સ્ત્રી-પુરુષ અસમાનતાના મૂળમાં રહેલાં આવરણ દૂર કરવા પડશે

વિતેલા દાયકાથી લૈંગિક સમાનતાનો સવાલ દુનિયાભરમાં ઊઠી રહ્યો છે.
  • કવર સ્ટોરી – ઋતુ સારસ્વત

સ્ત્રી-પુરુષના સમાન દરજ્જાની વાત છોડીને આપણે જે રીતે અધિકારોના સંઘર્ષનો માર્ગ અપનાવ્યો છે તેનાથી સમાનતા નહીં આવે… પુરુષોને તેમની લાગણીઓ દબાવી રાખવાનું શીખવાડવામાં આવે છે તેનાં કારણે પુરુષો પણ એક પ્રકારના દબાણ હેઠળ હોય છે તે સત્યથી આપણે અજ્ઞાત છીએ. જાતીય સમાનતાના એક નવા જ આયામને પ્રસ્તુત કરતો લેખ…

બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ફાઇનઆટ્ર્સ, સંગીત અને સાહિત્યમાં છેલ્લા એકસો વર્ષથી માત્ર યુવતીઓને સ્કોલરશિપ આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ભેદભાવના વિરોધને પગલે હવે તે પુરુષોને માટે ખુલ્લી કરાઈ છે. જાતીય સમાનતાની પહેલી શરત જ લિંગ ભેદના પ્રત્યેક સ્વરૃપને ખતમ કરવાની છે, પરંતુ મહિલા અધિકારોની લડાઈમાં પુરુષોના સમાનતાના અધિકારોની ચર્ચા ગાયબ થઈ જાય છે. આપણે તેમને સર્વાધિકાર સંપન્ન માની બેઠા છીએ. વાસ્તવમાં અધૂરું સત્ય છે. રમતથી માંડીને શિક્ષણ સુધીનાં તમામ ઉદાહરણ એવાં છે જે આ માન્યતાને નકારે છે.

૧૯૮૪ના લોસ એન્જેલિસ ઑલિમ્પિકમાં સિંક્રોનાઈઝ્ડ ડ્રાઇવિંગની શરૃઆત તો થઈ, પરંતુ આજ સુધી એ માત્ર મહિલાઓ માટે છે. રમતોમાં લૈંગિક સમાનતા પર કામ કરી રહેલી બિલી જીન કિંગે પુરુષ ખેલાડીઓની સમાનતા માટે પહેલ કરતાં ટેનિસમાં પુરુષ ખેલાડીના પાંચ સેટનો વિરોધ કર્યો છે. એ કહે છે કે, ‘મહિલા ખેલાડીઓની માફક પુરુષ ખેલાડીઓની મેચમાં પણ બેસ્ટ ઓફ થ્રી સેટ હોવા જોઈએ.’ તેમણે વર્ષ ૨૦૧૨ના જોકોવિચ અને નડાલ વચ્ચેની ઓસ્ટ્રેલિયન ઓપન મેચનું ઉદાહરણ આપ્યું, જે લગભગ છ કલાક સુધી ચાલી હતી. મેચ પછી એ બંને ખેલાડીઓ સરખી રીતે ચાલી પણ શકતા ન હતા. બિલીએ તો વિશ્વભરના પુરુષો પર ખુદને શક્તિશાળી સિદ્ધ કરવાનું દબાણ સર્જનાર એ આવરણને હટાવવાનો માત્ર પ્રયાસ કર્યો છે.

વિતેલા દાયકાથી લૈંગિક સમાનતાનો સવાલ દુનિયાભરમાં ઊઠી રહ્યો છે.’લૈંગિક સમાનતા’નો અર્થ સીધો સ્ત્રીઓની નિમ્ન સ્થિતિનો કરવામાં આવે છે, પરંતુ શું એ ખરેખર લૈંગિક સમાનતાની સાચી પરિભાષા છે? લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી-પુરુષની સમાનતાનો વાસ્તવિક અર્થ મહિલાઓની નિમ્ન સ્થિતિ અથવા તેમના અધિકારોનો સંઘર્ષ નહીં, બલ્કે પુરુષ-સ્ત્રી વચ્ચે કોઈ ભેદભાવ વિના દરેક ક્ષેત્રમાં સમાનતા એવો થાય છે. એવી સમાનતા કે જેમાં બંનેની સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓ સમાન હોય. વિશ્વભરમાં મહિલાઓની સામાજિક-આર્થિક સ્થિતિ ગંભીર છે અને તેઓ પોતાના અધિકારો માટે સંઘર્ષ પણ કરી રહી છે એ વાત સાચી, પરંતુ મહત્ત્વનો સવાલ એ છે કે લાંબા સંઘર્ષ પછી પણ સમાનતાનું અપેક્ષિત સ્વરૃપ સ્થાપિત કેમ થઈ રહ્યું નથી? તેનું સૌથી મોટું કારણ સ્ત્રી-પુરુષને બે ભાગમાં વિભાજિત કરવાની સાથે પુરુષને અસંવેદનશીલ અને હિંસક સ્થાપિત કરવાની કુચેષ્ટા છે. તેને કારણે મહિલાઓને સમાનતા મળતી નથી, પરંતુ સમાનતા સ્થાપિત કરવા માટે આ અર્ધ સત્યનો પ્રસાર અસમાનતાના મૂળને વધુ મજબૂત કરશે. મહિલાઓની માફક પુરુષોમાં પણ સંવેદના, પીડા, ઈર્ષ્યા, ત્યાગ અને સ્નેહની લાગણી હોય છે. તફાવત એ છે કે પુરુષોને તેમની લાગણીઓ દબાવવાની શિખામણ આપવામાં આવે છે અને આપણે એ સત્યથી અજ્ઞાત છીએ કે પુરુષો પણ દબાણ હેઠળ છે.

અભિનેતા જિસ્ટન બાલ્ડોનીએ અનાયાસ નથી કહ્યું કે – ‘મને વિવિધ ચરિત્રો ભજવવા માટે મળ્યાં, તેમાં મોટા ભાગનાં ચરિત્રોમાં એવા પુરુષોની ભૂમિકા ભજવી જેમાં મર્દાનગી, પ્રતિભા અને શક્તિ ઠાંસી-ઠાંસીને ભરી હોય… હું શક્તિશાળી હોવાનું નાટક, અભિનય કરતો રહ્યો, જ્યારે વાસ્તવમાં હું નિર્બળતા અનુભવતો હતો. દરેક વખતે બધાને માટે સાહસિક, મર્દ બની રહેવું એ અત્યંત થકવી નાખનારું હોય છે… યુવતીઓ નિર્બળ હોય છે અને યુવકો મજબૂત… વિશ્વભરમાં લાખો યુવકો અને યુવતીઓને અચેતન રીતે આવું જ જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ એ ખોટું છેે.’

જસ્ટિનનું આ નિવેદન લૈંગિક અસમાનાતાનાં જે મૂળ છે તેનાં આવરણોને ખોલે છે. પુરુષ અને સ્ત્રી બનાવવામાં આવે છે, ઘડવામાં આવે છે. પુરુષને દંભી, પ્રભુત્વશાળી થવાનું શીખવાય છે. એ એવું ન કરે તો તેને તેમના જ વર્ગ – પુરુષ વર્ગથી અલગ કરી નાખવામાં આવે છે. આપણી સંપૂર્ણ વ્યવસ્થાએ સ્ત્રી-પુરુષને પરસ્પરના વિરોધી બનીને ખડા કરી દીધા છે. જેને કારણે લૈગિંક સમાનતાનો સંઘર્ષ અનવરત ચાલતો રહે છે. આ વ્યવસ્થાનાં જાળાં, તેની ગુંથણી એટલી ગહન છે કે ખુદને આધુનિક કહેવડાવનારાઓ પણ સ્વાભાવિક સહજ રીતે છોકરા-છોકરીઓમાં ભેદભાવ રાખે છે. તેમને એ પરંપરાગત અને યોગ્ય લાગે છે. લૈંગિક સમાનતા સ્થાપિત કરવાનો આરંભ એ વિચાર, એ માનસિકતામાં બદલાવથી કરવો પડશે જે બે જૈવિક શરીરને સામાજિક રીતે સ્ત્રી અને પુરુષમાં પરિવર્તિત કરે છે.

( લેખિકા ખ્યાતનામ સમાજશાસ્ત્રી અને સ્ત્રી વિમર્શનાં ચિંતક છે. )
———.

મહિલા દિન
Comments (0)
Add Comment