વેલેન્ટાઇન, પ્રેમ અને રૉબોટ

આજે જ્યારે રૉબોટ સાથે લગ્નની વાત થઈ રહી છે

કવર સ્ટોરી

છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાય કે
અપને હી રંગરંગ લીની રે મોસે નૈના મિલાય કે

આપણે જ્યારે પણ પ્રેમની વાત કરીએ છીએ ત્યારે અમીર ખુસરોની આ કવ્વાલીના સ્વરો આજ સુધી આપણી ભીતર પડઘાયા કરે છે, લહેરાય છે. જ્યારે બે વ્યક્તિ કે બે સંસ્કૃતિઓ નૈના મિલાયની સ્થિતિમાં હોય ત્યારે બંને એકબીજાના રંગમાં સ્વયં જ રંગાઈ જવા ઇચ્છે છે. મૈં તો સાંવરે કે રંગ રાચીકહે છે મીરા, પરંતુ શરમ આવે આવું કહેવામાં તો શબ્દોની ઝીણી ચાદર એક આવરણ આપી દે છે. કવિતા શબ્દોની એવી જ ઝીણી ચાદર છે, એથી કવિતા પ્રેમની માતૃભાષા છે. ઇશારા કરે છે, વાત પલટીને કહે છે. વાંકીચૂકી ગલીઓમાં છૂપાતી કોઈ ગોપી જાણે પસાર થાય છે કૃષ્ણની પિચકારીથી બચીને. એવી જ રીતે વાત કહેવાય જાય છે કવિતામાં તેના સંપૂર્ણ શ્લેષ સાથે. પ્રેમ હોય તો પારસ્પરિકતા થવા આપસીપણુ પણ હશે, જબરદસ્તીથી કશું નહીં હોય, એકતરફી પણ નહીં હોય. ગીત ગોવિંદનો એક પ્રસંગ છે કે રાસના અંતમાં કૃષ્ણ રાધાનાં વસ્ત્રો પહેરી લે છે અને રાધા કૃષ્ણનાં વસ્ત્રો પહેરી લે છે. આ પરિધાન વિનિમય સંકેત છે એકબીજાનાં રંગમાં રંગાઈ ગયાનો.

આજે જ્યારે રૉબોટ સાથે લગ્નની વાત થઈ રહી છે અને યંત્ર ઢીંગલા-ઢીંગલી ખાસ પ્રકારના પ્રોગ્રામ્ડવિનય સાથે તમામ ભૌતિક કામનાઓ પૂર્ણ કરી રહ્યાં છે ત્યારે મારા મનમાં બસ એક જ સવાલ ઊઠે છે અને તે એ કે શું આ પ્રકારની પારસ્પરિકતા, આ પ્રકારની વિકલતા, આ કક્ષાનું સમર્પણ અને આવા વાદ-સંવાદ પ્રાયોજિત હોઈ શકે? યંત્ર શરીરમાં ખાસ પ્રકારના સ્પંદન ભરી દે, મીઠી-મીઠી વાતો પણ કરી લે, પરંતુ પોતાના તરફથી કોઈ વાદ-સંવાદ તો બિચારા નહીં કરી શકે! આવા સંજોગોમાં તેમની હાલત યૌન દાસ/દાસીની હોઈ શકે, પણ પ્રેમી/પ્રેમિકાની કેવી રીતે હોઈ શકે? પ્રેમી અથવા પ્રેમિકાના રૃપમાં તો એ મશીન ત્યારે જ સ્થાપિત થઈ શકે જ્યારે તેનું પોતાનું હૃદય હોય, પોતાનો આત્મા હોય, પોતાનો વિવેક પણ હોય, જે તમારાથી રિસાઈ શકે અથવા તમારા માટે વિહ્વળ બની શકે અને જેની પાસે તમને છોડીને જવાની સ્વતંત્રતા પણ હોય! જેની પાસે છોડીને જવાની સ્વતંત્રતા હોય તેને જ સાથે રહેવાનું દ્રાવક હોય છે.

સુખ કા દિન ડૂબે ડૂબ જાએ, તુમસે ન સહજ મન ઉબ જાએ‘. નિરાલાની આ પંક્તિ ભય તો એ વાતનો જાહેર કરે છે કે ક્યાંક હું તમારાથી કંટાળી ન જાઉં, પરંતુ તેનો આશય એ પણ છે કે ભગવાન ન કરે કોઈ દિવસ તમે મારાથી કંટાળી જાવ! પ્રેમનું એક લક્ષણ એ પણ છે – પોતાની પાત્રતા જાળવી રાખવાની ચિંતા. આ જ વાતની ચિંતામાં મનુષ્ય આત્મ-પરિષ્કારમાં વ્યસ્ત રહે છે. એ જ અર્થમાં પ્રેમ આત્મક્રાંતિ છે અને કલ્પનાની માફક નવોન્મેષી – નિત્ય નવા રંગમાં ઉજાગર થવું, સ્વયંની મોહકતા જાળવી રાખવી, તાજગી જાળવી રાખવી એ તેની જ શરત છે.

મશીનનું પ્રત્યેક કૃત્ય અનુમાનના આલોકમાં આવી જાય છે, મતલબ પ્રેડિક્ટેબલબની જાય છે. તેનાથી તેનામાં પ્રેમની આવશ્યક શરત પ્રમાણેનું નટખટપણુ રહેતું નથી. કૃષ્ણમાં નટખટપણુ છે, એથી જ તેમને બાંકે બિહારી કહે છે. પારભાસકતા, રહસ્યમયતા પ્રેમની અનોખી શરત છે, – જાણી લીધું તો પ્રેમ ક્યાં રહ્યો? અજ્ઞેયની આ પંક્તિ છે, અજ્ઞેયતાની મહત્તા દર્શાવે છે. પ્રેમનું એક મોટું આકર્ષણ તેની રહસ્યમયતા છે. એ એક પડકારની માફક સામે રહે છે, જ્યારે વાત અડધી સમજાય અને અડધી ન સમજાય ત્યારે જ સમર્પણની વિહ્વળતા જાગે છે. થોડી તરસ જળવાઈ રહેવી જોઈએ. તેનો અર્થ એ નથી કે ધરાર કંઈક બાકી રાખવામાં આવે. પ્રેમ હશે તો બધું જ ઠાલવી દેવાની ઇચ્છા પણ હશે.

કાલિદાસના રઘુવંશમાં એક પ્રસંગ છે – લંકાથી પાછા ફરતા રામ સીતાને જંગલ-સમુદ્ર વગેરે બતાવતા કહે છે કે ત્યાં જુઓ, ત્યાં દંડકારણ્યમાં તમારું નૂપુર મળ્યું હતું. તેને મેં તમારું ઠામઠેકાણુ કેટલી બેચેનીથી પૂછ્યું હતું! અને ત્યાં જુઓ, એ સમુદ્ર – જ્યાં નદીઓ સાગરને સ્વયં પોતાનું મુખ અર્પિત કરે છે, પરંતુ સાગર પણ એકાંગી દાન નથી લેતો, ધીરોદાત્ત નાયકની માફક અનંત લહેરોમાં સમર્પણ પાછું આપે છે – મુખાર્પણેષુ પ્રકૃતિપ્રગલ્ભાઃ સ્વયં તરંગાધરદાનદક્ષઃ અનન્યસામાન્યકલત્રવૃત્તિઃ પિબત્યસૌ પાયયેતે ચ સિન્ધુઃ

જીવન સ્વયં પણ સમુદ્ર છે. બધું જ પાછું આપે છે. હું મારા બાળકોને અને વિદ્યાર્થીઓને જાત-જાતની વાર્તાઓ સંભળાવતી હતી. આજે તેઓ મને સંભળાવે છે – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તરબતર સાથી રૉબોટની વાર્તાઓ. હું સાંભળી તો લઉં છું, પરંતુ મારા મનમાં બસ એક સવાલ ઊઠે છે કે શું પ્રેમમાં હોવું જોઈએ તેવું રૉબોટનું મન સાગર બની શકે? શું એકને નિમિત્તે સમગ્ર વિશ્વ સારું લાગવા માંડે છે તેને – પ્રેમમાં જેમ બને છે તે રીતે?

(લેખિકા હિન્દીનાં ખ્યાતનામ કવયિત્રી અને સાહિત્યકાર છે)

કવરસ્ટોરી-વેલેન્ટાઇન ડે
Comments (0)
Add Comment