રાજકોટના સાહિત્ય કુંભમાં યુવા પેઢીનું સ્નાન

રાજકોટના આંગણે પાંચ દિવસના યોજાયેલા પુસ્તક અને સાહિત્ય મેળાના આયોજનમાં 'અભિયાન' મૅગેઝિન પણ હિસ્સો બન્યું
  • પુસ્તક પર્વ – દેવેન્દ્ર જાની

રાજકોટમાં મેળાનો માહોલ પાંચ દિવસ સુધી જામતો હોય છે, પણ પુસ્તક મેળાનો આવો માહોલ જામ્યો હોય અને પાંચ દિવસ સુધી આખા શહેરમાં બસ આ જ ચર્ચા સાંભળવા મળતી હોય તેવંુ કદાચ પહેલીવાર બન્યંુ હતંુ. ઘરે આવેલા મહેમાનોનેે પણ રાજકોટવાસીઓ આંટો મારવા આ મેળામાં લઈ જતા હતા. તા.૯થી ૧૩ એમ પાંચ દિવસના આ પુસ્તક અને સાહિત્ય મેળામાં રવિવારે સાંજે તો ચાલવાની જગ્યા ન હતી. પુસ્તક મેળામાં પ્રવેશદ્વાર જ એવો અદ્ભુત બનાવ્યો હતો કે આવનારનું મન મોહી લે. પ્રવેશ કરતા જ ગુજરાતના મૂર્ધન્ય લેખકોની મોટા કદની છબીઓ તેમની કૃતિઓ સરસ રીતે શણગારીને મુકાઈ હતી.

મુખ્યપ્રધાન વિજય રૃપાણીએ આ પુસ્તક મેળાને ખુલ્લો મુક્યો ત્યારે તેઓ પણ તેમની ખુશી રોકી શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, અનેક પુસ્તક મેળાઓ જોયા છે, પણ પુસ્તક મેળાનું આવું સ્વરૃપ હોઈ શકે તેની કલ્પના ન હતી. રાજકોટ શહેરની જે જનસામાન્યમાં રંગીલા શહેરની ઓળખ છે. તેની સાથે વાંચનપ્રેમી નગરીની એક ઓળખ છે તે આજે છતી કરી છે. આજનો યુવાન ભલે ડિજિટલ બન્યો હોય, પણ તે વાંચન તરફ આકર્ષાઈ રહ્યો છે તેનો આનંદ છે. ગુજરાતમાં મા સરસ્વતીની આરાધના કરનારો એક મોટો વર્ગ છે. ગુજરાતીઓની ઓળખ એક રોકાણકાર તરીકેની છે, ત્યારે મારો અનુરોધ છે કે ગુજરાતીઓ સારા પુસ્તકો ખરીદ કરી રોકાણ કરે, આ રોકાણ અમૂલ્ય બનશે. પુસ્તક મેળાની સાથે પાંચ દિવસ સુધી અલગ-અલગ ક્ષેત્રના મહાનુભાવોને સાંભળવાની તક રાજકોટવાસીઓને મળી હતી. શબ્દ સંવાદ અને સાહિત્ય સંધ્યા નામના બે મંચ પરથી જાણીતા લેખકો, સાહિત્યકારો, કલાકારો, પત્રકારો અને સંતોએ તેમના વિચારોને રજૂ કર્યા હતા. આ આયોજનની ખાસિયત એ હતી કે થીમ બેઈઝ વક્તવ્યો રાખવામાં આવ્યા હોવાથી કોઈ એક વિષયમાં રુચિ હોય તો એ વિષયના વક્તાઓને સાંભળવા માટે આવી શકતા હતા. દરેક સંવાદમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુલના વડા અપૂર્વ મુનિ સ્વામીએ એક સરસ વાત કરી હતી કે જેમ કોઈ બ્યુટી પાર્લર શરીરની સુંદરતા નિખારે છે તેમ આવા પુસ્તક મેળાઓ વ્યક્તિની અંદરની મનની સુંદરતાને નિખારે છે. સદ્વાંચન એ મનને મજબૂત કરે છે. આજે વિશ્વમાં હતાશા મોટો રોગ તરીકે ભરડો લઈ રહ્યો છે ત્યારે પુસ્તકો સાથે મૈત્રી હશે તો જીવનનો ખાલીપો દૂર કરી આવા રોગમાંથી છુટકારો અપાવશે. જાણીતા હાસ્ય લેખક શાહબુદ્દીન રાઠોડે પણ આયોજનને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, એવું કહેવાય છે કે લેખકો વધ્યા છે અને વાચકો ઘટ્યા છે ત્યારે આવું દ્રશ્ય આનંદ આપે છે. 

ગાંધી વિચારની આજ અને આવતીકાલ વિષય પર ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ અને પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ ગાંધીજીના વિચારો આજે પણ વિશ્વ શાંતિ, ભારતીયતા, અલગાવવાદ જેવી સમસ્યાઓનંુ સમાધાન આપે છે. દેશમાં ભાષા, પ્રાંતવાદ જેવા મુદ્દે વૈચારિક હિંસા ફેલાવવામાં આવી રહી છે ત્યારે તેને નાથવા ગાંધી વિચારમાંથી શીખ લેવાની આવશ્યકતા છે તેના પર ભાર મુક્યો  હતો. રામકૃષ્ણ આશ્રમના વડા સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પણ ગાંધી વિચારોનંુ આજે પણ એટલંુ જ મૂલ્ય છે તે બાબતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં ઉદાહરણો સાથે સમજાવી હતી.

રાજકોટમાં યોજાયેલા પાંચ દિવસના આ શબ્દોના આ મેળાવડામાં ગુજરાતના જાણીતા  લેખકો, કલાકારો, પત્રકારો સર્વ શ્રી જોરાવરસિંહ જાદવ, ભીખુદાન ગઢવી, સાંઈરામ દવેજય વસાવડા , કાજલ ઓઝા વૈદ્ય, કૌશિક મહેતા, શરદ ઠાકર, કિન્નર આચાર્ય, મણિલાલ પટેલ, વસંતદાન ગઢવી, રોહિત વઢવાણા, સુભાષ ભટ્ટ, અંકિત ત્રિવેદી, રામેશ્વરદાસ હરિયાણી, સંજુ વાળા સહિત અનેક મહાનુભાવોએ જુદા જુદા વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી અને કોર્પોરેશન આયોજિત આ પુસ્તક અને સાહિત્ય મેળાને જે દાદ મળી તેની કલ્પના ખુદ આયોજકોને પણ ન હતી.

રાજકોટના આંગણે પાંચ દિવસના યોજાયેલા પુસ્તક અને સાહિત્ય મેળાના આયોજનમાં અભિયાનમૅગેઝિન પણ હિસ્સો બન્યું હતું. પુસ્તક મેળામાં અભિયાનનો ખાસ સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો. આ અવસર માટે ગ્રાહકોને વિશેષ લવાજમ ઑફર આપવામાં આવી હતી. તેને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આ ઉપરાંત શબ્દ સંવાદના મંચ પર તા. ૧૧મીએ અભિયાનના વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર જાનીને ગાંધી વિચારની આજ અને આવતીકાલ એ વિષય પર વિચારો વ્યક્ત કરવાની તક મળી હતી.
—————–

દેવેન્દ્ર જાનીરાજકોટલિટરેચર ફેસ્ટિવલ-2019
Comments (0)
Add Comment