વિદ્યાર્થી વિઝાનું મૃગજળ

ગેરકાયદેસર પ્રવાસીઓને પકડવા આ કારસ્તાન રચવામાં આવ્યું
  • મંથન

ઓબામા શાસનકાળમાં અમેરિકાના મિશિગન શહેરમાં ૨૦૧૫માં યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન નામની નકલી યુનિવર્સિટી સ્થાપવામાં આવી હતી. ગેરકાયદેસર પ્રવાસીઓને પકડવા આ કારસ્તાન રચવામાં આવ્યું હતું. ખુદ અમેરિકાની હોમલેન્ડ સિક્યૉરિટી એજન્સી એચએસઆઈના અધિકારીઓ આ નકલી યુનિવર્સિટી ખોલવામાં સંકળાયેલા હતા. હવે યુનિવર્સિટી વિઝા ગોટાળામાં ૧૨૯ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર સજાની તલવાર લટકી રહી છે. આપણે જ્યારે સુપરપાવર ભારત નિર્માણની કોશિશમાં લાગ્યા છીએ ત્યારે ફાર્મિંગ્ટન યુનિવર્સિટી જેવા પ્રકરણ આપણી શાખને નુકસાન પહોંચાડે છે.

નકલી કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ઍડ્મિશન લઈને નકલી ડિગ્રીનો તોડ કરવાનો વૈશ્વિક કારોબાર ચાલે છે. ફૂડ ઇન્ડસ્ટ્રીની જેમ આ કારોબાર પણ પ્રતિવર્ષ ફાલીફૂલી રહ્યો છે. એચએસઆઈના અધિકારીઓ પોતાની ઓળખ યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટનના પદાધિકારી તરીકે આપતા હતા. આ યુનિવર્સિટી નામ માત્રની હોવાથી તેમાં ફેકલ્ટીનું હોવું અને વર્ગખંડોના સંચાલનની વ્યવસ્થા નહોતી. અધિકારીઓ આ યુનિવર્સિટીના નામને એક સ્ટિંગ ઑપરેશન તરીકે ચલાવી રહ્યા હતા.

અહીં વિદેશી વિદ્યાર્થીઓ તગડી ફી ભરીને ઍડ્મિશન લેતા હતા, જેથી એફ-૧ વિઝા મેળવી શકાય. એફ-૧ વિઝા મળતા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં વર્ક પરમિટ મળી જાય છે એ કોઈ ગુજરાતીને કહેવાની જરૃર નથી. કહેવાય છે કે સેંકડો વિદેશી વિદ્યાર્થીઓએ એફ-૧ વિઝા મેળવી લેવાની અને નોકરી કરીને સારા પૈસા રળવાની ઉમેદમાં આ યુનિવર્સિટીમાં તગડી ફી ભરી હતી. જોકે પકડાયેલા ૧૨૯ ભારતીયોમાંથી મોટા ભાગના આંધ્રપ્રદેશ અને તેલંગાણાના તેલુગુભાષી યુવાનો છે. આમ તો ભારતીયોમાં વિદેશમાં સ્થાયી થવાનું વલણ જૂનું છે, પરંતુ આંધ્ર-તેલંગાણામાં આ પ્રવૃત્તિ મહામારીની જેમ ફેલાઈ રહી છે.

હૈદરાબાદ અને આસપાસનાં શહેરોમાં મોટી ફી લઈને અમેરિકન સ્ટુડન્ટ વિઝા અપાવવાનો દાવો કરતા આવા એજન્ટ કે દલાલોના પાટિયા ગલીએ-ગલીએ જોવા મળે છે. આ દલાલોએ જ ૧૨૯ વિદ્યાર્થીઓને નકલી ઍડ્મિશનની જાળમાં ફસાવ્યા છે. અમેરિકા જવાની ધૂન એટલી સવાર છે કે હૈદરાબાદમાં બાકાયદા એક વિઝા હનુમાનનું મંદિર છે, જ્યાં ભક્ત વિઝાની મનોકામના પુરી કરવા માટે પૂજા કરે છે.

ભારતીય શિક્ષણવિદ્દો અને બુદ્ધિજીવિઓમાં એ વાતને લઈને રોષ છે કે અમેરિકી સરકાર પોતે નકલી યુનિવર્સિટી ચલાવી રહી છે, માસૂમ વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી ખંખેરીને ઍડ્મિશન આપે છે, શું એને લઈને અમેરિકન સરકારની કોઈ જવાબદારી નથી બનતી? યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટનની વેબસાઇટ પણ છે. એક નકલી યુનિવર્સિટીને કાનૂની માન્યતા દેવાવાળા અમેરિકન અધિકારી એ માટે દોષી નહીં ગણાય? એવું કહેવાઈ રહ્યું છે કે અમેરિકામાં સરકારી કે ખાનગી યુનિવર્સિટી ખોલવા માટે ભારતની જેમ સંસદ કે વિધાનસભામાં કોઈ કાનૂન બનાવવાની જરૃર નથી. અમેરિકાના ઘણા રાજ્યોમાં યુનિવર્સિટી ખોલવા માટે કેટલાક કાગળોની આપૂર્તિ કરીને લાઇસન્સ ફી ભરી દેવામાં આવે છે. ત્યાં દરેક યુનિવર્સિટીની શાખ સરકારી લાઇસન્સના આધારે નહીં, પણ એક્રેડિટેશન અને રેન્કિંગ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. જાગરુક અમેરિકન નાગરિક આ નકલી યુનિવર્સિટીના સકંજામાં સરળતાથી ફસાતો નથી, પરંતુ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના લાખો નિર્દોષ વિદ્યાર્થીઓ તેના શિકાર બની જાય છે.

આવી અનેક ઘટનાઓ બની છે. ૨૦૧૧માં કેલિફોર્નિયાની ટ્રાઇ વેલી યુનિવર્સિટીમાં પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા હતા. તેમના પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા અને તેમના પગમાં એંકલ મોનિટર લગાવી દેવાયા હતા.

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકામાં ઍડ્મિશન લેવાની મરણતોલ કોશિશ કરે છે. એમાંથી દોઢ-બે લાખ જેટલાને જ સારી યુનિવર્સિટી કે કૉલેજોમાં ઍડ્મિશન મળે છે. અમેરિકામાં ઍડ્મિશન ઇચ્છુકોનો એક મોટો વર્ગ શોર્ટકટથી સ્ટુડન્ટ વિઝા મેળવી લેવા માગે છે. મોટા ભાગે આવા વિદ્યાર્થીઓ જ દલાલોની જાળમાં ફસાય છે. 

ભારતીય વિદ્યાર્થીઓના યેનકેન પ્રકારે અમેરિકન ડિગ્રી મેળવવાના કે સ્ટુડન્ટ વિઝા મેળવવાના મૃગજળ પાછળ ભાગવા પાછળનાં કેટલાંક કારણો છે. પહેલું કારણ, સમાજમાં વધી રહેલી નકારાત્મક વિચારધારા અર્થાત્ કે ગમે તેમ કરીને સમૃદ્ધ થઈ જવાની ઘેલછા. એમાં ડિગ્રી મેળવવી અને નોકરી મેળવવી પણ સમાહિત છે. એનો સીધો સંબંધ સમાજમાં વધી રહેલી મૂલ્યહીનતા સાથે છે. બીજું કારણ, ઍડ્મિશન માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં વધી રહેલી ગરબડ યુવાનોને હતાશ કરે છે. ત્રીજું કારણ, ત્રણ દશકના ઉદારીકરણ દરમિયાન તીવ્ર આર્થિક વિકાસ છતાં અપેક્ષિત રોજગારીનું સર્જન ન થવું. ચોથંુ કારણ, આપણી શિક્ષણ પદ્ધતિનો વિરોધાભાસ, જેના ફળસ્વરૃપ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ બધા માટે ઉપલબ્ધ નથી. ખાનગી અને સરકારી બંને ક્ષેત્રે માંડ ૨૦ ટકા જેટલી સંસ્થાઓની ગુણવત્તા પ્રામાણિક છે અને વિદ્યાર્થીઓને તેમના ભાવિ જીવન માટે સમર્થ બનાવે છે. બાકીની ૮૦ ટકા સંસ્થા સામાન્ય કે ખરાબ ગુણવત્તાનું શિક્ષણ આપી રહી છે.

આપણે ફાર્મિંગ્ટન અને ટ્રાઇ વેલી જેવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે આપણે એવી નીતિઓ અપનાવવી પડશે કે જેનાથી રોજગારી ઝડપથી વધે અને શિક્ષણની ગુણવત્તા દરેક સ્તરે મજબૂત થાય. દેશમાં જ સારું શિક્ષણ મળે તો વિદેશમાં જઈને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવા કોણ રાજી થાય. ભવિષ્યમાં એવા દેશો જ જીતશે, જેમની પાસે સારી પ્રતિભાઓ હશે, આ માટે પણ યુવા પ્રતિભાઓનું પલાયન આપણે રોકવું પડશે.
——————-

હિંમત કાતરિયા
Comments (0)
Add Comment