અલવિદા અડદિયા…

મન મક્કમ કરીને તને ખુશી ખુશી વિદાય કરું
  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

પ્રિય અડદુ,

બસ પ્રિય, હવે તું જશે? હવે છે…ક આવતા વરસે? શું હવે છેક આવતા વરસે જ તારો ચુસ્તી, સ્ફૂર્તિ ને શક્તિથી ભર્યો ઝગમગતો ચહેરો જોવા મળશે? મારાથી કેમ સહેવાશે તારો આ લાંબો વિરહ? કેમ ભૂલીશ હું એક વરસ માટે તારી એ મીઠી મીઠી યાદો? કેમ…? કેમ…? કે…મ? સતત કેટલાય દિવસોથી મને કોરી ખાય છે તારા આગમનના અણસારની, તારી  પહેલી, બીજી ને પછી તો રોજેરોજની સળંગ બે બે મહિનાની એ સવારની મહેકતી, ખુશ્બોદાર લલચાવતી મુલાકાતોની વાતો.  હવે તો એ બધી વાતો એટલે એક દુઃખદ સપનું જ ને? રોજ કોઈ ને કોઈ રીતે તને વાતોમાં સાંકળીને બધા આગળ કરેલી એ બહેલાવેલી વાતો હવે હું કોની આગળ કરીશ? એ બધી વાતો કરવા હવે આખા ને આખા એક વરસની મારે રાહ જોવાની?

તારા જવાના દિવસો જેમ-જેમ નજીક આવતા ગયા તેમ તેમ મારો જીવ વધુ ને વધુ તારા તરફ ખેંચાતો રહ્યો. છેલ્લે છેલ્લે તને મળી લઉં….હજીય એક વાર તને મન ભરીને જોઈ લઉં ને પાછો તને બધાંની નજરથી સંતાડી પણ દઉં એવું તો દિવસમાં કેટલીય વાર થવા માંડ્યું છે. પહેલવહેલું તારું એ સ્નેહસભર ચમકતું મુખડું જોઈને જ મારા રોમેરોમ હર્ષિત થઈ ઊઠેલાં. આખા ઘરમાં તારા આગમનની છડી પોકારાયેલી અને ઘરમાં તો સૌએ મારી મશ્કરી પણ કરેલી. મને એ મશ્કરીઓ મંજૂર હતી, પણ હવે તારી વિદાય મને મંજૂર નથી. મારા મનમાં એકસાથે જ તારા પ્રવેશની ઘડીઓનું અને તારી વિદાયની ઘડીઓનું યુદ્ધ જામ્યું છે. તારું જવું હવે નક્કી જ છે ને મને એ પણ ખબર છે કે જીત તો વિદાયની ઘડીઓની જ થવાની છે, પણ આ નાદાન મન? એ કેમ માને? જ્યાં સુધી તારું મનોહર રૃપ નજરે પડ્યા કરશે ત્યાં સુધી તો તારો સાથ છે જ એ આશ્વાસને હજીય થોડા દિવસો નીકળી જશે. પછી તો હું પણ શીખી લઈશ મારા મનને મજબૂત કરવાનું, તારી યાદોને એક વરસ પૂરતી મારા મનના કોઈક ખૂણે ભંડારી દેવાનું. કોઈક એવા ખૂણે કે ઠંડીના સહેજ ચમકારાએ પહેલી યાદ મને તારી જ આવે અને હું ઝપ્પ દઈને એ બધી યાદોને મારા મનમાં ફરીથી ખુશી ખુશી વાગોળતી થઈ જાઉં.

એમ તો, છેલ્લા બે મહિનાથી કેટલીય મધુર અને મસાલેદાર વાનગીઓ યાદોમાં આવતી રહી તેમ તેમ નજર સામે આવીને મન(સાથે પેટ) પણ ભરતી રહી, તોય તારી તોલે કોઈ નહીં. ન તો રોજ ઊંધિયું બન્યું છે કે ન રોજ મેથીનાં મૂઠિયાં. વલસાડ નવસારીના હાઈવેનું જાણીતું ઊંબાડિયું પણ રોજ થોડું ભાવે? સુરત ને બારડોલીનો લીલો, કુમળો ને મીઠોય ખરો, પણ પોંક મેં રોજ સવારમાં કંઈ નથી ખાધો. એ લીલવાની કચોરી ને અવનવા ઘૂઘરા ને સમોસાં, આખી ને આખી શાકની ભરેલી લારીઓ જોઈને ખુશ જરૃર થઈ છું ને કેટકેટલાં તીખા તમતમતાં શાક ને ફરસાણની તો રેસિપીઓ જોઈને જ ધરાયેલી. કેટલીક તો બનાવીને ઝાપટીય ખરી, પણ…સવારમાં? સવારમાં તો બસ એક તું જ યાદ આવે.

હા, તને એકલું ન લાગે એટલે તારી સાથે ખજૂરપાક ને ચ્યવનપ્રાશનો મેળ પાડેલો, પણ પહેલી યાદ તો તારી, તારી ને તારી જ. જાતજાતના ઉકાળા ને કાઢાય પીધા, પણ એમાં તો મોં બગડે એટલે એ તો પરાણે જ પીધાં. તને ગુમાવવાનું મને મંજૂર નહીં, એટલે જોર પડ્યું તોય રોજ થોડું ચાલી લીધું. હવે કોના માટે ને શેના માટે ચાલુ? મન થાય ત્યારે તો તારી યાદોને લઈને જ ચાલવાનું ને? ખેર, મારું મન કેમેય માનતું નથી કે શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે ને એ લાલ-ગુલાબી, હૂંફાળી ને કાતિલ ઠંડીની સાથે જ તારી પણ વિદાય નિશ્ચિત જ છે. જેમ શિયાળાને તેમ જ તને પણ કેમ કરીને કહું કે જા?

ફક્ત એક જ આશા પર હવે તો દિવસો ને મહિનાઓ ખેંચી કાઢીશ કે ફરી એ ગુલાબી ઠંડીના એક જ ચમકારાએ, તારું મારા મનમાં ગોળ ગોળ ઘૂમરી ખાવું ને દિલના ચારેચાર ખૂણે ચકતાં બનીને ગોઠવાઈ જવું નક્કી જ છે. મન મક્કમ કરીને તને ખુશી ખુશી વિદાય કરું તો જ તારી રાહ જોવાનું ગમશે, નહીં તો તારા વધેલાઘટેલા અસ્તિત્વમાંથી પીગળી રહેલા સ્નેહની જેમ મારું મન પણ પીગળી જશે તો શું કરીશ? હવે તો બસ, અલવિદા એ જ એક શબ્દ ગોખું ને તને કહી દઉં…

અલવિદા અડદિયા.
—————

કલ્પના દેસાઇવ્યંગરંગ
Comments (0)
Add Comment