પિતાએ શું કરવાનું બાકી નથી રહેતું?

ભારત ભૂમિને વંશમાં મળેલા વારસામાં પિતા ટાઇટલ ધરાવતાં પાત્રો ઓછાં નથી.
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

મમ્મી એટલે પપ્પા નથી, એ વાત નાની નથી
પપ્પા અધૂરા મમ્મી પૂરી, એ વાત સાચી નથી

પપ્પા એટલે શું? પપ્પા એટલે પપ્પા. વ્હોટસ ઍપ અને એફબીનો જમાનો છે. શક્ય છે પપ્પા ઓનલાઇન હોય. સંભવ છે કામ પર હોય. બનવાજોગ છે કે એ ઘરે હોય કે હયાત જ ના હોય. મા એ મા, બીજા બધાં તો વગડાના વા જેવી સિદ્ધ થયેલી ઉક્તિ ગર્ભમાંથી ગ્રહણ કરીને પ્રગટેલા એવા આપણે પપ્પાને જોઈ, જાણી અને એમના જનીન પર અસવાર થઈને હણહણતા હોવા છતાં પપ્પાનો અનન્ય ખિતાબ ધરાવતાં મનુષ્યને કે તેના વ્યક્તિત્વને સમજવા માટે બહારી મદદ લેવાના દિવસો ચાલે છે. પુરુષપ્રધાન વ્યવસ્થા ને પિતૃસત્તાક સમાજ છે તથા જીવન અર્થપ્રધાન છે એટલે પપ્પા નામનું તત્ત્વ કહો કે પરિબળ, પૈસા બાદ કરી કાઢો તો પ્રણય ને પરવરિશથી લચલચતું હોવા છતાં પ્રેક્ટિકલી સ્પીકિંગ પરમ નથી ગણવામાં આવતું. ફાધર્સ ડે ને હોલિ ફાધરનો મામલો અલગ છે. ના, આપણા સંસ્કાર કે સંસ્કૃતિમાં એવી કોઈ ખોટ નથી જેની અસર હેઠળ આપણે કૃષ્ણ, રામ કે ગણેશ યા હનુમાનજી પાછળ ઉપસર્ગ તરીકે પિતાજી નથી લગાડતા. શંકર પિતા ચોપડે ચઢ્યા છે, પરંતુ જીભ પર કવચિત ચઢે છે.

લેતી વખતે લોન આપનારની કલ્પના માત્ર લાળ ટપકાવે. લોન આપનાર સાથે સંપર્ક સ્થાપિત થાય એટલે મોંમાં પાણી ધસમસવા લાગે. લોન મળ્યા પછી હપ્તો ભરવાનો છે એ કાર્ય ચાવવા, વાગોળવા ને ડકારવા માટેનું થઈ જાય. ખરેખર તો લોન વપરાયા પછી ભરવાની તાકાત હોય તો બેંકમાં પોતાના ખાતામાંથી પૈસા લોન આપનારના ખાતામાં જાય છે એ ફક્ત યાદ કરવાનું. પપ્પા એક એવો ખોરાક છે જે પોષણ તથા થોડો ઘણો પ્રાણ આપે. પપ્પા નામનું ભોજન એવું સ્વાદિષ્ટ ના હોય કે જે દાઢે વળગેલું રહે, જેનું બંધાણ થાય. જી, સામાન્ય ને સરેરાશ વાત છે. મમ્મીની સરખામણીમાં.

ભારત ભૂમિને વંશમાં મળેલા વારસામાં પિતા ટાઇટલ ધરાવતાં પાત્રો ઓછાં નથી. એવા પિતાની કથાઓ માપમાં કરી દેવાયેલી હોય તેથી તે પિતા નામના મનુષ્ય કે વ્યક્તિત્વનો વ્યાપ માપમાં નથી થઈ જતો. ભારતીય પિતાઓની વાત આવે એટલે સ્વાભાવિક સ્મરણ દશરથનું થાય. રામાયણના પ્રારંભિક ભાગમાં અયોધ્યાના રાજા દશરથની વ્યથા રામ, લક્ષ્મણ અને સીતાની વ્યથા સામે ખાસ્સી સાધારણ બની જાય છે. સંસ્કૃતમાં પિતા માટે એક શબ્દ છે કારણ. દશરથની વ્યથા પાછળ શ્રવણ હત્યા સિવાયનાં કારણો છે. રામાયણ અંતિમ ચરણમાં પહોંચે છે ત્યારે રામ પોતે પિતા બને છે, જે પુત્રોથી અલગ રહે છે. લવ અને કુશને વાલ્મીકિ ગુરુ શક્ય એટલા તૈયાર કરે છે. વધુ વાર્તા કે ચર્ચા કર્યા વિના એક લીટીમાં સાર કાઢીએ તો રામાયણના એ બંને પિતા આપણને પરફેક્ટ પિતાનો આદર્શ પૂરો પાડવામાં નિષ્ફળ નીવડે છે.

મહાભારતમાં રાજા યયાતિની વાત છે. તેમના શ્વસુર શુક્રાચાર્ય જ્યારે જમાઈના બીજા ગુપ્ત લગ્નની વાત જાણે છે ત્યારે તે શ્રાપ આપે છે કે યયાતિ નાની ઉંમરે વૃદ્ધત્વ પામે. યયાતિ દયા દાખવવા કગરે છે. અંતે પુત્ર પુરુ પોતાની યુવાની પિતાને આપી વૃદ્ધત્વ પામે છે. યુવાનીનો પૂરો આનંદ લૂંટ્યા પછી પિતા પ્રત્યક્ષ ઉપદેશ આપે છે કે ભોગ-વિલાસની તરસ કહો કે ભૂખ ક્યારેય મરતી નથી, એ અનંત છે અને પરોક્ષ ઉપદેશ? પુત્ર પાસે પિતા ગમે તે માગી શકે છે અને પુત્રની ફરજ છે કે પિતાની કોઈ પણ ઇચ્છા પૂરી કરવી. શિવજીએ તો પુત્ર ગણેશનું માથું જાતે લઈ લીધેલું. જમદગ્નિ ઋષિએ પુત્ર પરશુરામને આજ્ઞા કરેલી કે માતા રેણુકાદેવી અને ભાઈઓને મૃત્યુ અર્પણ કરો. ક્ષત્રિયોનો નાશ કરવાનું કાર્ય પણ પરશુરામે પિતાના કહ્યે જ કરેલું. કહે છે કે કૃષ્ણને આઠ પટરાણી થકી એંશી પુત્ર હતા. જેમાં શામ્બ સૌથી તોફાની છોકરો. પિતા કૃષ્ણ પોતાના એ છોકરાને જ રોગિષ્ઠ થવાનો શ્રાપ આપે છે.

મહારાજ શાન્તનુને નિષાદરાજની પુત્રી સાથે લગ્ન કરવા હોય છે. અંતે પિતાની મંછા પુત્ર દેવવ્રતને આજીવન કુંવારો રાખે છે અને આગળ જતાં એકથી વધુ સમસ્યાઓ સર્જાતી જાય છે. પ્રહલાદના પિતા હિરણ્યકશિપુનું પિતૃત્વ કોણ નથી જાણતું? પ્રહલાદના પિતા ઉત્તાનપાદે પણ કોઈ કમ નેગેટિવ રોલ નહોતો કર્યો. એવી જ એક જાણીતી કથા છે વિશ્વામિત્ર અને મેનકાની કથા. એ દંપતીની પુત્રી પોતાના સગા કે કાયદેસરના પિતા વિના મોટી થાય છે. કણ્વ ઋષિ શકુંતલાના પાલક પિતા બને છે. અલબત્ત, શકુંતલા દુષ્યંત રાજાના પ્રેમમાં પડે છે એ કથા પણ એવો જ વળાંક લઈને આવે છે. ભરતનો જન્મ પોતાના પિતાની ગેરહાજરીમાં થાય છે, કારણ ગર્ભવતી માતાને પિતા ઓળખી પણ નથી શકતા. જી, એ જ ભરત રાજા જેના નામ સાથે આ દેશના નામનો સંબંધ છે. હા, એક સ્ટેજે કુમાર પુત્ર ભરત અને પાકટ પિતા દુષ્યંતનો મેળાપ થાય છે ખરો. અર્જુન અને ઉલુપીનો પુત્ર તેમ જ કિન્નરોના ભગવાન ઇરાવન પણ પિતાનો પ્રેમ કે વારસો પામી નથી શકતો. ઉપરથી તેમણે પિતાના હિત કાજે પોતાના જીવનનું બલિદાન આપવું પડે છે. તેવું જ ભીમ અને હિડિંબાના પુત્ર ઘટોત્કચનું થાય છે.

કઠણ, કર્કશ કે કરપીણ હૃદયના પપ્પાઓ આપણી પાસે ઢગલો છે. બેશક સારા પપ્પાઓ ભારતના ઇતિહાસમાં ઓછા નહીં હોય. આદર્શ પિતા સ્ક્રિપ્ચર્સ ને માય્થોલોજીમાં હશે જ, છે જ, પરંતુ ઓવરઓલ એવું આંખમાં ઊડીને મગજમાં વળગે છે કે પિતા એટલે એરર, મિસ્ટેક ને ફોલ્ટથી ભરેલું મર્યાદિત વ્યક્તિત્વ. શિક્ષણ કહો યા સંસ્કાર વા ઉપદેશ એવું હૈયું તોડે કે મનમાં ગાંઠ વાગી જાય કે પાપ ને ગુનો અથવા ચોખું સમજો તો અમાનવતામાં પૂરાયેલો માનવી એટલે પિતા. નિઃસંદેહ, હિન્દુ ધર્મનું બાંધકામ કરનારા પુરુષો એવં પિતાઓએ સાચો પિતા કોને કહેવાય તે અંગે અમુક નિયમો આપેલા. એમણે જાહેર કરેલું કે પિતાની પ્રાથમિક ને પાયાની ફરજ છે પોતાના કુટુંબની જરૃરિયાત, ઇચ્છા ને કામવાસના કે આકાંક્ષા પૂર્ણ કરવી. રોટી, કપડાં, મકાન, શિક્ષણ વગેરે બધું આવી ગયું. રક્ષણ કરવું. સંતાનોના ગુરુ તરીકે કામ કરવું. તેમની સાથે મિત્ર તરીકે સંબંધ રાખવા. જીવન અંગે માર્ગદર્શન કરવું. સદ્ગુણ, શિસ્ત ને સ્વાસ્થ્યથી સંતાનનું જીવન સંપૂર્ણ કરવું. પ્રશ્ન એ છે કે પિતાએ શું કરવાનું બાકી નથી રહેતું? ના, એવો કોઈ ઉલ્લેખ નથી કે પિતાએ રસોઈ ને કપડાં-વાસણ જેવા ઘરના કામકાજ કરવા. 

જનક, જન્ય, જન્મદ, જનિત્વ ને જનયિતૃ એટલે પિતા. તાત, બીજિન, આવુક, વપિલ, ક્ષાન્તુ. કિન્તુ, પિતાના રસપ્રદ સંસ્કૃત સમાનાર્થી છે- શરીરપ્રભવશરીરક્રતૃ ને દેહકર. પપ્પા કેવો હોવો જોઈએ એ માટે શક્ય એટલી તમામ કલ્પના વાપરીને નિયમો બનાવવામાં આવ્યા. છતાં પિતાના રોલમાં અસુર, દાનવ કે દુર્જન પ્રકારના જીવો પિરસવામાં આવ્યા. સમાજ, અર્થશાસ્ત્ર ને મનોરંજન નામના ત્રણ પરિબળ ભેગાં થઈને એક પુરુષ વા પિતાને બેઉ બાજુથી કચકચાવીને નિચોવે છે. સદીઓ વીતતી ગઈ, ઉત્ક્રાંતિ આગળ વધતી ગઈ. પરિણામ? નજર સામે છે. પૂર્ણ કે પરફેક્ટ સ્ત્રી, વ્યક્તિ અથવા મનુષ્ય જેવું કશું હોતું નથી. તો શા માટે પપ્પાને આદર્શ પપ્પા બનવાનું પ્રેશર કરવાનું? એવા આદર્શ પપ્પા હજારો મનુષ્યો ને વ્યક્તિઓ વચ્ચે બનવું પડે છે. આદર્શ માતા ફક્ત સંતાનની હાજરીમાં ઘરે બેઠાં પણ બની શકાય છે. ના રે, મમ્મી સામે આપણી કોઈ લડાઈ હોવાનો સવાલ જ નથી.

વ્યવહાર હોય કે ચલણમાં ફરતી શાસ્ત્રોક્ત વાતો, માતૃ તત્ત્વ સૌની જાણમાં છે જ્યારે પિતૃ તત્ત્વ જાણે કવિની કલ્પના છે. એક પિતામાં માતૃ તત્ત્વ સહજ સંભવ છે, પણ પિતૃ તત્ત્વ ક્યાં છે? મેલ ને ફિમેલના સંયોગથી સર્જાયેલું મનુષ્ય શરીર શિવ ને શક્તિ બંનેનું કોમ્બિનેશન છે. કેમ અર્ધનરેશ્વર સ્વરૃપ પ્રકાશમાં નથી આવ્યું? એકથી વધુ સબળ ઉત્તર હશે એમાં કોઈ શક નથી. કિન્તુ, સામાન્ય સંજોગોમાં માતામાં પિતૃ તત્ત્વ પ્રગટ થવું એ અસામાન્ય બાબત જણાય છે. વેલ, શિવ કહો કે પ્રોટોન એ સ્વભાવે સ્થિર હોય એ સમજી શકાય છે. કાઇનેટિક પ્રકૃતિ એ શક્તિનો સ્પષ્ટ અધિકાર છે. ઇલેક્ટ્રોન તો ઘૂમતા ભલા. માતાની લાગણી ઘૂઘવતા મહાસાગર જેવી ચેતનવંતી હોય છે. તો પિતાની લાગણી કૂવાના કે બંદરગાહના જળ સમાન ઊંડી હોય. હા, શાંત પાણી ઊંડા હોય. પિતા તત્ત્વની પરિસ્થિતિ તો એવી છે કે સંસ્કૃતમાં અલ્લા એટલે માતા છે ને અબ્બા એટલે પણ માતા છે.

ના, એવી કોઈ વાત નથી કે કોણ મોટું ને કોણ નાનું કે પછી આ ભાષામાં આવું ને તે ભાષામાં તેવું. ભાવાર્થનું કહેવાનું સીધું છે કે માતા ને પિતા બંનેનું પોતપોતાનું આગવું સ્થાન છે એ સાચું, પણ એય એટલું જ સાચું કે દ્રશ્ય જ્યારે અંતરનું હોય ત્યારે આંખ ભલે પિતા પર ફરે, મહદ્ અંશે દ્રષ્ટિમાં માતા જ આવી જાય છે. કોઈ પણ સ્ત્રીને માતા ગણવાનું કહેવામાં આવ્યું છે, કોઈ પણ પુરુષને પિતા ગણવાનું વિચારી શકાય તેમ પણ નથી. હકીકત તો એ છે કે પિતા લગભગ બ્રહ્મની જેમ એકો ના દ્વિતીયમ છે. પિતા એ કોઈ સામાજિક સંદર્ભનો પુરુષ નથી. પિતા તત્ત્વ નરસિંહે કીધેલું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૃપે અનંત ભાસે. માતા તત્ત્વ ચંડીપાઠમાં કીધું છે તેમ ક્ષાંતિ રૃપેણ સંસ્થિતા કે શાંતિ રૃપેણ સંસ્થિતા કે અન્ય વિવિધ રૃપમાં સંસ્થિત છે. બ્રહ્મ તો નાન્યતર છે. નિરાકાર છે. પિતા તો એવો આકાર છે જેના એક કે વધુ રૃપ છે, જેમાં એક કે વધુ માતા છે.

બુઝારો  – પ્રત્યેક વ્યક્તિ પોતાના આગવા દ્રષ્ટિબિન્દુથી અન્ય કોઈ પણ વ્યક્તિને જોવા બંધાયેલો છે. એ જ રીતે મોટા ભાગના મનુષ્યો જાણે કે અજાણે પોતાના મનને પૂરે પૂરું વાપરીને પણ અંતે ઈશ્વર, ગોડ કે અલ્લાહ અંગે અપૂર્ણ અથવા મર્યાદિત ચિંતન વા દર્શન વિકસાવી શકે છે, કારણ કે મનુષ્યની દર્શન-શક્તિની પહોંચ પોતાના વ્યક્તિત્વની સરહદ સુધીની છે અને એટલે જ કોઈ પણ વ્યક્તિ કે મનુષ્ય અન્ય વ્યક્તિ કે મનુષ્યનાં પૂર્ણ દર્શન કરે છે, પણ તેને પૂર્ણ રીતે સમજી નથી શકતો.
————-

ચર્નિંગ ઘાટ. ગૌરાંગ અમીન
Comments (0)
Add Comment