- સન્માન – દેવેન્દ્ર જાની
આઝાદી પહેલાં જ્યારે ગાજર એ પશુ-આહાર મનાતો હતો ત્યારે પહેલીવાર નવાબીકાળમાં બજારમાં જઈને ગાજરને શાકભાજી તરીકે વેચનાર જૂનાગઢના ખામધ્રોળમાં રહેતા વલ્લભભાઈ મારવાણિયાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. કૃષિના ઋષિ તરીકે ઓળખાતા સોરઠના આ પહેલા એવા ખેડૂત છે કે જેમને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો હોય.
વાત છે ૭૭ વર્ષ પહેલાંની. એ સમયે ગાજર એ પશુઓનો મુખ્ય આહાર હતો ત્યારે ૧૯ વર્ષનો એક ખેડૂતનો દીકરો ગાજરનું પોટલંુ બાંધીને જૂનાગઢમાં નવાબીકાળમાં બજારમાં વેચવા નીકળ્યો હતો. દીકરાને એ વખતે તેના પિતાએ રોક્યો હતો કે આ ગાજર કોઈ નહીં લે, પણ દીકરો માન્યો નહીં અને બજારમાં જઈને ઊભો રહ્યો. કલાકો સુધી ઊભા રહ્યા બાદ તેના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે પોટલું ભરેલા આ ગાજરના રૃ.૧ર ઊપજ્યા હતા. દીકરો તો ખુશ થઈને ઘરે આવ્યો અને વાત કરી તો પિતાને પણ નવાઈ લાગી હતી. બસ, આ ઘડીએ જ એ દીકરાને ગાજરની ખેતી કરવા પ્રેરણા આપી. સામા પૂરે તરી લોકોને સમજાવ્યું કે ગાજર એ માત્ર પશુ-આહાર નથી તે શાકભાજીની એક જાત છે. દાયકાઓ સુધી સંઘર્ષ કરીને ગાજરની ઉત્તમ જાત વિકસાવીને દેશ- વિદેશમાં પોતાનંુ નામ ગુંજતું કર્યું. આ નામ એટલે વલ્લભભાઈ મારવાણિયા. આજે તેમની ઉંમર ૯૬ વર્ષની થઈ છે. ગૌરવની વાત એ છે કે ગાજરની આ ખેતીએ ભારત સરકારનો શ્રેષ્ઠ સન્માન રૃપ એવો પદ્મશ્રી ઍવૉર્ડ તેમને અપાયો છે.
આયખાની એક સદી પૂરી કરવામાં હવે એક ચોક્કો જ બાકી છે તેવા વલ્લભભાઈ આજે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. સાઇકલ લઈને વાડીએ જાય છે. જૂનાગઢ નજીક જ આવેલા ખામધ્રોળ ગામમાં તેઓ પરિવાર સાથે રહે છે. સામાન્ય ખેડૂત પરિવાર હોવા છતાં તેઓ સતત ખેતીમાં પ્રયોગ કરવામાં માને છે. ૧૯૪૩માં તેમણે ગાજરની ખેતી શરૃ કરી હતી. એ પહેલાં તેમના પિતા ખેતરમાં જુવાર વાવતા હતા. ગાજર શાકભાજીની એક જાત છે અને તે આરોગ્ય માટે ઉત્તમ છે તેવું સમજાવવામાં તેઓ સફળ રહ્યા હતા. નવાબના લંગર લાગતા તેમાં વલ્લભભાઈની વાડીના ગાજરનો ઉપયોગ કરાતો હતો. દેશના ભાગલા સમયે જૂનાગઢના નવાબ પાકિસ્તાન જતા રહ્યા ત્યારે તેમની પાસે ગાજરના હિસાબના રૃ.૪૩ લેણા નીકળતા હતા. નવાબના મુનીમે આ રકમ ચૂકવી નથી. હજુ પણ લેણા નીકળે છે. આમ નવાબ પાસે વલ્લભભાઈના પૈસા આજે પણ લેણા નીકળે છે.
વાત કરીએ તેમની ગાજરની ખેતીની તો નાનપણથી જ વલ્લભભાઈ ગાજરની ખેતીમાં અવનવા પ્રયોગો કરવામાં માનતા હતા. તેઓ માત્ર પાંચ ચોપડી જ ભણ્યા હતા, પણ કોઠાસૂઝ ધરાવતા હતા. વર્ષો સુધી મહેનત કર્યા બાદ બે થી અઢી ફૂટના ગાજર ઉગાડ્યા હતા. મધુવન નામે એક જાત વિકસાવી હતી જે વીઘે ૪૦૦ મણનો ઉતારો આપે છે.
આ ગાજરમાં આયર્નની માત્રા ર૭૬ મિલીગ્રામની જોવા મળે છે. આ બીજ આજે પણ દેશ – વિદેશમાં વિખ્યાત છે. ખેતીના ભાયુ ભાગ પડતાં વલ્લભભાઈના ભાગે આવતી જમીન ઘટી આમ છતાં તેઓ પ્રયોગ કરતા રહ્યા હતા. તેમના પુત્ર અરવિંદભાઈ ‘અભિયાન‘ને કહે છે, ‘આજે અમારી ત્રીજી પેઢી હાલ ગાજરની ખેતી કરે છે. મારા પિતાને પદ્મશ્રી ઍવૉર્ડ મળ્યો તે અમારા માટે સૌથી મોટી ખુશી છે. અમે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે ભારત સરકારનો આવો સન્માનનીય ઍવૉર્ડ મળશે. અમને તો તા.રપમી જાન્યુઆરીએ રાતે ૮ વાગ્યે દિલ્હીથી ફોન આવ્યો ત્યારે જ ખબર પડી હતી. મારી પર જ ફોન આવ્યો હતો કે તમારા પિતાશ્રીને પદ્મશ્રી ઍવૉર્ડ મળી રહ્યો છે.‘
અરવિંદભાઈ કહે છે, ‘હું પણ માત્ર ૯ ધોરણ ભણ્યો છું અને ખેતીકામ કરું છું. ગાજરની ખેતી અને તેના બિયારણ – પેકિંગમાં આખો પરિવાર કામ કરે છે. પદ્મશ્રી ઍવૉર્ડ પિતાજીને મળશે તેવો કોઈ અંદાજ અમને ન હતો. હા, થોડા સમય પહેલાં કલેક્ટર કચેરીએથી સાહેબો આવ્યા હતા અને અમારો પાક જોયો અને પૂછપરછ કરી હતી, પણ તેઓ શું કામ આવ્યા હતા તેનો અમને ખ્યાલ ન હતો. કૃષિ વિભાગના અધિકારીઓ આવતા હોય છે એટલે અમને એવંુ હતંુ કે કૃષિ વિભાગને લગતા કોઈ કામ માટે આવ્યા હશે. કૃષિમાં ઇનોવેશન બદલ અગાઉ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળી ચૂક્યું છે. અમારી પાસે દસેક વીઘા જમીન છે વધારે નથી, પણ અમે કૃષિમાં સતત પ્રયોગ કરતા રહીએ તેવો વારસો મળ્યો છે.‘
————-