સાંપ્રત – વિનોદ પંડ્યા
પાકિસ્તાનને જાતને જ ઈજા કરવાની બીમારી વળગી છે
ઇમરાન ખાનની સરકારને પાંચ મહિના પૂરા થયા છે અને પાકિસ્તાનની દશા અને દિશામાં કોઈ સુધારો થયો નથી. જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમ વખત વડાપ્રધાન કે પ્રમુખ થવાના ભવિષ્ય સાથે ચૂંટણીમાં ઊભો રહે ત્યારે લોકો પણ એવા ખોટા ઉત્સાહ કે જુવાળમાં રાચતા હોય છે કે હવે બધું બદલાઈ જશે, સારા દિવસો આવશે. જ્યારે બધું ખાડે ગયું હોય ત્યારે જ શુભ દિવસોની ઝંખના વધુ જાગતી હોય છે. એ સ્થિતિમાં તત્કાળ ચમત્કારી પરિણામો શક્ય હોતાં નથી; પણ સુધારા તરફનું વલણ તત્કાળ અપનાવી શકાય. ઇમરાન ખાનના કિસ્સામાં તે પણ બન્યું નથી. ભારતના લોકોને પણ અપેક્ષા હતી કે ઇમરાન ત્રાસવાદ અને પાકિસ્તાની લશ્કરની ધોંસ બંધ કરાવશે, પણ પ્યાદું શહેનશાહને મા‘ત થોડું કરી શકે? અને સર્વેસર્વા તો ભારત અને હિન્દુઓ પ્રત્યેની ઈર્ષ્યાથી પીડાતા પાકના લશ્કરી હાકેમો છે.
પાકિસ્તાનની સેના સરહદ પર ભારતના જવાનોને હજુ લક્ષ્યાંક બનાવતી રહે છે. શાંતિની વાત બાજુએ રહી, ઇમરાનના શાસનમાં ખાલિસ્તાનવાદી ત્રાસવાદીઓને પાકિસ્તાન પાળીપોષી રહ્યું છે. તેની ઈન્ટરસર્વિસીઝ ઇન્ટેલિજન્સ (આઇએસઆઈ)ની તેમાં મુખ્ય ભૂમિકા છે. ભારત પાસે તેના આધારભૂત પુરાવા છે અને તેથી કરતારપુર કોરિડોર ખોલવાના પ્રસંગમાં ભારત સરકારે ઝાઝો ઉત્સાહ દાખવ્યો ન હતો. માર્ચ ૨૦૧૭થી હમણા સુધીમાં ભારતના પંજાબની પોલીસે ખલિસ્તાનવાદીઓના ૧૭ જૂથને નિરસ્ત કર્યા છે અને ૮૩ ત્રાસવાદીઓને પકડ્યા છે. અમૃતસરમાં નિરંકારીઓના સમારંભમાં બોમ્બ વિસ્ફોટ કરીને ત્રણ જણાનો ભોગ પણ ખાલિસ્તાનવાદીઓએ લીધો છે.
ઇમરાન ખાન સરકારની આવી ખૂટલાઈ સ્પષ્ટ દેખાતી હોય ત્યારે એ દેશ અને એ સરકારનો ભરોસો કોણ કરે? ઇમરાન ખાનની મોટી મુશ્કેલી એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી હવે અમેરિકાને પણ છેતરી શકાતું નથી. પાકિસ્તાનની આર્થિક હાલત કંગાળ બની છે. ભારત સાથે વેપારી સંબંધો જાળવીને પાકિસ્તાન એનું ગાડું ગબડાવી શક્યું હોત. વિશ્વ બેન્કના એક અહેવાલ પ્રમાણે ભારત અને પાકિસ્તાન પૂરી મિત્રતા સાથે વેપાર સંબંધ જાળવે તો વરસે ૩૭ અબજ ડૉલરનો વેપાર થાય, પરંતુ માત્ર કાશ્મીરનું ગાણુ ગાવાને કારણે હાલમાં માત્ર બે અબજ ડૉલરનો વેપાર થાય છે. કરતારપુર ઘટનાને ગૂગલી ગણાવી ના હોત અને વિશ્વાસ સંપાદન કર્યો હોત તો વેપાર વધવાની શક્યતા હતી. ઇમરાન અને એના નાસમજ સાથીદારોએ એ તક પણ ગુમાવી દીધી.
પૈસા નથી અને માત્ર લડવું જ છે. અફઘાનિસ્તાનમાં પણ દખલગીરી અને ત્રાસવાદ ઘાલવો છે. પાકિસ્તાનનું બજેટ તેના લશ્કરી ઠઠારા પોષવામાં જ ખર્ચાઈ જાય છે. જે ઇમરાન ખાન ચૂંટણી પ્રચારમાં હુંકાર ભરતો હતો કે એ ક્યારેય વિશ્વ બેન્ક સમક્ષ ઝોળી ફેલાવવા નહીં જાય અને વડાપ્રધાન બન્યા તે પછીના મહિનામાં જ જવું પડ્યું; જ્યાં તેણે લાત ખાવી પડી. સાઉદી અરેબિયા અને ચીને પણ મોઢાં બગાડ્યાં અને માગી એટલી રકમ આપી નથી. ટ્રમ્પ સરકારે ખેરાતનો નળ જ સદંતર બંધ કરી દીધો. ઇમરાને ટ્રમ્પને ઉદ્દેશીને ઘણા લાળાં ચાવ્યાં કે ટ્રમ્પે આ સમજવું જોઈએ, તે સમજવું જોઈએ. ટ્રમ્પે કહ્યું, ‘નથિંગ ડૂઇંગ.લ્લ
બાદમાં ઇમરાને ઘરે-ઘરે મરઘી પાળીને દુઃખના દહાડા ગાળવાનું લોકોને આહ્વાન આપવું પડ્યું. બુંદથી બગડી તે હોઝથી પણ ના સુધરે. અહીં તો હોઝથી બગડી છે તે ક્રિકેટર બુંદથી સુધારવા નીકળ્યા. આજે પાકિસ્તાનીઓ બેહાલ બની ગયા છે. નોકરી ધંધાઓ નથી. ઉદ્યોગો ઠપ પડ્યા છે. રાવળપિંડીમાં એક જૂતાં ફેક્ટરીના માલિકે પયગંબર મોહમ્મદજી સાહેબના જન્મદિને કર્મચારીઓના કુટુંબ માટે બિરિયાની પીરસી તો ખૂબ લોકો આવ્યા. એમણે એક ટન ચોખા અને ૮૦૦ કિલોગ્રામ બીફની વ્યવસ્થા કરવી પડી હતી. કામદારો ઘરે ઉજાણી કરી શકે તેવી સ્થિતિમાં નથી અને એવું ઇચ્છતા હતા કે આવા ‘ઉદારલ્લ દરેક શેઠ હોય.
આ શેઠનો બિઝનેસ બાંગ્લાદેશ, ભારત અને શ્રીલંકાના જૂતાં ઉદ્યોગ સાથેની સ્પર્ધામાં ટકી શક્યો નથી અને શેઠે તેમના ૭૦ કામદારોમાંથી ૩૫ને છૂટા કરવા પડ્યા છે. ગયા વરસે પાકિસ્તાનનો રૃપિયો ઘટીને પ્રતિ ડૉલર ૧૪૪ રૃપિયાના નવા અને ઊંડા તળિયે બેસી ગયો હતો અને લખાઈ રહ્યું છે ત્યારે ૧૩૯ પાક રૃપિયાના બદલામાં માત્ર એક યુએસ ડૉલર મળે છે. એક વરસમાં મૂલ્યમાં ૩૦ ટકાનો જબરો ઘટાડો થયો. આજથી એક વરસ અગાઉ પાકિસ્તાન ૫.૮ ટકાના વિકાસ દરથી આગળ વધી રહ્યું હતું, પરંતુ હવે તેમાં ઝડપભેર ઘટાડો નોંધાઈ રહ્યો છે. અનાજ, ખોરાક, વીજળી અને સ્વચ્છ પાણીની કિંમતો ખૂબ ઊંચે ગઈ છે. કરાચીમાં કોઈ કારખાનાનો કામદાર મહિને પાકિસ્તાની રૃપિયા ૨૫ હજાર કમાય ત્યારે માંડ ઘરનો ખર્ચ નીકળે. અગાઉ પણ જીવન દોહ્યલું હતું. હવે દોજખ બની ગયું છે. કરાચીની સુધરાઈ પાસે નદીનાળાં અને પાણીનાં ખાબોચિયાં સાફ કરાવવાના નાણા નથી અને ડેંગ્યુની બીમારી અવારનવાર ફાટી નીકળે છે. એક તો સામાન્ય માણસ પાસે પૈસા નથી અને હૉસ્પિટલમાં રહેવાનો ખર્ચ આવી પડે છે. ગરીબ માણસે સારવાર માટે કમ સે કમ ત્રણ હજાર પાકિસ્તાની રૃપિયા ખર્ચવા પડે છે. કરાચીના અને પાકિસ્તાનના નાગરિકો હંમેશાં બીમારીથી ડરતા રહે છે. તેઓને ભય છે કે બીમાર પડ્યા તો પૈસા કોણ ચૂકવશે? કર્મચારી બીમાર પડે તો કંપનીઓ ભાગ્યે જ પૈસા ચૂકવે છે. કામદાર યુનિયનો જેવું કશું છે જ નહીં અને જો હોય તો તે ખૂબ નબળાં હોય છે. કારખાનાંના માલિકો જાણે છે કે એક કુશળ કારીગર માટે પણ કામ મેળવવું ખૂબ મુશ્કેલ છે. જો તેઓ યુનિયનબાજીમાં પડી નોકરી ગુમાવે તો બીજે ક્યાંય મળવાની નથી. પરિણામે કામદારો અવાજ ઊંચો કરતા નથી અને ચૂપચાપ કામ કરતા રહે છે. બીજી અનેક મુશ્કેલીઓ વચ્ચે કામદારોની બાબતમાં રાહત હોવાથી માલિકા કારખાનું ચલાવીને થોડો નફો રળી લે છે. વીજળીના ઊંચે જઈ રહેલા દરો અને પાણીની વધેલી કિંમતોને કારણે ધંધાઓ મુશ્કેલ બન્યા છે. દિવસના સોળ સોળ કલાક વીજળી ગાયબ રહે છે અને દુકાનો અને કારખાનાંઓમાં ડીઝલ જનરેટરો ચલાવવા પડે છે તેથી ખર્ચાઓ બમણા થયા છે. એક મિલમાલિકના કહેવા પ્રમાણે કાપડ મીટરદીઠ બે રૃપિયા મોંઘું બની જાય છે. પાકિસાતની રૃપિયો ૩૦ ટકા ઘસાઈ ગયો તેથી નિકાસ વધવી જોઈએ, કારણ કે વિદેશી ખરીદકર્તાઓને પાકિસ્તાની ચીજો સસ્તી પડે. તેમ છતાં નિકાસ વધી નથી, કારણ કે ઘરઆંગણે જ ચીજવસ્તુઓની પડતર કિંમત ચીન, ભારત, બાંગ્લાદેશ કે શ્રીલંકાની સરખામણીમાં ઊંચી રહે છે. વીજળી તો ઠીક, કરાચીમાં આજે પાણી મળતું નથી તેથી પ્રજા ગુસ્સામાં છે. પાણીના મેઇન વાલ્વ પર કબજો જમાવીને, રાજકીય વગ ધરાવતા માફિયા બધું પાણી કબજે કરી લે છે અને જેઓ કિંમત ચૂકવે તેને પૂરું પાડે છે. ભ્રષ્ટાચાર અને પરમિટરાજે માઝા મૂકી છે. દવાઓ કે પ્રસાધનો આયાત કરવા માટે દુકાનના માલિકોએ બંદર પર અથવા ઍરપોર્ટ પર અધિકારીઓને રુશ્વત આપવી જરૃરી છે. ચોખાના નિકાસકારોએ નિકાસ માટે ચૌદ જેટલાં જુદાં જુદાં સરકારી ખાતાંઓને લાંચ ખવડાવવી પડે છે.
ઇમરાન ખાન પોતે કટ્ટર ઇસ્લામી કે ધર્મઝનૂની ન હતા. ઇમરાને નવો ચુસ્ત મુસ્લિમ ચહેરો ધારણ કર્યો અને ચૂંટણીમાં જીત મેળવી. લશ્કરે પણ ઇમરાનને ચૂંટણી જીતવામાં મદદ કરી. ફલસ્વરૃપે ઇમરાન ખાન પાક સેનાની પૂતળી બની ગયા અને જેમ નચાવે તેમ નાચે છે. ભ્રષ્ટાચાર હટાવવાની વાતો હવાઈ ગઈ. સેનાના વડાઓ અને તેમના નાયબો હરામના ખર્ચે મોજમજા અને સંપત્તિઓ એકઠી કરવા ટેવાયેલા છે. જે લશ્કરી હાકેમ નિવૃત્ત થાય તે રાવળપિંડી નજીકની કસદાર ૯૦ એકર જમીન શિરપાવમાં પડાવી તેના પર આલીશાન ફાર્મહાઉસ ચણાવે છે. સેના પોતાને જ પાકિસ્તાનના હિતોની રખેવાળી કરવા માટે યોગ્ય અને હકદાર માને છે અને પાક મિલિટરીએ ઇસ્લામિક ધર્મ ઝનૂનને પોતાનો એકમાત્ર મંત્ર માન્યો છે. એ ભાવનાને કારણે તેઓએ ભૂખ્યા રહીને અણુબોમ્બ વિકસાવ્યા છે અને તેને ‘ઇસ્લામિક બોમ્બલ્લ એવું નામ પણ આપ્યું છે. અને જે ઇમરાન એક સમયે વિદેશોની હોટેલો અને ક્લબોમાં ‘પ્લેબોયલ્લ બનીને ફરવાનું પસંદ કરતા હતા તે આજે ઇસ્લામના રખેવાળ બની ગયા અને બદલામાં મિલિટરીએ એમને તમામ સહાય પૂરી પાડી; જેમાંની કેટલીક ગેરકાનૂની પણ હતી. ખાસ કરીને નવાઝ શરીફની હેરાનગતિ કરવામાં આવી તે અને પાકિસ્તાની મીડિયાને ઇમરાન ખાનની મદદે ઊભા રહેવાનું જણાવવામાં આવ્યું તે. નવાઝ શરીફને ક્યાંયના ના રહેવા દીધા, પરંતુ ઇમરાન ખાને પ્રથમ પાંચ મહિનામાં કોઈ દિશા કે સૂઝબૂઝનો પરિચય આપ્યો નથી. લાગે છે કે ઇમરાન કરતાં નવાઝ શરીફ અનેક ગણા સારા પુરવાર થશે. પાકિસ્તાની લશ્કરે વગદાર નેતાઓને પણ પોતાની વોટબેન્ક સાથે લઈને ઇમરાનની મદદે આવવાની ફરજ પાડી હતી. દસથી પંદર જેટલી મહત્ત્વની બેઠકો પર સેનાએ ઇમરાનની તરફેણમાં જબરદસ્તીથી મતદાન કરાવ્યું હતું અને મતોની ગણતરી પોતાના ગણિત પ્રમાણે કરાવી હતી. મીડિયાએ આવી કોઈ દુર્ઘટનાની નોંધ લીધી જ નહીં. પાછળથી કેટલાક મળતિયા પત્રકારોએ આ પ્રવૃત્તિને અનિવાર્ય પણ સ્વીકાર્ય અનિષ્ટ ગણાવ્યું હતું. વાત પૂરી.
ઇમરાન ખાને ચૂંટણી પ્રચાર વખતે પાકિસ્તાનને ‘ઇસ્લામિક કલ્યાણ રાજ્ય‘ બનાવવાના મંચ પરથી વાયદા આપ્યા હતા. કરોડો ગરીબ પાકિસ્તાનીઓને એ વાત અપીલ કરી ગઈ હતી, પરંતુ તે કલ્યાણ રાજ્ય લાવવા માટે ખૂબ પ્રચંડ પડકારોનો સામનો કરવાનો છે. મિલિટરી પોતે જ એક પડકાર છે. બીજા પડકાર બાબુશાહી છે, પણ તે બંને કરતાં પણ તત્કાળ ધ્યાન આપવું પડે તેવો પડકાર નાણાની તંગી છે. પૈસા છે જ ક્યાં? ત્યાં સુધી કે વિદેશી કરજનું વ્યાજ પણ ચૂકવવાની સ્થિતિ નથી. બેલેન્સ ઓફ પેમેન્ટ સાવ ખોરવાઈ ગયું. તેમાંય પાકિસ્તાને ચૂંટણીમાં મોટા ખર્ચ કરી નાખ્યા પછી તિજોરી તળિયાઝાટક થઈ ગઈ. આખરે સાઉદી અરેબિયા અને ઑલ-વેધર ફ્રેન્ડ ગણાતા ચીન પાસે દોડી જવું પડ્યું.
પાંચેક વરસ અગાઉ ચીની પ્રમુખ શી ઝિનપિંગે પોતાના ફાજલ પડેલા ડૉલરનાં ભંડોળ વાપરવા અને તેના વડે દુનિયા પર ચીનનું પ્રભુત્વ જમાવવા બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ)નો કદાવર કાર્યક્રમ શરૃ કર્યો. તેની અંતર્ગત લગભગ ૬૦ અબજ અમેરિકી ડૉલરનો ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઈસી) બાંધવાનો કાર્યક્રમ ઘડ્યો. એક કંગાળ દેશમાં ચીન આવડી મોટી રકમ વાપરે તો તેમાં લુચ્ચાઈ પણ ભારોભાર સમાયેલી જ હોય. જે ચીનમાં ઇસ્લામપંથીઓનું કોઈ વજૂદ નથી એ ચીનની યોજા પાકિસ્તાને સ્વીકારી પણ લીધી. ચીનમાં મુસ્લિમોને ધર્મ સાથે જોડાયેલાં નામો પણ રાખવાની મનાઈ છે તે પાકિસ્તાનને ત્યાં ‘ઇસ્લામ ખતરે મેં હૈ‘ તેવું નથી લાગતું. સીપીઈસી કોરિડોર કરાચીથી થોડે દૂર આવેલા ગ્વાદર બંદરેથી છેક ચીન સુધી જાય છે.
આ યોજનાનું બાંધકામ શરૃ થયું અને ચીને પૈસા ઠાલવવાનું શરૃ કર્યું ત્યારે નાણાના અચાનક આવેલા પ્રવાહને કારણે ચીજવસ્તુઓ અને જમીનની માગ વધી ગઈ. કોરિડોરમાં વીજળી મથકો, રસ્તાઓ, ઔદ્યોગિક ઝોન અને વસાહતો બંધાઈ રહ્યાં છે. જમીન અને પ્રોપર્ટીની કિંમતોનો ફુગ્ગો ફૂલાયો. પાક. રૃપિયાનું મૂલ્ય વધ્યું અને આયાતમાં અણધાર્યો પણ કાયમ ના ટકે તેવો વધારો થયો. ર૦૧પમાં ચાલુ ખાતાની ઘટ જીડીપીની માત્ર એક ટકો હતી તે ર૦૧૮માં પાંચ ટકા પર પહોંચી ગઈ. પાકિસ્તાનનું વિદેશી મુદ્રાનું ભંડોળ ખલાસ થઈ ગયું. આયાતોના ચુકવણામાં ડૉલર વપરાઈ ગયા. ત્યાર બાદ અગાઉની આર્થિક તેજી મંદીમાં પલટાઈ ગઈ. હવે ફુગાવો ખૂબ વધ્યો છે અને વ્યાજના દર પણ ઊંચે જઈ રહ્યા છે.
વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ કાર્ય ઇમરાને સાઉદી અરેબિયાની ફલાઈટ પકડવાનું કર્યું. પ્રથમ મુલાકાત વખતે સાઉદી અરેબિયાએ ઇમરાનને કશું કોઠું આપ્યું નહીં. બીજી મુલાકાત વખતે પણ નહીં. જે થોડી ઘણી રકમની મદદની તૈયારી બતાવી તે લોન તરીકે આપવાની શરત સાથે બતાવી, પરંતુ ત્યાર બાદ તુર્કી ખાતેના સાઉદી રાજદૂતાવાસમાં સાઉદીના પીઢ પત્રકાર જમાલ ખાશોગીને તેડાવીને ત્યાં દૂતાવાસમાં જ એમની કત્લ થઈ. શરીરના ઝીણા-ઝીણા ટુકડા કરી સગેવગે કરાયું. એ ઘટનાને મહિનાઓ વીતી ગયા પછી પણ એમના દેહનો ક્યાં નિકાલ કરાયો તે કોઈ જાણતું નથી. પ્રમુખ ટ્રમ્પ સાઉદી પર શરૃ શરૃમાં દબાણ લાવ્યા. એમણે પણ પત્રકારની હત્યાનો મુદ્દો હવે પડતો મૂક્યો છે. સાઉદીના શાહી કુટુંબે એ હત્યા કરાવી છે તેવો તમામ લોકોનો આક્ષેપ છે, પણ સત્તા આગળ શાણપણ શું કરે? જમાલ ખાશોગી સાઉદી રાજાઓને આંખના કણાની માફક ખટકતા હતા. સાઉદીના કિંગ સલમાન અને એમના પાટવી કુંવરે બીજા ભાયાત શેખોની સત્તાઓ પર કાપ મૂક્યો છે તેથી શાહી ખાનદાનમાં ખટપટો વધી ગઈ છે. આ બધી સ્થિતિનો ફાયદો પાકિસ્તાનને અચાનક મળ્યો. દુનિયામાં ઘસાયેલી શાખ સુધારવા માટે અને મિત્ર દેશોનો અવાજ પોતાની તરફેણમાં કરવા માટે સાઉદીએ હમણા હમણા છ અબજ ડૉલરની લોન પાક માટે મંજૂર કરી અને ઓઇલની કિંમતની ચુકવણી ભવિષ્યમાં કરવાની સવલત પણ આપી. યુ.એ.ઈ. દ્વારા પણ આવા પ્રકારની મદદ અપાઈ છે. ચીન ખાતેની ઇમરાનની પ્રથમ મુલાકાત બિલકલિ ફળી ન હતી. ત્યાં સુધી કે ઇમરાન ખાન ઇચ્છતા હતા કે સીપીઈસીની કેટલીક શરતો સુધારીને હળવી કરવામાં આવે. ચીને જવાબ આપ્યો કે પાકિસ્તાન સાથેના કરારો ચીન સરકારે કર્યા નથી, પણ સરકારની વિવિધ કંપનીઓ અને કોર્પોરેશનોએ કર્યા છે. તેથી ચીન સરકાર પોતાની ઇચ્છાથી તેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. બીજી શબ્દોમાં કહીએ તો સુધારા કરવાની ના પાડી દીધી. ઇમરાન ચૂંટણી પ્રચાર વખતે સીપીઈસીની નુકસાનદેહ શરતો માન્ય રાખવાનું નવાઝ શરીર પર આળ ચડાવતા હતા એ ઇમરાને કમને તે સ્વીકારવી પડી છે.
આમ તો પાકિસ્તાને ૧૯૮૮થી માંડીને ગયા વરસ સુધીમાં ડઝનેક વખત વિશ્વ બેન્કની લોન માફ કરાવી છે, પણ ચૂંટણી વખતે ઇમરાને આ ભિક્ષાવૃત્તિની ઠેકડી ઉડાડી હતી અને શકોરું લઈને માગવા નહીં જવાની શેખી મારી હતી. ચીને હાથ ના ઝાલ્યો તો આઈએમએફ સમક્ષ જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. પાકિસ્તાનને વિશ્વ બેન્ક પાસેથી બાર અબજ ડૉલરની લોન મદદ જોઈએ છે. બદલામાં વિશ્વ બેન્કની શરત છે કે પાકિસ્તાન તેના વીજળી અને ઊર્જાના દરોમાં વધારો કરે. કરવેરાની ચોરીઓ રોકી વધુ રકમ એકઠી કરે અને નિકાસ ક્ષેત્રને ફરીથી બેઠું કરે. જોકે પાકિસ્તાનના નવા નાણા મંત્રી અસદ ઉમર પોતે એક સમજદાર બિઝનેસમેન છે. ઉમર માને છે કે એવા સુધારા કરવા પડશે જેથી ફરીવાર વિશ્વ બેન્કના દરવાજા ખટખટાવવા ના પડે, પણ એ સુધારા તો પાક મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટનો સહકાર અથવા ઇચ્છા હોય તો જ શક્ય બને. ઉમર પણ જાણે છે કે કામ પ્રચંડ અને પડકારરૃ૫ છે. પાકિસ્તાનમાં પ્રજા પર કરવેરાની આવક સાવ નગણ્ય છે. જીડીપી અથાત્ કુલ રાષ્ટ્રીય આવકના માત્ર સાડા દસ ટકા. પાકિસ્તાનીઓને હવાલાનો ગેરકાનૂની કારોબાર પણ ખૂબ પ્રિય છે. વિદેશી હૂંડિયામણ કાળા બજારમાંથી મેળવીને પાકિસ્તાની વેપારીઓ, શ્રીમંતો અને માફિયા તે ધન વિદેશોમાં હવાલા મારફત સહજમાં મોકલી આપે છે. આ આખી પ્રથા દૂર કરવી જરૃરી છે. ઉમર ટૅક્નોલોજીની સહાય વડે ટેક્સની વસૂલી ચુસ્તદુરસ્ત કરવા માગે છે. નિકાસ વૃદ્ધિ પણ પડકાર છે. છેલ્લાં ચાલીસ વરસમાં પાકિસ્તાનની નિકાસ જેટલી ઝડપથી વધી છે તેના કરતાં પાંચ ગણી ઝડપે ભારત અને બાંગલા દેશમાંથી થતી નિકાસો વધી છે. વિદેશમાંથી લોન લઈને આયાતો વધારી મૂકવાથી જલ્દી દેવાળિયા બની જવાય. ઘરઆંગણે ચીજવસ્તુઓ કે સેવાનું નિર્માણ થતું હોવું જોઈએ. સીપીઈસીની હાલની સ્થિતિ ચાલુ રહી તો પાકિસ્તાનના રૃપિયાનું ખરું મૂલ્ય નક્કી નહીં થઈ શકે. પરિણામે પાકિસ્તાનના વેપારીઓ અને ઉત્પાદકો દુનિયા સામે સ્પર્ધામાં ટકી શકશે નહીં. વળી, ચીને જે લોનના રૃપમાં આર્થિક રોકાણ કર્યું છે તે અમેરિકી ડૉલરની ટર્મમાં કર્યું છે. પરિણામે પાકિસ્તાની રૃપિયાનું મૂલ્ય ઘટે તો પાકિસ્તાને લોનની ચુકવણી માટે વધુ રૃપિયા ખર્ચીને ડૉલર ખરીદવા પડે. આજે સ્થિતિ એવી છે કે સીપીઈસીને કારણે પાકિસ્તાનનું વિદેશી દેવું જ કંઈ કર્યા કારવ્યા વગર જ પચાસ ટકાથી વધારે વધી ગયું છે. નો લંચ ઈઝ ફ્રી. ભલે પછી તે ચીન તરફથી હોય. પાકિસ્તાન પર ગજા બહારનું ૯૭ અબજ ડૉલરનું વિદેશી મુદ્રાનું કરજ છે જે તેની વાર્ષિક આવકના ૩ર ટકા જેટલું અધધ છે. પાકિસ્તાન બજેટમાં વિકાસ માટે જેટલા નાણા ફાળવે છે તેના કરતાં વધુ પૈસા વ્યાજની ચુકવણી માટે ફાળવવા પડે છે. આ કારણથી ચીન અને તેની યોજનાઓ વિષે પાકિસ્તાનમાં સવાલો પુછાવાનું શરૃ થયું છે. એક પ્રશ્નકર્તા તો ખુદ ઇમરાન હતા. હવે એ પોતે જ પોતાના જૂના સવાલોના નવા જવાબો આપી રહ્યા છે.
ચીનની બીજી રીતભાતો, જેમ કે કોલસાનાં પાવર સ્ટેશનો બાંધીને લોકોને મોંઘા દરે વીજળી પુરી પાડવી, ટેન્ડરો અને સાધનોની રકમમાં ચાલાકી કરવી વગેરે વિશે સવાલો પૂછાઈ રહ્યા છે. એવા ઇશારા પણ મળી રહ્યા છે કે પાકિસ્તાન સરકારમાં સીપીઈસી વિશે નવેસરથી વિચારણા થઈ રહી છે. પગ નીચે રેલો આવ્યો છે તેથી પાકિસ્તાની મિલિટરી અને ખુદ ઇમરાન ખાન અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે ઓવર ટાઇમ કામે લાગ્યા છે. છતાં અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સેનાની મદદ વડે તાલિબાની દ્વારા આચરવામાં આવતી હિંસા વધુ ઘનઘોર બની છે. આતંકવાદીઓનો ખાત્મો કરવાના નામે પાકિસ્તાની પોલીસે નિર્દોષ મા-બાપને હણી નાખ્યા. આમ કરીને પાકિસ્તાન જગતને છેતરવા માગે છે કે, જુઓ, અમે આતંકવાદ સામે કેટલા ગંભીર છીએ!
સીપીઈસીની ચર્ચામાં કોઈ પત્રકાર તેની જાહેરમાં ટીકા કરી શકતો નથી. માત્ર સેનાને જ કશું કહેવા કારવવાનો અધિકાર છે. જે મીડિયા હાઉસ ગુસ્તાખી કરે તેણે બંધ થવાની તૈયારી રાખવી પડે છે. પાકિસ્તાનના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાની માને છે કે પાકિસ્તાનની સેના જ પાકિસ્તાનની સમસ્યાઓની જડ છે. રાષ્ટ્રીય સલામતીને આગળ ધરીને સેનાએ એવો માહોલ સર્જ્યો છે કે જેમાં આર્થિક સમસ્યાઓનું સમાધાન પણ આર્થિક ઉપાયોને બદલે લશ્કરી ઉપાયો વડે શોધવામાં આવે છે. આવો પાગલ પડોશી મળવો તે ભારત માટે પણ એક સજા જ છે.
——————