- કવર સ્ટોરી – ફ્લેવિયા ઍગ્નેસ
મજલિસ એક ઉર્દૂ શબ્દ છે, જેનો અર્થ થાય છે એક થઈને મહેફિલ જમાવવી. એ દિવસોમાં હું મારી ફિલ્મનિર્માતા મિત્ર મધુશ્રી દત્તા સાથે વિચારી રહી હતી કે આપણે મહિલાઓ માટે એક એવી સંસ્થા ઊભી કરીશું જ્યાં તેમને અભિનયની સાથે કાયદાનું શિક્ષણ અપાય. અમારું લક્ષ્ય હતું કે મહિલાઓ પોતાના કાયદાકીય અધિકારીઓ જાણવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ આગળ વધે, પણ અમારે કોઈ સંસ્કૃત કે હિન્દી નામ નહોતું જોઈતું. કેમ કે, હિન્દુ મહિલાઓની જેમ મુસ્લિમ, ખ્રિસ્તી અને દલિત મહિલાઓ પણ પીડિત છે. માટે અમે સંસ્થાનું એવું નામ રાખવા ઇચ્છતા હતા જે હટકે હોય, પણ આ હટકે નામે અમને એટલા હેરાન કરી મૂક્યા કે રજિસ્ટ્રેશનથી લઈને સંસ્થા માટે જગ્યા મળવી પણ કપરી થઈ ગઈ. આ વાત ૧૯૯૧ની છે અને તેના એક વર્ષ પછી ૧૯૯૨-૯૩માં હિન્દુ-મુસ્લિમ હુલ્લડો થયાં. હવે અમારા માટે ભારે મુશ્કેલી ઊભી થઈ. અમે બચાવ કાર્યમાં જોડાયા, ત્યાં પણ અમને એવી રીતે જોવામાં આવતાં કે અમે મુસ્લિમોના સપોર્ટમાં છીએ માટે કામ કરીએ છીએ. જોકે ધર્મ સાથે અમારે કશી લેવાદેવા નહોતી. અમે ફક્ત એક જ ધર્મને ઓળખતા હતા અને તે હતો માણસાઈ. બધાં કહેતાં હતાં કે નામ બદલી નાખો, પણ અમે મક્કમ રહ્યા. આજે એ જ ‘મજલિસ’માં બધા જ ધર્મની મહિલાઓ ન્યાય માગવા આવે છે. અમે ખર્ચની ચિંતા કર્યા વિના તેમનો કેસ લડીએ છીએ અને તેમને ન્યાય અપાવવામાં સફળ થઈએ છીએ.
હું એ દરેક મહિલાને સમજી શકું છું જેની સાથે હું કામ કરું છું, જેનો કેસ હું લડું છું. કેમ કે મને ખબર છે ઘરેલુ હિંસા શું છે, કારણ કે હું પોતે આ તમામ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છું. મારા પતિ મને મારતા હતા. લગ્ન પહેલાં દસમું ધોરણ ભણેલી હું એક સામાન્ય ટાઈપિસ્ટ હતી, પણ એક માગુ આવ્યું, જેમાં દહેજની માગણી નહોતી. બસ, આ બાબત પર રાજી થઈને ઘરનાં બધાંએ લગ્ન માટે હા પાડી દીધી. લગ્ન થઈ ગયાં. પહેલીવાર જ્યારે મારા પતિએ મને કહ્યું કે તે મને મારશે, ત્યારે મને લાગેલું કે તે મજાક કરી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી કોઈએ મને આવું કહ્યું નહોતું. પહેલીવાર જ્યારે તેણે મને લાફો મારેલો ત્યારે મને ભારે આઘાત લાગેલો. બીજીવાર તેણે ધોકા વડે મને મારી. ત્રીજીવાર પટ્ટાના ફટકા પડ્યા. બકલના કારણે નાક પર ઈજા થઈ અને નાકનું હાડકું તૂટી ગયું. હું સ્તબ્ધ થઈ ગઈ, પીડા કરતાં પણ વધુ તો હતાશાને કારણે. કેમ કે આ બાબતે તો કોઈએ મને ચેતવી જ નહોતી કે લગ્નનો અર્થ આ થાય છે. પછી એ રોજનું થઈ પડ્યું.
આ એપ્રિલ ૧૯૮૯ની વાત છે. મેં મુંબઈમાં થયેલી પ્રથમ વિમેન્સ સ્ટડીઝ કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો. મને ઘરેલુ હિંસા પર મેં કરેલા સંશોધન પર અમુક બાબતો રજૂ કરવા માટે બોલાવવામાં આવી હતી. જોકે કૉન્ફરન્સ માટે તૈયાર કરાયેલી થીમમાં ન પરિવાર હતો, ન હિંસા. આથી મેં મારી અરજી સંસ્થા અને સંગઠન તરીકે રજૂ કરી. અહીં મેં જોયું કે પુરુષ વિદ્વાનોનો મત આઘાત પમાડનારો હતો. કેટલાકે કહ્યું કે, આવી બાબતોને કૉન્ફરન્સમાં જગ્યા ન મળવી જોઈએ. કેટલાકે કહ્યું કે આપણા સમાજમાં પત્નીની મારઝૂડ જેવી કોઈ સમસ્યા છે જ નહીં. આ બધું પશ્ચિમી દેશોની ઉપજ છે. આનાથી ભારતીય પરિવાર વ્યવસ્થા તૂટી જશે. હવે જ્યાં મહિલાઓ પર સંશોધન કરતાં વિદ્વાનો જ ઘરેલુ હિંસાનો સ્વીકાર નહોતા કરી રહ્યા ત્યાં તેને રોકવા માટે કાયદો હોવો જોઈએ એવી વાતનું સમર્થન તો કોણ કરે?
હજુ હું ખ્રિસ્તી છું એ બાબત સતત મને યાદ કરાવાય છે. પહેલાં હું ચાલીમાં બધાં હિન્દુઓ સાથે રહેતી હતી. ત્યારે કદી મને લાગ્યું નથી કે હું ખ્રિસ્તી છું, પણ બદલાતો માહોલ જોઈને હું તાણમાં સરી પડું છું. હું ઘણુબધું કરી શકવા સક્ષમ હોવા છતાં પોતાને અશક્ત માનવા લાગું છું, પણ હિંમત નથી હારતી. અમારા સમાજમાં પહેલાં પાદરી વિરુદ્ધ કોઈ ફરિયાદ નહોતું કરતું. હવે ભારતીય ખ્રિસ્તી મહિલા ચળવળ અવાજ ઉઠાવી રહી છે. જાતીય સતામણી સામે મહિલાઓ બોલવા લાગી છે. જ્યારે તેઓ સંગઠિત થઈને પ્રતિકાર કરે છે ત્યારે તેની મજબૂત અસર સમાજની ખોટી રૃઢિગત પરંપરાઓ પર પડે છે. જરૃર હોય છે માત્ર સંગઠિત થઈને વિરોધ નોંધાવવાની, વિચારવાની અને યોગ્ય વિચારધારા સાથે કામ કરવાની.
——————————.