નારીવાદ નવા અવતારે

નારીવાદના આ દોરની સ્ત્રીઓને જાણે પોતાનું સ્ત્રીત્વ નડતું હતું.
  • કવર સ્ટોરી – ડો. રંજના હરીશ

પુરુષ વિરોધી એવો અલ્પજીવી રેડિકલ નારીવાદ ક્યારનોય ભૂતકાળમાં ગરકાવ થઈ ચૂક્યો છે. પ્રવર્તમાન વિવિધરંગી, બહુનામી, નારીવાદમાં સ્ત્રીની સાથોસાથ સમગ્ર વિશ્વના ઉત્થાનની પરિકલ્પના છે. આવા સ્વસ્થ નારીવાદનું સ્વાગત જ હોય.

‘વુમનિસ્ટ ઇઝ ટુ ફેમિનિસ્ટ એઝ પરપલ ઇઝ ટુ લવન્ડર’
(જે સંબંધ જાંબલી રંગનો લવન્ડર સાથે છે તે સંબંધ છે વુમનિસ્ટનો એક ફેમિનિસ્ટ સાથે)

-ખ્યાતનામ અશ્વેત અમેરિકન વુમનિસ્ટ લેખિકા એલિસ વોકરના સંગ્રહમાંથી મેઘધનુષી તાસીર ધરાવતા સમકાલીન ફેમિનિઝમ્સ (બહુવચન)ને સમજવું એ આજના ઇન્ટરનેશનલ વિમેન્સ ડે કોલમનો વિષય બને તે આવકાર્ય છે. ૮ માર્ચના આ વિશેષ દિવસે બહુવચની સમકાલીન નારીવાદોની ચર્ચા માંડતા પહેલાં ત્રણ સ્પષ્ટતાઓ જરૃરી ઃ ૧. ‘સ્ત્રીના માનમાં એકમાત્ર નારી-દિવસ ઉજવી લઈને શું વળવાનું છે?’ તેવા ચીલાચાલુ વિચાર મારે મન અપ્રસ્તુત છે. મનુષ્ય જીવનને ટકાવી રાખતા સંબંધો તથા આસ્થાઓ પણ આ જ પ્રમાણે એક દિવસ માટે ઉજવાતા હોય છે ને? તેનું શું? એ સઘળા ઉજવણીના પર્વો સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહેલ આસ્થા તથા સંબંધના પ્રતીકરૃપ હોય છે. તેવું જ આજના ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’નું પણ છે. ૨. ‘નારીવાદ એટલે પુરુષ વિરોધ, પુરુષ દ્વેષ, સ્ત્રીની સત્તાખોરી કે સ્ત્રી-પુરુષના ઘર્ષણનું સમર્થન કરતો વિચાર.’ આ પ્રકારની રૃઢ થઈ ગયેલી માન્યતાને ૧૯૭૫ બાદના નારીવાદોમાં સ્થાન નથી. ૩. નારીવાદ સુસ્પષ્ટપણે પરિભાષિત એવી એક જ વ્યાખ્યા ધરાવે છે તેમ પણ નથી. નારીવાદી વિચાર બહુવચની છે. તેનાં વિવિધ રૃપો અને રંગછટાઓ છે અને તે સઘળા રૃપો કે છટાઓ સ્ત્રીકેન્દ્રી હોવા છતાં પુરુષ વિરોધી નથી જ નથી. સાચી વાત તો એ છે કે વર્તમાન સમયના નારીવાદો સ્ત્રી, પુરુષ, પશુ, પંખી, જીવ, જંતુ, વનસ્પતિ, ધરતી, આકાશ તથા પર્યાવરણ એવી સઘળી બાબતો પ્રત્યે પ્રેમભરી નિસબત ધરાવે છે અને તેમનું અંતિમ લક્ષ્ય લીલાછમ પર્યાવરણમાં સુખ-શાંતિપૂર્વક જીવતી મનુષ્યજાતને જોવાનું છે.

૧૯૭૦ના દશકના ઉત્તરાર્ધમાં નારીવાદી ચિંતનના ઇતિહાસમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઘટી. આ ઘટનાઓના મૂળ આ દશકના પૂર્વાર્ધમાં પ્રારંભાએલ નારી વિચાર મંથનમાં હતા. આ ત્રણ ઘટનાઓ હતી, ૧. ૧૯૭૫માં પેટ્રિશિયા મેયર સ્પેક્સ નામના અમેરિકન વિદૂષી પ્રોફેસરના પુસ્તક ‘ફિમેલ ઇમેઝનેશન’નું પ્રકાશન. જેણે છેલ્લાં દસેક વર્ષથી પુરુષ વિરોધી મુદ્રાધારી નારીવાદને સ્ત્રીકેન્દ્રી બનાવવાનો એક નૂતન વિચાર વહેતો કર્યો. ૨. ૧૯૭૭માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીના ખ્યાતનામ ફેમિનિસ્ટ પ્રોફેસર એલન શોવાલ્ટરના અતિ મહત્ત્વપૂર્ણ પુસ્તક ‘અ લિટરેચર ઓફ ધેર ઓન’નું પ્રકાશન. આ પુસ્તકમાં તેમણે સ્પેક્સના વિચારને પાયામાં રાખીને ‘ગાયનોસેન્ટ્રિક’ નારીવાદના મંડાણ કર્યા. ૩. ૧૯૮૩માં અમેરિકન સાહિત્યમાં દબદબો ધરાવતા અશ્વેત લેખિકા તથા કવયિત્રી એલિસ વોકરના અતિ મહત્ત્વપૂર્ણ પુસ્તક ‘ઇન સર્ચ ઓફ અવર મધર્સ ગાર્ડનઃ વુમનિસ્ટ પ્રોઝ’નું પ્રકાશન. પુસ્તકના શીર્ષકમાં ઇંગિત છે તેમ વોકરે પોતાના આ પુસ્તક દ્વારા અશ્વેત નારીવાદને પરિભાષિત કરીને તેના માટે એક નવું નામ આપ્યું. જે હતું ‘વુમનિઝમ’.

આમ ૭ વર્ષના ટૂંકા ગાળામાં આ ત્રણ નારીવાદી પ્રકાશનોએ નારીવાદ નામક વૈચારિક નદીના વહેણ જાણે તદ્દન વિપરીત દિશામાં વાળી દીધા! સ્ત્રી-પુરુષ સમાનતાના પાયા પર મંડાયેલ, ૧૦ વર્ષ જેવા ટૂંકા ગાળા માટે જ પુરુષ વિરોધી આક્રોશ વ્યક્ત કરતા, ‘રેડિકલ ફેમિનિઝમ’ની જગ્યાએ સ્ત્રી-પુરુષ ‘ડિફરન્સ’ના સિદ્ધાંત પર રચાયેલ વિવિધરંગી નારીવાદ હવે જાણે પોતાની સમૂળગી તાસીર બદલી રહ્યો હતો અને સ્ત્રી-પુરુષના ‘ડિફરન્સ’ને અપનાવીને સ્ત્રી હોવાપણાનું ગૌરવ કરવાની વાત કરી રહ્યો હતો.

૧૯૬૨થી ૧૯૭૫ના ગાળાના ‘રેડિકલ’ નારીવાદનું કેન્દ્ર પુરુષ રહ્યો હતો. આ પ્રકારનો નારીવાદ પિતૃસત્તાકોએ સ્ત્રીને કરેલ સતત અન્યાય તથા શોષણના આક્રોશ પર રચાયેલ હતો. એવા અન્યાયી પિતૃસત્તાકનો અસ્વીકાર, વિરોધ તથા તેને પરાસ્ત કરવાની વાત ‘રેડિકલ ફેમિનિસ્ટ’ કરતા, પરંતુ તેની સાથોસાથ તેઓ સમાનતાના સિદ્ધાંતને આગળ કરીને સ્ત્રીને ‘પુરુષ સમોવડી’ બનાવવાની હોડમાં પણ હતા. સમાનતાના સિદ્ધાંત પર મંડાયેલ આવા ફેમિનિસ્ટનું સ્વપ્ન હતું પુરુષ જેવા બનવું. ટૂંકમાં પુરુષસત્તાકો સાથેની રેસ માટે સ્ત્રી-સહજ આચાર, વિચાર, વાણી, વ્યવહાર ત્યજીને પિતૃસત્તાકોનો પરિવેશ તથા પોલિટિક્સ અપનાવવા અને આમ કરીને પુરુષ જેવા બનવું, તેના જેવા જ શક્તિશાળી અને સત્તાશાળી બનવું તે તેમનું લક્ષ્ય હતું.

નારીવાદના આ દોરની સ્ત્રીઓને જાણે પોતાનું સ્ત્રીત્વ નડતું હતું. ‘રેડિકલ ફેમિનિઝમ’ના ગાળા દરમિયાન આવા નારીવાદી આક્રોશે પિતૃસત્તાકોને આંખે પાણી લાવી દીધા. સ્ત્રીનું આવું રૃપ તેમણે કલ્પ્યું જ ન હતું! અને તેથી સ્ત્રીની આ એગ્રેસિવ મુદ્રા પિતૃસત્તાકોના મનમાં ‘નારીવાદ’ રૃપે સ્થિર થઈ! સમય બદલાતા નારીવાદની વ્યાખ્યાઓ તથા રૃપો બદલાતાં ચાલ્યાં, પરંતુ પિતૃસત્તાકોના મનમાં અંકિત થયેલ નારીવાદની નકારાત્મક છબી જેમ હતી તેમ અકબંધ રહી. અને કદાચ આજે પણ એમ જ છે. જે એક ગંભીર વિચાર માગી લે તેવી આ બાબત છે.

‘૭૦ના દશકના પૂર્વાર્ધમાં નારીવાદી વિચારને નેતૃત્વ પૂરું પાડી રહેલ વિચારશીલ સ્ત્રીઓ ‘રેડિકલ ફેમિનિઝમ’માં નિહિત આંતરિક વિરોધ વિષે સતત વિચારી રહી હતી. જેનો વિરોધ હોય તેનું જ સતત ચિંતન કરવાનું? જેનો અન્યાય અને અત્યાચાર અસ્વીકાર્ય છે, તેવા પિતૃસત્તાકો જેવા બનવાનો પ્રયત્ન કરવાનો? અને આવા પિતૃસત્તાકોને કેન્દ્રમાં રાખીને સ્ત્રીએ સ્વને મૂલવ્યા કરવાનું? આ તે કેવી બેહૂદી વાત! આવો તેમનો તર્ક હતો અને આ તર્કની ફલશ્રુતિ રૃપે આવનાર સાત વર્ષ એટલે કે ૧૯૭૫થી ૧૯૮૩માં તો જાણે નારીવાદનું વહેણ તદ્દન વિપરીત દિશામાં ફંટાઈ ગયું! ‘રેડિકલ  ફેમિનિઝમ’નાં સ્ત્રી-પુરુષ સમાનતાના કેન્દ્રવર્તી વિચારને આ ત્રણ પુસ્તકોએ જાણે જડમૂળથી ઉખાડી ફેંક્યો. ત્રણે પુસ્તકોનો તર્ક એવો હતો કે સ્ત્રી-પુરુષને પ્રકૃતિએ નોખા ઘડ્યા છે અને તે બંનેનો ‘ડિફરન્સ’ જ મનુષ્ય જીવનનું કેન્દ્ર છે.

પાયાનો મુખ્ય સિદ્ધાંત બદલાતાની સાથે વર્ષોથી પિતૃસત્તાકો પર મંડાયેલ નારીવાદીઓનું બાયનોક્યુલર હવે સ્ત્રી પર ફોકસ થયું. પુરુષે શું કર્યું, કેમ કર્યું, એ બધું બાજુએ મુકીને, તેણે કરેલ અન્યાય કે અપમાનને વખોડવાનું ત્યજીને, હવે સ્ત્રીએ પોતાની જાત, પોતાનાં શરીર, મન, બુદ્ધિ અને આત્માને સમજવાનો પ્રારંભ કર્યો. સ્ત્રીની આગવી વિશેષતાઓને સમજવાનો આ સમય હતો. તેમજ પિતૃસત્તાક ‘પાવર પોલિટિક્સ’ના ભાગરૃપે ‘રિમોટ કન્ટ્રોલ’ની જેમ વપરાયેલ સિનિયર સ્ત્રીઓના અત્યાચારોને માફ કરીને આગામી પેઢીની દીકરીઓને ભણાવી-ગણાવી અને પ્રેમ સાથે તૈયાર કરવાનો આ સમય હતો.

નારીવાદની બદલાતી જતી આવી સમજણને એલિસ વોકરે ‘વુમનિઝમ’ નામ આપ્યું. તો શોવાલ્ટરે ‘ગાયનોસેન્ટ્રીઝમ’ તરીકે બિરદાવ્યું. આ બંને પ્રકારના નારીવાદી અભિગમના કેન્દ્રમાં હવે સ્ત્રી હતી. અડધી મનુષ્યજાતને ધિક્કારવા કરતાં કે, બાકીની અડધી મનુષ્યજાતને દયામણી તરીકે જોવા કરતાં, ૧૯૭૫ બાદના વિવિધ નારીવાદી વિચારે સ્ત્રીના ગૌરવની વાત કરી. તેના શરીર, મન તથા આત્માના ગૌરવને સ્થાપનાની વાત કરી. સ્ત્રી દેહ પર સ્ત્રીની પોતાની ‘ઓટોનોમી’નો પ્રશ્ન ઉઠાવ્યો. સ્ત્રી લેખનની વિશેષતાઓ તેમજ સ્ત્રી દ્વારા સર્જિત સાહિત્ય પરંપરાની સ્થાપનાની વાત પણ શોવાલ્ટરે ભારપૂર્વક કરી. વળી

સ્ત્રીના માતૃત્વના રોલ માટે અતિ આવશ્યક તેવા પ્રેમ, દયા, કરુણા, સમર્પણ જેવી પ્રકૃતિદત્ત ફેમિનાઈન લાક્ષણિકતાઓને કોઈ ‘વાદ’ કે સમાનતાના સિદ્ધાંત ખાતર જતા ન કરાય તે તથ્ય હવે નારીવાદી વિચારના કેન્દ્રસ્થાને સ્થાપિત થયું. નારી હોવાપણુ કોઈ ગ્લાનિનો વિષય ન રહેતા હવે ઉત્સવની બાબત હતો!

ઉપરોક્ત તમામ બાબતોમાં ‘ગાયનોસેન્ટ્રીક’ નારીવાદ તેમજ ‘વુમનિસ્ટ’ નારીવાદની સહમતી હતી. ફક્ત એક બાબતમાં ‘વુમનિસ્ટ’ વિચાર થોડો જુદો હતો. ‘વુમનિઝમ’ના મૂળ  મુખ્ય ધારાના નારીવાદમાં અમેરિકન અશ્વેત સ્ત્રીઓએ અનુભવેલ ઉપેક્ષામાં હતા. શ્વેત વિશ્વના નારીવાદી વિચારમાં અશ્વેત સ્ત્રીઓના પ્રશ્નોને કોઈ સ્થાન નહોતું અને તેથી વોકરે અશ્વેત સ્ત્રીઓ માટે ‘વુમનિઝમ’નો વિચાર વહેતો કર્યો. આ વિચારમાં વ્યક્તિગત ‘સ્પેસ’ કરતાં અશ્વેતો માટેની ‘કલેક્ટિવ સ્પેસ’ પર ભાર હતો. ‘વુમનિસ્ટ’ની પરિભાષા કરતાં વોકર લખે છેઃ

“વુમનિસ્ટ એટલે એક એવી (અશ્વેત) સ્ત્રી કે જે જાતીય રીતે કે તે વિના સ્ત્રીને પ્રેમ કરે છે… જે સ્ત્રી- સંસ્કૃતિની ચાહક તથા સમર્થક છે, જેને સ્ત્રી મનની સ્થિતિસ્થાપકતા પ્રત્યે અહોભાવ છે. વુમનિસ્ટ એટલે એક એવી સ્ત્રી કે જે સમગ્ર જાતિને, એટલે કે સ્ત્રી-પુરુષ ઉભયના વિકાસને સમર્પિત છે. આવી સ્ત્રી સમાજને સ્ત્રી કે પુરુષ એવા ભાગલામાં વહેંચવા હરગિજ તૈયાર નથી… તે આધ્યાત્મ તથા મનુષ્ય જીવનના સંઘર્ષને પ્રેમ કરે છે અને તેટલો જ પ્રેમ એ પોતાની જાતને પણ કરે છે.”

વોકરના આદર્શ ‘વુમનિસ્ટ’ જગતની કલ્પના એક વિવિધ રંગથી ભરેલ ઉદ્યાનની છે. જેમાં દરેક પુષ્પને અલાયદું અસ્તિત્વ, રૃપ-રંગ અને સુગંધ છે. આ ઉદ્યાનમાં પુરુષ- પુષ્પ પ્રત્યે લેષમાત્ર દ્વેષને સ્થાન નથી.

આજના આ વિશેષ દિવસે ઉપરોક્ત ચર્ચાના સારરૃપે આપણે કેટલું સમજીએ કે પુરુષદ્વેષી, પુરુષ વિરોધી એવો અલ્પજીવી રેડિકલ નારીવાદ ક્યારનોય ભૂતકાળમાં ગરકાવ થઈ ચૂક્યો છે. પ્રવર્તમાન વિવિધરંગી, બહુનામી, નારીવાદમાં સ્ત્રીની સાથોસાથ સમગ્ર વિશ્વના ઉત્થાનની પરિકલ્પના છે. આવા સ્વસ્થ નારીવાદનું સ્વાગત જ હોય.
———.

ડો. રંજના હરિશમહિલા દિન
Comments (0)
Add Comment