ પોતાના શ્વાનના શરીરમાં બેસાડે છે જેથી તે ખોવાઈ જાય તો તેની ભાળ મેળવી શકાય.

ઘણા લોકો હજી પણ બાયોચિપનો વિરોધ કરે છે. તેઓની દલીલ છે કે જો ચિપને ગળામાં કે હાથમાં, વીંટીમાં આભૂષણની માફક ધારણ કરી શકાય તો પછી તેને શરીરમાં ઘૂસાડવાની શી જરૃર છે? છતાં અમેરિકામાં ‘રિવર ફૉલ’ નામક કંપનીએ ૬૭૩ જણના શરીરમાં બાયોચિપ બેસાડી છે જે અન્ય કામોની સાથે ઘરના દરવાજા ઉઘાડવા – વાસવાનું કામ કરે છે. ટોકિયો, જાપાનમાં યોજાનારી ઑલિમ્પિક્સના સત્તાવાળાઓ પણ બાયોચિપનો ઉપયોગ વ્યવસ્થા માટે કરવા ધારે છે. ઘણી પ્રસિદ્ધ કંપનીઓના બોસ હવે નવા મકાનોમાં કી હૉલ (ચાવી માટેનું કાણુ) બેસાડવાને બદલે ચીપ રીડર બેસાડી રહ્યા છે જેથી હાથ બતાવવાથી દરવાજો ખૂલે. જોવાન પાસે કોઈ બિઝનેસ કાર્ડ માગે તો એ પોતાનો હાથ આગળ ધરે છે અને એમનો લિન્કેડીન પ્રોફાઇલ સામેવાળાના ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જાય છે. એ જોઈને તાજુબ થયેલા લોકો જોવાનને કહે છે કે તમે મજાક કરી રહ્યા છો અને જોવાનનો હાથ પકડી તપાસે છે, પણ બાયોચિપ ક્યાંય પકડાતી નથી તેથી વધુ નવાઈ પામે છે. વાસ્તવમાં તે હાથમાં છે જ!

હવે ફરી પાછા વિંગ કમાન્ડર અભિનંદનની વાત કરીએ તો પાકિસ્તાનમાં એવી કોઈ ક્ષમતા નથી કે આ ટૅક્નોલોજીનો ધારે તેવો ઉપયોગ રચી શકે. છતાં દુશ્મનને નબળો ના માનવો જોઈએ. કંઈક પ્રયોગ ખાતર પણ શરીરમાં ઘૂસાડી દે. બાયોચિપ શરીરમાં પકડવા માટે તેનું સ્કેનિંગ અવશ્ય કરાવ્યું હશે. ભારત પણ પાકિસ્તાનનું બાપ છે અને ટૅક્નોલોજીમાં તો ખાસ.
————

વિંગ કમાન્ડર અભિનંદનવિનોદ પંડ્યા
Comments (0)
Add Comment