- પંચામૃત – ભૂપત વડોદરિયા
ઇંગ્લેન્ડના સુપ્રસિદ્ધ નાટ્યકાર અને વાર્તાકાર સમરસેટ મોમની એક વાર્તા કંઈક આવી છે ઃ લંડનમાં એક બેંકના વડા આતુરતાથી એક અતિ ધનાઢ્ય ઉદ્યોગપતિની રાહ જોઈ રહ્યા છે. બેંકના બધા કર્મચારીઓ એ ઉદ્યોગપતિનાં ‘દર્શન’ કરવા તત્પર છે. ઉદ્યોગપતિ આવી પહોંચ્યા. બેંકના સર્વોચ્ચ અધિકારીએ એમની આગતાસ્વાગતા કરી. તેમણે કહ્યું ઃ ‘સાહેબ, મને માફ કરજો! આ એક વિધિ જ છે! આપની સહી અહીં બેંકની કચેરીમાં મારી હાજરીમાં જ થયેલી હોવી જોઈએ એટલા ખાતર આપને તસ્દી આપવી પડી છે! આ તો ખાલી વિધિ છે! બસ, આપે અહીં સહી કરવાની છે! હું આપનો કિંમતી સમય બગાડવા નથી માગતો! આપ અહીં સહી કરો એટલે પત્યું!’
અમ કહી બેંકના અધિકારીએ ઉદ્યોગપતિને ફાઉન્ટનપેન આપી. ઉદ્યોગપતિએ કહ્યું ઃ ‘તમારે મને ઇન્ડિપેન નહીં, સ્ટેમ્પિંગ પેડ આપવું પડશે! મને સહી કરતાં નથી આવડતી! હું તો મારા અંગૂઠાનું નિશાન આપી શકીશ.’
બેંકના અધિકારીએ માન્યું કે શેઠ માત્ર મજાક કરી રહ્યા છે! આટલો મોટો માણસ – આટલો સફળ માણસ – એને શું સહી કરતાં ન આવડે એવું બને ખરું? એટલે અધિકારીએ કહ્યું ઃ ‘અરે સાહેબ, ઇટ ઇઝ એ ગુડ જોક! પણ હું ન માનું કે આપને સહી કરતાં નથી આવડતું! પ્લીઝ! આપ જેવી ટૂંકી સહી કરતા હો એવી સહી અહીં કરી આપો!’
ત્યારે ઉદ્યોગપતિએ કહ્યું કે, ‘હું ખરેખર મજાક નથી કરતો – સાચું જ કહું છું કે મને સહી કરતાં નથી આવડતી, પણ સાચી વાત એ છે કે મને જો સહી કરતાં આવડતી હોત તો હું ઉદ્યોગપતિ બન્યો જ ન હોત! હું તો પાદરી હતો. એક સામાન્ય પાદરી! અને સુખી હતો! પણ દેવળના વડાએ હુકમ બહાર પાડ્યો કે છ સપ્તાહમાં તમામ અભણ પાદરીઓએ લખતાં-વાંચતાં કે છેવટે પોતાની સહી કરતાં શીખી લેવું! નહીંતર તેમને છૂટા કરવામાં આવશે! મારા હોશકોશ ઊડી ગયા. દિલ જ ભાંગી ગયું હતું. હું સહી કરતાં શીખી ન શક્યો. મને છૂટો કરવામાં આવ્યો. મારા માટે કોઈ રસ્તો જ રહ્યો નહીં. મેં પરચૂરણ ધંધો શરૃ કર્યો અને એમ કરતાં-કરતાં અહીં સુધી પહોંચી ગયો! કોઈ-કોઈ વાર તાજુબી થાય છે કે હું આટલાં બધાં પગથિયાં કઈ રીતે ચઢી ગયો!’
ખુદ મોમની પોતાની જિંદગીમાં જ કંઈક જુદું છતાં કંઈક આવું જ બન્યું હતું. સમરસેટ મોમ દાક્તર થયા, પણ દાક્તરીમાં કાંઈ ઉદ્ધાર થાય એવું લાગ્યું નહીં. દાક્તર તરીકે એક ઇસ્પિતાલમાં જે એપ્રેન્ટિસશિપ કરી તેમાં તે અત્યંત ગરીબ દરદીઓના પરિચયમાં આવ્યા. પછી તેમણે ઝૂંપડપટ્ટીની એક છોકરીની જિંદગી પર એક વાર્તા લખી – લઘુનવલ ‘લીઝા ઓફ લેમ્બેથ.’ વાર્તા વિવેચકોએ વખાણી, પણ સમરસેટ મોમને ખાસ પૈસા મળ્યા નહીં. પછી નાટકો લખ્યાં. દસ વર્ષની મહેનત પછી તેમાં પાંચ પૈસા મળ્યા. પછી તો નવલકથાઓમાંથી પણ ખૂબ કમાયા. એવા ઘણા દિવસો એમણે જોયા હતા કે જ્યારે ટેમ્સ નદીની રેતીમાં બેસીને સાંજના ભોજન માટેના નાણા ક્યાંથી ઊભા કરવા તેનો વિચાર તેમણે કરવો પડતો.
વર્ષો પછી ખૂબ ધન કમાયા પછી એ પેરિસમાં ફ્રેન્ચ રિવિયેરાના પોતાના નિવાસસ્થાનમાં પત્રકારોને મળી રહ્યા હતા. એક પત્રકારે પૂછ્યું ઃ ‘મિ. મોમ, તમારું આ ફર્નિચર, આ કીમતી ચિત્રો, તેમાં પાણીના કુંજા પાસે આવો કાચનો પ્યાલો ક્યાંથી? પ્યાલામાં તો તિરાડ છે! આ પ્યાલો અહીં શોભતો નથી!’
મોમે હસીને કહ્યું ઃ ‘ખૂબ કમાઉ છું, વખણાઉ છું. મગજમાં નશા જેવું લાગે છે! ત્યારે બહુ અભિમાન ચઢી જાય છે ત્યારે આ તિરાડવાળા ગ્લાસમાં કુંજામાંથી પાણી લઈને ધીમેધીમે ઘૂંટડા ભરું છું અને વર્ષો પહેલાંના ગરીબીના એ દિવસો યાદ કરું છું કે જ્યારે એક ટંક ભોજનના સાંસા હતા!’
પણ સૌથી જે મહત્ત્વની વાત સમરસેટ મોમે કહી હતી તે તો એ છે કે દિલ રેડીને કોઈ પણ કામમાં લાગી જવું એ જ જિંદગીની ઉત્તમ દવા છે! આપણે ‘લક્ષ્મી’ને, ‘સુખસાહ્યબી’ને માણસનું ‘સદ્ભાગ્ય’ સમજીએ છીએ, પણ આ સંસારમાં પૈસાથી દૂર થઈ ન શકે એવાં દુઃખોની યાદી અનંત છે! પણ ગમે તેવાં સુખદુઃખની વચ્ચે પણ જે માણસ કોઈક મનપસંદ કામ શોધીને આત્મવિશ્વાસનું છત્ર ઓઢી લે છે, તેને સમજાઈ જાય છે કે જિંદગીની અનેક પરીક્ષાઓમાં પાસ થઈએ કે નાપાસ થઈએ, નાસીપાસ તો ન જ થવું!
————–